ઠાકુર (પ્રતાપચંદ્ર મઝુમદાર ને) : ‘તમે ભણેલા અને બુદ્ધિશાળી છો તેમજ ઊંડા વિચારક પણ છો. કેશવ અને તમે, ગૌર અને નિતાઈની માફક, બે ભાઈઓ જેવા હતા. પ્રવચનો, વિવાહો, ખટરાગો – સંસારની બધી બાબતો ઘણી થઈ. હજી તમને એ બધાની પડી છે? તમારા વેરિવખેર મનને એકત્ર કરી હવે તેને ઈશ્વર બાજુ વાળવાનો સમય થઈ ગયો છે. ભગવાનના અમૃત-સાગરમાં હવે ઝંપલાવો.’
મઝમુદાર : ‘હા, મહાશય, મારે હવે તેમ જ કરવું જોઈએ તેમાં શંકા નથી. પણ કેશવનું નામ અને એમની કીર્તિ જાળવવા માટે જ હું આ બધું કરી રહ્યો છું.’
શ્રીરામકૃષ્ણ (હસીને) : ‘એક વાર્તા સાંભળો. એક માણસે એક ટેકરી ઉપર ઘર બાંધ્યું. એ હતું તો માટીનું ઝૂંપડું જ પણ, એણે એ બાંધ્યું હતું ખૂબ જહેમત ઉઠાવીને . થોડા સમય પછી ભયંકર આંધી આવી અને ઝૂંપડું ડોલવા લાગ્યું. ચિંતાતુર થઈને, ઝૂંપડી બચાવવા માટે એ વાયુ દેવને પ્રાર્થના કરવા લાગ્યો :
‘હે વાયુદેવતા, આ ઘરને તમે ઉડાડી ન નાખતા’ પણ વાયુ દેવતાએ એની પ્રાર્થના ન સાંભળી. ઘર કડડભૂસ થવાની તૈયારીમાં હતું. એટલે એણે એક યુક્તિ કરી હનુમાન વાયુ દેવતાના પુત્ર છે તે એને યાદ આવ્યું. ખૂબ આજીજીપૂર્વક એ બોલ્યો : ‘હે દેવ, આ ઘરને ધરાશાયી ન કરતા. એ હનુમાનનું છે. એનું રક્ષણ કરવા હું આપને આજીજી કરું છું.’ પણ તે છતાંય ઘર તો હાલકડોલક થવા લાગ્યું. એની પ્રાર્થના કોઈ સાંભળતું જણાયું નહીં. ‘અરે આ મકાન હનુમાનનું છે,’ એમ એણે અનેક વાર પ્રાર્થના કરી પણ પવનનું જોર ઘટ્યું નહીં. હનુમાન રામના પરમ સેવક છે રામના નાના ભાઈ લક્ષ્મણ છે, એ, પછી તેને યાદ આવ્યું, મરણિયો બની એ મોટેથી બૂમ પાડવા લાગ્યો. ‘અરે, આ ઘર લમણનું છે !’ પણ એથીયે બાજી સુધરી નહીં. આખરે, અંતિમ ઉપાય તરીકે એણે બૂમ મારી : ‘આ રામનું ઘર છે. હે પવન દેવ ! એને ન તોડી નાખો. હું આપને નમ્રતાપૂર્વક પ્રાર્થું છું.’ પણ એયે વૃથા ગયું અને ઘર હલબલી પડવા લાગ્યું એટલે પોતાની જાત બચાવવા, ઘરની બહાર ઘસતાં એ ગાળ દેતો બોલ્યો ‘ભલે એ પડે ! સાક્ષાત શેતાનનું જ આ ઘર છે !’
‘કેશવનું નામ રાખવા તમે ઇંતેજાર ભલે હો; તમારી જાતને દિલાસો દેવો કે, કેશવના નામ સાથે જોડાયેલું ધાર્મિક આંદોલન ચાલુ થયું તે ઈશ્વરની ઇચ્છાથી અને, એ આંદોલનનો મધ્યાહ્ન તપતો હતો તે પણ એની જ ઇચ્છાથી, એટલે, હવે અમૃતના સાગરમાં ડૂબકી મારો ’
Your Content Goes Here




