(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

ત્યાર બાદ યુધિષ્ઠિરે નારદને આગ્રહ કર્યો કે તેઓ એ બધાં જ સભાગૃહોનું વર્ણન કરે, જે સભાગૃહોને નારદે જુદા જુદા લોકમાં જોયાં હતાં. નારદે પોતે જોયેલ યમ, વરુણ, કુબેર, ઇન્દ્ર વગેરેનાં સભાગૃહોનું વર્ણન કર્યું. સૌથી પહેલાં તેમણે ઇન્દ્રની સભાનું વર્ણન કર્યું. સૂર્યવંશી મહારાજા હરિશ્ચંદ્ર ઇન્દ્રદેવની સાથે એક જ સિંહાસન પર બેસતા હતા. તેમણે એ પણ કહ્યું કે શાન્તનુ, પાંડુ વગેરે પૃથ્વીના અનેક રાજા સ્વર્ગલોકમાં નિવાસ કરે છે.

યુધિષ્ઠિરે ઉત્સુકતાપૂર્વક નારદજીને પૂછ્યું, ‘મહારાજ, તમે કહો છો કે મારા બધા જ પૂર્વજો સ્વર્ગમાં નિવાસ કરે છે, જ્યારે એકમાત્ર રાજા હરિશ્ચંદ્ર જ ઇન્દ્રદેવની સાથે સિંહાસન પર બેસે છે. તેમણે એવું કયું વિશેષ પુણ્ય કર્યું હતું કે જે બીજાઓએ નહોતું કર્યું?’

નારદે કહ્યું, ‘રાજા હરિશ્ચંદ્રને ઇન્દ્રનું એ સ્થાન એટલા માટે મળ્યું, કારણ કે તેમણે રાજસૂય યજ્ઞ સંપન્ન કર્યો હતો. યુધિષ્ઠિર, તમે એટલા શક્તિશાળી છો કે સમગ્ર સંસાર પર વિજય પ્રાપ્ત કરી શકો છો. તમારા ભાઈઓ પણ અજય યોદ્ધા છે. હું ઇચ્છું છું કે તમે તમારા પિતાની આ ઇચ્છાને પૂર્ણ કરો, જે તેમણે મારી સમક્ષ પ્રગટ કરી હતી. હું તમને એ વિષયમાં વાત કરવા માટે આવ્યો છું.’

યુધિષ્ઠિર બોલ્યા, ‘મહારાજ, કૃપા કરી અમને કહો કે અમારા પ્રિય પિતાજીની શું ઇચ્છા હતી? હું તેને પૂરી કરવા માટે ખૂબ જ આતુર છું.’

નારદજી બોલ્યા, ‘તેમની ઇચ્છા હતી કે તમે રાજસૂય યજ્ઞ સંપન્ન કરીને સમસ્ત રાજાઓ ઉપર પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરો.’

પોતાના પિતાની આ બંને ઇચ્છાઓ પૂરી કરવાના ઉદ્દેશ્યથી યુધિષ્ઠિરના હૃદયમાં યજ્ઞનું આયોજન કરવાની તીવ્ર ઇચ્છાનો ઉદય થયો. તેમણે પોતાના ભાઈઓ તથા અન્ય વરિષ્ઠ લોકોની સાથે આ વિષય પર ચર્ચા કરી. બધાએ તેમના આ વિચારને સમર્થન આપ્યું અને રાજસૂર્ય યજ્ઞના આયોજનમાં ઉત્સાહ બતાવ્યો.

પોતાના ભાઈઓ તથા અન્ય મંત્રીઓના સહયોગ દ્વારા તેમણે આ યજ્ઞને સંપન્ન કરવાનો સંકલ્પ કર્યો. આ માટે શ્રીકૃષ્ણના આશીર્વાદ લેવા તેઓએ તાત્કાલિક એક દૂતને મોકલ્યો. શ્રીકૃષ્ણ તેઓના મુખ્ય માર્ગદર્શક અને મિત્ર હતા. આ બાબતે અંતિમ નિર્ણય લેતા પહેલાં શ્રીકૃષ્ણ સાથે પરામર્શ કરવો આવશ્યક હતો.

યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણની સલાહ

શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવ્યા. યુધિષ્ઠિર અને અન્ય લોકોએ અત્યંત સન્માનપૂર્વક તેમનાં સ્વાગત-સત્કાર કર્યાં. શ્રીકૃષ્ણની ઉપસ્થિતિ માત્રથી પાંડવો ખુશખુશાલ થઈ ગયા. યુધિષ્ઠિરે સ્નેહપૂર્ણ ભક્તિ સાથે તેમની પૂજા કરી.

શ્રીકૃષ્ણ જ્યારે આરામથી બેઠા ત્યારે યુધિષ્ઠિર કહેવા લાગ્યા, ‘પ્રભુ, મારી રાજસૂય યજ્ઞ કરવાની ઇચ્છા છે. મારા મિત્રો અને સલાહકારોએ પણ આ યજ્ઞનું આયોજન કરવા માટે મને પ્રોત્સાહિત કર્યો છે. પરંતુ એમાં જે સમસ્યાઓ આવી શકે, તેની મિત્ર લોકોને કદાચ કલ્પના પણ નહીં આવી હોય અને સલાહકાર લોકો તો હંમેશાં હા-માં-હા કરતા રહે છે. હે કૃષ્ણ, તમે આ બંનેથી પર છો એટલા માટે હું સલાહ અને માર્ગદર્શન માટે આપને વિનંતી કરું છું.’

ભગવાન શ્રીકૃષ્ણે એક ક્ષણ વિચાર કર્યો અને બોલ્યા,

‘રાજસૂય યજ્ઞનું આયોજન કરવા માટે જે ગુણોની આવશ્યકતા હોય છે, તે બધા જ ગુણો તમારી અંદર વિદ્યમાન છે. પરંતુ એમાં એક જ બાધા આવવાની સંભાવના છે અને તે એ છે—મગધના રાજા જરાસંધ. તેમણે અનેક રાજાઓને પરાજિત કરીને તેમને પોતાને ત્યાં બંદી બનાવીને રાખ્યા છે. સમસ્ત ક્ષત્રિય રાજાઓ તેમની શક્તિથી હંમેશાં ભયભીત રહે છે. તેમના ક્રોધથી બચવા માટે તો અમારે લોકોએ પણ મથુરાથી ભાગીને દ્વારકામાં એક નવું નગર વસાવવું પડ્યું છે.’

યુધિષ્ઠિરે કહ્યું, ‘તમે બરાબર કહો છો, કદાચ તમે કે ભીમ કે અર્જુન પણ આ જરાસંધને મારવામાં સફળ નહીં થઈ શકો. એટલે ઉત્તમ તો એ લાગે છે કે આપણે રાજસૂય યજ્ઞનો વિચાર જ ત્યજી દઈએ.’

યુધિષ્ઠિરનો આ દૃષ્ટિકોણ ભીમને પસંદ ન આવ્યો. તે બોલ્યા, ‘મહત્ત્વાકાંક્ષાનો ગુણ રાજામાં હોવો આવશ્યક છે. વ્યક્તિને અગર પોતાને જ પોતાના બળમાં વિશ્વાસ ન હોય તો પછી તેમના બળવાન હોવાનો શું લાભ? મારું શારીરિક બળ, શ્રીકૃષ્ણની બુદ્ધિમત્તા અને અર્જુનની ધનુર્વિદ્યા દ્વારા સંસારમાં એવું કયું કાર્ય છે, જે પૂર્ણ ન કરી શકાય?’

શ્રીકૃષ્ણ પણ બોલ્યા, ‘જરાસંધ બધા રાજાઓ માટે આતંકનું કારણ બન્યા છે. તેમણે ૮૬ રાજાઓને બંદી બનાવી રાખ્યા છે. જ્યારે આ બંદીઓની સંખ્યા ૧૦૦ સુધી પહોંચશે, ત્યારે તે ભગવાન શિવ સમક્ષ તેમનું બલિદાન આપવાનું શરૂ કરી દેશે. જો કોઈ પણ તેમનાં આ કુકર્મને રોકી દેશે, તેને અવશ્ય યશ-કીર્તિ મળશે. અને તે સમગ્ર દુનિયાનો સમ્રાટ બની જશે.’

યુધિષ્ઠિરે કહ્યું, ‘મને હજુ પણ પૂર્ણ વિશ્વાસ નથી આવી રહ્યો કે આપણે આ કાર્યને પૂર્ણ કરી શકીશું. આવું જોખમ ઉઠાવવાની ભલા શું જરૂર છે? ભીમ તથા અર્જુન મારી બે આંખો છે, અને આપ મારી ચેતના છો. જો તમારામાંથી કોઈનેય કશું પણ થશે તો હું ભલા કેવી રીતે જીવતો રહી શકીશ?’

શ્રીકૃષ્ણ બોલ્યા, ‘મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે છે, પણ હંમેશાં એ જ ક્ષત્રિયને ધન્ય માનવામાં આવે છે, જે યુદ્ધના મેદાનમાં મૃત્યુને આલિંગન કરે છે. આપણે સહુ પણ સાથે મળીને તેમની વિરુદ્ધ યુદ્ધ કેમ ન કરીએ.’

(ક્રમશ:)

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.