(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

તેમના આગમનના સમાચાર સાંભળીને ભગવાન કૃષ્ણ પણ પ્રભાસ આવી પહોંચ્યા અને તેમને મળ્યા. નર અને નારાયણ, અર્જુન અને ઋષિઓના અવતાર શ્રીકૃષ્ણ આપસમાં ભેટ્યા અને એક-બીજાના કુશળ ખબર પૂછ્યા. કેટલાક દિવસો પ્રભાસમાં ગાળીને બંને દ્વારકાની નજીક આવેલ રૈવતક પર્વત તરફ આગળ વધ્યા. શ્રીકૃષ્ણે પહેલાં જ બંનેના આગમનના સમાચાર મોકલી દીધા હતા.

તેથી તે બંનેની સુવિધાપૂર્વક રહેવાની સુંદર વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. કેટલાક દિવસો ત્યાં વિતાવી બંને એકસાથે યાદવોની રાજધાની દ્વારકા ગયા. શ્રીકૃષ્ણે પહેલેથી જ બલરામને સંદેશો મોકલી દીધો હતો કે અર્જુનના ભવ્ય સ્વાગતની તૈયારી કરી લેવામાં આવે. આથી જ્યારે તે લોકો દ્વારકા પહોંચ્યા, ત્યારે ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષ અને બાળકો પહેલેથી જ પાંડવ-વીરનું પ્રેમપૂર્વક સ્વાગત કરવા માટે રસ્તાની બંને બાજુએ ઊભાં હતાં. અર્જુને કૃતજ્ઞતાપૂર્વક તે સહુનું અભિવાદન કર્યું. તે પછી તેમને શ્રીકૃષ્ણના મહેલ તરફ લઈ જવામાં આવ્યા, જેને યોગ્ય રીતે સજાવી અલૌકિક સુખ-સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. અર્જુને શ્રીકૃષ્ણના દિવ્ય સાંનિધ્યમાં ત્યાં અનેક દિવસો સુધી વસવાટ કર્યો.

સુભદ્રાનાં લગ્ન

કેટલાક દિવસો પછી રૈવતક પર્વત પર એક મોટો ઉત્સવ થવાનો હતો, જેમાં મુખ્ય અતિથિના રૂપે અર્જુનને સન્માનિત કરવામાં આવનાર હતા. બધા યાદવો આનંદ માણવા માટે તે પર્વત પર જઈ પહોંચ્યા. એ ભીડમાં અર્જુનને અનેક સખીઓથી ઘેરાયેલી શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાની એક ઝલક જોવાની તક મળી ગઈ. અર્જુનને પહેલી જ નજરે તેની સાથે પ્રેમ થઈ ગયો. શ્રીકૃષ્ણે અર્જુનના મનની વાત જાણી લીધી અને મલકાતાં કહ્યું, ‘તારો ચહેરો જોઈને એવું લાગે છે કે જાણે તું કોઈના પ્રેમનો શિકાર થઈ ગયો છે! હું સમજી ગયો છું કે તું મારી બહેન પ્રતિ આકર્ષિત થયો છે. મને કહે, જો તું સાચે જ એને પ્રેમ કરતો હોય તો એ વિષયમાં હું મારા પિતાજી સાથે ચર્ચા કરું.’

અર્જુને શરમાઈને કહ્યું, ‘તે એટલી સુંદર છે કે ભલા કોણ તેના પર મુગ્ધ ન થાય? જો તે મારી પત્ની બની શકે તો હું ખરેખર ધન્ય બની જઈશ. તમે જ કહો કે એ માટે હું શું કરું?’ શ્રીકૃષ્ણ બોલ્યા, ‘પ્રિય મિત્ર, ક્ષત્રિયો કાં તો સ્વયંવરમાં કોઈ કન્યાનું દિલ જીતી લે છે, અથવા પોતાની શક્તિ દ્વારા તેનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરી લે છે.’ અર્જુન શ્રીકૃષ્ણના મનની વાત સમજી ગયા કે તેમણે સુભદ્રાનું અપહરણ કરી લેવું જોઈએ. પરંતુ એ પહેલાં તેમણે યુધિષ્ઠિરની મંજૂરી લેવા માટે તેમને સંદેશો મોકલ્યો. યુધિષ્ઠિરે ખૂબ ખુશ થઈને એ પ્રસ્તાવ માટે પોતાની સંમતિ વ્યક્ત કરી.

અર્જુને શ્રીકૃષ્ણનો રથ માગ્યો અને યોગ્ય અવસરની પ્રતીક્ષા કરવા લાગ્યા. એક દિવસ સુભદ્રા જ્યારે રૈવતક પર્વત પર આવેલ મંદિરમાં પૂજા કરવા ગઈ હતી ત્યારે અર્જુન તે મંદિરની બાજુમાં જ તેની પ્રતીક્ષા કરતા હતા. તે જેવી પૂજા કરીને બહાર નીકળી, કે તરત જ તેમણે અપહરણ કરીને ઇન્દ્રપ્રસ્થ તરફ રથને હાંકી ગયા. તેના અંગરક્ષકો અને સેવકો-સેવિકાઓ બૂમો પાડવા લાગ્યા અને ગભરાઈને દ્વારકા તરફ દોડ્યા. આ સમાચાર સાંભળીને બલરામ ગુસ્સે થયા અને તેમણે અર્જુનને આ માટે દંડ આપવાનો નિશ્ચય કર્યો. એ વિષયમાં યથાશીઘ્ર કાર્યવાહી કરવા માટે એક સભા બોલાવવામાં આવી. બધા સભ્યોએ પોતાનો ક્રોધ વ્યક્ત કરી બલરામનું સમર્થન કર્યું. પરંતુ શ્રીકૃષ્ણ સભા દરમિયાન મૌન રહ્યા. બલરામે કહ્યું, ‘કૃષ્ણે કંઈ જ નથી કહ્યું. તેમના મનની વાત જાણ્યા વગર આપણે કારણ વિના ક્રોધમાં બૂમો પાડી રહ્યા છીએ. તેમણે પણ કહેવું જોઈએ કે તેમનો શું વિચાર છે.’ બલરામની વાત સાંભળીને બધાએ શ્રીકૃષ્ણ તરફ મોં ફેરવ્યું.

શ્રીકૃષ્ણ બોલ્યા, ‘અર્જુને આપણા પરિવારનું અપમાન નથી કર્યું, ઊલટાનું તેણે તો આપણું ગૌરવ વધાર્યું છે. આ સંબંધ બહુ યોગ્ય છે. તમે લોકો જાણો છો કે કન્યા દ્વારા સ્વયં પતિની પસંદગી હંમેશાં યોગ્ય નથી હોતી. તેના માટે આપણને અર્જુન કરતાં વધુ સારો કોઈ બીજો પતિ ન મળી શકે. માત્ર ભગવાન શંકર જ તેનાથી ઉત્કૃષ્ટ છે. આપણે જઈને તેમને પાછા લાવીશું અને પછી આપણે તેમનાં લગ્નની વ્યવસ્થા કરીશું.’

તેમની વાતો સાંભળીને બધા લોકો શાંત થઈ ગયા અને તેમના જ નિર્દેશાનુસાર બધું સંપન્ન થયું. અર્જુન પત્ની સુભદ્રાની સાથે એક વર્ષ સુધી દ્વારકામાં રહ્યા અને દેશત્યાગનો બાકીનો સમય પુષ્કરમાં વિતાવ્યો. આમ જ્યારે બાર વર્ષ પૂરાં થયાં ત્યારે તેઓ ઇન્દ્રપ્રસ્થ પાછા ફર્યાં. ઇન્દ્રપ્રસ્થમાં અન્ય રાણીઓએ સુભદ્રાનું આનંદ અને સન્માન સાથે સ્વાગત કર્યું. અર્જુનના પરત આવવાના સમાચાર સાંભળી શ્રીકૃષ્ણ અને બલરામ પણ અનેક ઉપહારો સાથે તે લોકોને મળવા ઇન્દ્રપ્રસ્થ આવ્યા. યોગ્ય સમયે સુભદ્રાએ અભિમન્યુ નામના એક એવા પુત્રને જન્મ આપ્યો, જેના હાથ લાંબા હતા, વક્ષ:સ્થળ પહોળું હતું અને આંખો વિશાળ હતી. આ ખુશીના પ્રસંગે યુધિષ્ઠિરે બ્રાહ્મણોને દસ હજાર ગાયો અને તે સાથે ઘણી બધી સુવર્ણ-મુદ્રાઓનું દાન કર્યું.

દ્રૌપદીને પણ એક-એક વર્ષના અંતરાળમાં પુત્રો થયા. યુધિષ્ઠિર થકી પ્રતિવિન્ધ્ય, ભીમથી સુતસોમ, અર્જુન દ્વારા શ્રુતકર્મા, નકુલથી શતાનીક અને સહદેવથી શ્રુતસેન ઉત્પન્ન થયા. આ બધા ખૂબ પ્રસિદ્ધ થયા અને તેમનો અંદરોઅંદર બહુ પ્રેમ હતો. ધૌમ્ય મુનિએ તે બધાનો ઉપનયન સંસ્કાર કર્યો અને તેઓ શાંતિથી નિવાસ કરવા લાગ્યા. તે બધા ભાઈઓ શાસ્ત્રો તેમજ અસ્ત્ર-શસ્ત્રના જ્ઞાનમાં પારંગત હતા. યુધિષ્ઠિર વિવેકપૂર્વક રાજ્યનું શાસન ચલાવતા રહ્યા. તેમના શાસનકાળમાં પોતાના ભાઈઓની મદદથી તેમણે અનેક રાજ્યો પર વિજય પ્રાપ્ત કર્યો અને ઇન્દ્રપ્રસ્થમાં સમાવી લીધાં. સર્વત્ર સુખ-શાંતિ પ્રસરી રહી હતી.

(ક્રમશ:)

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.