(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

અડધી રાતના સમયે તે પુનઃ સ્નાતક બ્રાહ્મણો પાસે આવ્યો. તેમનું ચાલ-ચલન જોઈને જરાસંધને શંકા જાગી. કારણ કે તેણે જોયું કે તેમની આંગળીઓ પર ધનુષ્યની દોરી ખેંચવાનું નિશાન અને તેમના હાવ- ભાવથી ક્ષત્રિયો જેવું અભિમાન વ્યક્ત થઈ રહ્યું હતું. જ્યારે જરાસંધે સીધું જ પૂછ્યું કે હકીકતમાં તે લોકો કોણ છે, એટલે શ્રીકૃષ્ણ પોતાનો વાસ્તવિક પરિચય જાહેર કરતાં પડકારના સ્વરે બોલ્યા, ‘તમે અમારા લોકોમાંથી કોઈને પણ તમારી સાથે યુદ્ધ કરવા માટે પસંદ કરી લો.’

જરાસંધે કહ્યું, ‘કૃષ્ણ, તું તો એક ગોવાળ માત્ર છો અને અર્જુન હજુ બાળક જેવો દેખાઈ રહ્યો છે. માત્ર ભીમ જ પોતાના બળ માટે પ્રસિદ્ધ છે એટલા માટે હું તો તેની સાથે જ યુદ્ધ કરીશ.’

ત્યારબાદ તે બંને મહાબલી કોઈપણ અસ્ત્ર-શસ્ત્ર વિના ભયંકર મલ્લ-યુદ્ધમાં જોડાઈ ગયા. ભીમ અને જરાસંધ બંને એટલા મહાન પહેલવાન હતા કે તેઓ વિશ્રામ, ભોજન કે જલપાન કર્યા વગર લાગ-લગાટ તેર દિવસ સુધી એકબીજા સાથે કુસ્તી લડતા રહ્યા. ૧૪મા દિવસે જરાસંધમાં થાકનાં લક્ષણ દેખાવા લાગ્યાં, એટલે કૃષ્ણે ભીમને તેને મારી નાખવા માટેનો સંકેત કર્યો. ભીમે તાત્કાલિક તેને ઉપાડ્યો અને સો ચક્કર લગાવ્યા પછી તેને ધરતી પર ફેંકી દીધો.

તેના પછી જઈને તેના એક ઘૂંટણને પોતાના પગથી દબાવી તેને ખેંચીને બે ટુકડા કરી દીધા. પરંતુ બધાએ વિસ્મયપૂર્વક જોયું કે તેના શરીરના બંને ટુકડા ફરીથી એકબીજા સાથે જોડાઈ ગયા. જરાસંધ ઊભો થઈ ગયો જાણે કે તેને કશું જ ન થયું હોય! તેણે ફરીથી ભીમને પડકાર ફેંક્યો. ભીમ તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે શ્રીકૃષ્ણની સામે જોયું.

શ્રીકૃષ્ણે એક તણખલું ઉપાડ્યું, તેને ચીરીને બે ટુકડા કર્યા અને બંને ઊલટી દિશાઓમાં ફેંકી દીધા. ભીમ તેનો ઇશારો સમજી ગયો. તેણે એક વાર ફરીથી જરાસંધના શરીરના બે ટુકડા કરી એ બંને ટુકડાઓને વિપરીત દિશાઓમાં ફેંકી દીધા, જેથી ફરીથી તે ટુકડાઓ પાસે આવીને જોડાઈ ન શકે. આમ જરાસંધ ભીમના હાથે માર્યો ગયો.

શ્રીકૃષ્ણે રાજાના મૃતદેહને મહેલના દ્વારની સામે જ રાખી દીધો. ત્યાર પછી તે લોકોએ બધા જ બંદી રાજાઓને મુક્ત કરી દીધા. મુક્ત થયેલા રાજાઓએ તે લોકો પ્રતિ હૃદયથી આભાર પ્રગટ કર્યો. રાજાઓએ મહારાજ યુધિષ્ઠિરના મહાન રાજસૂય યજ્ઞમાં સહાયતા કરવાનું વચન દીધું.

રાજસૂય યજ્ઞ

આ સફળ વિજયયાત્રા પરથી ત્રણેય પરત ફર્યા. યુધિષ્ઠિરે ખૂબ પ્રસન્નતાપૂર્વક શ્રીકૃષ્ણનો આદર-સત્કાર કર્યો અને ભીમ તથા અર્જુનને ભેટી પડ્યા. શ્રીકૃષ્ણ પાંડવો પાસેથી વિદાય લઈને દ્વારકા પરત ફર્યા. હવે અર્જુને યુદ્ધ-અભિયાન પર નીકળવા માટેની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું, ‘ભાઈ, મારી પાસે અનેક દુર્લભ અસ્ત્ર-શસ્ત્ર છે. આપણે તેનો ઉપયોગ કરીને આપણા રાજકોષ માટે ઘણું ધન એકત્ર કરી શકીએ તેમ છીએ, કારણ કે આ મહાન યજ્ઞમાં ખર્ચ કરવા માટે વિપુલ ધનની જરૂર પડશે. કૃપા કરી મને આ વિજયયાત્રા પર જવા માટેની અનુમતિ આપો.’

યુધિષ્ઠિર સહર્ષ સંમત થઈ ગયા અને અર્જુન વિરાટ સેના લઈને આ અભિયાન માટે નીકળી પડ્યા. ભીમ, નકુળ અને સહદેવ પણ આવી જ યોજનાઓ સાથે વિભિન્ન દિશાઓમાં ચાલી નીકળ્યા. ભીમે ભારતવર્ષનાં પૂર્વનાં રાજ્યો પર, સહદેવે દક્ષિણ દિશાનાં રાજ્યો પર, નકુલે પશ્ચિમ દિશાનાં રાજ્યો પર અને અર્જુને ઉત્તરનાં રાજ્યો ઉપર વિજય પ્રાપ્ત કર્યો.

અનેક રાજાઓ પાસેથી આવકના સ્વરૂપમાં પ્રાપ્ત થયેલી આ વિપુલ ધનરાશિથી યુધિષ્ઠિરનો ખજાનો અત્યંત સમૃદ્ધ થઈ ગયો. હવે યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કરવા માટે તૈયાર હતા. ભગવાન શ્રીકૃષ્ણ પણ પુષ્કળ ભેટ-સોગાદ વગેરે લઈને પોતાનાં દળ-બળ સાથે આવી પહોંચ્યા. શ્રીકૃષ્ણને જોઈને બધા જ પાંડવો આનંદિત થઈ ગયા.

શ્રીકૃષ્ણ અને વ્યાસદેવે મળીને રાજસૂય યજ્ઞની તમામ વ્યવસ્થા સંભાળી લીધી. વિભિન્ન દિશાઓના બધા જ રાજાઓના નામે નિમંત્રણ-પત્ર લખીને તેને દૂતોના હાથે મોકલાવી આપવામાં આવ્યા. એક પછી એક મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું. ખાસ કરીને રાજાઓના નિવાસ માટે સમગ્ર નગરમાં અનેક સુંદર ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજધાની જાણે કે ઇન્દ્રપુરીમાં પરિણત થઈ ઊઠી હતી. ખજાનામાં ઉદારતાપૂર્વક ધન આવી રહ્યું હતું. શ્રીકૃષ્ણે ખજાનાની દેખરેખની જવાબદારી દુર્યોધનને સોંપી રાખી હતી. યુધિષ્ઠિરને બહોળા પ્રમાણમાં ભેટ-ઉપહાર મળતાં જોઈને દુર્યોધનનું હૃદય ઈર્ષાથી બળી રહ્યું હતું. પરંતુ તેણે પોતાનો આ ભાવ કોઈની સામે પ્રગટ ન થવા દીધો.

આ યજ્ઞમાં વ્યાસ તથા ધૌમ્ય ઋષિએ પુરોહિતનો કાર્યભાર સંભાળી લીધો. યુધિષ્ઠિરને યજ્ઞના મુખ્ય યજમાનના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. યજ્ઞનાં બધાં જ અનુષ્ઠાન ખૂબ ભવ્યતાપૂર્વક સંપન્ન થયાં. યુધિષ્ઠિરે બધાને મૂલ્યવાન ઉપહારો સાથે સન્માનિત કર્યા. બધામાં ઝવેરાતને ઉદારતાપૂર્વક વિતરિત કરવામાં આવ્યાં. ઋષિઓ દ્વારા સંપન્ન કરવામાં આવેલા આ યજ્ઞ દરમિયાન પવિત્ર અગ્નિમાં અપાયેલી આહુતિઓ પામીને સ્વર્ગના દેવતા પણ ખૂબ સંતુષ્ટ થયા. યજ્ઞના અંતિમ દિવસે યુધિષ્ઠિરે વિવિધ નદીઓમાંથી એકઠા કરેલા જળથી સ્નાન કર્યું.

યજ્ઞનું અનુષ્ઠાન પૂરું થયું. રાજાનું એ કર્તવ્ય હતું કે હવે તેઓ પધારેલા બધા જ અતિથિઓનું સન્માન કરે. સભાની વચ્ચે ભીષ્મ પિતામહે ઊભા થઈને યુધિષ્ઠિરને કહ્યું, ‘વત્સ, રાજા-મહારાજા તથા ઋષિગણ આ યજ્ઞમાં ઉપસ્થિત રહીને આપને સન્માનિત કરવા માટે દેશના વિભિન્ન ભાગોથી અહીં પધાર્યા છે. તમારું કર્તવ્ય છે કે તમે પણ તેમને અર્ઘ્ય (પૂજા) આપીને સન્માનિત કરો.’

(ક્રમશઃ)

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.