ગ્રામજનો – અદ્ભુત શક્તિસ્રોત
મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન ગ્રામોદયનું હતું. ગ્રામોદય દ્વારા તેઓ સર્વોદય લાવવા માગતા હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેઓ સમગ્ર ભારતવર્ષને ખૂંદી વળ્યા હતા. ગામડે ગામડે ફરીને એમણે પ્રજાજનોની નાડને પારખી હતી.
ગ્રામ્યજનોમાં રહેલી બુદ્ધિપ્રતિભા, સમગ્ર માનવજાતને ઉપયોગી થવાની અનન્ય ભાવના અને કંઈને કંઈ નવું કરવાની આગવી દૃષ્ટિ, અત્યારની ભાષામાં કહીએ તો સાચી એન્ટર પ્રિન્યોરશીપ એમની પાસે હતી. પોતાની કોઠાસૂઝ કે આંતરસૂઝથી નવું અને નવું કેવી રીતે નીપજાવવું એ આ ગામડાંના લોકોમાં આગવી શક્તિ હતી અને છે. આ બધું જોવું હોય તો આજે દૂરસુદૂરના ગામડામાં બેઠેલો અને પોતાની ખેતી કરતા ખેડૂતો કે પોતાના કોઈ વારસાગત ધંધામાં મંડી પડેલા કારીગરો પાસે આજના ભણેલા ગણેલા માણસે જવું જોઈએ. એમનામાં શક્તિનું એક અદ્ભુત ઝરણું વહે છે. આ શક્તિના ઝરણાનું જળ સૌ કોઈ માટે પ્રાપ્ય બને એવો એમનો પ્રયાસ હોય છે.
IIM-A-સેન્ટર ફોર મેનેજમેન્ટ ઈન એગ્રીકલ્ચરના પ્રાધ્યાપક અને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન (NIF)ના ઉપકુલપતિ અનીલકુમાર ગુપ્તાએ આ (NIF)સંસ્થાની સ્થાપના કરવા કેન્દ્ર સરકારની ઈ.સ. ૨૦૦૦માં સહાય લીધી હતી. સમગ્ર દેશભરના અત્યારે ૭૫ હજાર ઈનોવેશન્સ અને તેના પ્રત્યક્ષ પ્રયોગોનો એમણે સંગ્રહ કર્યો છે અને ‘ડેટાબેઈઝ ટ્રેડિશ્નલ નોલેજ’ ની સ્થાપના કરી છે. આમાં ટ્રાન્સપોર્ટ, ઊર્જા, ફૂડ ટેક્નોલોજી, કૃષિ, પાળતુ પશુપક્ષીઓ જેવાં અનેક ક્ષેત્રો આવરી લેવાયાં છે.
૧૯૯૩માં પ્રોફેસર ગુપ્તાએ અમદાવાદમાં સ્થાપેલ એનજીઓ, સોસાયટી ફોર રિસર્ચ અને ઈનિશ્યેટિવ ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજીઝ એન્ડ ઇન્સ્ટિટ્યૂશન (SRISTI)એ આવાં કેટલાંક સંશોધનોને પ્રમાણ્યાં છે. આ બધાં નવીન સંશોધનોની જબરી અસર સમાજમાં જોવા મળે છે.
વાંસ અને ટીનના પતરાંની પવનચક્કી
આસામના મહેતર હુસેન અને મુશ્તાક હુસેન નામના બે ભાઈઓની રૂપરેખા પ્રમાણે બનેલી વાંસ અને ટીનના પતરાંની એક પવનચક્કીની કિંમત ૨૫૦૦૦ છે. ઓછા ખર્ચવાળી આ પવનચક્કીનો ઉપયોગ ખેતરમાં કૂવામાંથી પાણી સીંચવા થઈ શકે છે. કચ્છના રણમાં અગરિયાઓના મીઠાના વિશાળ ક્યારામાંથી દરિયાનું પાણી ઉપાડવા પહેલાં ડિઝલ પંપનો ઉપયોગ થતો. હવે આ પવનચક્કીની મદદથી આ કાર્ય ન જેવા ખર્ચે થાય છે અને એના દ્વારા અગરિયાઓને ઘણી આર્થિક બચત મળે છે.
બીજું સંશોધન ઓરિસ્સાના એક આદિવાસીએ ત્યાંના સ્થાનિક છોડના પાંદડાંનો ઉપયોગ ફળને પકાવવા માટે કર્યો. આદિવાસીનો આ નવો કીમિયો ફૂડ પ્રોસેસિંગ ઈંન્ડસ્ટ્રીઝને માટે ઘણો ઉપયોગી નિવડ્યો.
૧૯૮૧ થી શ્રીગુપ્તા IIM-Aમાં કૃષી વિજ્ઞાન શીખવતા મદદનીશ અધ્યાપક હતા. ત્યાર પછી એમણે ૧૯૮૬માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં મેનેજમેન્ટમાં પી.એચ.ડી કર્યું. પોતાના સંશોધન માટે જ્યારે તેઓ બાંગ્લાદેશમાં ગયા ત્યારે એમના જીવનમાં એક નવું પરિવર્તન આવ્યું. સામાન્ય માનવીઓ પાસેથી અને એમની સાથે કામ કરીને નવી ટેક્નોલોજી વિકસાવવી અને નવું સંશોધન કરવું એ એમના પ્રકલ્પનો હેતુ હતો. મહાત્મા ગાંધીજીના જીવનદર્શનમાંથી એમને ગ્રામોદય કે ગ્રામ વિકાસની પ્રેરણા મળી. ડો. ગુપ્તા કહે છે: ‘ગામડાનાં સામાન્યજનમાં નવું નિપજાવવાની જે આંતરસૂઝ છે એમાં હું ઘણી શ્રદ્ધા ધરાવું છું. બાંગ્લાદેશના પ્રયોગાત્મક પ્રકલ્પ દ્વારા મારા મનમાં એક સ્પષ્ટ દૃષ્ટિકોણ આવ્યો. મેં અનુભવ્યું કે ગામડાંમાં એવા કેટલાય અજાણ મહામાનવો છે કે જે સ્થાનિક યાંત્રિક કે પ્રૌદ્યોગિકીની સમસ્યાઓ પોતાની મેળે ઉકેલતા રહ્યા છે. પાયાના પથ્થર જેવા આ નવા કીમિયા શોધનારની સર્જનાત્મકતામાં સમાજે શ્રદ્ધા ઊભી કરવી જ પડે.’ આ પછી એમણે રાષ્ટ્રવ્યાપી આવી ચળવળભર્યું કાર્ય કરવા વિચાર્યું.
એનું પહેલું પગલું હતું હની-બી નેટવર્ક ઊભું કરવાનું. ૧૯૯૦માં IIMના કેટલાક અધ્યાપકો અને ગુજરાતના ખેડૂતોની મદદથી આ પ્રવૃત્તિની સ્થાપના થઈ. સમાજમાં જે નવું નિપજાવવાની દૃષ્ટિ છે એમાં માનનારા લોકોની આ અનૌપચારિક સંસ્થા હતી. હની-બી નેટવર્ક હેઠળ પાંચસો લોકો અને પાંચ હજાર જેટલાં સંશોધનોનો એક નોલેજ ડેટાબેઈઝ તૈયાર થયો. સંસ્થાકીય સહાય મળે એટલા માટે ડો.ગુપ્તાએ ‘SRISTI’ની સ્થાપના કરી. ત્યાર પછી SRISTI, IIM-A, ગુજરાત સરકાર સાથે રહીને ‘ગ્રાસ રુટ્સ ઈનોવેશન ઓગ્મેન્ટેશન નેટવર્ક’ – (GIAN)ની સ્થાપના કરી.
૨૦૦૦ની સાલમાં કેન્દ્ર સરકારે ૨૦ કરોડના કોર્પસ ફંડ સાથે NIFની સ્થાપના કરવા સહમતી આપી. આ ફંડના વ્યાજની રકમ પાયાનાં સંશોધનોને વ્યાપારી રૂપ આપવા વાપરવામાં સહાય મળે. સ્વૈચ્છિક ભાવનાને જાળવી રાખીને સરકારની સહાયથી ચાલતી આ એક સંસ્થા છે. પ્રો. ગુપ્તાની ઇચ્છા આ ફંડ વધારીને ૨૦૦ કરોડ કરવાની છે. વર્તમાન ભારતમાં IIM-Aના અધ્યાપકો ગાંધીજીના ગ્રામોદયના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
Your Content Goes Here




