સાચી માનવસેવાને વરેલા વૈજ્ઞાનિક સ્વ. ડૉ. વાય. સુબ્બારાવ
ભારતને આઝાદી મળી તે પછીના વર્ષમાં ન્યૂયોર્ક શહેરમાં આપણા દેશનાં અપ્રતિમ બુદ્ધિશાળી પણ નામ અને કીર્તિથી સતત વેગળા રહેલા એવા એક ઔષધીય વૈજ્ઞાનિક ડૉ. યેલ્લપ્રગડ સુબ્બારાવે અંતિમ શ્વાસ લીધા. આ વૈજ્ઞાનિક દેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ જાણીતા ન હતા, તેથી એના અવસાનની નાની સરખી નોંધ સુધ્ધાં લેવાઈ નહોતી, પરંતુ જીવરસાયણશાસ્ત્ર (બાયોકેમિસ્ટ્રી)માં તેમણે જે પાયાનાં સંશોધનો કર્યાં છે તેણે માનવ-સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અનેરું પ્રદાન કર્યું છે.
ડૉ. વાય. સુબ્બારાવે જગતને ગ્રામાઇસિડિન (Gramicidin) અને ઓરિયોમાઇસિન (Aureomycin) નામની બે જીવાણુપ્રતિરોધક (એન્ટિબાયોટિક) દવાઓની ભેટ આપી. ટ્રૅટાસાઇક્લિન અને ત્યાર પછી શોધાયેલી બીજી પેઢીની અન્ય ટ્રૅટાસાઇક્લિન દવાઓ આ ઓરિયોમાઇસિનમાંથી બનાવવામાં આવી છે. આપણે ત્યાં હાથીપગાની સમસ્યા વિકરાળ છે. ડૉ. સુબ્બારાવે એવા રસાયણની શોધ કરી જે હાથીપગાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ ધરાવતું હતું. આજે હાથીપગાના ચેપ (ફાઇલેરિયાસિસ)ની સારવારમાં વપરાતી ડાઇ-ઈથાઇલ કાર્બામાઝિન (Hetrazan) નામની દવા ડૉ. સુબ્બારાવના પરિશ્રમનું ફળ છે. યકૃતમાંથી ફોલિક એસિડ નામનું પ્રજીવક (વિટામિન) તત્ત્વ શોધીને એનું કૃત્રિમ સ્વરૂપ તૈયાર કરવાનું શ્રેય પણ તેમને જાય છે. ફોલિક ઍસિડ માનવ-શરીરમાં કોશોની વૃદ્ધિમાં પાયાની ભૂમિકા ભજવે છે. ડૉ. સુબ્બારાવે ૧૯૭૪માં ફોલિક ઍસિડ પ્રતિરોધક તત્ત્વ શોધ કરેલી. એના પગલે કૅન્સરના ઔષધીય ચિકિત્સામાં એક પ્રકારની ક્રાંતિ આવી. જીવલેણ બ્લડ કૅન્સર – (લ્યુકેમિયા)ની વ્યાધિમાં વપરાતી એમિનોટરિન (Aminoterin) નામની દવાની શોધ ડૉ. સુબ્બારાવે કરી છે.
આ તમામ ઔષધીય રસાયણોની શોધ અગાઉ પણ ડૉ. સુબ્બારાવે શરીરની કોશજાળો અને પ્રવાહીની અંદર ફોસ્ફરસનું પ્રમાણ નક્કી કરવાની પદ્ધતિ શોધી કાઢી હતી. આજે જગતભરમાં ફોસ્ફરસનું પ્રમાણ નક્કી કરવાની જે પદ્ધતિ ‘ફિસ્કે-સુબ્બારાવ પદ્ધતિ’ (Fiske-Subbarao Method) તરીકે જાણીતી છે, તેની શોધ સૌપ્રથમ ડૉ. સુબ્બારાવ દ્વારા ૧૯૨૫માં કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન સુબ્બારાવ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડૉ. સાયરસ ફિસ્કે સાથે કામ કરતા હતા. બને સાથે મળી ફોસ્ફરસના પરીક્ષણની ઉપરોક્ત પદ્ધતિ ઉ૫૨ વિશેષ અભ્યાસ કરી રહ્યા હતા. આ અભ્યાસ દરમિયાન બન્નેએ ક્રાંતિકારી અને વિલક્ષણ શોધ કરી. આપણે ખોરાકમાં જે કાર્બોદિત પદાર્થો લઈએ છીએ તેના પાચનથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. આના પગલે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્રાવ થાય છે. ઇન્સ્યુલિન અને ગ્લુકોઝમાંથી શક્તિ શી રીતે પેદા થાય છે તે બાબતમાં વિશ્વના પારિતોષિક વિજેતા હતા તેવા – જીવરસાયણ શાસ્ત્રીઓની બુદ્ધિ ઉકેલ કાઢી શકતી ન હતી. ઇન્સ્યુલિનની શોધ કરનાર ડૉ. બૅનિંટગ પણ આ કોયડાનો ઉકેલ મેળવવામાં નિષ્ફળ નીવડ્યા ત્યારે ફોસ્ફરસના ચપાપચયની જટિલ પ્રક્રિયાના ૨૦ વર્ષના ભગીરથ પરિશ્રમમાંથી સુબ્બારાવ અને ફિસ્કેની જોડીએ આનો ઉકેલ શોધી કાઢ્યો. સ્નાયુઓની અંદર ગ્લુકોઝ જે ફોસ્ફોક્રિએટિન (Phosphocreatine) અને એડિનોઝાઈન ટ્રાઇફોસ્ફેટ (Adenosine Triphosphate – ATP) નામના રાસાયણિક કણોની અંદર શક્તિ સ્વરૂપે સંચય થાય છે તેની અદ્ભુત શોધ આ રીતે થઈ. આ એ.ટી.પી. રસાયણ જ કોશોના અને સજીવ પ્રાણીઓના જીવન અને ચેતનનું રહસ્ય છે. એની અંદરની સંચિત શક્તિનો જ કોશો પોતાનું જીવન ટકાવી રાખવા તેમ જ કાર્યો માટે ઉપયોગ કરે છે. આ શોધ બદલ સુબ્બારાવ અને ફિસ્કે નોબેલ પુરસ્કારના સાચા અધિકારી હતા. પરંતુ નોબેલ પુરસ્કાર સમિતિએ ભૂલથી જ તબીબી વિજ્ઞાન અને શરીરક્રિયા વિજ્ઞાન શાખાને લગતો આનો પુરસ્કાર અગાઉ ૧૯૨૨માં આર્ચીબાલ્ડ હિલ અને ઑટો મેયરહોફ નામના વૈજ્ઞાનિકોને એનાયત કરી દીધો હતો. તેમણે એવી શોધ કરેલી કે સ્નાયુઓમાં ગ્લુકોઝનું જે સંચિત સ્વરૂપ હોય છે તે ગ્લાયકોજનનું લેક્ટિક ઍસિડમાં રૂપાંતર થવાની રાસાયણિક ક્રિયાથી સ્નાયુઓને સંકોચનની શક્તિ મળે છે. વાસ્તવમાં તેમની શોધ અધૂરી હતી. ફિસ્કે અને સુબ્બારાવનું સંશોધન વધારે પરિપૂર્ણ હતું. સાચા પુરસ્કારના અધિકારીઓ તો આ બન્ને હતા.
સુબ્બારાવના આ સંશોધનનું મૂલ્ય કાંઈ જેવું તેવું નહોતું. એના પરિણામે શરીરની જટિલ ગતિવિધિઓ સમજવામાં ઘણી સરળતા પેદા થઈ અને માનવજાતિને પીડતા ઘણા રોગો ઉકેલવાની કડી પ્રાપ્ત થઈ. અને છતાં, નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારા ગણ્યાંગાંઠ્યા વૈજ્ઞાનિકોની યાદીમા ડૉ. સુબ્બારાવ કદી આવ્યા નહીં. એનું કારણ એ હતું કે આજીવન એમણે પ્રસિદ્ધિથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો. એમણે કદી કોઈ માન-અકરામ કે પુરસ્કારોની ખેવના ન કરી. ‘આ માણસ વિજ્ઞાની હતો, તબીબોમાં સૌથી વિચક્ષણ તબીબ હતો, રસાયણશાસ્ત્રીઓમાં અન્ય કોઈ પણ વૈજ્ઞાનિક કરતાં વધારે પારંગત હતો અને જંતુવિજ્ઞાનમાં એનો જોટો નહોતો.’
પ્લેગની સામે લડવા માટે જો કોઈ દવા જીભે જીભે રમતી થઈ ગઈ હોય તો તે ટેટ્રાસાઇક્લિન હતી. એ એક જીવાણુ પ્રતિરોધક દવા છે અને અનેક સંક્રામક રોગોમાં ઉપયોગ ધરાવે છે. વિશ્વની સૌ પ્રથમ ટેટ્રાસાઇક્લિન એન્ટિબાયોટિક – આરિયોમાઇસન – શોધનાર ડૉ. વાય. સુબ્બારાવ અને તેમની ટીમના સભ્યો હતા. દરેક ભારતવાસીઓએ આ માટે ગૌરવ લેવા જેવું છે.
સુબ્બારાવનો જન્મ આંધપ્રદેશના પશ્ચિમ ગોદાવરી પ્રાંતના ભીમાવરમાં જાન્યુઆરી ૧૨, ૧૮૯૫ના દિવસે થયો હતો. તેમનું કુટુમ્બ ખૂબ ગરીબ હતું. આથી છેક ૧૩ વર્ષની ઉંમરથી જ એમણે નામ અને નાણાં રળવાની મહત્ત્વકાંક્ષા સેવવા માંડી હતી. જો કે એમનામાંની છૂપી શક્તિઓને સૌપ્રથમ ઓળખનાર તો તેમની માતા હતી. માતાને એવું જણાઈ આવ્યું કે એનો બાળક ગણિતમાં અપ્રતિમ બુદ્ધિમત્તા ધરાવે છે આથી એણે એને પ્રોત્સાહન આપવા માંડ્યું.
એમણે એમનું પાછલું જીવન વિજ્ઞાનને ચરણે ધરી દીધું એ ખરું પણ યુવાનીનાં વર્ષો દરમિયાન તો આધ્યાત્મિક ઊંડાણ પામવા માટે એમણે સંસારનો ત્યાગ કરીને રામકૃષ્ણ મિશનમાં સંન્યાસી થવાનો માર્ગ લીધો હતો. તેમને એવી અનુભૂતિ થઈ કે પ્રસિદ્ધિ તરફ દોરી જનારાં સાધનો અને માર્ગો તો ખરેખર માયાના પ્રપંચ છે. જગતની દૃષ્ટિએ સારા ગણાતાં કામોનો પણ માણસે ત્યાગ કરવો રહ્યો. આવા કર્મો પણ ફળ આપનારા હોય છે. આ સમયે એમના મનમાં દ્વંદ્વ ચાલતું હતું. એક તરફ તેમણે માતાને એવું વચન આપ્યું હતું કે આગળ જતાં વિશ્વમાં હું નામ કાઢીશ, તો બીજી બાજુ એમનું મન વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે ઝોલાં ખાતું હતું. એમની બુદ્ધિ જેટલી પ્રખર હતી એટલી જ અસ્થિરતા ને ગૂંચવાડામાં અટવાતી હતી. તેમને તબીબી શિક્ષણ લેવા માટે રાજી કરવામાં આવ્યા – એવું કહીને કે તબીબી તરીકે રામકૃષ્ણ મિશનની વધારે સારી સેવા કરી શકાશે. તબીબ શિક્ષણ દરમિયાન એમને પણ એવું લાગ્યું કે જીવનનો સાચો ઉદ્દેશ્ય દર્દીનારાયણોની સેવા કરવામાં છે. એમણે મદ્રાસ આયુર્વેદિક કોલેજમાં ટૂંકો સમય ગાળ્યો પણ એમને લાગ્યું કે તે સમયે પ્રચલિત ઘણા રોગોની સારવાર આયુર્વેદિક દવાઓ દ્વારા થઈ શકે તેમ નથી; એટલે એમણે અમેરિકા જવાનું પસંદ કર્યું, જ્યાં તબીબી સંશોધનોનો પુષ્કળ અવકાશ હતો. અમેરિકામાં શરૂઆતનાં વર્ષો દરમિયાન આંધ્રના આ બ્રાહ્મણે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં કામ કર્યું. ત્યાર પછી એ લેડર્લે લૅબોરેટરીઝમાં જોડાયા. અહીં એમણે અનેક જીવન રક્ષક ઔષધોના આવિષ્કાર પાછળ પોતાનું બાકીનું જીવન સમર્પિત કરી દીધું. આમ છતાં, આટઆટલી પ્રખર શોધો અને સંશોધનોના આ સ્વામીએ પ્રસિદ્ધિ અને માન-અકરામથી તો દૂર જ રહેવાનું પસંદ કર્યું.
ઑગસ્ટ ૮, ૧૯૪૮ના દિવસે ન્યુયોર્કની અંદર ઊંઘમાં જ એમણે એમનો દેહ છોડ્યો. એક અમેરિકન પત્રકારે તો શ્રદ્ધાંજલિ રૂપે એમના માટે લખ્યું કે, ‘તમારા સૌનું આજે જીવતા રહેવું અને સ્વસ્થ હોવું એ માત્ર ડૉ. સુબ્બારાવને આભારી છે. એ આ પૃથ્વી પર જીવ્યા તેથી જ તમે લાંબું આયુષ્ય ભોગવી શકવાને ભાગ્યશાળી છો.’ આ કર્મઠ માણસને આનાથી વધારે શી પુષ્પાંજલિ અર્પણ કરી શકાય? (એક્સપ્રેસ ફાર્મા પલ્સ, ઑગસ્ટ ૧૪, ૧૯૯૭ના અંકમાંથી ઍન. વી. રામમૂર્તિના લેખના આધારે)
ગાંધી શાંતિ પુરસ્કાર માટે રામકૃષ્ણ મિશનની પસંદગી
રામકૃષ્ણ મિશનની ૧૯૯૮ના ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. અહિંસા દ્વારા સામાજિક, આર્થિક તેમજ રાજકીય પરિવર્તન માટે મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ રામકૃષ્ણ મિશનને આ એવોર્ડ આપવામાં આવેલ છે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી, ડો.મુરલી મનોહર જોશીએ આ જાહેરાત કરી હતી. આ પુરસ્કાર પેટે રૂા. ૧ કરોડ રોકડા, પ્રશસ્તિપત્ર તથા સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે.
ગાંધી શાંતિ પુરસ્કારની ૧૯૯૫માં સ્થાપના કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં કોઈ સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યો હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે.
આગામી જાન્યુઆરી માસમાં રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણનના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદે મળેલી જ્યુરીએ સર્વાનુમતે રામકૃષ્ણ મિશનની એવોર્ડ માટે પસંદગી કરી હતી.
આ સુપ્રતિષ્ઠિત એવોર્ડ માટે ૫૩ નામો સૂચવાયાં હતાં. ડૉ. જોષીએ ઉમેર્યું કે માનવપીડાના નિવારણ માટે અને મહાત્મા ગાંધીજીના આદર્શને અનુરૂપ એવી સેવા-કલ્યાણ પ્રવૃત્તિઓના સફળ સંચાલન અને મિશનની રાષ્ટ્રસેવાના કાર્યમાં અનન્ય પ્રદાન માટે રામકૃષ્ણ મિશનને આ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
અજ્ઞાન, ગરીબી, ધિક્કારની લાગણીના નિર્મૂલન માટે મિશન સતત કાર્યરત રહે છે. સમાજના દલિત-પીડિત-શોષિતોના કલ્યાણ અર્થે રામકૃષ્ણ મિશન શાળા-કૉલેજ, તાલીમશાળાઓ, અનાથાશ્રમ અને સાર્વજનિક ઇસ્પિતાલોનું સંચાલન કરે છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના પ્રકાશન, પ્રવચન-વર્ગો, યુવા-શિબિર, આધ્યાત્મિક શિબિરના માધ્યમથી સર્વધર્મ સમન્વય અને વ્યવહારુ વેદાન્તનો આ સંસ્થા પ્રચાર-પ્રસાર કરે છે.
આ એવોર્ડ માટે રામકૃષ્ણ મિશનની પસંદગી માનવકલ્યાણની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને સર્વસંમતિથી કરવામાં આવી હતી.
(ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા (અમદાવાદ), તા. ૨૯-૯-૯૮)
Your Content Goes Here




