“પરમ – ૧૦૦૦૦” સુપર કૉમ્પ્યુટર બનાવીને ભારતે અમેરિકા-જાપાનની બરોબરી કરી લીધી

ભારતે એશિયાનું સૌથી મોટું સુપર કૉમ્પ્યુટર પરમ – ૧૦૦૦૦નું નિર્માણ કરીને આ ક્ષેત્રમાં અમેરિકા તેમજ અન્ય વિકસિત દેશોના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. આ સુપર કૉમ્પ્યુટર બનાવીને ભારત અત્યાધુનિક ટૅકનિક ધરાવતા આંગળીના વેઢે ગણાય તેટલા દેશોની હરોળમાં બેસી ગયું છે. આ દેશોનો સદાય સતત એવો પ્રયત્ન રહ્યો હતો કે સંચાર ક્રાંતિનું આ અમોઘ શસ્ત્ર ક્યાંક ગરીબ કે વિકાસશીલ દેશોના હાથમાં ચાલ્યું ન જાય! આ ટૅકનિકલ સફળતાનું મહત્ત્વ કેટલું છે તેનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે કલીન્ટનની સરકારે આવા સુપર કૉમ્પ્યુટરોની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદેલો છે.

ભારતમાં સુપર કૉમ્પ્યુટરના ક્ષેત્રના અગ્રણી શ્રી વિજય ભાસ્કરે આ સિદ્ધિ અંગે એવું જણાવ્યું છે કે “પરમ – ૧૦૦૦”ના વિકાસ પછી હવે તમામ મહત્ત્વની બાબતોમાં આવા સુપર કૉમ્પ્યુટરોની મદદ લઇ શકીશું.

આપણા ભારતીય વિજ્ઞાનીઓએ તેની સમય મર્યાદા કરતાં પણ છ મહિના વહેલું સુપર કૉમ્પ્યુટર બનાવીને પોતાની ટૅકનિકલ કુશળતા દર્શાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.

પૂણે ખાતે “પરમ-૧૦૦૦૦”નું ઉદ્‌ઘાટન ઇલૅક્ટ્રૉનિક્સ વિભાગના સચિવ શ્યામલ ઘોષના હસ્તે કેન્દ્ર સરકારના સૅન્ટર ફૉર ડૅવલપમૅન્ટ ઍન્ડ ઍડવાન્સ કમ્પ્યુટરીંગ (સી.ડૅક) દ્વારા કરવામાં આવ્યું હતું.

દર એક સેકન્ડમાં એક અબજ જેટલી ગણતરી કરવાની ક્ષમતા ધરાવતા આ કૉમ્પ્યુટરનો ઉપયોગ હવામાન વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન અને ઇજનેરી કાર્યો ઉપરાંત લશ્કરી કાર્યોમાં પણ ઉપયોગમાં આવી શકે છે. આ કૉમ્પ્યુટર વિકાસશીલ દેશોમાં પોતાની રીતે એક માત્ર છે અને એશિયામાં જાપાનને બાદ કરતાં માત્ર ભારત પાસે જ આવી ક્ષમતાવાળું કોમ્પ્યુટર છે. અમેરિકાએ દર સેકન્ડે ૨૦૦૦ મેગા ગણતરી કરવાની ક્ષમતાવાળા કૉમ્પ્યુટરોની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

પરંતુ ભારતે વિકસાવેલ પરમ-૧૦૦૦૦ની ક્ષમતા તો આ પ્રતિબંધિત કૉમ્પ્યુટરો કરતાં ૫૦ ગણી છે. જે અમેરિકા ઉપરાંત માત્ર જાપાન અને ભારત પાસે છે.

(‘ફૂલછાબ’, તા. ૩૦-૩-’૯૮)

૨૮૪ અદ્ભુત બાળકો

બિક્કાલુ ચિક્કાયા અને તેની પત્ની ચીમ્મક્કાએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેઓને કોઇ બાળક ન થયું. બન્નેએ છેવટે નવી જાતનાં બાળકોને – વટવૃક્ષોને ઉછેરવાનો નિશ્ચય કર્યો. તેઓએ બેંગ્લોર જિલ્લાના કુદુર-હુલીકલ ધોરી માર્ગ પર ૩ કિલોમીટર વેરાન જમીનમાં પોતાના આ પરિવાર ઉછેરવાનું નક્કી કર્યું. તેઓ બન્ને મજૂરીના કાર્યમાં જતાં પહેલાં દરરોજ રસ્તાની બન્ને તરફ ખાડો ખોદતાં, વટવૃક્ષની રોપણી કરતાં અને ગાય-બકરી રોપાઓને ચરી ન જાય તે માટે વાડ બાંધતાં. સાંજે મજૂરીનું કામ પતાવી પાછા ફરતી વખતે એક કિલોમીટર દૂરના કૂવામાંથી પાણી લાવી પ્રેમપૂર્વક સિંચન કરતાં. બન્નેના આવા અદ્ભુત વાત્સલ્ય, હુંફ, પ્રેમ અને સેવાના પ્રભાવે ત્રણસો છોડોમાંથી એક પણ ન કરમાયું.

આ વાત ચાલીસ વર્ષો પહેલાંની છે. આજે તો ૨૮૪ લીલાંછમ વિરાટ વટવૃક્ષો આ રસ્તા પરથી જતા યાત્રીઓને હુંફાળી છાયા આપે છે, તેઓની યાત્રા સુખદ બનાવે છે. આજે તે વૃક્ષોના લાકડાની કિંમત રૂ. ત્રીસ લાખ છે પણ પર્યાવરણને બચાવવામાં તો આ વૃક્ષોનો ફાળો અમૂલ્ય છે. ડિસેમ્બર ૧૯૯૬માં થીમ્મક્કાને (તેના પતિ થોડાં વર્ષો પૂર્વે જ મૃત્યુ પામ્યા છે.) ભારતના તત્કાલીન પ્રધાનમંત્રીના હસ્તે – રાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ૭૦ વર્ષની થીમ્મક્કા આજે પણ પ્રકૃતિને પ્રેમ કરે છે, પર્યાવરણને જાળવવાના પ્રયત્નો કરે છે અને તેનાં ૨૮૪ અદ્ભુત બાળકોની મુલાકાત લે છે.

(‘ડૅક્કન હૅરાલ્ડ’માંથી સંકલિત)

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.