‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા સમાચારો પ્રકાશિત કરીશું જે ઉત્સાહવર્ધક હોય, પ્રેરક હોય, રસપ્રદ હોય. – સં.
સંસ્કૃત વર્ષની ઉજવણી
યુગાબ્દ ૫૧૦૧ (ઈ.સ. ૧૯૯૯ થી ૨૦૦૦) સંસ્કૃત વર્ષરૂપે ઉજવાશે. વિશ્વ સંસ્કૃત પરિષદ અને ભારત સંસ્કૃત પરિષદ, દિલ્હી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષ દરમિયાન સંસ્કૃતને તેનું ગૌરવમય સ્થાન પુનઃ પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો થશે.
પાણીદાર કોઠાસૂઝ
ધોરાજીના વતની ૬૦ વર્ષના શામજીભાઇ અંટાળાએ રાતદિવસ એક કરીને સૌરાષ્ટ્રનાં ગામડાંઓના સાત લાખ સૂકા કૂવાઓમાંથી રા લાખ કૂવાઓને પોતાની આગવી પદ્ધતિથી ફરી પાણીવાળા કરી દીધા છે.
મૅનેજમૅન્ટના ક્ષેત્રે તનાવનો સામનો કરવા માટે યોગવેદાંતની બોલબાલા
આજકાલ ભારતની ઘણી કંપનીઓને તેના અધિકારીઓનો માનસિક તનાવ ઘટાડવાનું ટૅન્શન વળગ્યું છે. કારણ એ છે કે સતત અજંપામાં જીવતા અધિકારીઓને લીધે છેવટે કંપનીએ જ વેઠવું પડે છે.
બજાજ ઈલેકિટ્રકલ્સ કંપનીના સીઈઓ શેખર બજાજ કહે છે, ‘કૉર્પોરેટ ક્ષેત્રને હવે સમજાયું છે કે તનાવને કારણે લોકોની કેટલીય ક્ષમતા નકામી જઈ રહી છે.’ બિરલા જૂથની કંપનીઓ, ટિસ્કો, ટૅલ્કો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, ગોદરેજ બૉયસ, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાની ઑફિસોમાં હવે અવારનવાર તનાવનો સામનો કરવા માટે વર્કશોપ યોજાવા લાગી છે.
મૅનૅજમૅન્ટની બાબતોમાં ગુરુ ગણાતા મૃત્યુંજય અધ્યેય કહે છે કે ભારતીય કંપનીઓ ધીમે ધીમે તનાવનો સામનો કરવા લાગી છે. કંપનીઓ તેના કર્મચારીઓના કામ કરવાના સ્થળને વધુ સગવડભર્યા બનાવી રહી છે. તેમની સાથે સંવાદ પણ વધારી રહી છે અને તનાવને શી રીતે દૂર કરવો તે વિશે વર્કશોપ પણ યોજી રહી છે. તનાવને લડત આપવામાં આ કંપનીઓને યોગ, પ્રાણાયામ, ધ્યાન, વેદાંત અને ગીતાનાં પ્રવચનો જેવી ભારતીય પરંપરાને અનુસરતી પદ્ધતિઓ ખાસ ગમી ગઈ છે. રૂ. ૨,૨૦૦ કરોડના વિડિયોકોન જૂથના વડા વેણુગોપાલ દૂતે તેમની કંપનીમાં યોગના નિયમિત કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે નાની ઉંમરના એકિઝક્યુટિવો તો રમતગમત જેવામાં સક્રિય રહીને તનાવને ભગાડે છે. પણ ટોચના, મોટી ઉંમરના ઍક્ઝિક્યુટિવોમાં યોગના કાર્યક્રમોને જબરદસ્ત સફળતા મળી છે. ધૂત માને છે કે તેમની પોતાની કાર્યશૈલીમાં પણ ઘણો ફેર પડ્યો છે.
અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ કર્મચારીઓના વ્યક્તિત્વ વિકાસ પાછળ ખર્ચ કરતી કંપનીઓને તેણે ખર્ચેલા એક ડૉલરની સામે ૩૦ ડૉલરનો ફાયદો થવાની શક્યતા છે.
આપણા દેશમાં આવા કોઈ અભ્યાસ થયા નથી. પણ તનાવનો સામનો કરવા માટે કરેલો ખર્ચ એળે નથી જતો એવું વલણ વધતું જાય છે. સ્વામી પાર્થસારથિનું ચાર કલાકનું પ્રવચન સાંભળવા માટે ઈન્ડિયા ક્લબના સભ્યોએ વ્યક્તિદીઠ એક હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આર્કિટેક્ટ બિમોલ રક્ષિત શાતા મેળવવામાં મદદ કરતી સિલ્વા પદ્ધતિના બે દિવસના કોર્સના રૂ. ૫,૦૦૦ લે છે. માર્ચમાં ગોવામાં એક સેમિનાર યોજાયો હતો ત્યારે જાણીતા ગુરુ દીપક ચોપરાએ ૩૦૦ એન.આર.આઈ.ઓ. અને કંપનીઓના વડાઓને મન અને શરીર સાથે સંવાદ સાધવાની રીતનો લાભ આપ્યો હતો. ફી હતી : વ્યક્તિદીઠ રૂ. ૮૫,૦૦૦.
ઑફિસમાં સતત કામમાં મચ્યા રહ્યા પછી હૃષીકેશ મફતલાલ ઘરે પાછા ફર્યા બાદ ધ્યાનમાં બેસી શરીર અને મનને શાંત પાડે છે.
કંપનીઓની જેમ અધિકારીઓ તૈયાર કરતી બિઝનેસ સ્કૂલો પણ સમજવા લાગી છે કે માત્ર વાળ ધોળા થવા લાગ્યા હોય કે ત્રીસી વટાવી ગયા હોય એવા લોકોની જ નસો તંગ થાય એવું નથી. પૂનાની સિમ્બાયોસિસ સૅન્ટર ફૉર મૅનૅજમૅન્ટ ઍન્ડ હ્યુમન રિસોર્સીસ ડેવલપમૅન્ટૅ તેના અનુસ્નાતક ડિપ્લોમા કોર્સમાં ધ્યાન, યોગ અને આધ્યાત્મિક પ્રવચનોને પણ સામેલ કર્યાં છે. અમદાવાદની આઈ.આઈ.એમ.માં તનાવ નાથવાના વર્ગો ચાલે છે, લખનૌની આઈ.આઈ.ટી.માં પણ જૂન અને ઑગસ્ટ વચ્ચે આવા વર્ગો શરૂ થશે.
(‘ઈન્ડિયા ટુડે’ માંથી સંકલિત)
Your Content Goes Here





