Ramkrishna: His Life and Sayings
રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો

– ડગમાર બર્નૉર્ફ

[૨૧મી, જૂન, ૧૯૯૪ના રોજ, ઈન્ડિજન ઈન્ટરનેશનલ સૅન્ટર ખાતે, ભારતની જર્મન ઍમ્બૅસી અને ભારતીય ફૅડરેશન ઓફ ઈન્ડો-જર્મન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા એક સમારંભમાં, મૅક્સમૂલરના લખેલા અને પહેલી વાર ૧૮૯૫માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘Ramkrishna : His Life and Sayings’ (રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો)ની શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. આ સમારંભમાં એની સાથોસાથ ત્રણ વરસની સવાઓ આપ્યા બાદ ભારત છોડી રહેલા કલ્ચરલ કાઉન્સેલર શ્રીવુલ્ફ ગોંગ ઍરફાના વિદાયમાનનો કાર્યક્રમ પણ સામેલ હતો.

આ લેખના લેખક શ્રી ડગમાર બર્નસ્ટોર્ફ હાલ નવી દિલ્હીમાં રહે છે. તેઓ એક લેખક અને રાજનીતિશાસ્ત્રના વિજ્ઞાન છે. એમણે એ પ્રસંગે આપેલા અંગ્રેજી ભાષણનું આ સંક્ષેપીકરણ છે અને એનો આ ગુજરાતી અનુવાદ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે.]

મૅક્સમૂલર પોતાના ઋગ્વેદ સંપાદન માટે, ‘સેક્રેડ બુક્સ ઑફ ધી ઈસ્ટ’ના પચાસ ગ્રન્થોના સમ્પાદન માટે, તે ગ્રન્થોમાં તેમણે કરેલા ઉપનિષદોના અનુવાદ માટે, તેમણે કરેલા બૌદ્ધ ધર્મના ‘ધમ્મપદ’ ગ્રન્થના અનુવાદ માટે તેમજ ભારતીય ધર્મ અને ભારતીય તત્ત્વજ્ઞાન વિશે તેમણે કરેલા અભૂતપૂર્વ કાર્ય માટે તો ખૂબ ખૂબ જાણીતા બન્યા છે જ પણ એમાં એમનું ‘રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો’ એ પુસ્તક એક આશ્ચર્યજનક અને વિશિષ્ટ ઘટનારૂપે આવ્યું છે. એમને આ કામ માથે લેવા માટે કોણે પ્રેરિત કર્યા હશે? પુસ્તકની ભૂમિકામાં તેઓ આ પ્રમાણે લખે છે ‘આજે ભારતમાં વસતા સંતો અને ઋષિઓ – ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં પ્રસિદ્ધ થતાં અને છાપાંઓમાં પ્રકાશિત થતાં અતિશયોક્તિભર્યાં જીવન અને ઉપદેશો તેમજ બેહુદી અને જંગલી હકીકતોનો વિરોધ કરવાની મને ઇચ્છા હતી. અને સાથોસાથ મને એ પણ દર્શાવવાની ઇચ્છા હતી કે પ્લૅટો, ઍરિસ્રોટલ, કાન્ટ અને હેગલના અભ્યાસી યુરોપિયનો એવા આપણે વિચિત્ર લાગતી એ ભારતીય તત્ત્વવિદ્યા અને બોદ્ધધર્મનાં જિગૂઢ-ખાનગી વિધિવિધાનોમાં કેટલુંક જાણવા જેવું રહસ્ય પણ છે ખરું.’

પણ મૅક્સમૂલરે આનું મૂળ ભલા રામકૃષ્ણમાં કેવી રીતે શોધ્યું હશે? ભારતીય વિદ્યાના આ પ્રૉફેસરે ક્યારેય ભારતની મુલાકાત તો લીધી ન હતી. અને વળી શ્રીરામકૃષ્ણે પણ પોતે ખુબ જ્ઞાની હોવા છતાં કશું લખ્યું પણ ન હતું! આ રહસ્યમય પુરુષ તો કેવળ ગામઠી બંગાળી ભાષા જ બોલતા. એમાં થોડી સંસ્કૃતની છાંટ રહેતી. પણ એમણે કોઈ તત્ત્વજ્ઞાન વિષયક લખાણ તો ક્યારેય લખ્યું નથી. એમના ઉપદેશોને એમના શિષ્યોએ બંગાળી ભાષામાં ઉતારી લીધા હતા. મૅક્સમૂલરને સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના જીવનનું વિવરણ અને તેમના ઉપદેશોનો અંગ્રેજીમાં અનુવાદ કરીને એનો સંગ્રહ મોકલ્યો અને ત્યારપછી મૅક્સમૂલરે એ વિશે લખ્યું, અને પછી સ્વામી વિવેકાનંદને એ વિશે જણાવ્યું.

બંગાળના એક ગામડામાં એક બ્રાહ્મણના પુત્ર રૂપે રામકૃષ્ણ જન્મ્યા હતા. છએક વરસની ઉંમર થતાં થતાંમાં તો તેઓ પુરાણો, રામાયણ અને મહાભારત આદિથી સુપરિચિત થઈ ગયા હતા. કારણ કે એ સમય દરમિયાન એ બધી કથાઓ તેમણે કથ્થકો પાસેથી – લોકનાટ્યકારો પાસેથી, કથાકારો પાસેથી તેમજ પરિવ્રાજક સાધુઓ પાસેથી ખૂબ સાંભળી લીધી હતી. ત્યાર પછી બાર વરસ સુધી કાલીમાતાનો સાક્ષાત્કાર કરવા માટે તે દેવીને પ્રાર્થના કરતાં કરતાં તેમણે ઘોર તપસ્યા આદરી હતી. કાલીમાતાના ધ્યાનમાં તેઓ એટલા બધા ડૂબી જતા કે તેમના સાથી મિત્રોને તેમની જિન્દગી વિશે ચિન્તા રહ્યા કરતી. તોતાપુરી નામના એક સંન્યાસી પાસેથી સંન્યાસની દીક્ષા લઈને તેમણે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી હતી – ચેતનાની પરમોચ્ચ અવસ્થા મેળવી હતી – પૂર્ણ અનન્ત બ્રહ્મા સાથે ઐક્ય સાધ્યું હતું.

તેમને સાંભળવા માટે લોકો તેમની કુટિરની આસપાસ ઊમટી પડતાં અને કોઈ પણ જાતના વેરાવંચા કે સંકોચ વગર તે લોકોને તેઓ ઉપદેશ આપતા. તેમના ઉપદેશો વેદાન્તના તત્ત્વજ્ઞાન ઉપર આધારિત રહેતા. તેમણે અન્ય ધર્મોની પણ સાધના કરી હતી. અને તે દ્વારા પોતાના અનુયાયીઓમાં ‘બધા ધર્મો મૂળરૂપે એક જ છે’ એવી અમીટ છાપ પાડી હતી.

મૅક્સમૂલરે છેલ્લે વેદાન્ત તત્ત્વજ્ઞાન જેવા ખૂબ ગૂંચવાડા ભરેલા દર્શનને સરસ અને પ્રવાહી અભિવ્યક્તિમાં ઢાળીને પોતાના પુસ્તકનો ઉપસંહાર કર્યો છે. એમાં શ્રીરામકૃષ્ણના લગભગ ચારસો જેટલા ઉપદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આમાં લેખકે શ્રીરામકૃષ્ણનું પ્રામાણિક ચિત્ર રજૂ કરી બતાવવાનો યથા શક્ય બધો પ્રશસ્ય પ્રયત્ન ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યો છે ખરો; છતાં પણ એમાં એમણે ક્યાંય પોતાની આલોચનાની આગવી દૃષ્ટિ ગુમાવી નથી. તેમણે વિચાર્યું છે કે ‘શ્રીરામકૃષ્ણ એ એવા વર્ગના માણસ હતા કે જે વર્ગની હસ્તી હિન્દુસ્તાનમાં હરહંમેશ રહી છે.’ ‘પણ’, તેઓ લખે છે : ‘એમણે એવી ઘણી વસ્તુઓ નિહાળી છે કે જે બીજાઓએ નિહાળી નથી. જ્યાં કોઈને જરા પણ અંદેશો હોય તેવે ઠેકાણે પણ એમણે દિવ્યતાની હાજરી પારખી લીધી હતી.’

તો પછી શ્રીરામકૃષ્ણનો પ્રભાવ, આસપાસમાં અને તેમના સમકાલીન લોકોમાં શા માટે પડ્યો અને આજના આપણા જમાનાના લોકો ઉપર પણ એની જબરી અસર બધે કેમ વરતાઈ રહી છે? ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ જીવ્યા અને એમણે બંગાળી ભાષામાં ઉપદેશ આપ્યો. એ કાલખંડ કલા, સાહિત્ય અને સામાજિક સંસ્થાઓના અભિનવ સ્વરૂપનો તેમજ વૈચારિક પરિવર્તન વિષયક અતિતીવ્ર વાદ-વિવાદ અને ઊહાપોહનો હતો. હિન્દુ સુધારાવાદી આન્દોલકોએ હિન્દુસમાજ અને એના ધાર્મિક આચારવિચારોની કેટલીક બાબતો પર તીખા પ્રહારો અને હિન્દુધર્મની નવી સમજણનું એક મોજું ઊભું કરી દીધું હતું. સંસ્થાનવાદી પીડાકારી પ્રભાવ અને ખ્રિસ્તીધર્મ સાથેના વાદ-વિવાદોએ આ પ્રકારની વિચારપ્રક્રિયા-ક્રાન્તિ જન્માવી હશે. મૅક્સમૂલરે સંપાદિત કરેલ ઋગ્વેદની સંશોધિત આવૃત્તિ દ્વારા ભારતના પ્રાચીન ધર્મના સંશોધનને વેગ મળ્યો અને ભારતીય ધર્મ તરફનો લોકાદર વધ્યો.

શ્રીરામકૃષ્ણ રૂઢિગત સીધીસાદી ભક્તિની સાધના કરી અને જ્યારે કલકત્તાના સમાજના બુદ્ધિજીવી લોકો તેમને સાંભળવા માટે તેમના નિવાસસ્થાને ઊભરાવા લાગ્યા, ત્યારે આવી સીધીસાદી અને અબુધ દેખાતી ધાર્મિક સાધનાઓના સ્વરૂપની બાબતમાં સામાન્ય જનોમાં પણ શ્રદ્ધા અને આદર જન્મવા લાગ્યાં.

તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના સંદેશને જો સર્વત્ર સતત ફેલાવ્યો ન હોત અને તેમને નામે ‘રામકૃષ્ણ મિશન’ની સંસ્થા ઊભી કરી ન હોત તો શ્રીરામકૃષ્ણ આજે જેવા રહસ્યમય પુરુષ તરીકે પ્રભાવક ગણાય છે તેવા કદાચ ન ઓળખાયા હોત. શ્રીરામકૃષ્ણે આપેલાં ઉદાહરણો અને દૃષ્ટાન્તો જીવંત છે, અને મૅક્સમૂલરે લખેલ એમનું જીવન – ‘Ramkrishna : His Life and Sayings’ (રામકૃષ્ણ : તેમનું જીવન અને ઉપદેશો) જેની ૧૮૯૫ની સાલમાં ભારતમાં પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ છે તે જર્મન વૈદુષ્ય અને ભારતીય ધર્મ વચ્ચેનો એક આંતરસમ્બન્ધ સાધના સેતુ સ્વરૂપ બનેલ છે.

ગુણવત્તાવાળા સ્ત્રીશિક્ષણની આવશ્યક્તા છે

કલકત્તામાં શ્રીરામકૃષ્ણ શારદા મિશન સિસ્ટર નિવેદિતા સ્કૂલના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિશ્રી કે.આર.નારાયણે ગુણવત્તાવાળા સ્ત્રી-શિક્ષણનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે ‘દેશની સ્ત્રીઓને શિક્ષણ આપવાથી સમાજનું નવપરિવર્તન થશે. આઝાદીના ૫૦ વર્ષોમાં આપણા દેશે કન્યા કેળવણીની મોટી હરણફાળ ભરી છે પરંતુ ‘બધી જ બહેનો માટે શિક્ષણ’નો અંતિમ ધ્યેય હજુ સાકાર કરવાનો બાકી છે. આ દેશમાં નારી-શિક્ષણ આપતી ઘણી સારી શાળાઓ છે પણ બીજી ઘણી બધી શિક્ષણ સંસ્થાઓએ હજી એ મંઝિલે પહોંચવાનું બાકી છે. બંગાળમાં આવેલ નવજાગરણનો, ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ‘એમનો મુખ્ય આદર્શ હતો નારી-શિક્ષણ અને નારી-ઉન્નતિ. આ શિક્ષણકાર્યના મહાન પ્રણેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્ત્રી-શિક્ષણના એક મહાન પ્રવર્તક હતા.’ તેમણે આગળ બોલતાં જણાવ્યું: ‘પરદેશી શાસકો દ્વારા ભારતમાં આવેલી પરાધીનતાનું મૂળ કારણ નારીજગતની અવમાનના અને એમને શિક્ષણ આપવાનો કરેલો ઈન્કાર જ છે.’

સિસ્ટર નિવેદિતાએ સ્થાપેલી આ શાળાની વાત કરતાં તેમણે કહ્યું, ‘એમણે સૌ વર્ષ પહેલાં આ જ્ઞાન-દીપ પ્રગટાવ્યો હતો. સ્વામી વિવેકાનંદની હયાતીમાં – શ્રી શ્રીમા શારદાદેવીના વરદ્‌હસ્તે ઉદ્ઘાટિત થયેલ આ શાળા સિવાય બીજી કોઈ શાળા કે શિક્ષણ સંસ્થા પર આશીર્વાદની આટલી અમીવૃષ્ટિ થઈ નહીં હોય.’ આ શાળાના સંચાલન માટે રામકૃષ્ણ શારદા મિશનની સાધ્વીઓને અભિનંદન આપતાં તેમણે જણાવ્યું કે, ‘આવી શાળા છેલ્લાં સો વર્ષથી ચાલે છે એ વાતનો વિચાર કરવો એ પણ અત્યંત આશ્ચર્યજનક અને ઉત્કૃષ્ટ વાત છે.’ સાધ્વીઓ, શિક્ષણકારો અને પ્રાજ્ઞજનોની સભાને શ્રી શ્રીમા શારદાદેવીના આશીર્વચનની યાદ અપાવતાં કહ્યું હતું કે ‘એક સદી જૂની આ શાળાએ ‘આદર્શ બહેનો’ના ઘડતર દ્વારા નારી-શિક્ષણ અને નારીજગતમાં ઘણું મોટું પ્રદાન કર્યું છે, આપણાં પ્રાચીન શાસ્ત્રો’ સંસ્કૃત અને સંસ્કૃતિના શિક્ષણ દ્વારા અને આ બહેનોમાં ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોના શિક્ષણ અને સઘન વૈજ્ઞાનિક તાલીમ દ્વારા નારી શિક્ષણમાં આ સંસ્થાએ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. ગંદી-ઝૂંપડપટ્ટી વિસ્તારનાં બાળકોનાં શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમી શિક્ષણ દ્વારા આજુ બાજુના વિસ્તારની બહેનોની ઉન્નતિના ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વનું સુકાર્ય કર્યું છે. આ શાળાને આશા-ઉમંગ-આદર્શ છે અને એ એનો વારસો છે. એટલે આ દેશની આ પ્રથમ ફરજ બને છે કે આ શાળા નવા આધુનિક મકાનમાં શરૂ થાય એવી ખાતરી પણ આ દેશે કરાવવી પડશે. આથી જ, સમાજના વિકાસ માટે નારીજગત પોતાનું પ્રદાન આપી શકે એવી શક્તિ એમને મળે અને એ દ્વારા નારી-જગતની સેવા થઈ શકે.’

આ પહેલાં આ પ્રસંગે એક સ્મરણિકાનું વિમોચન કરતાં એમણે કહ્યું હતું કે જે શિક્ષણ ચારિત્ર્ય ઘડતર ન કરી શકે એ શિક્ષણની કશી જ કિંમત નથી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલશ્રીએ આ શાળાની બહેનોમાં નૈતિક મૂલ્યોનાં ઘડતરના શિક્ષણ માટે અને ઉચ્ચ વિદ્યાકીય ધોરણો જાળવી રાખવા માટે આ સંસ્થાને બિરદાવી હતી. આવી સંસ્થાઓને કારણે જ સ્ત્રીઓ સમાજમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવતી થઈ છે. એમણે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે આ શાળાની વિદ્યાર્થિનીઓ ગ્રામ્ય વિકાસમાં, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં વધુ ને વધુ રસ લેતી બને. આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ શારદા મિશનના જનરલ સેક્રેટરી પ્રવાજિકા શારદાપ્રાણાએ કહ્યું હતું કે સિસ્ટર નિવેદિતાએ સ્વામી વિવેકાનંદના ‘માનવ બનો અને બનાવો’ના શિક્ષણ-આદર્શ સાથે રાષ્ટ્ર ઘડતર કરવાનો ઉદ્દેશ્ય આપણી સામે રાખ્યો હતો. તેઓ ઇચ્છતાં હતાં કે બધા વિદ્યાર્થીઓ સ્વદેશભક્ત બને. અહીં વિદ્યાર્થિનીઓને પોતાની માતૃભૂમિની એક રાષ્ટ્ર તરીકે સેવવાનું શિખવવામાં આવે છે અને વિકૃત ઈતિહાસથી ખોટે માર્ગે દોરવાઈ ન જવાનું શિક્ષણ પણ અહીં મળી રહે છે.

(ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદના રૌજન્યથી)

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.