સ્વામીજી: આ વળી કઈ જગ્યા હશે? આવડું મોટું પ્રાંગણ! પણ આમાં કોઈ માણસ તો ક્યાંય નજરે પડતું નથી. અહીં તો એક વિચિત્ર રહસ્ય સમી શાન્તિ પથરાયેલી છે! આ જગ્યાએ ક્યાંક હોમહવન થતો હોય એવી મને ગંધ આવે છે પરન્તુ મંદિર ક્યાં? ઠીક, ગમે તેમ પણ અહીં થોડા દિવસ સુખદ આરામ લેવાનો પ્રયત્ન તો કરી લઉં! હું કેટલાય દિવસોથી ભૂખ્યો પણ છું અને થાકીને સાવ લોથપોથ થઈ ગયો છું.

(હાથમાં મોટી લાઠી ધારણ કરેલ એક પડછંદ પુરુષ પ્રવેશે છે)

પડછંદ પુરુષ: એય સાધુબાબા, આ જગ્યાએ તમે વળીક્યાંથી આવી ચડ્યા? બધા માણસોને આવવા માટે કંઈ આ જગ્યા નથી. સાધુબાબા, તમારે અહીં શું કામ છે? શું જોઈએ છે તમારે અહીં?

સ્વામીજી: સૌરાષ્ટ્રની આ સૂકીભઠ્ઠ ઝાલાવાડી ધરતી પર છેલ્લા કેટલાક મહીનાઓથી રખડી રખડીને હું ખૂબ થાકી ગયો છું. આ જગ્યા સાધકોની ભૂમિ લાગે છે. અહીં સાધના કરતા સાધકો દયાળુ હશે જ. મને ખાતરી છે કે મને આરામ કરવાની થોડી જગ્યા અને થોડુંક ખાવાનું થોડા દિવસો પૂરતું તો મળી જ રહેશે.

પડછંદ પુરુષ: (સ્વગત) આ સાધુ તો ખૂબ ભલોભોળો અને પવિત્ર પુરુષ છે. એ બિચારાને ખબર નથી કે એ કેવી ભયંકર જગ્યામાં આવી પડ્યો છે! ઠીક, ઠીક, ભલે થોડા જ વખતમાં તનેબધું ભાન થઈ જશે.

(કાળાં – લાલ કપડાં અને કાળી – લાલ પાઘડી પહેરેલા બે ભયંકર દેખાવવાળા બાવાઓ પ્રવેશે છે અને સ્વામીજી તરફ નવાઈભરી નજરે તાકી રહે છે)

પહેલો બાવો: (બીજા બાવાને -) એય, આપણે શોધી રહ્યા હતા એવો માણસ તો આ રહ્યો! આપણી ગુપ્ત સાધનામાં જોડવા માટે આવા જ પવિત્ર પુરુષનીજરૂર હતી. જો, ને ઠેઠ બચપણથી જ એ પવિત્ર હોય, એવું નથી લાગતું?

બીજો બાવો: ખરેખર, તમે સાવ સાચું કહ્યું. એક વિશિષ્ટ સાધના દ્વારા સત્તા અને ધન ભેગાં કરી લેવાની આપણી યોજના છે અને એવી સાધના આવા પવિત્ર પુરુષનો ભોગ માગે છે. બરાબર આવા જ પુરુષનું બલિદાન! ચાલો, ગમે તે રીતે એને પકડી પાડીએ. આ તક જવા ન જ દેવાય!

પહેલો બાવો: હા, હા, વળી આ શિકારને છોડાય જ નહિ ને! આપણે જો એના મગજને આ પવિત્ર જીવનમાંથી સ્ત્રી, દ્રવ્ય અને માલમિલકતના સાંસારિક ભોગવિલાસો તરફ ઢાળી દઈએ તો આપણી સાધના – પૂજા ફળીભૂત થઈ જવાની. ચાલો, ચાલો હવે પકડો એને.

બંને બાવાઓ: (સ્વામીજીને -) સાધુબાબા, ત્યાં કેમ ઊભા રહ્યા છો? પધારો, પધારો ને અમારા મંદિરમાં! આવો, આવો.

સ્વામીજી: આપનો આભાર, ભાઈઓ! હું ભૂખ્યો અને થાકેલો છું. મને આશા છે કે આપ મને થોડા દિવસ માટે આરામ કરવા નાનકડી જગ્યા અને થોડું ખાવાનું આપશો. સામાન્ય રીતે તો હું કોઈ એક જગ્યાએ ત્રણ દિવસ કરતાં વધારે વખત તો રોકાતો નથી. એટલે ભાઈઓ! ચોથે દિવસે તો હું આપની વિદાયલઈ લઈશ.

પહેલો બાવો: અરે, ચાર દિવસ જ શા માટે, સાધુબાબા? અમારી સાથે તમતમારે કાયમ જ રહી જાઓ ને! ખોરાક અને આરામ માટે આપને ભલા અહીં-તહીં ભટકવું શા માટે જોઈએ?

બીજો બાવો: અહીં આપને જીવનની બધી જસુખસગવડતાઓ મળી રહેશે. ખોરાક, આરામ અને જીવનની તમામ ભોગવિલાસની સામગ્રી અહીં આપને પ્રાપ્તથશે.

સ્વામીજી: વ્હાલા ભાઈઓ, શંકરની પરમશુચિતા, બુદ્ધના પરમધ્યાન અને મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણે કરેલા સાંસારિક ભોગવિલાસના પૂર્ણ ત્યાગ સિવાય મારે બીજા કશાનો કશો ખપ નથી.

પહેલો બાવો: આ રામકૃષ્ણ વળી કોણ છે? અમે રામ વિશે તો સાંભળ્યું છે, કૃષ્ણ વિશેય સાંભળ્યું છે, પણ આ રામકૃષ્ણ કોણ છે? રાજા રામે તો રાજવૈભવો માણ્યા હતા, કૃષ્ણે સેંકડો સ્ત્રીઓનું સુખ ભોગવ્યું હતું. એ બંને શું આપણા આદર્શ નથી?

સ્વામીજી: (સખ્ત અવાજે) ભાઈ, મને લાગે છે કે આધ્યાત્મિકતાના પંથમાં તમે હજુ બચ્ચું જેવા છો. મારા આદર્શો તમારા ખ્યાલો સાથે બેસે એવું લાગતું નથી. તો પણ તમારી વિનંતીને માન આપીને જેમ તેમ થોડોક વખત આરામ કરી લઈશ.

બીજો બાવો: થોડોક વખત નહિ, સાધુબાબા! તમારે હવે અહીં કાયમ રહેવું પડશે. સમજ્યા કે? જોઈ લો, આ દરવાજો હવે બંધ છે. તમે અમારા કેદી થઈ ચૂક્યા છો! હા… હા… હા… હા…!

પહેલો બાવો: નાસી છૂટવાનો પ્રયત્ન કરશો નહિ. દરવાજા પર મજબૂત સંત્રીઓ ખડા કરી દીધા છે. ત્યાં જતાં તમારી જિંદગી જોખમમાં મૂકાઈ જશે. હવે તો અહીં ખાઓ, પીઓ અને ખૂબ આરામ કરો.

બીજો બાવો: હા, સાધુબાબા! તમારી સાથે કરવાની હવે પછીની પૂજા માટે અમે જ્યાં સુધી પાછા તમને તેડવા ન આવીએ ત્યાં સુધી બસ ખાઓ-પીઓ અને આરામ કરો.

પહેલો બાવો: અને એ પૂજા તો ખરેખર તમને ખૂબખૂબ ખુશખુશાલ કરી દેશે. આ ચીંથરા જેવા ભગવાં લૂગડાંની દરકાર કરશો નહિ. થોડા જ વખતમાં તમને કોઈ અમીર ગૃહસ્થને છાજે એવો રેશમી પોશાક મળી જશે અને ગૃહસ્થજીવનની બધી મનોહરતાઓ માણવા મળશે. હા…હા…હા…સાધુબાબા, હવે પૂરેપૂરો આરામ કરો. તમે લગભગભોગભૂમિમાં આવી પહોંચ્યા છો, બસ, મોજ કરો હવે. માત્ર ભાગી છૂટવાની કોશિશ ન કરશો.

(બંને બાવાઓ હસતા હસતા જાય છે.)

(સ્વામીજી ઉદ્વિગ્ન દેખાય છે. મંચની પાસે – આગળ – આવે છે અને પ્રાર્થના કરે છે)

સ્વામીજી: અરે ભલા ભગવાન, આવી કપરી કસોટી? હે મારા ગુરુદેવ, આપના નામ પર મેં એકલપંડે રાજપૂતાનાનાં રણો ઓળંગ્યાં છે; આપની કૃપાએ તો એકલોઅટૂલો અને અકિંચન હું હિમાલય ખૂંદી વળ્યો છું. બધે ઠેકાણે આપે મારું રક્ષણ કર્યું છે અને શું આજે જ છેવટે ધર્મના અંચળા હેઠળ દંભ આચરનારા આ ભયંકર દુષ્ટોને હાથે આપ મને વિકૃત અને ભ્રષ્ટ થવા દેશો? હે મારા, ગુરુદેવ, મારા જીવનની શુચિતાનું રક્ષણ કરો, મને બચાવો. આજે આપનો આ પ્રિય શિષ્ય અત્યારે ભારે વિપત્તિમાં અને અસહાય અવસ્થામાં આવી પડ્યો છે.

(એક ફળ વેચતો નાનકડો છોકરો પ્રવેશે છે.)

(સ્વામીજી એકદમ ઊભા થઈ જાય છે. અને પૂર્ણ વિશ્વાસથીતેની સાથે વાતચીત કરે છે).

સ્વામીજી: વાહ, આ છોકરો આવી પહોંચ્યો! ચમત્કાર!

(છોકરાને -) આવ, આવ, મારા વ્હાલા બાળક, તું ભલા અહીં શું કરે છે?

છોકરો: સાધુબાબા, હું તો અહીં ફળ વેચવા અવારનવારઆવ્યા જ કરું છું. અહીં તમે શું કોઈ નવા બાબાજી છો? પણ તમે તો કોઈ જુદીજ જગ્યામાંથી આવ્યા હો, એમ જણાય છે. તમે ભલા અહીં કેવી રીતે આવી ચડ્યા? અહીં તો સામાન્ય રીતે દિવસ દરમિયાન કોઈજ આવતું નથી. હા, રાત્રે કેટલાક વિચિત્ર માણસો અહીં આવે છે, એવું મેં સાંભળ્યું છે ખરું.

સ્વામીજી: હું એક પરિવ્રાજક સાધુ છું. હું અહીં આરામ લેવા આવ્યો, પણ અહીં ભારે મૂંઝવણ છે. મને લાગે છે કે આ જગ્યાના લોકો મને ખૂબ નુકસાન પહોંચાડવાની પેરવી કરીરહ્યા છે. આ જગ્યામાંથી મારો છૂટકારો કરાવવામાં તું મને મદદ કરીશ, ભાઈ?

છોકરો: તમે અહીંથી બહાર નીકળવા ઇચ્છો છો નેસાધુબાબા? (છોકરો બારણા તરફ જુએ છે.) (પેલો પડછંદ પુરુષ આવ જા કરે છે.) (છોકરો ગુસપુસ કરતો હોય, એમ બોલે છે -) બારણાં બહાર તો મજબૂત સંત્રીઓ પહેરો ભરી રહ્યા છે. તેઓ કોઈને પણ અહીં આવવા કે અહીંથી જવા દે એમ નથી. આ મકાનમાં પણ ઘણાય માણસો મોજૂદ છે. જો કે મેં તેમને જોયા નથી, પણ ફક્ત તેમની ગુસપુસ કેટલીકવાર હું સાંભળું છું. બહાર તો માત્ર એમના સરદારજી જ નીકળે છે અને મારી પાસેથી ફળો ખરીદે છે. મેં સાંભળ્યું છે કે મધરાતના ઘોર અંધારાંમાં તેઓ કશીક પૂજાવિધિ કરે છે, અને આ લીંબડી ગામનું કોઈ કરતાં કોઈ માણસ, તેઓ શું કરે છે, તે જાણતું નથી. અહીંનામાણસો તેમનાથી ડરે છે.

સ્વામીજી: (સ્વગત) આ છોકરો સાવ સાચું કહે છે. હુંખરેખર બંદી બની ચૂક્યો છું. આ લોકો તો ઘોર કર્મકાંડ કરનારા છે. હા, તેઓ પોતાના સ્વાર્થ માટે અન્યની હત્યા પણ કરી શકે છે. તો હવે? હવે શું કરવું? આનો ઉપાય શો? (એકાએક શ્રદ્ધાપૂર્વક) મારે શ્રદ્ધા ન ગુમાવવી જોઈએ – (છોકરાને -) પ્રિય બાળક, તું મને મદદ કરીશ કે?

છોકરો: કેવી જાતની મદદ‚ સ્વામીજી? હું ચોક્કસ પ્રયત્ન કરીશ. આપ મુસીબતમાં ફસાયા હો એવું લાગે છે. આપની મદદ કરવા માટે હું મારાથી બનતું બધું જ કરી છૂટીશ.

સ્વામીજી: તું લીંબડીના મહારાજા પાસે મારી એક ચિઠ્ઠીપહોંચાડી દઈશ?

છોકરો: હું જરૂર પ્રયત્ન કરીશ, સ્વામીજી, મહારાજાના પોલિસના માણસો તો મને અંદર ઘૂસવા નહિ દે, પણ લીંબડીના બધા જ લોકો જાણે છે કે મહારાજા ખૂબ ભલા અને દયાળુ પુરુષ છે.જરૂર, આપ મને ચિઠ્ઠી આપો. આપને માટે હું બનતું બધું જ કરીશ.

સ્વામીજી: (બારણા પાસે જાય છે, ભાંગેલા કૂજાનો ત્યાં પડેલો એક ટુકડો લે છે, અને એના ઉપર કોલસાથી થોડીક લીટીઓ લખે છે. અને એ ટુકડો છોકરાને આપે છે). છોકરા, મારા લખાણ સાથેનો આ કૂંજાનો ટુકડો લે અને મહારાજાના મહેલ તરફ દોટ મૂક. અને જેમ બને તેમ જલદી મહારાજાને પહોંચાડી દેવાની બનતી બધી મહેનત કર. નહિતર કદાચ ફરીવખત મને જોઈશ શકીશ નહિ.

(છોકરો સ્વામીજીનાં ચરણોમાં પ્રણામ કરે છે.

સ્વામીજીની રજા લઈને બારણાની બહાર દોડી જાય છે)

સ્વામીજી: હે પ્રભુ, આ બાળકની રક્ષા કરજે. પરિવ્રાજકસંન્યાસી એવા આ તારા બાળકને – મને બચાવજે. આજે ભગવાનને નામે ભોગવિલાસો અને ધનદોલત પાછળ દોડતા આ ભયંકર ડાકુઓના સકંજામાં એકલો-અટૂલો અને નિ:સહાય બનેલો હું ભયભીત બની રહ્યો છું.

(સ્વામીજી આજુબાજુ નિહાળે છે)

ઓહ, આ ઓરડો ખાલી છે. તો ત્યાં હું જરીતરી આરામ લઈ લઉં અને પ્રભુને પ્રાર્થના કરી લઉં. હવે તો પ્રભુ જ મારો ભેરુ બની શકે અને મને બચાવી શકે તેમ છે.

(ઊંડા ચિંતનમાં ડૂબેલા સ્વામીજી જાય છે)

(ક્રમશ:)

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.