૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ  ‘Bioethics for Science and Technology – A Hindu perspective’ પ્રવચનનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

જૈવિક-નીતિશાસ્ત્ર વિશે આંતરરાષ્ટ્રીય પરિષદ શા માટે? લોક સુખેદુ:ખે જીવે છે, એકબીજાનો શિકાર કરે છે, એકબીજાના લોહીમાંસને આધારે નભે છે, જીવવા અને જણવા માટે, ઇન્દ્રિયતૃપ્તિ માટે અને વંશવેલો ચાલુ રાખવા માટે લોક જીવે છે. કંપ્યુટર, ઈંટરનેટ, વિજ્ઞાન અને ટેક્‌નોલોજીને કારણે આવેલી માહિતી-ક્રાંતિ દ્વારા જગત વિશ્વગ્રામ બની ગયું છે ત્યારે, આજના યુગમાં, ટકી શકે તેવી વૈશ્વિક સંસ્કૃતિ સર્જવા માટે આપણે મનુષ્યોને  જૈવિક-નીતિશાસ્ત્ર વિશે વૈશ્વિક પરિષદની આવશ્યક્તા છે.

જૈવિક-નીતિશાસ્ત્રના તંત્રની વૈજ્ઞાનિકોને શી જરૂર ? કારણ, નીતિશાસ્ત્રનો હેતુ છે ઉચ્ચતર માનવો અને ઉચ્ચતર કક્ષાની સંસ્કૃતિ સર્જવાનો. ક્રાઈસ્ટોને અને બુદ્ધોને અથવા, વૈશ્વિક માનવ બનનાર આઈન્સ્ટાઈનને અથવા, માનવઅસ્તિત્વની માનવાતીત, ઇન્દ્રિયાતીત કક્ષાને આંબવા માટે લોકોને પ્રેરનાર મહાન વૈજ્ઞાનિકો, કલાકારો, ચિત્રકારો, લેખકો અને ફિલસુફોને પેદા કરનાર સમાજ તે સૌથી વધારે નૈતિક સમાજ. સને ૧૮૯૫માં પોતાના હાર્વર્ડ યુનિવર્સિટીમાંના પ્રવચનમાં, અર્વાચીન યુગના હિન્દુ ધર્મના શ્રેષ્ઠ અર્થઘટક સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘માનવીમાં નિહિત દિવ્યતાનું પ્રાગટ્ય તે જ સંસ્કૃતિ.’ નવાં નવાં યંત્રો બનાવવાં કે, બેન્જામિન ફ્રેન્કલિને કહ્યા પ્રમાણે, ‘ઓજાર બનાવતાં પ્રાણી’ તરીકે મનુષ્યનો પ્રક્ષેપ કરવો તે સંસ્કૃતિ નથી. એલ્વિન ટોફલરે કહ્યા મુજબનું ‘આર્થિક પ્રાણી’ પણ તે નથી તેમજ, આજની ભોગપ્રધાન સમાજ જે ઇન્દ્રિયજન્ય આનંદને પૂરો પાડે છે તેની પાછળ દોડતું અને ગુનાહિત માનસ તથા ઉદાસિનતાથી પીડાઈ અંતે આત્મહત્યા તરફ વળતું, ફ્રોઈડિયન ઇન્દ્રિયબદ્ધ પ્રાણી પણ નહીં.

સંસ્કૃતમાં, જ્ઞાનની ઉત્કૃષ્ટતાને વિજ્ઞાન કહેવાય છે  વિજ્ઞાન વૈશ્વિક સત્યોની શોધ કરી જ્ઞાન વૃદ્ધિ કરે છે. જ્ઞાન શા માટે? ક્રાઈસ્ટ અને બુદ્ધની સંગોપિત અનંત શક્તિને પ્રગટ કરી શકે તે માટે ઉચ્ચતર મનુષ્યોની ઉત્ક્રાંતિ માટેનું જ્ઞાન.  सा विद्या या विमुक्तये, એમ હિન્દુ ધર્મ કહે છે, અર્થાત્‌, માનવીમાં રહેલા ઈશ્વરને મુક્ત કરે તે વિદ્યા. आत्मनं विद्धि- જાતને ઓળખ – એમ હિંદુ ધર્મ સતત કહે છે. ધ ફિનોમિનન ઓફ મેન નામના પોતાના તેજસ્વી પુસ્તકમાં પિયેર તૈલહાદે શાર્દેં એ જણાવ્યા પ્રમાણે, જગતના તારણહાર બુદ્ધ માનવ અને ખ્ર્રિસ્ત માનવ સર્જવાનો માનવ-ઉત્ક્રાંતિનો ઉદ્દેશ છે, જગતના હણનારાઓ સર્જવાનો નહીં. સૂક્ષ્મતર જીવ અમીબા ક્રાઈસ્ટમાં ઉત્ક્રાંત થાય છે કારણ માનવઉત્ક્રાંતિનો છેડો ખ્ર્રિસ્તોત્ક્રાંતિ (Christogenesis) છે. સર જુલિયન હક્સલીએ કહ્યા પ્રમાણે, માનવઉત્ક્રાંતિ ‘જૈવિક નથી પણ મનોસામાજિક છે.’

(૧૯૮૨નો) શિક્ષણ વિષયક યુનેસ્કોનો એજ્યુકેશન ટુ બી શીર્ષક ધરાવતો અહેવાલ હક્સલીને ટાંકતાં કહે છે કે, ‘પૃથ્વી પરની ઉત્ક્રાંતિના નેતા બનવું’ તે માનવીનું કાર્ય છે. એ અહેવાલ કહે છે કે, ‘માનવીની શારીરિક, બૌદ્ધિક, ચૈતસિક અને નૈતિક શક્તિઓને પૂર્ણ માનવમાં સુગ્રથિત કરવી તે શિક્ષણના ધ્યેયની વિશાળ વ્યાખ્યા છે.’ હિન્દુ ધર્મ એથી આગળ વધે છે અને કહે છે કે, સાદા નીતિમાન મનુષ્યની ઉત્ક્રાંતિ મનુષ્યજાતિના વૈશ્વિક નીતિમાન પ્રેમીમાં થવી જોઈએ. સમસ્ત અસ્તિત્વની તાત્ત્વિક એક્તા સર્વ નીતિશાસ્ત્રનો આધાર છે. એટલે, આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સમગ્ર મનુષ્યજાતને લાગુ પડતા વૈશ્વિક નીતિશાસ્ત્રની આધારશીલા છે. આધ્યાત્મિક શિક્ષણની વ્યાખ્યા યુનેસ્કોએ આપી નથી. હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે મને કહેવાની ફરજ પડે છે કે, માનવી તત્ત્વત: આત્મા છે – અભૌતિક અનંત, સાન્ત દેહમાં રહેલો દિવ્ય આત્મા – બાઈબલ કહે છે કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી ભીતર છે અને, સુફી ઈસ્લામ કહે છે, ‘અનલ હક’ (ઈશ્વરરૂપી સત્ય હું છું). વૈયક્તિક આત્મા વૈશ્વિક આત્મા સાથે એકરૂપ જ છે – આ પ્રાચીન હિન્દુ વિચાર છે. ‘માઈન્ડ એન્ડ મેટર’ અને ‘માઈ વ્યૂ ઓફ ધ વર્લ્ડ’ના લેખક નોબેલ પારિતોષિક વિજેતા સ્રોડિંજર જેવા અર્વાચીન વૈજ્ઞાનિકોનું પણ એ જ તારણ છે. અર્વાચીન પદાર્થ વિજ્ઞાનમાંથી આ સત્ય નિષ્પન્ન થાય છે તેમ, જોર્જ વોલ્ડ અને જ્યોફ્રે ચ્યૂ જેવા અનેક વૈજ્ઞાનિકો સ્વીકારે છે. વૈજ્ઞાનિકો ધાર્મિક માન્યાતાઓને હડસેલી શકે, વૈજ્ઞાનિક સત્યોને નહીં. ગુરુત્વાકર્ષણના વૈશ્વિક નિયમને અવગણીને કોઈ હવામાં ચાલવાનું નક્કી કરે તો તે તરત મોતને ભેટવાનો. અણુમાંની (અને માનવીમાંની) અનંત શક્તિનો વિજ્ઞાન અસ્વીકાર કરે તો, એને નિષ્ફળતા જ વરવાની.

દરેક આત્મામાં દૈવી શક્તિ રહેલી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ભીતર રહેલી આ દિવ્યશક્તિને પામવી તે ધ્યેય છે. જ્ઞાનના બે મહાન હેતુઓને હિન્દુ ધર્મ પ્રબોધે છે : વિજ્ઞાન અને ટેક્‌નોલોજી દ્વારા બાહ્ય પૂર્ણતા અને ઉચ્ચતર જ્ઞાન દ્વારા આંતરિક પૂર્ણતા. મનુષ્ય પાસે આ બે પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ (द्वे विद्ये वेदितव्ये परा च एव अपरा च) એમ મુણ્ડક ઉપનિષદ કહે છે. આ બેમાં વધારે અગત્યની છે परा विद्या; એના દ્વારા અનંત શક્તિનો આવિષ્કાર થાય છે.

આખા જગતનું કલ્યાણ સાધવું એ વિજ્ઞાનનું બીજું ધ્યેય છે. દુષ્કાળનો સામનો કરી શકે અને રોગનો પ્રતિકાર કરી શકે તેવી ઘઉંની જાતની શોધ માટે મેક્સિકોના રણમાં ઉજાગરાભરી રાતો કાઢનાર ડો. નોર્મન બોર્લોગ સાથેની વાત મને યાદ આવે છે. એમને ફતેહ મળી અને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અપાયો અને, દુનિયાના અર્થશાસ્ત્રીઓએ ભાખ્યા પ્રમાણે દુનિયાની ત્રીજા ભાગની વસતિને તેમણે દુકાળમાંથી ઉગારી. વિજ્ઞાનની આ કીર્તિ અને સુંદરતા છે. રોકફેલર ફાઉંડેશનની આર્થિક સહાયથી એમણે કામ કર્યું હતું. હિન્દુ સંત સ્વામી વિવેકાનંદે રોકફેલરને પ્રેરણા આપી હતી એમ બોર્લોગને મેં જાણાવ્યું ત્યારે, એ અતિ આનંદિત થયા હતા.

વૈયક્તિક જીવનમાં સુખ નથી એમ હિન્દુ ધર્મ વારંવાર પોકારે છે. પછી ભલે એ જીવન ગમે તેટલું સારું હોય પણ, વિશ્વ સાથે વ્યક્તિ અવિચ્છિન્ન રીતે જોડાયેલી હોઈ, આખી માનવજાત માટે સમગ્રપણે જીવવામાં સુખ છે. ભગવદ્‌ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, ‘સૂત્રમાં મણિ પરોવેલા હોય તેમ, આખા વિશ્વમાં હું ઓતપ્રોત છું.’ છાન્દોગ્ય ઉપનિષદે જણાવ્યા પ્રમાણે भूमा एव सुखम्, અર્થાત્‌, સમગ્ર માનવજાત માટે વ્યક્તિ જીવતાં શીખે તો જ, વ્યક્તિને કે રાષ્ટ્રને સુખ તૃપ્તિ, શાંતિ સાંપડે. વિજ્ઞાન માટેના જૈવિક – નીતિશાસ્ત્રનો આખો સવાલ હિન્દુ ધર્મના પરિપ્રેક્ષ્યમાં બે પાયાની બાબતો પર અવલંબે છે :

(૧) ઉચ્ચતર ઉત્ક્રાંત મનુષ્યોને સર્જવામાં વિજ્ઞાન સહાયક બને છે કે ફ્રેન્કિન્સ્ટિન જેવા બળવાન દૈત્યો એ પેદા કરે છે?

(૨) માનવજાત સમસ્તના કલ્યાણનું કાર્ય વિજ્ઞાન કરે છે કે, મનુષ્યજાતિનો ભોગો માત્ર એક રાષ્ટ્ર, એક જાતિ, એક સમુદાયનું હિત એ સાધે છે?

આપણા બધા વૈજ્ઞાનિક સંશોધનને, નિરીક્ષાને, પ્રાપ્ત થતી માહિતીને અને શોધોને આ હેતુઓ માટે કામે લગાડશું ત્યારે જ, જૈવિક-નીતિશાસ્ત્રના નિયમોને આપણે અનુસર્યા કહેવાશું. એલ્મોગોર્ડોમાં પ્રથમ અણુબોમ્બના સફળ વિસ્ફોટને સમયે, એના બનાવનાર કેરબિર્ટ ઓપન હાઈપરના મુખમાંથી, ઈશ્વરની કાંતિને સહસ્ર સૂર્યોની કાંતિ સાથે સરખાવવામાં આવી છે તે ગીતાનો શ્લોક સરી પડ્યો હતા. ઓપન હાઈમરના નેતૃત્વ હેઠળની વૈજ્ઞાનિકોની ટુકડીને સન્માનવા એક ખાસ સમારંભ રાખવામાં આવ્યો હતો. એણે જોયું કે એ સમારંભ ‘મોટો ધબડકો’ હતો. એક શાંત મગજનો વૈજ્ઞાનિક અચાનક ઊભો થઈ આગળ આવ્યો અને ઉલટી કરવા લાગ્યો. દિઙ્‌મૂઢ થયેલા ઓપનહેમરે લખ્યું કે, ‘પ્રતિક્રિયા આરંભાઈ ચૂકી છે. ઉષ્ણ-અણુ યુગમાં પ્રવૃત્ત વૈજ્ઞાનિકો માટે, પ્રથમ અણુ વિસ્ફોટ પછીનું એનું પ્રવચન નીતિ અને નીતિશાસ્ત્ર માટેનો બુલંદ અવાજ છે : ‘પણ એક બીજી બાબત પણ છે; અમે પણ માણસો છીએ, અન્ય માનવબંધુઓ પરના અમારા આધારને અમે ભૂલી શકીએ નહીં. વિજ્ઞાનનું મૂલ્ય માનવજગતમાં સ્થાપિત હોવું જોઈએ, બધાં જ મૂલ્યો તે ભૂમિમાં છે તેની ઉપર અમારો ગહન નૈતિક આધાર છે તેમ જ હું કહેવા માગું છું. આ મૂલ્યો જગતમાં અતિ દૃઢ છે, આપણને (અણુ વૈજ્ઞાનિકોને) એકમેક સાથે બાંધતાં મૂલ્યો કરતાં પણ દૃઢતર, આપણા માનવબંધુઓ સાથે આપણને બાંધતાં એ ગહનતમ મૂલ્યો છે.

ધર્મની હિન્દુ વિભાવના

બૃહદારણ્યક ઉપનિષદમાંની એક સુંદર કથા અનુસાર, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોને સર્જ્યા પછી પણ બ્રહ્માને સંતોષ ન થયો. અંતે એમણે ‘ધર્મ’નું સર્જન કર્યું. બૃહદારણ્યક ઉપનિષદ (૧.૪.૪) કહે છે : ‘ધર્મ કરતાં, ન્યાયનીતિ કરતાં કશું મહત્તમ નથી. (એટલે) રાજા સાથે પણ કામ પાડતાં, નબળો મનુષ્ય પણ, ધર્મ દ્વારા વિજયની આશા રાખે છે. એ નીતિમત્તા જ સત્ય છે.’

હિન્દુ ધર્મના પ્રાચીન સ્મૃતિકાર મનુએ મનુસ્મૃતિ લખી છે. રક્ષા માટે પૂરતી તજવીજ કરીને રાજાએ દેશની રક્ષા કરવી જોઈએ તેમ મનુ કહે છે. પોતાના રાજ્યમાંથી હિંસાને સમૂળી દૂર કરનાર રાજાને પરમ આદર પ્રાપ્ત થાય છે (૮ : ૩૮૬-૮૭). રાજાની સજા સૌને સીધા રાખે છે, અંકુશમાં રાખે છે.. ખોટું કરનારાઓને સજા કરીને દુનિયામાં શિસ્ત જળવાય છે. (૭ : ૧૮-૨૨). ચોર અને દુષ્ટોને ચાબુકની, કેદની કે આકરી શારીરિક શિક્ષા થવી જોઈએ. (૮ : ૩૧૭-૩૨૩). દરેક ખૂનીને તત્કાળ મારી જ નાખવો જોઈએ. (૮ : ૩૫૦). સાચા આધ્યાત્મિક મનુષ્યને કદી ઈજા કરવી જોઈએ નહીં. (૮ : ૩૮૦-૩૮૧).

સ્રષ્ટાએ મનુષ્યજાતને ખાતરી આપી કે પોતે ધર્મ સર્જ્યો છે – બળવાન સામે નિર્બળને રક્ષણ આપતા કાયદાઓ કે નૈતિક તંત્ર તે ધર્મ. વૈદિક ધર્મે વર્ણવ્યા પ્રમાણે,  ऋतम् -નો ભંગ કરી શકાય નહીં. એનો ભંગ આત્મહનન છે. નિર્દોષ અતિથિ રાજા ડંકનની હત્યા કરીને, ઋતમ્‌નો ભંગ કરીને મેકબેથે આત્મનાશ નોતર્યો હતો. વૈદિક ધર્માનુસાર, પિતા, માતા અને આચાર્યની માફક અતિથિનો આદર પણ દેવ સમાન કરવાનો છે. હિન્દુ ધર્મના મહત્તમ અર્થકાર સ્વામી વિવેકાનંદે આ ઉપનિષદ-મર્યાદા વિસ્તારી કહ્યું હતું કે નવહિન્દુ ધર્મે પાપી, અજ્ઞાની અને દરિદ્રનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ અને તેમાં સ્થલકાલનાં, નાતજાતધર્મ રાષ્ટ્રીયતાનાં કશાં બંધન સ્વીકારવાં જોઈએ નહીં. સાન્તમાં આ અનન્તના, સર્વ મનુષ્યોમાં પરમાત્માના આ વૈશ્વિક આદરના આચાર ઉપર જ માનવ સંસ્કૃતિનું નવું નીતિશાસ્ત્ર-ધર્મશાસ્ત્ર-ઘડાવું જોઈએ.

બધાં પ્રાણીઓમાં, વનસ્પતિમાં અને અચેતન પદાર્થોમાં પણ એ જ ચેતના પ્રવર્તે છે એમ હિન્દુ ધર્મ કહે છે. નાનાં પશુઓ, મોટાં પ્રાણીઓ, જંગલી ચોપગાંઓ અને પંખીઓને પણ ઈજા પહોંચાડનાર માટે મનુ દંડની ભલામણ કરે છે (૮ : ૨૯૬-૯૮). બ્રેડફર્ડના બ્રિટિશ એસોસિએશન સમક્ષ, ૧૯૦૧માં, ભારતીય જીવવૈજ્ઞાનિક જગદીશચન્દ્ર બોઝે યુગપ્રવર્તક નિદર્શિત કર્યું હતું કે, ધાતુઓ પણ માનવસમ પ્રતિકાર આપે છે. શ્રમ, ઉદાસિનતા અને ઝેરી ઔષધોની અસરના પ્રતિકારરૂપે ધાતુઓ અને વનસ્પતિઓ પણ માનવસ્નાયુઓ જેવો જ પ્રતિકાર આપે છે તે નિહાળી વૈજ્ઞાનિકો આશ્ચર્યચક્તિ બન્યા હતા. મનુષ્યમાં, છોડોમાં અને ધાતુઓમાં પણ, એક જ ચેતના પ્રવર્તે છે. તેમ બોઝની શોધે નિર્વિવાદ પુરવાર કર્યું હતું. પોતાની શોધોનો સાર આપતા બોઝે કહ્યું હતું :

‘ધાતુઓ પરનાં પરિબળોના કાર્યની અનેક અન્વીક્ષાઓ કરતાં, સજીવ અને નિર્જીવ વચ્ચેની મર્યાદારેખાઓ લોપ પામતી જોઈને તથા બંને વચ્ચે સામ્ય જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું હતું.’

આ સર્વાંગીણ નીતિશાસ્ત્રનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરી શકીએ?

હિન્દુ ધર્મના અર્વાચીન સમયના ઋષિ શ્રીરામકૃષ્ણ આપણને કહે છે કે, માણસમાં, વાઘમાં, સાપમાં એમ દરેક પ્રાણીમાં ઈશ્વર રહેલો છે તે છતાં, આપણે વાઘને ભેટતાં નથી, એને દૂર જ રાખવો રહ્યો અને નિર્દોષ જીવો પર વાઘ તરાપ ન મારે એ માટે વાડ પણ ઊભી કરવી રહી. તેમજ શ્રીરામકૃષ્ણ આપણને પ્રબોધે છે કે, પાપીની હત્યા કરવાનું આપણું કામ નથી પરંતુ, પાપાચરણથી એ દૂર રહે તેનાં પગલાં ભરવાનું છે. એક સાપને એના ગુરુએ શીખવ્યું કે ‘તારે કોઈને કરડવું નહીં.’ સાપે કરડવાનું બંધ કર્યું એટલે લોકો એને નિર્દય રીતે મારવા લાગ્યા અને એને અધમૂવો કરી મૂક્યો, ગુરુ ફરી આવ્યા ત્યારે એમણે સાપને કહ્યું, ‘તું કરડતો નહીં એમ તને કહ્યું હતું પણ ફૂંફાડો પણ ન કરતો એમ કોણે કહ્યું હતું?’ વિરોધમય જગતમાં જીવવાનો મંત્ર સાપને સાંપડ્યો. વ્યવહાર્ય જીવન નીતિનો આ હિન્દુ અભિગમ છે.

નીતિશાસ્ત્રનો પાયો-એકતા

સર્વત્ર એક જ ચેતના પ્રવર્તે છે તેનો સાક્ષાત્કાર થતાં સમસ્ત વિશ્વ સાથે અવિચ્છિન્ન રીતે સંકળાયેલાં હોવાનું ઋષિઓને લાગ્યું. આવી અનુભૂતિ પછી જ સાચો પ્રેમ, બીજાંઓ માટેનો પ્રેમ ઉદ્‌ભવે છે. પછી જ ધર્મશાસ્ત્ર અને નીતિ અવતરે છે. સમગ્ર જીવનની અનુસ્યૂત એક્તાના જ્ઞાન પર જ ધર્મશાસ્ત્ર અવલંબે છે. પછી વિકસિત મનુષ્ય સર્વાંગીણ અસ્તિત્વ જીવન તરફ વળે છે. વિવેકાનંદે સમજાવ્યું છે કે :

‘તમારે બીજાંઓનું ભલું શા માટે કરવું જોઈએ? કારણ જીવનની એ શરત માત્ર છે. એના દ્વારા તમારા નાનકડા સ્વનો તમે વિસ્તાર સાધો છો; તમે જીવો છો ને વિકાસ પામો છો. બધી સંકુચિતતા, બધું સાંકડાપણું, બધો સ્વાર્થ કેવળ ધીમો આપઘાત છે.

પોતાની બધી ફિલસુફીની, પોતાના નીતિશાસ્ત્રની તાર્કિકતા, રેય્‌ઝોં દેત્ર (raison d’etra) શોધવા પાછળ વિજ્ઞાનનું જગત પૂરી ધગશથી પડ્યું છે. કોઈપણ માનવી ગમે તેટલો મહાન અને દિવ્ય હોય, તેના શબ્દને આધારે નીતિશાસ્ત્ર ઘડી શકાય નહીં, તાર્કિક ચિંતકોને નીતિશાસ્ત્ર માટેનો આવો બાબા-આધાર સ્વીકાર્ય નથી. નૈતિક અને ધાર્મિક સંહિતાઓ બંધનકર્તા બને તે માટે તેમને માનવાધાર કરતાં કશુંક વિશેષ જોઈએ છે. વિવેકાનંદના શબ્દો અનુસાર, ‘નીતિશાસ્ત્ર બંધન માટે એમને સત્યના સનાતન સિદ્ધાંતો જોઈએ છે. નીતિ અને ધર્મના આધારને આંબવા માટે, માનવી પાસે ઉચ્ચતમ દાર્શનિક અને શાસ્ત્રીય વિભાવના હોવી જોઈએ એમ વિવેકાનંદ ભારપૂર્વક કહે છે.

હિન્દુ ધર્મના વેદાન્ત દર્શનમાં જીવન અને વિશ્વના બે ઉચ્ચતમ સિદ્ધાંતો તરી આવે છે

૧. સાન્તની પૃષ્ઠભૂમિકામાં અનન્ત છે (આત્મા = બ્રહ્મ)

૨. જીવનની અને વિશ્વની આભાસી વિવિધતા પાછળ તાત્ત્વિક સર્વાંગીણ એક્તા અને આંતરસંબંધની સાંકળ રહેલ છે. (एकमेवाद्वितीयम्)

કોઈપણ સમાજ કે સંસ્કૃતિનો પાયો નીતિ-ધર્મ છે. નીતિ વિના જીવન જંગલના કાયદા જેવું બને. પોતાની જાતને બીજામાં જોઈએ એટલે નીતિની માંગ પૂરી થઈ જાય. ભગવદ્‌ગીતા (૧૩:૨૮) ઘોષિત કરે છે કે, ‘સર્વ ભૂતોમાં રહેલા ઈશ્વરને જે જુએ છે તે, આત્મસ્વરૂપ અન્યને ઈજા પહોંચાડતો નથી, તેથી તે પરા ગતિને પામે છે.’

હિન્દુ ધર્મના શિરોમણિરૂપ વેદાન્તદર્શન સાન્ત દેહમાં અનન્ત આત્માનો સાક્ષાત્કાર કરવાનું પ્રેરે છે અને પછી, સર્વત્ર એનું દર્શન કરવાનું કહી, બીજાઓમાં રહેલા આત્મવત્‌ પરમેશ્વરની અખંડ સેવામાં જીવન વ્યતીત કરવાનું કહે છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચે ભેદ જોનાર દ્વૈતવાદી ફિલસુફીઓ આ સર્વાંગીણ દર્શનને સ્વીકારી શકતાં નથી. શાસનકર્તા વ્યક્તિગત ઈશ્વર સત્કર્મનો બદલો સ્વર્ગમાં આપવાનું અને દુષ્કર્મ માટે નરકની શિક્ષા આપવાનું કહે તે ભલે અધર્મીઓને શિક્ષા અને ધર્મીઓને ઉત્તેજન આપે પણ, તેથી સમસ્ત માનવજાતિ માટે વૈશ્વિક પ્રેમ જાગે નહીં. દુર્ભાગ્યે, પોતાના સંપ્રદાયમાં નહીં માનનારાઓની હત્યા કરવાનું પણ કેટલાક ધર્મસંપ્રદાયોમાં વિકસ્યું હતું.

બધા જુડિયો -સેનેટિક ધર્મોના પાયારૂપ સિદ્ધાંતો, ‘તું કોઈની હત્યા કરજે મા’, ‘ચોરી ના કરજે’ છે. મુસા-મોઝીઝ – (moses) ની આજ્ઞાઓ છે. ઈસુનો બોધ શુદ્ધ ધર્મ તરફ વળ્યો અને મુસાની દસ આજ્ઞાઓને એણે બેમાં જ સમાવી દીધી.’

૧. તારા પ્રભુને તારા પૂરા હૃદયથી અને આત્માથી પ્રેમ કર.

૨. પોતાની જાતની જેમ જ તારા પડોશીને પ્રેમ કર.

નવજાત માનવશિશુને પોતાની માતા તરફથી આટલું વાત્સલ્ય શા માટે સાંપડે છે? કારણ આગલા દહાડા સુધી બંને એક હતાં. સંકુચિત રાષ્ટ્રભક્તિવાદી, રૂઢિવાદી અને હઠાગ્રહી મૂલ્યો નહીં પરંતુ, ધર્મ, પરોપકાર અને માનવતાવાદી સર્વ મૂલ્યોનો આધાર અસ્તિત્વની આ પાયાની એક્તાના સ્વીકાર પર રહેલો છે.

બધા મુખ્ય ધર્મોમાંના નીતિશાસ્ત્રનો પાયો જીવોની એક્તાનું આ સર્વાંગીણ દર્શન છે. જૈન ધર્મમાં પરોપકાર અને પરહિતચિન્તા સુખી જીવનના આધારરૂપ છે. बहुजनहिताय, बहुजनसुखाय, लोकानुकम्पाय, हिताय, अर्थाय, सुखाय, दैवमनुष्याणाम् (અનેકોના હિત માટે, સુખ માટે, અનુકંપા માટે, સામાન્ય જનો અને પૈસાદાર, સૌના સુખ અને હિત માટે) – આ દિવ્ય સંદેશ પોતાના નિકટના શિષ્યોને બુદ્ધે આપ્યો હતો.

ઈસ્લામના સુફી સંપ્રદાયના, અનલ શબ્દ (હું અલ્લાહનો ગુલામ છું) બોલને બદલે અનલ હક્‌ (હું અલ્લાહ હું) બોલમાં એ જ બોલ સંભળાય છે. જલાલુદ્દીન રૂમી કહે છે અનલ હક્‌ (હું નથી પણ એ જ છે) અલ્લાહ સિવાય બીજું કોઈ છે જ નહીં). એ નમ્ર્રતાની અને નીતિને નીચી ગણવાની પરાકાષ્ટા છે.’

વિજ્ઞાન આપણને અખંડ વિશ્વનું ભાન કરાવે છે

સાપેક્ષવાદી ભૌતિકશાસ્ત્ર દર્શાવે છે કે, ભૌતિક પદાર્થો સ્વતંત્ર અસ્તિત્વો નથી પરંતુ, પોતાના પર્યાવરણ સાથે, અર્થાત્‌, કહેવાતા ખાલી અવકાશ સાથે અવિચ્છિન્ન રીતે યુક્ત છે, એક પદાર્થોના ગુણધર્મો સમજવા માટે એ પદાર્થો સિવાયના જગત સાથેના એ પદાર્થોની આંતરક્રિયાની પરિભાષામાં જ સમજી શકાય છે. રૂઢ પદાર્થ વિજ્ઞાનને સાપેક્ષતાએ હડસેલી મૂક્યું છે; સાપેક્ષતાનું મુખ્ય લક્ષણ છે એકીકરણ : સ્થલ, કાલ, ઊર્જા, પદાર્થ સૌને અવિચ્છિન્ન સાતત્યમાં જોડવાનું. આ સ્થિતિને રોજર પેન્રોઝ કાળાંધાબાઓની અદ્વિતીયતા (‘singularity’ of the ‘black holes’) કહે છે; ઊર્જા-પદાર્થ, અવકાશ-સમય બધું, સ્થલકાલથી પરની એક્તામાં જોડાઈ જાય છે.

કાલ, સ્થલ, ક્ષેત્ર અને પદાર્થને આઈન્સ્ટાઈને એકસૂત્રિત કર્યા તો, હાઈઝન બર્ગના અચોક્કસતાના સિદ્ધાંતે (Uncertainty Principle) ઉપાણુ (subatomic) પદાર્થવિજ્ઞાનમાંની પરલક્ષી બહિર્દિશા વૈજ્ઞાનિકોના સ્વલક્ષી પરિમાણ સાથે અવિચ્છિન્નરૂપે સંકલિત છે તેમ પુરવાર કરી, મન પદાર્થના કાર્ટીઝિયન દ્વૈતને ભાંગી નાખ્યું. વાસ્તવ આજે પરલક્ષી નથી પણ સર્વલક્ષી (સ્વલક્ષી તેમજ પરલક્ષી) છે તેમ માલ્કમ ટાલ્બોટે પોતાના ગ્રંથ મિસ્ટિસિઝમ એણ્ડ ન્યુ ફિઝિક્સમાં જણાવ્યું છે.

રસાયણ શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર ઈલિયા પ્રિગોજિન, ‘ઓર્ડર આઉટ ઓફ કેઓસ’ નામના પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે : ‘મનુષ્ય અને પ્રાકૃતિક જગતના વચ્ચેના વિરોધથી આજનું સંશોધન આપણને વધારે ને વધારે દૂર લઈ જાય છે.’ ‘મારાં સંશોધનનો મુખ્ય હેતુ’, પ્રિગોજિન કહે છે, ‘મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ફાટ અને વિરોધ દર્શાવવાને બદલે, એ બંનેને લગતા આપણા જ્ઞાનમાં, વિકસતી જતી એક્તા દર્શાવવાનું છે.’

બેલના પ્રમેય પરના પ્રયોગથી ડેવિડ બોહ્‌મે દર્શાવ્યું છે કે, ક્વોંટમ ફિઝિક્સે શોધેલા જોડિયા કણો (Particles) અવકાશ જેટલા વિશાળ અંતરેથી પણ એકમેક સાથે તરત પ્રત્યાયન કરે છે. ડેવિડ બોહ્‌મ કહે છે : ‘સમગ્ર તંત્રમાં અને જે વિશાલતર તંત્ર અખિલ વિશ્વને આવરી લે છે તેમાં ઘટાડી જ ન શકાય તે રીતે પ્રવૈગિક સંબંધમાં અંશો. … નિકટતાથી સંકલિત જોવા મળે છે. આમ, જગતના વિભાજનના તરફ આપણને લઈ જવામાં આવે છે.’ બેઝિલ હાઈલી નામના બીજા પદાર્થવિજ્ઞાની સાથે બોહ્‌મ લખે છે કે, ‘પદાર્થ વિજ્ઞાનમાં અ-સ્થાનીય કાર્યકારણ સંબંધની પ્રાયોગિક જાંચ વિશ્વની અવિચ્છિન્ન એક્તાના નૂતન ક્રાંતિકારી અભિગમ ભણી આપણને લઈ જાય છે.’

દેવને માનવથી, એક માનવને બીજાથી, પદાર્થને સ્વીકારી, અને દેખીતી રીતે રાષ્ટ્રને રાષ્ટ્રથી અને ધર્મને ધર્મથી જુદી પાડતી પુરાણી દ્વૈતવાદી રૂપાવલીને સ્થાને, વિજ્ઞાનના આધાર તરીકે, ક્વોંટમ ક્રાંતિ (Quantum revolution) એ સર્વાંગીણ રૂપાવલી પ્રસ્થાપિત કરી છે એમ, કેન વિલ્બરે ૧૯૯૩માં લખ્યું છે. અનુસ્યૂત સત્યના એકેશ્વરવાદી નહીં પણ એકત્વવાદી દર્શનને એણે પ્રેર્યું છે…. ધ આઈ ઓફ શિવા નામના પોતાના ગ્રંથમાં એ. ડી. રેઈનકોર્ટ લખે છે કે, ‘આપણા યુગની, કદાચ, એ સૌથી આગળ પડતી ઘટના છે.’ ‘કદાચ એમ બને કે, આપણી સદીની બધી સામાજિક અને રાજકીય ક્રાંતિઓને ઢાંકી દે તેવા પરિમાણની મનોવૈજ્ઞાનિક અને શરીર વૈજ્ઞાનિક ક્રાંતિને ઉંબરે માનવજાત આજે ઊભી છે; દેખીતી રીતે મેળ વગરના પણ પૂર્ણપણે તાર્કિક એવા વિજ્ઞાન અને પૌરસ્ત્ય આંતરસૂઝો વચ્ચેના લગ્નથી એ સધાઈ છે.’

ગહનતમ હિન્દુ દાર્શનિક વિચારોને વાચા આપતાં, ૧૮૯૦માં, વિવેકાનંદે ઘોષિત કર્યું હતું કે, ‘અંતે તો, ચૈતસિક અને ભૌતિક, સમગ્ર વિશ્વ એક થઈ જશે. એ એક્તાની ખોજ ભણી આપણે જઈ રહ્યાં છીએ.’

વળી તેમણે કહ્યું હતું :

‘આ વિશ્વમાંહેનો એક અણુ પણ સમસ્ત વિશ્વને પોતાની સાથે ખેંચ્યા વિના ખસી શકે નહીં. સમગ્ર વિશ્વ પાછળ ખેંચાય નહીં ત્યાં સુધી કશી પ્રગતિ થઈ શકે નહીં. વળી એ હકીકત પણ રોજબરોજ વધુ સ્પષ્ટ થતી જાય છે કે, કોઈ પણ સમસ્યાનું નિરાકરણ જાતિ અગર રાષ્ટ્રની સંકુચિત ભૂમિકા ઉપર કદી ન થઈ શકે. પ્રત્યેક ભાવનાએ વિસ્તૃત થઈને સમગ્ર વિશ્વને આવરી લેવાનું છે. પ્રત્યેક આકાંક્ષાએ વિશાળતા ધારણ કરતાં, સમસ્ત માનવજાતને સમાવી લેવાની છે; અરે, પોતાના ક્ષેત્રમાં સમગ્ર જીવસૃષ્ટિને આવરી લેવાની છે.’

૧૮૯૦માં કરાયેલી આ આગાહીઓ અર્વાચીન વિજ્ઞાનની શોધો દ્વારા વધારે ને વધારે ચકાસાઈ રહી છે. અખિલ વિશ્વના આંતરસંબંધની અને, ચિત્ત અને પદાર્થ વચ્ચેના અવિચ્છિન્ન સંબંધ નવી રૂપાવલીમાં વૈજ્ઞાનિક જગતે કેવું તો પરિવર્તન કર્યું છે તે, ધ સ્ટ્રક્ચર ઓફ સાયંટિફિક રેવલ્યૂશન નામના, આજના યુગના અતિ અસરકારક પુસ્તકમાં, વૈજ્ઞાનિક એસ. કુહ્‌ન દર્શાવે છે.

(ક્રમશ:)

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.