(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

મધ્ય કલકત્તાની એક શેરીમાં એક માણસ રહેતો હતો, જે શરીરે છ ફૂટ ઊંચો અને પાતળો હતો, પણ કુસ્તીમાં અને દોડવામાં નંબર વન હતો. કંઈ કામધંધો કરતો નહીં. બાપ-દાદાનું એક મકાન હતું, એના ભાડામાંથી ગુજરાન ચાલતું હતું. આખો દિવસ ચોપાટ તથા પત્તાં રમવાં અને ગુંડાગીરી કરવી એ જ એની દિનચર્યા હતી. લગ્ન કર્યાં ન હતાં, એટલે બેપરવા હતો. વાતવાતમાં ક્રોધિત થઈ જતો અને જે તેની સામે થાય, તેના કાન કાપી લેતો. એની પર આવા સેંકડો કેસ થયા હતા. પરંતુ ખબર નહીં, કઈ ચાલાકીથી તે જેલમાંથી બહાર આવી જતો. કોઈ વાર ગયો પણ હશે, તો પણ બે-ચાર મહિના માટે અને પરત આવીને જેલમાં મોકલનારની તો હાલત ખરાબ કરી નાખી હશે.

એક વાર એ જ શેરીની નજીકમાં મા-કાલીની પૂજા થઈ રહી હતી. એના આયોજકોમાં એક સંન્યાસીના પરિચિત ઘણા લોકો હતા અને એના ઉપલક્ષ્યમાં દરિદ્રનારાયણની સેવા એટલે કે ગરીબોને ભોજન કરાવવાનું હતું. આ બધું કહીને સંન્યાસીને પણ આગ્રહપૂર્વક એમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યો હતો, જેનો સ્વીકાર કરીને એ ત્યાં ગયો હતો. એ પૂજા રાતે થાય છે અને આખી રાત ચાલે છે. આયોજકોમાંથી એક જણે આવીને સંન્યાસીને કહ્યું, ‘જુઓ, કાલી મૈયા જ રક્ષા કરે તો સારું! પેલો જે પડછંદ માણસ ઊભો છે, અમે એને કાનકટિયો કહીએ છીએ, એ વાતવાતમાં લોકોના કાન કાપી લે છે અને ભાગી જાય છે. બધા એનાથી ડરે છે. આજે આખી રાત પૂજા ચાલશે. જુવાનિયા મજાક-મસ્તી કરી રહ્યા છે, જો કોઈએ એની જરાક અમથી પણ મજાક કરી લીધી, તો સમજો કે કામ પતી ગયું, ચોક્કસ એના કાન કાપી લેશે.’

સંન્યાસી આ વાત સાંભળીને બહુ ચિંતિત થઈ ગયો — ‘અરે, આવું થાય તો મોટું વિધ્ન આવી પડશે.’ ફરી કંઈક વિચારીને તેને પોતાની પાસે બોલાવ્યો અને મધુર વાણીથી સંતુષ્ટ કરીને કહ્યું, ‘તમે થોડું ધ્યાન રાખજો, પૂજામાં કોઈ વિઘ્ન ન પડે. છોકરાઓ બધા મજાક-મસ્તીમાં પડ્યા છે. જો કોઈ ભૂલચૂક થઈ જાય, તો સંભાળી લેજો. તમે તો બધાને ઓળખો છો, તમારી દેખરેખ હેઠળ કાર્ય શાંતિથી પૂર્ણ થઈ જશે.’

કાનકટિયો સમજી ગયો કે સંન્યાસી એને શું કહેવા માગે છે. એણે હસીને કહ્યું, ‘તમે નિશ્ચિંત રહો, મારા કારણે કોઈ અશાંતિ ઊભી નહીં થાય.’

બધાને વિશ્વાસ હતો કે, જો એક વાર તેણે વચન આપી દીધું છે, તો ચોક્કસ પાલન કરશે. સવારે પૂજા સમાપ્ત થયા પછી બધા લોકો પ્રસાદ લઈને ચાલ્યા ગયા, રાતે એક વાર કાનકટિયો ચાલ્યો ગયો હતો, ત્યાર બાદ આવીને ચુપચાપ બેસી ગયો હતો, તેથી શાંતિપૂર્વક બધું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. દિવસ ઊગવાની થોડી વાર પછી પોલીસ આવી અને કાનકટિયાને શોધવા લાગી.

– ‘શું વાત છે?’

– ‘કાલે રાતે એણે એક જણનો કાન કાપી લીધો છે.’

– ‘અરે! તે તો અહીંયાં સવાર સુધી શાંતિથી બેઠો હતો, પણ હા, વચ્ચે એક વાર ક્યાંક ગયો હતો, ખબર નહીં શું કર્યું!’

સાંજે કાનકટિયો હાજર થયો. સંન્યાસીએ કહ્યું, ‘તમારા ગયા પછી તમને શોધવા માટે પોલીસ આવી હતી અને કાન કાપવાની ફરિયાદ સંભળાવી. શું આ વાત સાચી છે?’

“સાચી છે. મેં અહીંયાં કંઈ નથી કર્યું, એ તો એવું બન્યું કે રાતે હું મારા ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એક માણસ છાતી ફુલાવીને ચાલતો હતો. હૃષ્ટપુષ્ટ પહેલવાન જેવો લાગતો હતો, પણ શેરી વચ્ચે આ રીતે છાતી ફુલાવીને ચાલે, એ મારાથી કઈ રીતે સહન થાય! મેં કહ્યું, ‘કેમ, ભાઈ! આમ છાતી ફુલાવીને કેમ ચાલે છે, આ તો તારી શેરી નથી!’ એણે છાતી વધારે ફુલાવીને કહ્યું, ‘મજા આવે છે, ચાલીશ.’ ત્યારે મારાથી ન રહેવાયું. એનો કાન કાપી લીધો. આ રહ્યો કાન. આવા તો મેં ઘણા કાન કાપ્યા છે, પોલીસ મને ઓળખે છે. બે-ચાર દિવસ શોધશે, બસ.”

સંન્યાસીએ વિચાર્યું—આ માણસ સાથે આ બાબતે ચર્ચા ન કરવી જ ઠીક રહેશે, શાંતિથી કામ લેવું પડશે.

એને પૂછ્યું, ‘કેમ, ભાઈ! શું તમે કોઈ નોકરી-ધંધો કે રોજીરોટી માટે કોઈ કામકાજ નથી કરતા?

– ‘ના, પોતાનું મકાન છે, ભાડું આવે છે, બસ, એમાંથી જ ગુજરાન ચાલે છે. મારી મા અને હું—બસ, બીજું કોઈ નથી. જેટલું મળે છે, એટલું પર્યાપ્ત છે.’

– ‘તો એનો મતલબ કે તમે તમારી ઇચ્છાનુસાર સમયનો ઉપયોગ કરો છો… જુઓ, હું જોઉં છું કે આ શેરીમાં ગરીબોની વસ્તી છે, માંડ માંડ ગુજરાન ચલાવે છે. જો કોઈ બીમાર પડે, તો બહુ હેરાન થઈ જાય છે. દવા લેવા માટે દવાખાને જાય, તો પણ ડૉક્ટર કલાકો સુધી બેસાડી રાખે છેે. સરખી રીતે તપાસતા પણ નથી, ગરીબ હોવાથી તુચ્છતાની દૃષ્ટિએ જુએ છે. પહેલાં આ દેશમાં ગરીબ હોવું એ કોઈ ગુનો ન હતો, પરંતુ યુરોપીય ભાવનો બહુ પ્રસાર થવાથી, હવે ગરીબીને એક અપરાધ માનવામાં આવે છે. એટલે, તમે જે કોઈ બીમાર હોય, અસહાય હોય, એની થોડી સેવા કરો અથવા એમના પ્રત્યે હમદર્દી રાખશો, તો તેઓ ઉપકાર માનીને હંમેશાં તમારા ઋણી રહેશે અને તમને દેવતુલ્ય સમજશે. આમાં તો તમારે કંઈ ખર્ચ કરવાની પણ જરૂર નહીં પડે. ફક્ત સમય ખર્ચવો પડશે અને એ તો તમારી પાસે ઘણો છે. સ્વામી વિવેકાનંદજી દરિદ્રનારાયણની સેવા કરવાની વાત કહી ગયા છે અને તમારા તો ઘરની સામે જ ગરીબ ભાઈઓ છે. એમના પ્રત્યે થોડી દયાદૃષ્ટિ રાખીને કંઈક સેવા કરશો, તો બહુ ભલું થશે. તમે તો સમર્થ છો, ફક્ત આ તરફ જરા દૃષ્ટિ કરશો, તો લોકો બહુ આભારી રહેશે.’

‘જી હા, આ કામ તો હું આસાનીથી કરી શકું છું. આ શેરીમાં ડૉક્ટર છે, એની પાસે પણ સેવા કરાવી શકું છું, તેઓ બધા મને સારી રીતે ઓળખે છે (થોડું હસીને). હું તમને વચન આપું છું કે આજથી જ એ કામ શરૂ કરી દઈશ. આજ સુધી કોઈએ મને આ પ્રમાણે કહ્યું ન હતું. હવે હું સમજી ગયો છું, વધારે કહેવાની જરૂર નથી.’

‘બહુ સારું, મને વિશ્વાસ છે કે તમે તમારું વચન જરૂર પાળશો. તમે સવાર-સાંજ આંટાફેરા તો મારતા જ રહો છો, હવે જરા પૂછતા રહેજો અને જરૂરી મદદ કરીને માનવતા દેખાડજો. તમને જોઈને બીજા લોકો પણ શીખશે, કેમ, સાચુંને?’

‘જી હા, આ કામ તો બહુ આનંદપૂર્વક કરીશ. શેરીના બધા લોકો મને ઓળખે છે, એટલે આ કામ તો સહેલાઈથી થઈ જશે.’

ઘણાં વર્ષો પછી સંન્યાસીને ફરી એ શેરીમાં જવાનું થયું, ત્યારે પરિચિત લોકો મળ્યા અને કહ્યું, ‘તે કાનકટિયો તો હવે ગરીબ વસ્તીવાળા લોકો પાસેથી દેવતુલ્ય સન્માન મેળવે છે. કોઈ બીમાર છે, એવી જાણ થતાં જ તે અડધી રાતે પણ ડૉક્ટરને બોલાવીને સારવારની વ્યવસ્થા કરી દે છે, અને કોઈ ડૉક્ટરની હિમ્મત નથી કે તેને ના પાડી શકે. કાન ગુમાવવાના ડરે, સજ્જન માણસની જેમ બોલાવતાં જ તરત હાજર થઈ જાય છે. પૈસા આપે કે ન આપે, ડરના માર્યા કોઈ માગતા પણ નથી. ગરીબ લોકો તો ખૂબ આશીર્વાદ આપે છે, એ લોકોનું બહુ ભલું થયું. કોઈ મરી જાય તો કાનકટિયો અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી દે છે અને જો અર્થી ઉઠાવનાર ન મળે, તો પોતે જાતે ખભા પર ઊંચકીને અંતિમ સંસ્કાર કરી આવે છે.’

ખબર મળતાં જ કાનકટિયો પણ હસતા મુખે આવીને મળ્યો અને વિનયપૂર્વક પાસે બેઠો. સંન્યાસીએ કહ્યું, ‘મને રિપોર્ટ મળ્યો, ખૂબ આનંદિત થયો છું, આવું જ હોવું જોઈએ, ધન્ય છો તમે!’

કાનકટિયાએ ફક્ત એટલું જ કહ્યું કે, ‘મને માનવતાનો પવિત્ર માર્ગ બતાવીને, તમે હંમેશ માટે ઋણી બનાવ્યો છે. આમાં જ મને મારા જીવનની સાર્થકતા દેખાય છે, આશીર્વાદ આપો કે મારી બુદ્ધિ આ સેવા-કાર્યમાં સ્થિર રહે.’

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.