(‘કાદમ્બરી’ના અનુવાદક શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા, જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ‘ધ ઇમિટેશન ઑફ ક્રાઇસ્ટ’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો—‘ક્રાઇસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’. તેમની પ્રસ્તાવનામાં લખેલ વાતો અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

રાષ્ટ્રસેવામાં સર્વસ્વનું બલિદાન કરી દેનાર, દૂર સુદૂરના અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં જઈને ત્યાં સનાતન ધર્મનો વિજયધ્વજ ફરકાવનાર તથા ભારતીયો ભૌતિક સંપત્તિના એકત્રીકરણને જ માનવજીવનનું એકમાત્ર ધ્યેય ગણે છે, તેઓ પશુવત્‌ જીવન ગુજારે છે, તેઓ ભગવાન જગન્નાથના રથના પૈડા નીચે કચડાઈ મરવામાં જીવનની કૃતાર્થતા ગણે છે, તેઓ નિરીશ્વરવાદી છે, એવા અમેરિકાવાસી સમક્ષ લાંબા સમયથી પ્રવર્તતા અજ્ઞાનનો પડદો દૂર કરીને તેમને આપણા રાષ્ટ્રનું બીજું શુભ પાસું બતાવનાર બંગાળના વિદ્વાન યુવા સંન્યાસીના સંપર્કમાં આવવાનો મને વિશેષ અધિકાર પ્રાપ્ત થયો હતો. સ્વામીજીએ અમેરિકાવાસીઓને આપણા પ્રાચીન આર્ય-વારસાનો, પ્રાચીન મહર્ષિઓના મહાન ઉપદેશોનો, વેદ-વેદાંત જેવાં અપ્રતિમ શાસ્ત્રોના જ્ઞાનભંડારનો બોધ કરાવ્યો. આ પ્રકારે સ્વામીજીએ તેમનામાં આર્યપ્રજા પ્રત્યે સ્નેહ, ભ્રાતૃભાવ અને સમાનતાની લાગણી પેદા કરી. તેમણે પાશ્ચાત્ય લોકોમાં આપણા સનાતન ધર્મનાં શાસ્ત્રોનું અધ્યયન કરવાની ઉત્સુકતા જગાડી હતી, ઘણી (વેદાંત) સમિતિઓની ત્યાં સ્થાપના કરીને હજારો વિદેશીઓને ધાર્મિક દૃષ્ટિએ ભારતીય બનાવ્યા હતા. દૂર-સુદૂરના દેશોમાં વેદોનો ધ્વજ ફરકાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ નામના આ નેતાનું નામ એટલું તો પ્રસિદ્ધ હતું કે તેમનો પરિચય આપવો એ આંખે દેખાતા માનવોને સૂર્યનો પરિચય કરાવવા જેવું છે.

એ મહાન સંન્યાસીએ જૂનાગઢના મહાન દીવાન હરિદાસભાઈ દેસાઈનું આમંત્રણ સ્વીકાર્યું અને અમેરિકા તથા ઇંગ્લેન્ડ જતાં પહેલાં ત્યાં થોડા દિવસ રોકાયા. તે વખતે આ લેખના લેખકને સ્વામીજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનો અવર્ણનીય અવસર મળ્યો હતો. તેમને જોતાંવેંત તેમની ભવ્ય, તેજસ્વી અને હૃષ્ટપુષ્ટ દેહયષ્ટિએ તેમના પ્રત્યે પ્રેમભાવ જગાડ્યો. તેમની વાણીની મધુરતા, તેમની પ્રાકૃતિક વાક્‌છટા, તેમનું સ્વર્ગીય દિવ્યગાન, તેમનું અહંકારરહિત વ્યક્તિત્વ—આ બધા સદ્‌ગુણો એવા આકર્ષક જણાતા હતા કે તેમને મળીને તેમના સંગમાં રહ્યા બાદ કોઈ પણ વ્યક્તિ ભાગ્યે જ તેમનો પ્રેમભાજન નહીં થયો હોય! આ સંસ્મરણના લેખકને લગારેય ખ્યાલ ન હતો કે એક સંન્યાસી અંગ્રેજી ભાષામાં નિપુણ હોય. જ્યારે તેણે સાંભળ્યું કે સ્વામી વિવેકાનંદ અંગ્રેજી જાણે છે ત્યારે તે આશ્ચર્યવિમૂઢ થયા હતા. વળી તે સમયે મોટા ભાગના સ્નાતકો નિરીશ્વરવાદી હતા, ત્યારે તેણે વિચાર્યું કે અંગ્રેજી જાણનાર વ્યક્તિ કદાપિ સંન્યાસી ન બને. જો આ પથ કોઈ ધર્મ-સંકુચિત અને પ્રાચીન પરંપરાવાદી ભક્તોએ પસંદ કર્યો હોય તો માનવા યોગ્ય ગણાય. પરંતુ અંગ્રેજી ભણ્યા પછી સાધુ થવાનો વિચાર આવે તે સાવ અજુગતુ ગણાય, એવું એ સમયે મનાતું. આ મહાત્માએ (અમારા મનમાંથી) ઉપર્યુક્ત ગેરમાન્યતાને દૂર કરી.

ડરતાં ડરતાં અમે તેમને પૂછ્યું, “મહારાજ, તમે અંગ્રેજી જાણો છો?” તેમણે હસીને જવાબ આપ્યો, “હા, હું થોડુંક અંગ્રેજી જાણું છું.” કેવું અહંકારરહિત વ્યક્તિત્વ! થોડાક જ સમય પછી અમેરિકા જઈને ઘણા દેશોના અગ્રગણ્ય ધાર્મિક નેતાઓને ભગવાં વસ્ત્રધારીએ પોતાના મનોમુગ્ધકારી દેખાવથી દિઙ્મૂઢ કર્યા હતા તથા ગર્જન કરતા મેઘસમાન ગંભીર સ્વર તથા અંગ્રેજી ભાષા પરના અદ્‌ભુત પ્રભાવથી વિશ્વ ધર્મ પરિષદને જેણે સ્તંભિત કરી દીધી હતી તેવા આ મહાત્માની સાદગી તથા વિનમ્રતા નિહાળીને અમે વિસ્મિત થઈએ છીએ.

“હું આવ્યો, મેં જોયું, હું વિજયી બન્યો”, એ સૂત્રને ચરિતાર્થ કરતા તેમણે શ્રોતાવૃંદને દિગ્મૂઢ કર્યું હતું, એટલું જ નહીં; ધર્મપરિષદના અગ્રગણ્ય લોકો મધ્યે તથા સમગ્ર અમેરિકામાં સમાચારપત્રો દ્વારા આપણા પ્રાચીન ધર્મ આધુનિક રૂપે તથા સુગઠિત રીતે પ્રસ્તુત કરીને તેઓ સંત તરીકે મહિમાન્વિત થયા હતા.

સ્વામીજીના અગાધ સામર્થ્ય અંગે તત્કાલીન સમાચારપત્રોએ કરેલી નોંધો વર્તમાનકાલીન વિદ્વાનો માટે પણ વિચારણીય છે. લેખક તેને નિમ્નલિખિતરૂપે પ્રસ્તુત કરે છે:

તેમને ગમે તે પ્રકારના પ્રશ્ન પૂછાતા તો તેઓ વિદ્યુતવેગે પ્રત્યુત્તર આપતા. તેમનું અલૌકિક મન તત્ક્ષણ ઉત્તર આપતું અને જે કોઈ તેમને પ્રશ્ન કરતું તો તેમનો જવાબ ભાલાના પ્રહારની જેમ પ્રશ્નકર્તાના સંશયનો નાશ કરતો. શાસ્ત્રજ્ઞાનથી સમુજ્જ્વલ તેમની પરિપક્વ સમજશક્તિ, ગહનચિંતન અને અદ્‌ભુત હાવભાવ શ્રોતાવૃંદને મંત્રમુગ્ધ કરી દેતાં અને જનસમુદાય તેમના પ્રત્યુત્તરથી સંતુષ્ટ થતો. આ ભગવાં વસ્ત્રધારી સ્વામીજીને જેણે પણ એકવાર સાંભળ્યા છે તેઓ સ્વામીના મુગ્ધકારી દેખાવ, વાક્‌છટા, વાર્તાલાપ કરતી વખતની વિનમ્રતા અને વિષયવસ્તુને આમૂલ સમજવાની શક્તિ વગેરેથી એટલા બધા પ્રભાવિત થઈ જતા કે તેમનાં ભાષણ સાંભળવાનું ચૂકતા નહીં. ધર્મપરિષદના પ્રતિનિધિઓમાંથી જે વ્યક્તિનો સૌથી વધુ જયજયકાર થયો હતો અને શ્રોતાવૃંદ તરફથી જેમને વક્તવ્ય આપવા વારંવાર આમંત્રિત કરાતા હતા તે અન્ય કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતા.

તેમણે પોતાની સ્નાતક પદવી કલકત્તા યુનિવર્સિટીમાંથી મેળવી હતી અને જન્મજાત બુદ્ધિપ્રતિભાને કારણે તેમને દેશભરમાંથી સવિશેષ આત્મીયતા અર્જિત કરી હતી; આપણને આ બાબતની ખૂબ મોડી ખબર પડી હતી. હિંદુ ધર્મમાં અનિષ્ટો જોતા ખ્રિસ્તી પાદરીઓ સાથે તેમને કિશોરાવસ્થામાં અનેકવાર વાદવિવાદ થયા હતા ત્યારે તેમણે તેમને એ પણ પુરવાર કરી બતાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાંય અનિષ્ટો છે.

જગતકલ્યાણ અર્થે ઘરબારનો ત્યાગ કરનાર નિષ્કલંક સંન્યાસીની સાથે સરસામાન પણ શાનો હોઈ શકે? અમે જોયું છે કે તેમની પોટલીમાં બે-ત્રણ ભગવાં વસ્ત્ર રહેતાં. હું તેમના સંપર્કમાં આવ્યો અને ત્યાર બાદ તેમની પોટલી ખોલી તો તેમાં બે વસ્તુ હતી. એક હતી, તેમના ગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણનો ફોટો અને બીજી હતી Imitation fo Christનામનું પુસ્તક. તે ફોટો જોઈને મને પણ તે ફોટો પ્રત્યે પૂજ્યભાવ જાગ્યો હતો—જો કે તે સમયે તે મહાત્માનું અમે ભાગ્યે જ નામ સાંભળ્યું હશે! પરંતુ હિંદુ ધર્મનો ઉપદેશ કરનાર સંન્યાસી પાસે ઈશુ ખ્રિસ્ત પ્રવર્તિત ધર્મ અંગેનું પુસ્તક જોઈને અમે વિસ્મિત થયા હતા. અને અમારા પછી જેણે પણ આ પુસ્તક તેમની પાસે જોયું તે આઘાત સહ દિઙ્મૂઢ થયા હતા. અમે વિચારતા હતા કે ખ્રિસ્તી ધર્મ હિંદુ ધર્મથી સાવ વિપરીત છે અને તેના પાદરીઓ પણ આપણા સમાજમાં ગેરસમજ ફેલાવીને ધર્મપરિવર્તન કરે છે, આપણા સાધુ-સંન્યાસીઓની ફરજ છે કે પાદરીઓને પ્રવચનો કરતાં રોકીને પ્રવચનો દ્વારા પ્રસરતી કુઅસરને નાબૂદ કરે તથા તેમને પોતાના ધર્મનું આચરણ કરવા ઉપદેશે. ખ્રિસ્તી ધર્મને લગતાં પુસ્તક પ્રત્યે તેમનો આવો આદરભાવ આપતા જોઈને અમને તેમના ખ્રિસ્તી ધર્મપ્રચારક હોવા અંગે શંકા જાગી. તેમના મારા પ્રત્યેના પ્રેમભાને કારણે હું હિંમત એકઠી કરી શક્યો અને વિનમ્રપણે પૂછ્યું, “મહારાજ, તમે હિંદુ ધર્મ-પ્રચારક છો, તો પછી ખ્રિસ્તી ધર્મનું પુસ્તક તમારી સાથે શા માટે રાખો છો? તમારે તો વેદવેદાંતનાં પુસ્તકો રાખવાં જોઈએ.”

આ સાંભળીને તેમણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, “ભાઈ, બધાય ધર્મોનો ઉદ્દેશ એક જ છે. એવું નથી કે ખ્રિસ્તી ધર્મ હિંદુ ધર્મથી કંઈ જુદું ઉપદેશે છે. આપણા ધર્માવતારોની જેમ ઈશુ, મહંમદ પયગંબર, જરથુષ્ટ્ર એ બધા ઈશ્વરીય સત્તાયુક્ત ભગવદ્‌ અવતારો હતા અને જો એવું ન હોય તો વિશ્વની જનસંખ્યાનો આટલો મોટો ભાગ તેમને શા માટે અનુસરે?”

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌॥

આ શબ્દશ: સાચું છે. એવું નથી કે વિશ્વમાં માત્ર ભારતમાં જ અવતારો માનવદેહ ધારણ કરીને જન્મે છે. માત્ર આપણા દેશમાં ઈશ્વર અવતરે છે (અને અન્યત્ર નહીં) એવું માનવું ભૂલભરેલું છે.

અંતર્નિહિત ઈશ્વરત્વ વિના કોઈની પૂજા થતી નથી, એટલે આપણે માનવું રહ્યું તેમનામાં પણ ઈશ્વરત્વ છે. તેથી જેમ આપણે રામ અને કૃષ્ણને ભગવાન માનીએ છીએ તેમ આપણે ઈશુને ભગવાન માનવા જોઈએ તથા ‘ઉદાર ચરિતાનાં વસુધૈવ કુટુંબકમ્‌’ની યથાર્થતાને ભાવગમ્ય કરતા રહીને આપણામાં ભેદભાવવૃત્તિ ન હોવી જોઈએ. નૈતિક અનુશાસન, સદાચારના નિયમો, ઈશ્વરીય આદેશોના અનુસરણની આજ્ઞાઓ—આ બધું બધા ધર્મોમાં એકસમાન છે. આપણા એકાંગીપણાને કારણે જ આવા ઈશ્વરીય પથ અંગેનું આપણું અજ્ઞાન કે ધર્માંધતા સર્જાય છે. સ્વાર્થીપણાને લઈને કરાતો કુપ્રચાર ઉદ્‌ભવે છે. ધર્મના નામે આચરતી ધર્મ-વિરુદ્ધ પ્રવૃત્તિઓ થાય છે, વિવિધ ધર્મોમાં પરસ્પર ઘૃણાભાવ જગાડાતો ઉપદેશ કરાય છે તથા જગતમાં સંઘર્ષનો પરિવેશ સર્જાય છે. મારી યુવાન વયે હું ચર્ચોમાં જતો અને બાઇબલમાંના ઉપદેશો સાંભળતો.

જનસાધારણ સમક્ષનું પાદરીઓનું બાઇબલના કેટલાક શબ્દોનું અર્થઘટન તેના મૂળગામી ભાવથી સાવ અલગ તથા પોતાના અભિપ્રાય અનુસારનું રહેતું તથા તેને ઈશ્વરીય આદેશરૂપે પ્રસ્તુત કરાતું. તે વખતે હું તેમની સમક્ષ ઊભો થઈને તેનું યથાર્થ અર્થઘટન કહી સંભળાવતો. ત્યાર બાદ તેઓ મારી ચર્ચની મુલાકાતો પર પ્રતિબંધ મૂકતા. એ બાબતે મારા મનમાં સ્પષ્ટતા ઊભી કરી કે તેઓ યથાર્થતાને સમજ્યા છે પરંતુ પોતાના અંગત લાભાર્થે અભણ જનસમુદાય સમક્ષ ખોટો ઉપદેશ કરે છે.

અમારા વાર્તાલાપ પછી તેમણે અમને સ્વયં શાસ્ત્રાધ્યયન કરવા કહ્યું. આ બાબત પર ચિંતન કર્યા પછી અમને ભાન થયું કે સત્ય આધારિત બોધ શુદ્ધ મનને પ્રભાવિત કરે છે. તેમાંના ઉપદેશો વિધિયુક્ત ખ્રિસ્તી ધર્મશાસ્ત્રને સુસંગત છે. અમારા નિમ્નકક્ષાના દૃષ્ટિબિંદુની ભૂલને કારણે અમે સમજતા હતા કે ઈશુના નામે પ્રબોધાતા ઉપદેશોથી અમે પથભ્રષ્ટ થઈએ છીએ.

દિવાન શ્રી હરિદાસભાઈને પણ તે સત્યનું ભાન થયું અને સ્વામીજીને ઇચ્છાને માન આપીને હરિદાસભાઈએ તે પુસ્તકની અનેક નકલ મગાવી તથા તેમના સંપર્કમાં આવતા અનેક સુસંસ્કૃત લોકોમાં વિતરણ કર્યું. તેમણે બાઇબલના ઉપદેશોના સાચા મૂલ્યની સમજ કેળવવામાં તથા માનવજીવનમાં તે બોધના આચરણથી સુધારણા લાવવામાં અનેક લોકોને સહાયતા કરી હતી. અમારા સૌ પર સ્વામીજીની અત્યંત અમીવર્ષા થતી હતી. તે દિવસથી મેં સવારમાં તથા રાત્રે સૂતા પહેલાં તે પુસ્તકના થોડાક અંશના વાચનનો ચુસ્ત નિયમ બનાવ્યો અને તેનાથી અર્જિત કરાયેલ અનુભૂતિ તથા ધીરજની ગુણસંપત્તિના લાભને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.

બોધવચનોના આ ભંડારગૃહમાંથી કેટલાક અમૂલ્ય રત્નોનું ચયન કરીને આપણા ગુર્જર સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાની મારી અદમ્ય ઇચ્છા હતી, પરંતુ અનુકૂળતાના અભાવે હું તેમ ન કરી શક્યો. હવે અનુકૂળતા મળવાથી, પરમેશ્વરની પરમ કૃપાથી તે કાર્ય શરૂ કરી રહ્યો છું અને વાચકો સમક્ષ રજૂ કરી રહ્યો છું. મહાન કવિએ કહ્યું છે તેમ આ કાર્ય तितीर्षुः दुस्तरं मोहादुडुपेनास्मि सागरम् —અનંત સાગરને નાનકડી નાવડી દ્વારા તરવા જેવું છે. કારણ કે જે રીતે સરળ શબ્દપ્રયોગો મારફત સર્વોત્તમ પ્રકારે પ્રચુર માત્રામાં આ મહાન આત્માની સર્વસ્વીકૃત ચિંતનકણિકાઓ નોંધવામાં આવી છે કે તેને તેવી જ રીતે અનુવાદિત કરવાની મારી સમર્થતા નથી. ‘ન મામા કરતાં કહેણો મામો સારો’ એ કહેવતના તાત્પર્ય અનુસાર જો વાચકો મારા આ પ્રયત્નને આવકારશે અને જો તેનું ચિંતન કરીને કોઈકને ય લાભ થશે તો હું મારી જાતને ધન્ય ગણીશ.

ઉપદેશના અંતભાગે મેં આપણા ધર્મશાસ્ત્રોમાં આવતા ફકરા, કાવ્યો અને સંવાદો ઉદ્ધૃત કર્યાં છે, જે વાચક સમક્ષ સ્પષ્ટતા કરે છે કે પ્રત્યેક ધર્મનો ઉદ્દેશ એક જ છે. આમાંના કેટલાક પરિચ્છેદોના સંકલન માટે મને પ્રોફેસર મૂળશંકર દયારામનો સહકાર મળવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને તે માટે હું તેમના પ્રતિ અંત:કરણપૂર્વકનું આભારદર્શન વ્યક્ત કરું છું.

Total Views: 35

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.