શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૩ માર્ચ) પ્રસંગે

(અમેરિકાના મિસુરી રાજ્યના મુખ્ય શહેર સેંટ લુઈની વેદાન્ત સોસાયટીના સ્વામી ચેતનાનંદજીએ શ્રીરામકૃષ્ણના ચાળીસ સમકાલીન અને નિકટ રહેનારાં સ્વજનોએ શ્રીરામકૃષ્ણ વિશે જે લખ્યું છે તે એકત્ર કરી Ramakrishna As We saw Him (અમારી દૃષ્ટિએ રામકૃષ્ણ) નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કર્યું છે. શ્રી મા શારદાદેવીએ જે કંઈ કહ્યું તેના પરથી સ્વામી ચેતનાનંદજીએ સંકલન કર્યું છે તેનો અનુવાદ અહીં રજૂ થાય છે.

શ્રી મા શારદાદેવી (૧૮૫૩-૧૯૨૦) શ્રીરામકૃષ્ણનાં આધ્યાત્મિક સંગિની હતાં. એ બાળક હતાં ત્યારે એમનું લગ્ન શ્રીરામકૃષ્ણ સાથે કરવામાં આવેલું અને અઢાર વર્ષનાં થયાં ત્યારે, દક્ષિણેશ્વરની કાલીવાડીમાં શ્રીરામકૃષ્ણ પાસે રહેવા અને એમની સેવા કરવા આવ્યાં. ઠાકુર સાથેના એમના લાંબા સહવાસને કારણે એમનાં સંસ્મરણો અતિ મૂલ્યવાન છે. ઠાકુરની મહાસમાધિ પછી, આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું ઠાકુરનું કાર્ય એમણે ચાલુ રાખ્યું હતું.)

ગયાના ગદાધર વિષ્ણુભગવાન સાથે ગદાધરની અભિન્નતા

પોતે ગયાથી આવ્યાનું ઠાકુર કહેતા. એમનાં બાનું અવસાન થયું તે પછી ઠાકુરે મને ગયા જઈ પિંડદાન કરવા કહ્યું. પુત્ર હયાત હોય ત્યાં સુધી એ શ્રાદ્ધ મારાથી કેવી રીતે થઈ શકે એમ મેં કહ્યું તો, ઠાકુરે ઉત્તર વાળ્યો: “નહિ, નહિ, તમે એ ક૨વાનાં હકદાર છો. કોઈ પણ સંજોગોમાં હું ગયા જઈ શકું નહિં. જાઉં તો હું પાછો આવી શકીશ એમ તમે ધારો છો? એટલે ઠાકુર ત્યાં જાય એમ હું ઈચ્છતી ન હતી. ને પછીથી ગયા શ્રાદ્ધ મેં જ કર્યું હતું.

પૂર્ણતાના આગ્રહી ઠાકુર

અજીર્ણના રોગથી પીડાતા ઠાકુર કામારપુકુર આવ્યા ત્યારે હું તો બાલિકાવધૂ હતી. વહેલે પરોઢિયે અંધારું હોય ત્યારે તેઓ ઊઠી જતા અને મને કહેતા: “મારે માટે અમુક તમુક વાનગી બનાવજો” અમે એમને માટે એ રાંધતાં પણ ખરાં. એક દહાડો કોઈ એક મસાલો ખલાસ હતો. ઠાકુરનાં ભાભી, લક્ષ્મીનાં મા કહે: “કંઈ નહીં, ચલાવો એના વિના. આપણી પાસે ન હોય તો બીજું શું થઈ શકે? ઠાકુરે આ સાંભળ્યું હતું. એ બોલ્યા, “એટલે તમે કહેવા શું માગો છો? એ મસાલો ખલાસ થઈ ગયો હોય તો કોઈને મોકલી એક પૈસાનો કેમ મગાવી લેતાં નથી? દક્ષિણેશ્વરની મસાલેદાર વાનગીઓ અને કઢેલું દૂધ મેં આના સ્વાદ માટે છોડ્યાં છે એ તમે નથી જાણતાં શું? ને અહીં તમે એ મસાલા વગર ચલાવવાની વાત કરો છો!” લક્ષ્મીનાં મા શરમાઈ ગયાં અને તરત એમણે એ મસાલો મગાવ્યો.

ઠાકુર માટે રસોઈ

એક વા૨ ઠાકુર અને એમનો ભાણેજ હૃદય સાથે જમવા બેઠા હતા. કામારપુકુરમાં લક્ષ્મીની મા અને હું રાંધતાં. પાકશાસ્ત્રમાં એ ખૂબ કુશળ હતાં. એમણે બનાવેલી કોઈ વાનગી ચાખીને ઠાકુર બોલ્યા: “હૃદુ, આ બનાવનાર નિષ્ણાત વૈદ્ય છે.” પછી મારી રાંધેલી વાનગી ચાખી કહેઃ “અને આ બનાવનાર ઊંટવૈદ છે.” આ સાંભળી હૃદયે કહ્યું: “બરાબર. પણ ઊંટવૈદ હાથવગા છે ને તમારે પડ્યે બોલે આવે છે. ત્યારે, નિષ્ણાત વૈદ તો ખૂબ મોંઘાં છે ને રોજ હાથવગા નથી” ઠાકુર બોલ્યા: “સાચું. એ હંમેશ પાસે છે.”

એક દિવસ દક્ષિણેશ્વ૨માં નરેન માટે કંઈક બનાવવા ઠાકુરે મને કહ્યું. મેં મગની દાળ અને રોટલી બનાવ્યાં. નરેને ખાધા પછી ઠાકુરે પૂછ્યું “કેમ, ભાવ્યુંને તને? નરેને જવાબ આપ્યો: “સરસ હતું, માંદાના ખોરાક જેવું.” એટલે ઠાકુરે મને કહ્યું: “એને માટે તમે શું રાંધ્યું’તું? બીજી વાર ચણાની દાળ અને જાડી રોટલી કરજો.” ને મેં તેમ જ કર્યું. નરેન ખાઈને ખૂબ ખુશ થયો.

આદર્શ પતિ

ઠાકુર મારે વિશે કહેતા: “એનું નામ છે શારદા. એ સરસ્વતી છે માટે તો એ જાતને શણગા૨વામાં માને છે.” એમણે હૃદયને કહ્યું: “જા જઈને તારી પેટીમાં જો તો, કેટલા પૈસા છે? એમને માટે સુંદર બાજુબંધ બનાવરાવ.” એ દિવસોમાં ઠાકુરની તબિયત બરાબર ન હતી. ને તે છતાં ત્રણસેં રૂપિયા ખર્ચી તેમણે એ બાજુબંધ બનાવરાવ્યા હતાં. વળી પોતે તો પૈસાને હાથ પણ લગાડતા નહીં.

મારાં બા કકળાટ કરતાં “આ તે કેવા વિચિત્ર માણસ સાથે મારી શારદાને પરણાવી છે કે નથી તો એ બીજી સ્ત્રીઓની જેમ પરણ્યાનું સુખ માણી શકતી કે, નથી છોકરાંને જનમ આપી એમને મોઢે ‘મા’નો બોલ સાંભળી શકતી.” એક વાર ઠાકુર આ સાંભળી ગયા અને બોલી ઊઠ્યા “બા, એનું દુઃખ ન લગાડો. તમે જોજો કે તમારી દીકરીને એટલાં બધાં બાળકો થશે કે બા, ‘મા’ના બોલથી એના કાને શૂળ ઉપડશે.” એમણે સાચું જ કહ્યું હતું. જે કંઈ એમણે કહ્યું હતું તે પ્રમાણે જ થયું છે.

ઠાકુરને ઈશ્વર સિવાય બીજી કોઈ ચીજમાં રસ ન હતો. એમણે ષોડશી પૂજા કરી ત્યારે મને ચડાવેલી સાડીઓ, શંખની બંગડીઓ અને બીજી જણસોનું મારે શું કરવું તે મેં પૂછ્યું ત્યારે, થોડું વિચારીને બોલ્યા: “તમારાં માને તમે એ આપો” મારા પિતા ત્યારે હયાત હતા “પણ આપતી વખતે એમને માત્ર તમારાં મા નહીં પણ જગન્માતા માનીને આપજો.” મેં એમ કર્યું. એમનો બોધ આવો હતો.

ઠાકુરનું વર્તન અને વિચારશીલતા

મારા પ્રત્યે કેવું તો એમનું માયાળું વર્તન હતું! મને દુઃખ થાય તેવો એક્કેય શબ્દ એ કદી બોલ્યા નથી. એક વાર દક્ષિણેશ્વરમાં હું એમનું જમવાનું લઈને ગઈ અને, મને (પોતાની ભત્રીજી) લક્ષ્મી ધારી કહે “જા ત્યારે તું દરવાજો બંધ કરતી જાજે.” આમ એમણે મને તુંકારે બોલાવી. મેં કહ્યું, “ભલે.” મારો અવાજ સાંભળી એ ચમકી ઊઠ્યા ને બોલ્યા “અરે, આ તો તમે છો! મને એમ કે લક્ષ્મી છે. આને ભૂલી જાજો.” જવાબમાં હું બોલી “એ તે કઈ મોટી વાત છે? મારી પ્રત્યે કદીયે એમણે હીણી નજરે જોયું નથી અને સદાય તેમણે મારા હિતનો વિચાર કર્યો છે.

એક વા૨ તેમણે મારી પાસે સૂતળીની એક આંટી મૂકી કહ્યું: “આનાં શીંકાં મને બનાવી આપો. છોકરાઓ માટે મીઠાઈ અને પુરી રાખવા માટે કામમાં આવશે.” મેં શીંકાં બનાવી એમને આપ્યાં અને જે રેષા વધ્યા તેનું ઓશીકું બનાવ્યું. એક કોથળા પર હું સાદડી પાથરતી અને આ ઓશીકું મૂકી તેના પર હું સૂતી. આજે આ સુંવાળાં ગાદલાં ને ઓશીકાં પર સૂઉં છું તેના કરતાં એ રીતે સૂવામાં મને જરાય દુઃખ પડ્યું નથી. બંનેમાં કંઈ તફાવત જ નથી.

શ્રીરામકૃષ્ણનો બાળક જેવો સ્વભાવ

ઠાકુર દક્ષિણેશ્વર રહેતા ત્યારે, રાખાલ (સ્વામી બ્રહ્માનંદ) અને બીજા ભક્તો ઘણા નાના હતા. એક વાર ઠાકુર પાસે આવી રાખાલે કહ્યું, “મને ખૂબ ભૂખ લાગી છે.” ઠાકુર ગંગાતટે ગયા ને રાડ પાડી બોલ્યા: “અરે ગૌરદાસી, જલદી આવ! મારો રાખાલ ભૂખ્યો છે.” એ જમાનામાં દક્ષિણેશ્વરમાં કંઈ ખાવાનું વેચતી દુકાનો ન હતી. થોડી વાર પછી ગંગામાં એક નાવ આવતી દેખાઈ. મંદિરઘાટે એણે લંગર નાખ્યું. બલરામ બાબુ, ગૌરદાસી અને બીજા કેટલાક ભક્તો રસગુલ્લાં સાથે નાવમાંથી ઊતર્યાં. ઠાકુર રાજીના રેડ થઈ ગયા અને તેમણે રાખાલને બોલાવ્યો. પછી કહે: “અહીં આવ. લે આ મીઠાઈ. ‘ભૂખ્યો છું’ એમ તું કહેતોતોને? રાખાલને ખૂબ ગુસ્સો ચડ્યો. એ બોલ્યો: “મારી ભૂખનો ઢોલ શું પીટો છો? ઠાકુર કહે: “એમાં ખોટું શું છે? તું ભૂખ્યો છો. તારે કાંક ખાવાનું જોતું’તું. એ વાત કરવામાં ખોટું શું છે? ઠાકુરનો સ્વભાવ બાળક જેવો હતો.

રાખાલનાં મા-બાપ

રાખાલના પિતાને ઠાકુર કહેતા, “સફરજનના સારા ઝાડ પરથી સારાં સફરજન ઊતરે.” આમ તેઓ રાખાલના પિતાને ખુશ કરતા. એ દક્ષિણેશ્વર આવે ત્યારે કાળજીપૂર્વક ઠાકુર તેમને સ્વાદિષ્ટ વાનગીઓ ખવરાવતા. દીકરાને એ લઈ જાય તેવો ડર ઠાકુરને હતો. રાખાલને ઓરમાન મા હતી. એ જ્યારે દક્ષિણેશ્વર આવતી ત્યારે ઠાકુર રાખાલને કહેતા: “એમને બધું બરાબર બતાવ. એમનું બરાબર ધ્યાન રાખજે એટલે એમને લાગે કે દીકરો એમને બરાબર ચાહે છે.”

કામવાળી વૃંદા

વૃંદા કંઈ સહેલાઈથી રીઝે એવી ન હતી. એના નાસ્તા માટે અમુક ચોક્કસ સંખ્યામાં પુરીઓ રાખવામાં આવતી. એમાં જો કંઈ ઓછી થાય તો એ ખૂબ ભાંડણ શરૂ કરી દેતી. એ બરાડતી: “આ સાહુકારના બેટાઓ જુઓ. મારો ભાગેય ખાઈ જાય છે. મને થોડી મીઠાઈ પણ નથી મળતી.”

એના આ શબ્દો ભક્તોને કાને પડે એનો ડર ઠાકુરને લાગતો. એક દહાડો, વહેલી સવારે ઠાકુર નોબતખાને (શ્રી મા ત્યાં રહેતા હતાં) આવ્યા અને કહેવા લાગ્યા: “વૃંદાની પુરીઓ મેં બીજાઓને આપી દીધી છે. તમે જરા એને માટે બીજી બનાવી રાખો. નહિ તો એ ગાળાગાળી શરૂ કરશે. ભૂંડાં માણસોને ટાળવાં સારાં.”

વૃંદા આવી એટલે મેં એને કહ્યું: “જો વૃંદા, આજ તારા ભાગનો નાસ્તો નથી. હું તને હમણાં પુરી ઉતારી દઉં છું, એ બોલી: “હરકત નહીં, પણ તમે તકલીફ ન ઉઠાવો. તમે મને કાચું સીધું જ આપો ને.” મેં એને લોટ, ઘી, બટેટાં અને બીજું શાક આપ્યું.

લાલ ફૂલ

એક વાર દક્ષિણેશ્વરમાં આશા નામની એક છોકરીએ ઘેરા રંગનાં પાનવાળા એક છોડમાંથી એક સુન્દર લાલ ફૂલ ચૂંટ્યું. ફૂલ હાથમાં પકડી એ રડતી રડતી બોલવા લાગી: “આ તે કેવું! આવા સુંદર લાલ ફૂલને કેવાં ઘેરાં પાન છે? હે ભગવાન, તારી સૃષ્ટિ કેવી અજબ છે!” એને રડતી જોઈ ઠાકુરે પૂછ્યું: “શો મામલો છે? શું કામ રડે છે તું? એ ઠાકુરને સમજાવી શકી નહીં પણ એનું રડવાનું ચાલુ જ રહ્યું. પ્રેમાળ શબ્દો વડે ઠાકુરે એને ટાઢી પાડી.

ગુણની કદર

દક્ષિણેશ્વરમાં રહેતી’તી ત્યારે એક વાર જૂઈ અને લાલ ફૂલોની એક સાતસરી માળા મેં ગૂંથી. પથ્થરના એક વાસણમાં મેં એ માળાને પાણીમાં રાખતાં એની બધી કળીઓ પ્રફુલ્લિત થઈ ગઈ. પછી, કાલીમંદિરમાં માતાજીની મૂર્તિને પહેરાવવા માટે મેં એ માળા મંદિરમાં મોકલાવી. બીજાં આભૂષણો ઉતારી કાલીને એ માળા જ ચડાવવામાં આવી.

ઠાકુર મંદિરમાં ગયા. માતાજીની મૂર્તિના સૌન્દર્યમાં માળાથી થયેલી વૃદ્ધિ જોતાંવેંત ઠાકુરને સમાધિભાવ આવ્યો. ફરી ફરીને એ કહેવા લાગ્યા: “માના શ્યામ વર્ણ ઉ૫૨ આ ફૂલો કેવાં શોભી રહ્યાં છે! આ માળા કોણે બનાવી છે!” કોઈકે મારું નામ આપ્યું, ઠાકુર કહે, “જાવ, એમને મંદિરમાં બોલાવી લાવો.” પગથિયાં પાસે આવતાં જ મેં બલરામ બાબુ, સુરેન બાબુ અને બીજા પુરુષભક્તોને ત્યાં ઊભેલો જોયા. હું ખૂબ શરમાઈ ગઈ અને ક્યાંક સંતાઈ જવા ઉત્સુક થઈ. વૃંદા દાસીની પાછળ હું લપાઈ ગઈ. પાછળનાં પગથિયાંથી હું મંદિરમાં જવા વિચારતી હતી એ ઠાકુરના ધ્યાનમાં તરત આવ્યું ને તેઓ બોલી ઊઠ્યા: “એ પગથિયાં ન ચડતાં. ઓલે દી એક માછીમાર બાઈએ પગથિયેથી ચડતાં લપસી પડી હતી. એને ખૂબ જ વાગ્યું હતું ને એનાં હાડકાં ભાંગી ગયાં હતાં. આ આગળનાં પગથિયાં ચડીને જ આવો.” આ શબ્દો ભક્તોએ સાંભળ્યા ને તેમણે મારે માટે મારગ કર્યો. હું મંદિરમાં દાખલ થઈ તો ઠાકુર ગાતા હતા. એમનો અવાજ પ્રેમભક્તિથી કંપતો હતો.

ઠાકુરની કરુણા

એક માણસને એક રખાત હતી. એક દહાડો એ રખાત ઠાકુર પાસે આવી અને પશ્ચાત્તાપ સાથે કહેવા લાગી: “એ માણસે મારો સર્વનાશ કરી નાખ્યો છે. ઉ૫૨થી એણે મારો પૈસો ને ઝવેરાત પણ લૂંટી લીધેલ છે.” માણસના મનનાં અતલ ઊંડાણને ઠાકુર વાંચી શકતા હતા છતાં, એ પેલીને મુખેથી જ બધું સાંભળવા ઈચ્છતા હતા. એ સ્ત્રીને એમણે કહ્યું: “શું એ સાચું છે? પણ અહીં તો એ ભક્તિની મોટી મોટી વાતો કરતો.” અંતમાં, પોતાનાં બધાં પાપ એ બાઈએ કબૂલ્યાં ને એમ એ પાપના ભારથી હળવી થઈ.

પ્રભુ અને પૈસો

બેટા, પૈસામાં શું દાટ્યું છે? ઠાકુર એને હાથ પણ ન લગાડી શકતા. પૈસાનો સ્પર્શ થતાં જ એમનો હાથ પાછો ફેંકાઈ જતો. (ભત્રીજા) રામલાલને એ કહેતા: “આ જગત માયા છે. એને મેં બીજી રીતે જાણ્યું હોત તો તારા કામારપુકુર ગામને સોનાની પાંખડીએ મઢી દીધું હોત. પણ હું જાણું છું કે આ જગત નશ્વર છે. સાચો તો એક પ્રભુ જ છે.”

અનુ. શ્રી દુષ્યન્ત પંડ્યા

પાદટીપ:

૧. શ્રીરામકૃષ્ણના જન્મ પહેલાં એમના પિતાને ગયામાં વિષ્ણુદર્શન થયાનું કહેવાય છે. વિષ્ણુએ તેમને કહ્યું હતું કે, “હું તારા પુત્રરૂપે અવતરીશ.” આથી, શ્રીરામકૃષ્ણ ગયા જાય તો એ આધ્યાત્મિક તંતુને વશ પોતે થઈ જાય. બુદ્ધ અને ચૈતન્યના જીવનમાં ગયાએ પરિવર્તન આણ્યું હતું.

૨. શારદા માને જગન્માતા માની ઠાકુરે પૂજા કરી હતી તે પ્રસંગ.

૩. (ગુજરાતીમાં છે તેમ) બંગાળીમાં બીજા પુરુષ સર્વનામનાં ત્રણ રૂપો છે. કોઈ વડીલને માનપૂર્વક બોલાવતી વખતે ‘આપની’ (આપ) રૂપ વપરાય છે. સમાન સ્થિતિની અને વયની વ્યક્તિને માટે ‘તુમિ’ (તમે) વપરાય છે. પણ ‘તૂઈ’ (તું) રૂપ પોતાનાથી નાનેરાંઓને અને નોકરચાકરોને માટે વપરાય છે. આથી ઠાકુરે ઈરાદાપૂર્વક એ રૂપ શારદામા માટે વાપર્યું હોય તો અપમાનજનક લેખાય.

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.