(ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ ઉત્તમ વક્તા છે અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. – સં.)

‘સ્વસ્થ શરીર, શાંત મન અને ઉન્નત જીવન’નો સંદેશ આપતી આરોગ્ય શિબિર:
રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં સુંદર આયોજન

રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા ‘હોલિસ્ટિક વેલનેસ રિટ્રીટ’ અંતર્ગત સર્વાંગી આરોગ્યને કેન્દ્રમાં રાખતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વસ્થ શરીર, શાંત મન અને ઉન્નત જીવન’ના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તબીબી માર્ગદર્શન, આરોગ્યજાગૃતિ અને આધ્યાત્મિક ચિંતનને એકસાથે જોડતી આ શિબિરનું નિષ્ણાતો તથા આયોજકોએ ક્રમબદ્ધ રીતે સંચાલન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં આરોગ્ય કેન્દ્રના સંવાહક સ્વામી વિજયેશાનંદજીએ સ્વાગત કર્યું હતું અને શિબિરના આયોજન પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, પાતંજલ યોગસૂત્રનું એક સૂત્ર છે કે, “હેયમ્‌ દુઃખમ્‌ અનાગતમ્‌..” એટલે કે, જે દુઃખ હજુ આવ્યું નથી તેને દૂર કરવું. રોગ થયા પછી તેને દૂર કરવાનું વિચારીએ તેને બદલે રોગ ન થાય તે વિચારીએ તો અવશ્ય ફરક પડે. આજના આપણા પ્રશ્નો છે, ઓબેસિટી, હાઇપર-ટેંશન, અનિદ્રા, ડાયાબિટીસ અને જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો.  સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે કેવળ રોગનો અભાવ નહિ, પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે સ્વસ્થ શરીર, શાંત અને પ્રફુલ્લિત મન અને સંતુલિત જીવનશૈલી, જેમાં યોગ્ય આહાર-વિહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ. રામકૃષ્ણ મિશન “શિવજ્ઞાને જીવસેવા”નો આદર્શ લઈને સઘળી પ્રવૃત્તિઓ કરે છે. માનવ-સેવાના કાર્યમાં આરોગ્ય-સેવા એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે.

મુંબઈથી પોતાની ટીમ સાથે પધારેલ સ્વામી શ્રી દયાદીપાનંદજી મહારાજનો સ્વામી વિજયેશાનંદજીએ વિસ્તૃત પરિચય આપ્યો હતો. સંત ચિકિત્સક સ્વામી શ્રી દયાદીપાનંદજી મહારાજ કે જે સ્વયં ડોક્ટર છે, તેઓ શ્રીરામકૃષ્ણ હૉસ્પિટલ, મુંબઈના ડાયરેક્ટર છે અને આરોગ્ય-ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ સેવાઓ આપી રહ્યા છે. અગાઉ કોવિડ સમયે તેઓશ્રીએ એકસો પચાસ બેડની કોવિડ હૉસ્પિટલનું સંપૂર્ણ સંચાલન પણ કર્યું હતું. આ ઉપરાંત તેઓની ટાઈપ વેન ડાયાબિટીસ માટે પણ વિશેષ સેવાઓ વિસ્તરી છે. મહારાજશ્રીની એક વિશેષતા એ છે કે, તેઓની શૈલીમાં આધુનિક ચિકિત્સા અને ભારતીય ચિકિત્સાનો સમન્વય જોવા મળે છે. તેઓ યોગ, ધ્યાન, પ્રાણાયામ અને આધુનિક જીવનશૈલીને ટેકો કરે તેવી પરંપરાથી કાર્ય કરે છે. મહારાજશ્રી સાથે શ્રીરામકૃષ્ણ હૉસ્પિટલ, મુંબઈના ડૉ. સાગર પાટીલ, ડૉ. સુનિતા ચવન, સ્વયંસેવકો શ્રી આશિષભાઈ અને શ્રી  પ્રકાશભાઈ તથા  આરોગ્યપ્રદ પીણું અને વિશિષ્ટ ભોજન તૈયાર કરવા માટે બે રસોઇયા પણ મુંબઈથી રાજકોટ આશ્રમ આવ્યા હતા.

શિબિરની શૈલી વિશિષ્ટ રહી. અગાઉથી નોંધાયેલ વ્યક્તિઓના તબીબી રિપોર્ટ નોંધવામાં આવ્યા, જેમાં ઓક્સિજન લેવલ, બીપી અને પ્રાથમિક હિસ્ટ્રી જુદા જુદા ટેબલ પર ક્રમબધ્ધ રીતે આગળ ધપી. ત્યાંથી દર્દીની સાથે વ્યક્તિગત કાઉન્સેલિંગ ડૉક્ટર્સની ટીમ દ્વારા થયું અને એ રીતે લગભગ શિબિરમાં આવેલ મહત્તમ લોકોની મુખ્ય વ્યાધિને જાણવાનો પ્રયાસ થયો. આમ, સવારે નવથી પોણા અગિયાર વાગ્યા સુધીનો સમય આ પ્રવૃત્તિ માટે નિર્ધારિત હતો. ઉપસ્થિત લોકોને પોતાના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો અંગે તબીબોનું માર્ગદર્શન મેળવવાની તક મળી હતી. વ્યક્તિગત પરામર્શને કારણે શિબિર માત્ર સામૂહિક જાગૃતિના કાર્યક્રમ સુધી મર્યાદિત ન રહી, પરંતુ વ્યક્તિની આરોગ્ય સંબંધિત જરૂરિયાત સાથે પણ જોડાઈ હતી.

સ્વામી શ્રી દયાદીપાનંદજી દ્વારા પ્રારંભમાં આરોગ્ય અને સુખાકારીનાં વિવિધ પાસાંની સમજ માહિતીપ્રદ વીડિઓની મદદથી સ્પષ્ટ કરવામાં આવેલ. દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂ થતી માહિતી આરોગ્ય વિષયક સમજને સરળ બનાવવામાં ઉપયોગી બની રહી. તબીબી પરામર્શ સાથે આવા વીડિઓની વ્યવસ્થાએ કાર્યક્રમમાં માર્ગદર્શન અને જાગૃતિનો સુમેળ સાધ્યો હતો.

સવારે પોણા અગિયાર વાગ્યે આરોગ્યપ્રદ પીણા તરીકે “કાઢા”નું પાન કરવામાં આવ્યું હતું. અગિયાર વાગ્યા સુધીના આ ટૂંકા વિરામે કાર્યક્રમના આગામી સત્રો વચ્ચે સહજ અવકાશ આપ્યો હતો. શિબિરના આયોજનમાં આરોગ્યપ્રદ પીણાનો સમાવેશ પણ તેના મૂળ વિષય સાથે સુસંગત હતો. કાર્યક્રમમાં આરોગ્યની વાતને માત્ર પ્રવચન પૂરતી રાખવાને બદલે પીણા અને આરોગ્યપ્રદ વિશિષ્ટ રીતે તૈયાર થયેલ ઓર્ગેનિક ભોજનની વ્યવસ્થા સાથે જોડવાનો અભિગમ જોવા મળ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીના આશીર્વચનથી ભાવાવરણ બંધાયું હતું. તેઓએ શિબિરમાં મોટી સંખ્યામાં જોડાયેલ વ્યક્તિઓની આરોગ્ય અંગેની જાગરૂકતાને બિરદાવી હતી. તેઓશ્રીએ આશ્રમની પ્રવૃતિઓ અને આગામી વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું શતાબ્દી વર્ષ આવી રહ્યું છે તેનો હર્ષ પ્રદર્શિત કરી સૌને આશ્રમની વિવિધ પરિમાણીય પ્રવૃત્તિમાં લાગી જવા ઇજન આપ્યું હતું.

ત્યાર બાદ સાડા અગિયાર વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી સ્વામી દયાદીપાનંદજીનું સર્વાંગી આરોગ્યવિષયક વક્તવ્ય અને પ્રસ્તુતિ યોજાયાં હતાં. તેઓએ શ્લોક-ગાનથી આરંભ કરીને ધ્યાન અને શ્વાસની પ્રાણિક ક્રિયાઓ સમૂહમાં કરાવી હતી. સ્થિર સુખાસનમાં બેસીને કરી શકાય તેવાં આસનો પણ તેઓના નિદર્શનમાં કરવામાં આવ્યાં હતાં. આ મુખ્ય સત્ર માટે કાર્યક્રમમાં સૌથી વધુ સમય ફાળવવામાં આવ્યો હતો, જે નોંધનીય પાસું છે.

શિબિરના સમાપનમાં  સ્વામી વિજયેશાનંદજી દ્વારા આભારવિધિ કરવામાં થયો હતો. કાર્યક્રમમાં સહભાગી થયેલા સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આશા વ્યક્ત કરી હતી કે, અહીં આશ્રમમાં શ્રીઠાકુરની કૃપાથી અને મુંબઈના માર્ગદર્શનથી એક હોલિસ્ટિક વેલનેસ સેન્ટર કાર્યરત થશે. ઔપચારિક કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ત્યાર બાદ સૌ આરોગ્યપ્રદ અને પ્રાકૃતિક વિશિષ્ટ ભોજન લઈ છૂટા પડ્યા હતા. આ રીતે શિબિરનો આરંભ વ્યક્તિગત આરોગ્ય માર્ગદર્શનથી અને સમાપન આરોગ્યપ્રદ ભોજનથી થયાં હતાં.

આ શિબિરની નોંધપાત્ર બાબત તેની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચેનો વિષયગત સંબંધ હતો. વ્યક્તિગત તબીબી સલાહ, માહિતીપ્રદ વીડિઓ, આરોગ્યપ્રદ પીણું, આશીર્વચન અને સર્વાંગી આરોગ્ય અંગેની પ્રસ્તુતિ—આ બધાં એક જ વ્યાપક ઉદ્દેશ સાથે જોડાયેલાં હતાં. નિષ્ણાતોનું માર્ગદર્શન અને ક્રમબદ્ધ સંચાલન મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો માટે કાર્યક્રમને સુલભ બનાવવામાં મહત્ત્વપૂર્ણ બન્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમની આ સર્વાંગીણ આરોગ્ય શિબિરે સર્વાંગી સુખાકારી અંગે વિચારવા માટે એક ઉપયોગી મંચ પૂરો પાડ્યો હતો. લોકોની મોટી ઉપસ્થિતિ અને નિષ્ણાતોનું સુવ્યવસ્થિત સંચાલન તેની નોંધપાત્ર વિશેષતાઓ રહ્યાં હતાં. આરોગ્ય એ રોજિંદા જીવન સાથે જોડાયેલી સતત કાળજીનો વિષય છે—આ ભાવને વ્યક્ત કરતું આયોજન સ્વસ્થ, શાંત અને વધુ અર્થપૂર્ણ જીવન તરફ આગળ વધવાની પ્રેરણા આપનારું બન્યું હતું.

Total Views: 2

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.