(સુપ્રસિદ્ધ લેખિકા ડૉ. જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ સલાહકાર અને ગુજરાતી સાહિત્યનાં સુપ્રસિદ્ધ લેખિકા છે. તાજેતરમાં તેઓને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની ઉપાધિથી સન્માનવામાં આવ્યાં છે. – સં.)
શ્રીરામકૃષ્ણદેવની ભગવદ્ભાવમાં ઢાળવાની શિષ્યો માટેની પદ્ધતિ કંઈ એક જ પ્રકારની નહોતી. શિષ્યની પાત્રતા, તેની મનઃસ્થિતિ, તેની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ આ બધાનો ખ્યાલ રાખીને તેઓ જે શિક્ષણ આપતા તે વ્યક્તિને હૃદય સોંસરવું ઊતરી જતું. યુવાન શિષ્યોને તેઓ વૈરાગ્યનો ઉપદેશ આપતા અને સાંસારિક બાબતોમાં એમનું મન ક્યારેય લોપાય નહીં એ રીતે એમને તૈયાર કરતા હતા; જ્યારે ગૃહસ્થોને કહેતા કે ગૃહસ્થજીવન તો એક કિલ્લામાં સુરિક્ષત છે. ગૃહસ્થો માટે તેમનો ઉપદેશ રહેતો, ‘નાવમાં જો પાણી હોય તો ડૂબી જવાય પણ પાણીમાં નાવ હોય તો તરી જવાય. એ જ રીતે મનમાં સંસાર હોય તો ડૂબી જવાય પણ સંસારમાં રહેવા છતાં મનમાં સંસાર નહીં પણ ભગવદ્ભાવ હોય તો તરી જવાય છે.’ ગૃહસ્થ ભક્તોના મનોભાવ અને તેમની કક્ષા જાણીને શ્રીરામકૃષ્ણ તેમની સાથે વાર્તાલાપ કરતા.
બલરામબાબુ જ્યારે પ્રથમવાર શ્રીરામકૃષ્ણનાં દર્શને ગયા ત્યારે તેમણે એકાંત મેળવીને ઠાકુર શ્રીરામકૃષ્ણને પૂછ્યું, ‘મહાશય, શું ભગવાન છે?’ અને જવાબમાં તેમણે કહ્યું, ‘તેઓ ફક્ત છે એટલું જ નહીં પણ પોતાના જાણીને એમને બોલાવવાથી દર્શન સુધ્ધાં આપે છે. પોતાનાં પુત્ર-પુત્રીઓ પ્રત્યે જે રીતનો મમત્વભાવ છે, તેમને પણ તેમ જ માનીને પોકારવાના હોય છે.’ ઠાકુરની આ અનુભૂત વાણીથી બલરામને નવો પ્રકાશ મળી ગયો. કેમ કે તેઓ મોટે ભાગે જપ-ધ્યાનમાં રહેતા હતા. પણ આવી રીતે પોકારી શક્યા ન હતા. ઠાકુરનાં ત્રણ જ વાક્યોમાં એમને ભગવદ્પ્રાપ્તિનો રસ્તો મળી ગયો. તેઓ વારંવાર દક્ષિણેશ્વર જવા લાગ્યા. ઠાકુરે પણ તેમને જગદંબાએ મોકલેલા એક ખજાનચી તરીકે સ્વીકારી લીધા.
ઠાકુરે તેમના મનના સંદેહને અનોખી રીતે એક પણ શબ્દના આદાનપ્રદાન વગર દૂર કરી દીધો. એમાં એવું બન્યું કે બલરામબાબુ રાત્રીના સમયે ધ્યાન કે સાધના કરતા હોય ત્યારે મચ્છરો ખૂબ કરડતા. પણ તેઓ તેને મારતા નહીં. કેમ કે એનાથી ધર્મભ્રષ્ટ થશે, એવી તેમની માન્યતા હતી. એમના મનનું સમાધાન કરવા તેમણે ઠાકુરને આ બાબતે પૂછવાનું વિચાર્યું. તેઓ દક્ષિણેશ્વર ગયા અને ત્યાં જોયું કે ઠાકુર પોતાના તકિયામાંથી માંકડ વીણી વીણીને મારી રહ્યા હતા.
ઠાકુરે કહ્યું, ‘આ માંકડ દિવસ-રાત કરડીને ચિત્તમાં વિક્ષેપ કરે છે અને નિદ્રામાં ખલેલ પહોંચાડે છે, એટલે મારી રહ્યો છું.’ બલરામબાબુને જવાબ મળી ગયો. પરંતુ એમને થયું કે પહેલાં તો ક્યારેય ઠાકુરને આવું કરતા જોયા નથી. આજે જ કેમ? અને જવાબ મળી ગયો કે આજે તેઓ આ વિશે જ પ્રશ્ન પૂછવાના હતા અને અંતર્યામી ઠાકુરે આ રીતે જવાબ આપી દીધો!!
કથામૃતના લેખક માસ્ટર મહાશયના અહંકારના શ્રીરામકૃષ્ણદેવે ચૂરેચૂરા કરી નાખ્યા હતા. કારણ કે એમના આધ્યાત્મિક વિકાસમાં, એમણે કરવાનાં ભાવિ કાર્યોમાં એમનો અહંકાર ભયંકર આડખીલીરૂપ હતો. આથી જ માસ્ટર મહાશયના દેખતાં જ એમણે જ્યારે જાણ્યું કે તેમણે લગ્ન કર્યાં છે, ત્યારે ઠાકુરે ભાણેજ હૃદયને કહ્યું, ‘લે આણે તો લગ્ન કરી લીધાં છે. અને વળી પુત્ર પણ છે.’
આ સાંભળીને માસ્ટર મહાશયને ભારે આઘાત લાગ્યો. પણ ઠાકુરે એમને સાવ હતાશ પણ થવા ન દીધા અને કહ્યું, ‘જુઓ, તમારાં લક્ષણ સારાં છે. હું લલાટ, નેત્ર વગેરે જોઈને કહી શકું છું.’ ફરી ઠાકુરે પૂછ્યું કે તેઓ સાકારમાં શ્રદ્ધા રાખે છે કે નિરાકારમાં? જ્યારે તેમણે જાણ્યું કે તેઓને નિરાકારમાં શ્રદ્ધા છે ત્યારે ઠાકુરે જણાવ્યું, ‘નિરાકારમાં શ્રદ્ધા હોવી ઉત્તમ છે તોપણ સાકારેય સત્ય છે.’
આ સાકાર અને નિરાકાર પરસ્પર વિરોધી કેવી રીતે સાચાં હોઈ શકે? માસ્ટરનો અહંકાર ત્રીજી વખત ચૂરેચૂરા થયો. ફરી માટીની મૂર્તિ એ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? આવો સંદેહ પણ તેમના મનમાં જાગ્યો અને ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘તમારા કલકત્તાના લોકોમાં આ એક ટેવ. ફક્ત લેક્ચર-ભાષણ આપવાં અને બીજાને સમજાવી દેવું. જો સમજાવવાની જરૂર પડશે તો તે જ સમજાવી દેશે. તમારું માથું કેમ દુ:ખે છે? તમારા પોતાના હૃદયમાં જ, જેથી જ્ઞાન મળે, ભક્તિ મળે તે માટે પ્રયત્ન કરોને?’ આ બધું સાંભળીને માસ્ટરના અહંકારનો મહેલ તૂટી પડ્યો અને હૃદયમાં નવો પ્રકાશ પડ્યો કે ધર્મ એ ઉપદેશની વસ્તુ નથી પણ અનુભૂતિની વસ્તુ છે. આ રીતે શ્રીરામકૃષ્ણે માસ્ટરના અહંકારને ભસ્મીભૂત કરી દીધો અને એમને પોતાની અંતરંગ મંડળીમાં સમાવી દીધા.
માસ્ટર મહાશયને ઠાકુર હંમેશાં સદ્ગૃહસ્થ થવાનો જ ઉપદેશ આપતા. એમના મનમાં જો વૈરાગ્ય જાગે તો ગૃહસ્થજીવનની ઉત્તમતા બતાવી વૈરાગ્યભાવને દૂર કરી દેતા. એટલું જ નહીં પણ જગદંબા પાસે માસ્ટર માટે પ્રાર્થના કરી હતી કે ‘આનું બધું ન છોડાવતી. એને જો ગૃહસ્થાશ્રમમાં રાખવો હોય તો એકાદ વાર દર્શન આપજે, નહીં તો એ કેવી રીતે રહેશે?’
આમ, ભક્તોને તૈયાર કરવા માટે શ્રીરામકૃષ્ણ જગદંબાને પણ પ્રાર્થના કરતા. સંસારમાં રહીને ભક્તિ કરવા માટે તેમણે માસ્ટરને કહ્યું હતું, ‘ઈશ્વર પ્રત્યે ભક્તિ રહેવાથી પત્ની પણ ઈશ્વરના માર્ગમાં આવી શકે છે. બધાં કામ કરતા રહેજો પણ મન ઈશ્વરમાં લગાવી રાખજો… પણ ઈશ્વર પ્રત્યે ભક્તિલાભ ન કરતાં જો ગૃહસ્થીનાં કામ કરતા રહેશો તો એમાં વધુ ને વધુ ફસાઈ જશો. હાથમાં તેલ લગાવીને ફણસ કાપવું પડે છે. ઈશ્વરની ભક્તિરૂપી તેલ લગાવીને ગૃહસ્થીનાં કાર્યોમાં હાથ દેવાનો હોય છે.’
જો ભક્તના મનમાં વાત ન ઊતરતી હોય તો ઠાકુર પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા પણ સમજાવી દેતા. એમની શિક્ષણ આપવાની આ પદ્ધતિ હતી. માસ્ટર નિરાકારનું ધ્યાન કરતા, આથી તેમને એવો ઉપદેશ આપતા. એક વાર મોતીશીલ તળાવની માછલીઓને બતાવીને તેમણે કહ્યું, ‘નિરાકાર બ્રહ્મમાં આ પ્રમાણે મનને ડુબાડીને એમનું ચિંતન કરવાનું હોય છે.’ માસ્ટરનું પછીથી નિરાકારમાં મન સ્થિર થતું ન હતું તેથી ઠાકુરે કહ્યું, ‘તો પછી સાકારનું ધ્યાન કેમ નથી કરતા?’
પછી અંતે તેઓ ઠાકુરની સૂચના મુજબ ધ્યાન- ભજન કરવા લાગ્યા. પછી તો વધુ ને વધુ સમય દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યા. અને રોજેરોજની ઠાકુરના વાર્તાલાપની ડાયરી લખવા લાગ્યા અને એમાંથી વિશ્વને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ગ્રંથ મળ્યો. ઠાકુરની કેવી અનોખી, જાદુઈ શિક્ષણપદ્ધતિ કે આત્મહત્યા માટે નીકળેલા મનુષ્યને સંત બનાવી એમની પાસે કથામૃતની રચના કરાવી.
ઠાકુરના ભક્ત અધરલાલ સેનને ત્યાં થતાં સંકીર્તનમાં ક્યારેક ક્યારેક ઠાકુર પણ હાજર રહેતા. એમની હાજરીથી જ આનંદ અનેકગણો વધી જતો. ઠાકુર ત્યાં પ્રસાદ પણ ગ્રહણ કરતા. અધર સેન તો સોની વાણિયા હતા. આથી બ્રાહ્મણભક્તોને ત્યાં તેમને પ્રસાદ ગ્રહણ કરવામાં આભડછેટ નડતી અને તેઓ તક મેળવીને ભોજન પહેલાં જ ચાલ્યા જતા. પણ ક્યારેક તેઓ છટકી શકતા નહીં એટલે તે સમય પૂરતી પોતાની માન્યતા બદલીને પ્રસાદ લઈ લેતા.
એક વખત આ રીતે કેદારનાથ ચટ્ટોપાધ્યાયને પ્રસાદ લેવો પડ્યો. પરંતુ મનમાં ભારે ઉચાટ થતો હતો. આખરે એમણે ઠાકુર પાસે પોતાનો અપરાધભાવ કબૂલ કરી લીધો. ત્યારે ઠાકુરે એમને સમજાવ્યું, ‘ભક્ત હોય તો ચાંડાલનું અન્ન પણ ખાઈ શકાય છે.’
ભક્તોને ત્યાં પ્રસાદ લેવામાં કોઈ હાનિ નથી એમ કહી ઠાકુરે કેદારનાથને તેમના અપરાધભાવમાંથી હંમેશને માટે મુક્ત કરી દીધા.
ગિરીશચંદ્ર ઘોષ તો શ્રીરામકૃષ્ણના બળવાખોર ભક્ત હતા. તેઓ દારૂડિયા હતા. નાટકો લખતા અને ભજવતા. એમના મદ્યપાન, ઉચ્છૃંખલતા અને જિદ્દીપણું વધતાં જતાં હતાં. એવામાં એમનું ચૈતન્યલીલા નાટક ભજવાયું. આ નાટકે તો વિકૃત રુચિ ધરાવનાર નૂતન બંગાળને ભક્તિભાવમાં તરબોળ કરી દીધું! આ નાટકે જ ગિરીશબાબુના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવનો પ્રવેશ કરાવી દીધો. ઠાકુર આ નાટક જોવા થિયેટરમાં આવ્યા. તેથી ગિરીશબાબુ તેમનું સ્વાગત કરવા દ્વાર પર ગયા. ત્યારે ઠાકુરે ગિરીશબાબુને પ્રણામ કર્યા. પછી ગિરીશે પણ વળતા નમસ્કાર કર્યા. ઠાકુરે ફરી નમસ્કાર કર્યા એટલે ગિરીશે પાછા નમસ્કાર કર્યા. આવું લાંબા સમય સુધી ચાલ્યું. આખરે ગિરીશ થાક્યા અને મનોમન જ પછી તેમણે નમસ્કાર કરી લીધા. પરંતુ ઠાકુરને તેઓ ન તો ઓળખી શક્યા કે ન તો તેમને સ્વીકારી શક્યા. જો કે તેમની ભીતરમાં તો હલચલ મચ ગઈ હતી. તેઓ જગદંબાને પોકારવા લાગ્યા હતા. તેમનામાં દેવતાની શક્તિ વિશે શ્રદ્ધા પણ જાગી હતી.
એવામાં એક દિવસ તેઓ મહોલ્લાના ચબૂતરા પાસે બેઠા હતા, ત્યાંથી શ્રીરામકૃષ્ણદેવ બલરામબાબુના ઘરે જવા નીકળ્યા અને ત્યાં બેઠેલા ગિરીશને જોઈને તેમણે નમસ્કાર કર્યા અને ગિરીશે પણ પ્રતિ-નમસ્કાર કર્યા પણ પછી તેઓ જતા રહ્યા. ત્યારે ગિરીશે અનુભવ્યું કે કોઈ અદૃશ્ય દોરી એમને ખેંચીને લઈ જાય છે. થોડી વાર બાદ એક ભક્તે ત્યાં આવીને કહ્યું, ‘શ્રીરામકૃષ્ણદેવ બોલાવી રહ્યા છે.’ ત્યાં જતાં જ ઠાકુર બોલી ઊઠ્યા, ‘બાબુ, હું મજામાં છું, મજામાં છું.’
પછી ઉન્મત્ત દશામાં આગળ બોલ્યા, ‘નહીં, નહીં આ ઢોંગ નથી.’ જાણે આ ગિરીશના સંદેહનો ઉત્તર હતો. પછી થોડી વાતચીત થઈ. પાછા જતાં ગિરીશને લાગ્યું કે એમનું અભિમાન ઓસરતું જાય છે અને અંદરમાં એવી પ્રતીતિ થઈ કે આ દેવમાનવની પાસે એક દિવસ એમણે પોતે માથું નમાવવું જ પડશે. ગિરીશ જેવા માથાભારે માણસને ભગવદ્ભાવમાં ઢાળવાની ઠાકુરની સાવ અનોખી જ પદ્ધતિ હતી.
બીજી વાર ઠાકુર જ્યારે થિયેટરમાં આવ્યા ત્યારે પણ તેમનું વિદ્રોહી મન હજુ ઠાકુરને સ્વીકારવા તૈયાર નહોતું. પરંતુ ઠાકુરનાં દર્શન થતાં જ ગિરીશનું પથ્થર-હૃદય પીગળી ગયું. ઠાકુરનો ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા અને વાતો કરવા લાગ્યા. વાતો કરતાં કરતાં એમના મનમાં પ્રબળ વિજાતીય ભાવ જાગ્યા અને તુરત જ ઠાકુરે કહ્યું, ‘તમારું મન કુટિલ છે.’ ગિરીશને આ સાંભળીને આશ્ચર્ય થયું કે ‘આ તો મનના ભાવો પણ જાણી લે છે.’ પણ પ્રતિવાદ ન કરતાં પૂછ્યું કે, ‘આ કુટિલતા કેવી રીતે જાય?’ ઠાકુરે કહ્યું, ‘વિશ્વાસ રાખવાથી.’
ગિરીશને ધીમે ધીમે શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગુરુભાવ જાગવા લાગ્યો. દક્ષિણેશ્વરમાં ગયા ત્યારે તેમને થયું કે ગુરુ જ જીવનનું સર્વસ્વ છે. પરંતુ ઠાકુર જ્યારે તેમને ઉપદેશ આપતા હતા ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ‘હું ઉપદેશ નહીં સાંભળું. એનાથી કંઈ થતું નથી. જો આપ મારા માટે કંઈક કરી શકો તો કરી આપો.’
અને ઠાકુરેય તેમને ક્યારેય ઉપદેશ આપ્યો નહીં. ફક્ત વિશ્વાસ જ રાખવાનું કહ્યું. શ્રીરામકૃષ્ણે ગિરીશ જેવા હતા તેવા જ સ્વીકાર્યા હતા. તેમને કોઈ પણ બાબતની મનાઈ કરી ન હતી. જ્યારે કોઈ ભક્ત કહેતા કે ‘તે તો દારૂડિયો છે.’ એના જવાબમાં ઠાકુર કહેતા, ‘એને કંઈ પણ કહેવું નહીં પડે. એ પોતે જ પોતાને સંભાળી લેશે.’
એક વખત ખૂબ પીધેલી હાલમાં ઘોડાગાડીમાં ગિરીશ દક્ષિણેશ્વર ગયા. એમની આવી હાલત જોઈને ઠાકુરે સેવકને કહ્યું, ‘જા, જઈને જોઈ આવ કે કંઈ ભૂલી તો નથી આવ્યો ને!’ બીજા એક દિવસે તો ઠાકુરે ફાગુની દુકાનમાંથી ગરમ કચોરી મગાવીને ગિરીશને ખવડાવી અને પોતાના હાથેથી એક ગ્લાસ પાણી પીવા આપ્યું. વળી એક રાત્રે ગિરીશ વારાંગનાઓના ઘરમાં આનંદ-પ્રમોદમાં મત્ત હતા અને ઠાકુરની યાદ આવતાં તેઓ બે મિત્રોને લઈને દક્ષિણેશ્વર આવી ગયા. રાત થઈ ગઈ હતી. બધા લોકો સૂઈ ગયા હતા. પરંતુ ગિરીશનો અવાજ સાંભળતાં જ ઠાકુર બહાર આવ્યા. દારૂના નશામાં ડૂબેલા ગિરીશનો હાથ પકડીને આનંદથી હરિનામ બોલતા ઠાકુર નૃત્ય કરવા લાગ્યા. ઠાકુરના આ પ્રેમસ્પર્શે બધો જ નશો ઊતરી ગયો અને ગિરીશ દ્રવીભૂત થઈ ગયા.
એક દિવસ ઠાકુર થિયેટરમાં નાટક જોવા ગયા. ત્યાં ગિરીશબાબુ દારૂના નશામાં ઠાકુરને કહેવા લાગ્યા કે તમે મારા પુત્ર થશો? પણ એ કેવી રીતે બને? ઠાકુરે ના પાડી. ગિરીશે ગુસ્સે થઈને ઠાકુરને ખૂબ ગાળો આપી. આવા દુષ્ટ માણસ પાસે ક્યારેય જવું નહીં, એમ ભક્તોએ ઠાકુરને કહ્યું. પણ ઠાકુરે રામચંદ્રને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘તમે જો નહીં જાઓ તો તેઓ અમૃત કોની પાસેથી મેળવશે? આવું જ કાલીનાગે શ્રીકૃષ્ણને કહ્યું હતું કે આપે મને વિષ આપ્યું છે, તો હું અમૃત ક્યાંથી લાવું?’ આ સાંભળીને ઠાકુર ગાડી કરીને ગિરીશના ઘરે પહોંચી ગયા!
આ ઘટનાએ ગિરીશને એ પ્રતીતિ કરાવી આપી કે ઠાકુર પ્રેમ અને કરુણાના મૂર્તિમંત સ્વરૂપ ઈશ્વરનો અવતાર છે. નહીંતર ગાળો દેવા છતાંય કોઈ પાછા તુરત મળવા અને પ્રેમપૂર્વક વાર્તાલાપ કરવા આવે ખરા? આ ક્ષણ ગિરીશના હૃદય-પરિવર્તનની ક્ષણ હતી. તેમણે કહ્યું, ‘આજે હું તમને ઓળખી ગયો છું કે તમે તે જ છો. તમે તે જ છો. હવે તમે મને છેતરી નહીં શકો. હવે હું તમને છોડીશ નહીં. કહો, તમે મારો ભાર લેશો, મારો ઉદ્ધાર કરશો?’
ઠાકુરે એમને સવાર-સાંજ સ્મરણ-મનન કરવાનું કહ્યું. પણ ગિરીશ કોઈ પણ જાતના વ્રત-નિયમથી બંધાઈ શકે તેમ ન હતા. એનું નિયમિત પાલન કરવું તેમના માટે અશક્ય હતું. એટલે પછી ઠાકુરે તેમને તેમનું મુખત્યારનામું આપી દેવા કહ્યું. પોતાના જીવનની સંપૂર્ણ જવાબદારી ઠાકુરને સોંપવાનું ત્યારે તો એમને સરળ લાગ્યું એટલે એમણે એ સ્વીકારી લીધું, પણ પછીથી એમને થયું કે આ તો બહુ જ આકરું છે. એમની બે પુત્રીઓ અને પત્નીનું અવસાન થયું. તેઓ રડી પણ શકતા નહોતા કેમ કે તેમણે તો પોતાની સઘળી જવાબદારી ઠાકુરને સોંપી દીધી હતી. એટલે તેઓ કહેતા રહ્યા, ‘હે કરુણામય, તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ.’ જે દિવસે ઠાકુર કલ્પતરુ બન્યા હતા ત્યારે ગિરીશનાં સ્તુતિ-સ્તવને જ ઠાકુરની ઐશ્વર્યશક્તિને જગાડી હતી.
ગિરીશે જ બે હાથ જોડીને પ્રાર્થના કરતાં ઠાકુરને કહ્યું હતું, ‘વ્યાસ- વાલ્મીકિ જેનો પાર પામી શક્યા ન હતા, તો મારા જેવો તુચ્છ માણસ એમના સંબંધમાં બીજું શું કહી શકે?’ આમ ઠાકુરે કોઈ પણ જાતના પ્રત્યક્ષ ઉપદેશ વગર, કોઈ પણ વસ્તુની મનાઈ કર્યા વગર ફક્ત પોતાના પ્રેમથી, પોતાની આગવી પદ્ધતિથી ગિરીશને લંપટતા, નશાખોરી, ઉગ્રતા, જિદ્દ—આ બધામાંથી છોડાવીને સાધુપુરુષ બનાવી દીધા. આ જ છે એમની દેવમનુષ્યોને ઘડનારી અદ્ભુત શિક્ષણપદ્ધતિ. એટલે તો ગિરીશ કહે છે કે નરેન્દ્રનાથ જેવા ઉત્તમ આધારને વિવેકાનંદમાં પલટાવવા એ તો સહેલું છે, પણ મારા જેવા અધમ પાત્રને સન્માર્ગે વાળીને કલ્યાણના પથે લઈ જવો એમાં જ શ્રીરામકૃષ્ણદેવની મહત્તા છે.
સુરેન્દ્રનાથ મિત્ર પણ દારૂડિયા હતા. પણ ક્યારેક એમને એનું ભારે દુ:ખ પણ થતું હતું. પરંતુ મદિરાપાન છોડી શકતા ન હતા. એક વખત તો એટલું દુ:ખ થયું કે તેઓ આત્મહત્યા કરવા પ્રેરાયા. એમના મનની આવી અશાંતિ જોઈને એમના મિત્ર રામચંદ્રે દક્ષિણેશ્વર પરમહંસ પાસે જવાની સલાહ આપી.
ત્યારે તેમણે કહ્યું, ‘તમે લોકો એમના પર શ્રદ્ધા રાખો એ સારી વાત છે. પણ મને શા માટે ત્યાં લઈ જાઓ છો? હંસ મધ્યે બકો યથા! જો એમણે એવી કોઈ વાત કરી છે તો હું એમનો કાન પકડીશ.’ પરંતુ તેઓ ગયા તો ખરા ત્યાં ઠાકુરે વાંદરાના બચ્ચાના જ્ઞાનપ્રધાન માર્ગની અને બિલાડીના બચ્ચાના શરણાગતિના સરળ માર્ગની વાત કરી. ત્યારે સુરેન્દ્રને થયું કે જાણે આ વાત તો એમના માટે જ કહેવામાં આવી છે. અને ઠાકુરે જાણે બધો જ ભાર લેવાનો ઇશારો કરીને તેમને શાંતિનો સરળ માર્ગ આપી દીધો છે.
જ્યારે હૃદયમાં શાંતિ લઈને પાછા ફર્યા ત્યારે સુરેન્દ્રે કહ્યું, ‘એમનો કાન પકડીશ એમ કરીને મેં ઘમંડ કર્યો હતો પરંતુ તેમણે જ મારો કાન પકડ્યો. શું તેઓ કોઈ સામાન્ય ગુરુ છે?’ પછી તો દર રવિવારે તેઓ દક્ષિણેશ્વર જવા લાગ્યા. ઠાકુર શિષ્યોને માત્ર પ્રેમથી જ સમજાવતા એમ નહીં, પણ ક્યારેક કઠોર પણ બનીને શિક્ષણ આપી દેતા. એક વાર સુરેન્દ્રના ઘરે ઠાકુર આવ્યા હતા. સુરેન્દ્રે સુંદર માળા ઠાકુરના ગળામાં પહેરાવી તો ઠાકુરે હાથમાં લઈને તે દૂર ફેંકી દીધી.
એથી દૂર જઈને સુરેન્દ્ર રડવા લાગ્યા ને નજીકના ભક્તોને કહેવા લાગ્યા, ‘રાઢ પ્રદેશના બ્રાહ્મણ આ વસ્તુની કીમત શું જાણે? ઘણા રૂપિયા ખર્ચીને હું આ માળા લાવ્યો હતો. મારો શો અપરાધ છે? ભગવાન પૈસાના નથી, અહંકારના પણ નથી; હું અહંકારી છું એટલે તેઓ મારી પૂજા કેમ સ્વીકારે? મને હવે જીવવાની ઇચ્છા નથી,’
આમ કહેતાં કહેતાં તેઓ ખૂબ રડવા લાગ્યા. શ્રીરામકૃષ્ણને જે કરવું હતું તે કર્યું અને એમના અભિમાન અને પૈસાના ઘમંડના ચૂરા કરી નાખ્યા. પછી તો ઠાકુરે ફેંકી દીધેલી માળા પોતાના એક હાથમાં ઉઠાવી લીધી અને નૃત્ય કરવા લાગ્યા. પછી એ માળા સુરેન્દ્રના ગળામાં પહેરાવી પણ દીધી. આમ સુરેન્દ્રને પાઠ ભણાવીને પછી ખૂબ આનંદ કરાવ્યો. આવું તો ઠાકુર જ કરી શકે!
(ક્રમશઃ)
Your Content Goes Here




