જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને ક્ષીણ કરી દેવા જોઈએ.

એક માણસ રસ્તે ઝડપથી દોડતો જતો હોય તો તે પોતાની જાતને આટલું પૂછી શકે કે તે આટલી ઉતાવળ શા માટે કરે છે. અને વિચારતા એને માલૂમ પડે કે એની પાછળ કોઈ કારણ નથી તો તે ધીમે ચાલવાનું વિચારી શકે. પછીથી તે પોતાની જાતને તે શા માટે ચાલે છે એમ પણ પૂછી શકે. અને એની પાછળ પણ કોઈ વ્યાજબી કારણ ન હોય તો તે સ્થિર ઊભા રહેવાનું પણ વિચારી શકે. વળી પાછો તે શા માટે ઊભો છે એમ પોતાની જાતને પૂછી શકે. ઊભવા પાછળ કોઈ વ્યાજબી કારણ ન હોય તો તે નીચે બેસી જવાનો નિર્ણય કરી શકે. વળી પાછો તે શા માટે બેઠો છે એવું પૂછે અને બેસવા પાછળનું કોઈ યોગ્ય કારણ ન મળે તો તે સૂઈ જવાનું નક્કી કરે. આમ ક્રમશ: તે વધુ શક્તિ અને ક્ષમતાનો વ્યય કરનારી પરિસ્થિતિને ત્યજીને સારી સુખદ પરિસ્થિતિને સ્વીકારે છે. આવી જ રીતે દુષ્ટ સંકલ્પના કે વિચારનું ક્રમશ: નિવારણ કરીને સારી સંકલ્પના અને સદ્‌વિચાર ગ્રહણ કરી શકે છે.

જો આવી દુષ્ટ સંકલ્પના કે વિચારો તમારા મનને અવિરતપણે ખલેલ પહોંચાડવાનું ચાલું રાખે તો તમારે તમારા દાંત કચકચાવી અને તમારી જીભને તાળવે ચોંટાડીને – પૂરેપૂરી તાકાત અજમાવીને એની સાથે લડવું જોઈએ. આમ કરવાથી અંતે એનો નાશ થશે અને તમારું મન શાંત, કરુણાળુ, જાગ્રત અને એકાગ્ર બનશે.

આવાં સાધનોથી તમે તમારા વિચારના સ્વામી બનો છો. તમે જે કંઈ પણ વિચાર કરવા માગતા હો તે વિશે તમે વિચારી શકશો અને જે કોઈ પણ વિચારથી તમે દૂર રહેવા માગતા હશો તેવા વિચારો તમે નહિ કરો.

* * *

ભગવાન બુદ્ધ સવત્થીમાં હતા. તેમણે સંન્યાસીઓને બોલાવીને સંબોધન કર્યું. અવારનવાર તમારા મનમાં દુર્વિચારો કે કલ્પનાઓ આવે છે. એ બધા તૃષ્ણા, ઘૃણા, ભ્રમણા કે અજ્ઞાન સાથે સંલગ્ન હોય છે. એવે સમયે તમારે તમારા મનમાં સત્‌ સંકલ્પનાને જાગવા દેવી જોઈએ. આ સત્‌ સંકલ્પના અનિષ્ટ વિચારોને દૂર કરશે. પરિણામે મન શાંત, કરુણાળુ, જાગ્રત અને એકાગ્ર બનશે.

કડિયો મોટી ખીલીને કાઢવા માટે નાની – કોમળ ખીલીનો ઉપયોગ કરે છે. એવી જ રીતે તમારે દુષ્ટ વિચારોને દૂર કરવા માટે મનની આ સત્‌ સંકલ્પનાનો ઉપયોગ કરવો જોઈએ.

છતાં પણ દુષ્ટ વિચારો કે કલ્પનાઓ તમારા મનને સતત સતાવતી રહે તો તમારે એ માટે ઊંડી ઘૃણાની લાગણી ઊભી કરવી પડે. અને તમારી ભીતર આ દુર્વિચારો આવ્યા તેને માટે તમારી જાતને ઠપકારવી જોઈએ. તમારે આ દુર્વિચારોને એક મોટા ત્રાસભય રૂપે જોવા જોઈએ.

કોઈ યુવક કે યુવતી પોતાના ગળામાં સુંદર અલંકારો પહેરીને રાજી થાય  પરંતુ એ અલંકારોને બદલે કોહવાતા માંસનો લોચો લટકાવી દઈએ તો એ યુવક કે યુવતીને તેના પ્રત્યે સખત ચીડ કે ઘૃણા થશે. અને એને તોડીને ફેંકી દેશે. જો કે ક્યારેક આવા દુર્વિચારો કે કલ્પનાઓ લાગે મજાની પણ તમારે તો હંમેશાં એને સડેલા માંસના લોચા જેવી ગણવાં.

(વિતક્કસંથાન સૂત્ત : મજ્જહિમા નિકાય : ૧ – ૧૧૮, ૧૨૦-૨૧)

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.