(સ્વામી પરમશિવાનંદ રામકૃષ્ણ મઠ, ચેન્નઈમાં કાર્યરત છે. તેમણે લખેલ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

ધન પહેલાં જ્ઞાન

રામકૃષ્ણ સંઘના તેરમા પરમાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજીએ ૪ એપ્રિલ, ૧૯૭૯ના રોજ મુંબઈમાં ઉદ્યોગપતિઓને સંબોધતાં કહ્યું હતું:

“જો તમારે શ્રી—ધન—પ્રાપ્ત કરવું હોય, તો તેની પાછળ રહેલી બીજી એક શક્તિની શોધ અને પ્રાપ્તિ કરવી જોઈએ. એ શક્તિ છે વાણી, સરસ્વતી અર્થાત્ જ્ઞાન. સરસ્વતી વિના શ્રી કે લક્ષ્મીનું આગમન શક્ય નથી.

આપણે ધીમે ધીમે આ સત્યને સમજતા જઈ રહ્યા છીએ… જ્ઞાન એક બાજુ અને ધન તથા લોકકલ્યાણ બીજી બાજુ—આ બંને મૂલ્યો હંમેશાં એકબીજા સાથે જોડાયેલાં છે. માનવજાતનું સમગ્ર ધન અને કલ્યાણ પરીક્ષણ અને પ્રમાણથી સિદ્ધ થયેલા જ્ઞાનમાંથી જ ઉદ્‌ભવે છે. તેથી મનુષ્ય માટે પ્રથમ છે જ્ઞાન, વિજ્ઞાન અને વિદ્યા; અને ત્યાર પછી છે ધન તથા કલ્યાણ—શ્રી.

આ સત્ય પશ્ચિમના આધુનિક વિકાસમાં તાદૃશ જોવા મળે છે. પશ્ચિમના લોકોએ પ્રથમ સરસ્વતીની સાધના કરી—વૈજ્ઞાનિક સંશોધનને જીવનનું મહત્ત્વનું ધ્યેય બનાવ્યું. આ સંશોધન દ્વારા તેમણે પ્રકૃતિ અને માનવ વિશેના જ્ઞાનને વિસ્તૃત કર્યું. જ્ઞાનની શોધ માટેની આ પ્રારંભિક તપશ્ચર્યામાંથી જ અંતે એક સુંદર આશીર્વાદરૂપે શ્રી—ધનસંપત્તિ—પ્રાપ્ત થઈ.”

રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ

સ્વામી રંગનાથાનંદજીએ મુંબઈમાં આપેલા પોતાના પ્રવચનમાં આગળ કહ્યું હતું:

“માનવ-વિકાસના ક્ષેત્રમાં ધનનું સ્થાન મહત્ત્વની દૃષ્ટિએ બીજું છે, પ્રથમ નહીં. મનુષ્યોના વિકાસમાં રોકાણ ન થાય ત્યાં સુધી ધન નિષ્ક્રિય અને નિર્જીવ બની રહે છે. મનુષ્યોમાં રોકાણ કરવા માટે પ્રથમ જરૂરિયાત છે સમર્પિત યુવાનોની—દેશપ્રેમ અને રાષ્ટ્રસેવાની ભાવનાથી પ્રેરિત સામાજિક સમૂહોની. આવા સમૂહોનું નિર્માણ સૌપ્રથમ થવું જોઈએ. ત્યાર પછી જ ધન પોતાની ઉપયોગિતા સાબિત કરે છે; શરૂઆતમાં નહીં. પહેલાં યોગ્ય પ્રકારના લોકો, પછી ધન. ઘણી વાર સરકારી યોજનાઓ ધનથી શરૂ થાય છે અને અંતે પણ ધન સાથે જ પૂર્ણ થાય છે. તેના બદલે એવા યોગ્ય લોકો તૈયાર કરવા પર વધુ વિચાર થવો જોઈએ, જેઓ ધનને ખરેખર અસરકારક માનવ-વિકાસમાં રૂપાંતરિત કરી શકે… શિક્ષિત, કાર્યક્ષમ અને રાષ્ટ્રને સમર્પિત સ્ત્રી-પુરુષો રાજ્યની સૌથી મોટી સંપત્તિ છે…”

‘ડિજિટલ ઇન્ડિયા’નું પરિવર્તન

દાયકાઓ પહેલાં સ્વામી રંગનાથાનંદજીએ જે ‘વિદ્યા’—જ્ઞાનને રાષ્ટ્રના વિકાસનો પાયો ગણાવ્યો હતો, તે આજે ભારતમાં એક નવા ડિજિટલ-પ્રભાત તરીકે ખીલી ઊઠી છે. ભારત સરકાર દ્વારા ૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ શરૂ કરવામાં આવેલો ‘ડિજિટલ ઇન્ડિયા’ કાર્યક્રમ દેશને ડિજિટલ રીતે સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.

તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપવું તથા માનવજીવનના વાસ્તવિક પડકારોના ઉકેલ માટે ડિજિટલ સાધનો અને ઉકેલોના સંશોધન-વિકાસને વેગ આપવો—આ કાર્યક્રમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. શહેરી અને ગ્રામ્ય ભારત વચ્ચે ડિજિટલ જોડાણ, સુશાસન અને આર્થિક તકોનું અંતર ઘટાડીને ડિજિટલ ઇન્ડિયા આજે ગ્રામ્ય વિકાસની દિશામાં એક શક્તિશાળી પ્રેરકબળ બની રહ્યું છે.

આ પહેલના મહત્ત્વપૂર્ણ ધ્યેયોમાં દરેક વ્યક્તિ સુધી સુલભ ડિજિટલ સેવાઓ પહોંચાડવાનો સમાવેશ થાય છે—ખાસ કરીને વંચિત સમુદાયો, દિવ્યાંગ વ્યક્તિઓ તથા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી. સાથે સાથે, માર્ગદર્શન, ટેક્નોલોજીની સુલભતા, ડિજિટલ કૌશલ્ય-વિકાસ અને સહયોગ દ્વારા ડિજિટલ ઉદ્યોગ-સાહસિકતા તથા નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા સર્જનાત્મકતાને પાંખો આપે છે અને આર્થિક વિકાસને નવી ગતિ આપે છે.

આજનો યુવા અને ઊભરતું ભારત

આજનું ભારત વિશ્વની સૌથી મોટી યુવા-શક્તિ ધરાવતું રાષ્ટ્ર છે. ૧૫થી ૨૯ વર્ષની વયના આશરે ૩૭.૧ કરોડ યુવાનો ભારતની વિશાળ યુવા-સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. ડિજિટલ ઇન્ડિયાની દિશાદર્શક પહેલ અને ટેક્નોલોજી-સજ્જ યુવા પેઢીની સંયુક્ત શક્તિએ ભારતને વૈશ્વિક ડિજિટલ શક્તિ તરીકે મજબૂત સ્થાન અપાવ્યું છે. આ યુવા-શક્તિએ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ને માત્ર એક સાધન તરીકે નહીં, પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તનના શક્તિશાળી પ્રેરક તરીકે અપનાવી છે. ગ્રામ્ય ભારતની ધરતી પર AI આધારિત ચોકસાઈપૂર્ણ ખેતીથી લઈને મહાનગરોમાં વિકસતી અત્યાધુનિક Financial Technology સેવાઓ સુધી, ભારત સ્વદેશી નવીનતાના એક નવા અને અભૂતપૂર્વ યુગમાં પ્રવેશી રહ્યું છે.

સરકારનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) પરનું ધ્યાન યુવા ઉદ્યોગ-સાહસિકો માટે વિકાસનો મજબૂત પાયો ઊભો કરી રહ્યું છે. તેના આધારે તેઓ સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તર સુધીના પડકારો ઉકેલવા સક્ષમ, મોટા પાયે વિસ્તરી શકે તેવાં AI-કેન્દ્રિત Startups ઊભાં કરી રહ્યા છે. વ્યાપક ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમોએ પણ એ સુનિશ્ચિત કર્યું છે કે ટેક્નોલોજીની આ પ્રગતિનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને શહેરી તથા ગ્રામ્ય ભારત વચ્ચેનું અંતર સતત ઘટતું જાય.

વિશ્વ ૨૦૨૬ તરફ નજર કરી રહ્યું છે ત્યારે ભારત એ વાતનું જીવંત ઉદાહરણ બનીને ઊભરી રહ્યું છે કે ઊભરતી ટેક્નોલોજી કેવી રીતે વિકાસશીલ રાષ્ટ્રના કાર્યબળને સશક્ત બનાવી શકે છે. આ ‘ઊભરતું ભારત’ જ્ઞાનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી પેઢીની ‘કરી બતાવવાની અડગ ભાવનાનું’ પ્રતિબિંબ છે—એક એવી પેઢી, જે AI અને Deep Techનાં ક્ષેત્રોમાં વૈશ્વિક પરિવર્તનોને દિશા આપી રહી છે અને સાથે સાથે આરોગ્ય, શિક્ષણ અને અવકાશ જેવાં માનવકલ્યાણનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ નવીનતાના નવા અધ્યાયો આલેખી રહી છે.

ડિજિટલ સ્વીકારના કાળા પડછાયા

ઝડપથી વિસ્તરતા ડિજિટલ યુગે ભારત અને વિશ્વ માટે અસંખ્ય તકો ઊભી કરી છે, પરંતુ તેના કેટલાક કાળા પડછાયા પણ ખાસ કરીને યુવા પેઢીના જીવન પર પડી રહ્યા છે. આજનો યુવાન જાણે અનેક દબાણોના સામૂહિક ઘેરાવનો સામનો કરી રહ્યો છે—ઉચ્ચ પગારવાળી ટેક્નોલોજી આધારિત કારકિર્દી તરફ દોરી જતી શિક્ષણક્ષેત્રની કઠોર સ્પર્ધા, AIના કારણે કારકિર્દીની વધતી અનિશ્ચિતતા અને સોશિયલ મીડિયાથી ઊભી થતી ઉપરછલ્લી જોડાણભાવના, જે ઘણી વખત સાચી સામાજિક સહભાગિતાને બદલે ચિંતા અને એકલતા વધારે છે.

આ આંતરિક અશાંતિને બદલાતું જતું વાતાવરણ, મહામારી અને ભૂ-રાજકીય અસ્થિરતા જેવી વૈશ્વિક પરિસ્થિતિઓ વધુ ઘેરી બનાવે છે. પરિણામે એવી પેઢીનું નિર્માણ થઈ રહ્યું છે, જે ટેક્નોલોજીથી તો પરસ્પર જોડાયેલી છે, પરંતુ ભાવનાત્મક રીતે એકલવાઈ છે—જે મૌન સંઘર્ષ તથા ભાવનાત્મક સુખાકારીની અધૂરી જરૂરિયાતો વચ્ચે પોતાનું જીવન આગળ ધપાવી રહી છે.

ડિજિ સેવા-ભાવના—એક પવિત્ર સેવા તરીકે ટેક્નોલોજી

ટેક્નોલોજીમાં વિશ્વને પરિવર્તિત કરવાની અપરિમિત શક્તિ રહેલી છે; પરંતુ તેની સાચી અને કલ્યાણકારી શક્તિ ત્યારે જ પ્રગટે છે જ્યારે તેને પ્રબુદ્ધ બુદ્ધિ અને નિઃસ્વાર્થ હૃદયનું માર્ગદર્શન મળે. ડિજિટલ ક્રાંતિ જ્યારે અતિશય ઝડપી ગતિએ આગળ વધી રહી છે ત્યારે તેની દિશામાં જરૂરી સુધારો લાવવાની તાતી જરૂર છે—એવો સુધારો, જેમાં લોભ અને અહંકારનું સ્થાન સમાજના વંચિત અને ઉપેક્ષિત વર્ગોને સશક્ત બનાવવાની દૃષ્ટિ લે.

સ્વામી વિવેકાનંદના વિચારો અનુસાર, આવા પરિવર્તન માટે ‘સમન્વિત વ્યક્તિત્વ’ ધરાવતી પેઢીનું નિર્માણ આવશ્યક છે—એવી પેઢી, જેમાં ત્રણ Hનું સમન્વય હોય: સંવેદના અનુભવતું હૃદય (Heart), વિચારશીલ મસ્તક (Head) અને કાર્યશીલ હાથ (Hands). તેમણે નિષ્ઠાવાન, નિઃસ્વાર્થ અને નિર્ભય યુવાનોની એક ‘સેના’ ઊભી કરવાની હાકલ કરી હતી, જે સમગ્ર દેશની ધરતી પર ફરીને સામાજિક ઉત્થાન અને સમાનતાનો સંદેશ વહેંચે.

ડિજિ સેવા આ જ ઉદાત્ત વિચારધારામાંથી જન્મેલો એક સ્વૈચ્છિક કાર્યક્રમ છે. તે યુવા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને રામકૃષ્ણ મઠ અને મિશન સાથે સહયોગ કરીને સેવા કરવાની એક અનોખી તક આપે છે. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ ઊભરતી ટેક્નોલોજી અને સંશોધનની શક્તિનો ઉપયોગ કરીને ભારતના સમાજ સામેના વાસ્તવિક પડકારોના વ્યવહારુ ઉકેલો શોધી શકે છે.

ડિજિ સેવા હેઠળ ‘Bring Your Own Project’ એટલે કે ‘પોતાનો પ્રોજેક્ટ લઈને આવો’ એવો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. વ્યક્તિ પોતાની પસંદગીનો તકનીકી-પ્રોજેક્ટ રજૂ કરી શકે છે અને મંજૂરી મળ્યા બાદ તેના પર કાર્ય કરવા માટે ડિજિ સેવા દ્વારા ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે. વિચાર અને આયોજનના પ્રારંભિક તબક્કામાં રહેલા વિદ્યાર્થીઓના Startupsને પણ આ કાર્યક્રમમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત, Flexible Hybrid Modelની સુવિધા પણ આપવામાં આવે છે, જેમાં ઘરેથી તેમજ સ્થળ પર રહીને કામ કરવાની બંને શક્યતાઓનું સંયોજન છે.

‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’—સેવાનું આધુનિક તપોવન

‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’—આત્મ-કલ્યાણ અને સમગ્ર જગતના હિત માટે—આ શાશ્વત મંત્રને હૃદયમાં ધારણ કરીને ડિજિ સેવા આધુનિક તપોવનનું સર્જન કરે છે. આ શાંત અને પ્રસન્ન વાતાવરણમાં વ્યક્તિ આત્મચિંતન અને ધ્યાન દ્વારા આંતરિક સંતુલન કેળવી શકે છે; સાથે જ ઉચ્ચ પ્રભાવ ધરાવતા તકનીકી નવીનતાના કાર્યમાં પ્રવૃત્ત રહીને પોતાના ભાવનાત્મક સ્વાસ્થ્યનું પણ જતન કરી શકે છે.

વ્યાવસાયિક દૃષ્ટિએ, ડિજિ સેવા સાથે જોડાયેલા ‘યોદ્ધાઓ’ને પ્રત્યક્ષ કાર્યનો અમૂલ્ય અનુભવ મળે છે અને નવીન સંશોધનને સ્વતંત્રપણે આગળ વધારવાની તક મળે છે. વ્યક્તિગત સ્તરે, તેઓ વ્યાવહારિક વેદાંતમાં રહેલાં ગહન આનંદ અને પરિપૂર્ણતાનો અનુભવ કરે છે—એવું જીવનદર્શન, જે નિઃસ્વાર્થ સેવાને જીવનના પરમ ધ્યેયની પ્રાપ્તિ તરફ દોરી જતો માર્ગ માને છે.

ડિજિ દાન – ભારતીય પરોપકારને નવી દિશા અને NPOsની નવી ભૂમિકા

સ્વામી રંગનાથાનંદજીએ જ્ઞાનના વિકાસ અને માનવકલ્યાણ માટે ધનને એક આવશ્યક આધારશક્તિ તરીકે સ્વીકારી છે. તેઓ કહે છે:

“આપણી પાસે હૃદય અને યથાર્થ દૃષ્ટિકોણ હોવાં જોઈએ, જેથી સમર્પિત યુવાનો ક્યાં અને કયા ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે તે આપણે ઓળખી શકીએ; અને તેમને વધુ મોટાં તથા વધુ ઉત્તમ કાર્યો કરવા માટે મદદ અને પ્રોત્સાહન આપી શકીએ. ભારતના ધનવાન લોકોએ વધુ ને વધુ સમજવું જોઈએ કે વિવેકપૂર્ણ અને યોગ્ય રીતે વપરાયેલું ધન જ ‘શ્રી’માં પરિવર્તિત થાય છે. તેથી કોઈ પણ સારું કાર્ય ધનના અભાવે અધૂરું કે નિષ્ક્રિય ન રહે તેની તેમણે કાળજી લેવી જોઈએ. દરેક સારા કાર્ય પ્રત્યે તેમનામાં સ્વાભાવિક અને અવિરત એવો ભાવ વિકસવો જોઈએ—‘હું તમારા માટે શું કરી શકું? હું તમને કેવી રીતે મદદ કરી શકું?’”

ડિજિ દાન ડિજિ સેવાની સહાયક અને પૂરક પહેલ છે. તે વ્યક્તિઓ તેમજ કોર્પોરેટ સંસ્થાઓને આર્થિક સહયોગ માટે આમંત્રિત કરે છે, જેથી ડિજિટલ સેવા અને સમાજના ઉત્થાનના આ કાર્યને સતત બળ અને સંસાધન પ્રાપ્ત થાય. ભારતીય પરોપકારની પરંપરા પણ આજે એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. NPOsને મળતા CSRના દાનમાં હવે પરંપરાગત દાનપદ્ધતિઓથી આગળ વધીને વૈજ્ઞાનિક સંશોધન અને જ્ઞાન-નિર્માણના માળખામાં રોકાણ કરવાની દિશા વધુ સ્પષ્ટ બની રહી છે.

આ બદલાવનાં નોંધપાત્ર ઉદાહરણોમાં માનવ-મગજ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓને સમજવા માટેના બ્રેઇન રિસર્ચ અને ન્યૂરોસાયન્સમાં રોકાણ, દરેક વ્યક્તિની વિશિષ્ટ જરૂરિયાત મુજબ શિક્ષણના અનુભવો ઘડવા માટેની પહેલો, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં AIના ઉપયોગના પ્રયાસો તેમજ વાતાવરણ-પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે નિવારક પગલાં અને આપત્તિ-રાહત માટેની સજ્જતા જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.

(ક્રમશઃ)

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.