(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે જુદા જુદા વિષયો પર અનેક મનનીય લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા સમયે સમયે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે તથા ઘણા જ લોકપ્રિય થયેલ છે. આ લેખ આકાશવાણી, રાયપુરથી ‘વિવેક જ્યોતિ’ હિન્દી માસિકમાં જૂન, ૨૦૦૪માં સાભાર લેવાયો હતો. તેનો શ્રીઅમરશીભાઈ ગાંગાણીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

મેં એક વાર દિલ્હીમાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદાદેવીના જીવન અને સંદેશ પર ચર્ચા કરી હતી. માએ કોઈને શાંતિ પામવાનો ઉપાય બતાવતાં કહ્યું હતું, ‘કોઈના દોષ જોશો નહીં, દોષ પોતાના જોવા’, પછી એક શ્રોતાએ મને પૂછ્યું, ‘જો આપણે કોઈના દોષ ન જોઈએ, તો કામ કેવી રીતે ચાલે? માણસ ભૂલ કરશે અને જો આપણે તેના દોષ બતાવીએ તો તો દોષ જોવાનું થઈ ગયું અને ન બતાવીએ તો એનાથી દુનિયા કેવી રીતે ચાલશે?’

આ મહત્ત્વનો પ્રશ્ન છે. જો આપણે દોષ ન જોઈએ તો સુધારો કેવી રીતે થશે? જો માતા-પિતા પોતાનાં બાળકોના દોષ ન જુએ, તો બાળકો કેવી રીતે સુધરશે? જો હું મારી સાથે કામ કરવાવાળા માણસોના દોષ ન જોઉં તો તેઓને કેવી રીતે સુધારીશ? જો શિક્ષક વિદ્યાર્થીના દોષ ન જુએ, તો વિદ્યાર્થી આગળ કેવી રીતે વધશે? દોષ-દર્શન વિના દોષોને સુધારવાનો કોઈ ઉપાય નથી. ત્યારે આ તો કહેવામાં આવે છે કે બીજાના દોષ ન જુઓ. આનો મતલબ શું?

વાત એમ છે કે દોષ જોવાની પણ બે રીતો છે. એક તો એ કે દોષ જોઈને આપણે તે વ્યક્તિની નિંદા કરીએ છીએ, તેના પર હસીએ છીએ. આવા દોષ જોવામાં આપણને રસ મળે છે. આપણે રસપૂર્વક બીજાઓના દોષની ચર્ચા કરીએ છીએ. બીજી રીત એ છે કે જેને આપણે ચિકિત્સકની દૃષ્ટિ કહીએ છીએ. ચિકિત્સક પણ રોગીના દોષ જુએ છે, પરંતુ હસવા માટે નહીં. તે દોષોને દૂર કરવા ઇચ્છે છે. દોષોને જોઈને તેને હસવું આવતું નથી, ન તો દોષોનો પ્રચાર કરવામાં તેને રસ હોય છે. તે પણ બહુ જ ઝીણવટથી દોષ જુએ છે, પણ તેનું નિદાન કરવા માટે. જે દોષ-દર્શનની નિંદા કરવામાં આવે છે, તે પહેલા પ્રકારની છે.

તો ઉચિત અને અનુચિત દોષ-દર્શનની મોટી કસોટી એ છે કે જ્યારે આપણે વ્યક્તિનું હિત કરવા માટે એના દોષોને જોઈએ છીએ, ત્યારે તે ઉચિત છે. એની પાછળનો આપણો આશય એ રહે છે કે દોષોને બતાવવાથી વ્યક્તિ પોતાને સુધારવાની ચેષ્ટા કરશે. પણ જ્યાં દોષ-દર્શનની પાછળ વ્યક્તિના અહિતનો ભાવ હોય ત્યાં તે અનુચિત છે. આવા દોષ-દર્શનથી આપણે બચવું જોઈએ. એટલા માટે નહીં કે આનાથી આપણે વ્યક્તિનું અકલ્યાણ કરીએ છીએ, પરંતુ એટલા માટે પણ કે આમ કરીને આપણે આપણું પોતાનું અકલ્યાણ કરીએ છીએ. જ્યારે આપણે બીજાઓના દોષોને આ ઉદ્દેશ્યથી જોઈએ છીએ કે તે લોકોને આપણે નીચા-હલકા બતાવીએ ત્યારે વસ્તુતઃ આપણે દોષનું રસાસ્વાદન કરી રહ્યા હોઈએ છીએ. આવું રસાસ્વાદન આપણી પોતાની અંદર એ દોષોને સંક્રમિત કરવા લાગે છે, ફળસ્વરૂપ જે દોષોના દોષી આપણે બીજાઓને બનાવતા હતા, તે જ દોષ આપણામાં પેદા થઈ જાય છે.

આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં બનેલી એક ઘટના સ્મરણીય છે. તેમને મળવા માટે કર્તાભજા સંપ્રદાયના લોકો આવ્યા હતા. આ એક વામાચારી સંપ્રદાય હતો, જે ‘પંચ મકાર’ની સાધનામાં વિશ્વાસ કરતો હતો. જ્યારે તે લોકો ચાલ્યા ગયા પછી, નરેન્દ્રનાથ, જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામથી વિખ્યાત થયા હતા, તેઓ તે લોકોની, તેઓની સાધના પદ્ધતિની જોરદાર નિંદા કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણે તેમને એકદમ રોકી દીધા અને કહ્યું, ‘શું નકામી ચર્ચા કરે છે? બીજાઓની ગંદકીની ચર્ચા આપણા મનમાં પણ ગંદકી ભરી દે છે. એટલા માટે આવાં દોષ-દર્શન અને નિંદા-આક્ષેપથી બચવું જોઈએ.’

આ દોષો પ્રત્યેની સાચી દૃષ્ટિ છે. આપણે સાવધાની રાખવી જોઈએ કે બીજી વ્યક્તિના જે દોષોની ચર્ચામાં આપણને રસ પડે છે, તેવા દોષો ક્યાંક આપણી અંદર તો નથી પ્રવેશી ગયા ને?

દોષ-દર્શનનો એક બીજો પણ સંદર્ભ છે, જે આપણા પોતાના માટે ઉપકારક છે. ચિકિત્સક, શિક્ષક, માતા-પિતા અથવા વડીલ-વૃદ્ધોનાં દોષ-દર્શન બીજાઓના માટે ઉપકારક હોય છે, પરંતુ તે ખુદના ઉપકારને માટે પણ દોષ-દર્શન કરી શકે છે. આનું વર્ણન ગીતાના ૧૩મા અધ્યાય અંતર્ગત ૯મા શ્લોકમાં કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે-

जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम्।

જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગમાં દુઃખ અને દોષનો વારંવાર વિચાર કરવો. આ સાધનાના ક્ષેત્રનું દોષ-દર્શન છે, જે શરીરના દોષોને જોવાનો પાઠ શિખવાડે છે. જે શરીરની આસક્તિના કારણે આપણે બીજાના હિતનું ધ્યાન રાખતા નથી, તે પોતે જ કેટલા દોષથી ભરેલ છે.

આવા વારંવારના વિચાર આપણને આપણા શરીર પરની આસક્તિથી ઉપર ઉઠાવે છે અને વ્યાપક દૃષ્ટિ આપે છે. જે શરીરને આપણે સજાવીએ છીએ, તે છેલ્લે તો મળમૂત્રનું જ માટલું છે, ફક્ત ગંદકી જ વિખેરે છે. જો આવું દોષ-દર્શન રહે તો આનાથી આપણને સ્વાર્થની ઉપર ઊઠીને જીવનનાં ઉચ્ચતર મૂલ્યો તરફ જોવામાં સહાયતા મળે છે. આપણે દોષ-દર્શન તો કરીએ, પણ આ સંદર્ભમાં.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.