(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
(ગતાંકથી આગળ)
નારીઓનાં અધિકાર તથા કર્તવ્ય
પ્રશ્નઃ ભારતનાં ધર્મગ્રંથોમાં નારીની આટલી નિંદા કેમ કરવામાં આવી છે? શું તમે પણ આવા કથનો સાથે સહમત છો કે નારી નરકનું દ્વાર છે?
ઉત્તરઃ ના, અમે આવાં કથનો સાથે સહમત નથી. નારી શક્તિ છે, જગદંબાનું સ્વરૂપ છે. એની પ્રસન્નતા વ્યક્તિ, પરિવાર અને સમાજનું નિર્માણ કરે છે. એની હાય સમાજનાં મૂળિયાંને સૂકવી નાખે છે. જે ધર્મગ્રંથોમાં નારીની નિંદા કરવામાં આવી છે, તે દુરાગ્રહથી પીડિત છેે. આવા જ ગ્રંથો અને વિચારોએ હિન્દુ ધર્મને નિર્બળ બનાવી દીધો છે.
પ્રશ્નઃ આજની વિષમ પરિસ્થિતિમાં ભારતીય નારીનું સ્વરૂપ અને જવાબદારી શું હોવાં જોઈએ?
ઉત્તરઃ વિશ્વમાં સામાન્ય રીતે જડ અને ચેતન—આ બે શ્રેણી જોવા મળે છે. જ્યારે સમાજના મોટા ભાગના લોકો જડમાં જ પોતાની આસ્થા કેન્દ્રિત કરી, એને જ સર્વસ્વ સમજવા લાગે છે, ત્યારે એમના માટે શરીર પૂજનીય બની જાય છે. આવી અવસ્થા વિષમ પરિસ્થિતિને જન્મ આપે છે. આજે લોકો શરીર–પ્રધાન બની ગયા છે અને ચૈતન્યના અસ્તિત્વને જોવા છતાં પણ એને ભૂલી બેઠા છે. એ કારણે મનુષ્ય સ્વાર્થી અને લોભી બની ગયો છે અને ઇન્દ્રિય–સંતુષ્ટિને જ સર્વસ્વ સમજી બેઠો છે.
જેવી રીતે પુરુષ આજના વાતાવરણનો ભોગ બન્યો છે, એવી જ રીતે સ્ત્રી પણ આ હવાથી વણસ્પર્શી નથી. ઊલટાનું, ઘણાં ક્ષેત્રોમાં તો સ્વતંત્રતા તથા પુરુષ સમોવડી બનવાના નામે સ્ત્રીઓ કંઈક વધારે જ સ્વચ્છંદ બની ગઈ છે. અને આનું પરિણામ પણ સ્પષ્ટ છે. અમેરિકા તથા યુરોપના વિભિન્ન દેશોમાં ‘પરિવાર’ નામની સંસ્થા ભાંગી પડી છે એનું એકમાત્ર કારણ આ જ છે. ધીરે ધીરે આપણા દેશમાં પણ આ દૂષિત હવા પ્રવેશ કરતી જાય છે અને અસરગ્રસ્ત પરિવારોને ભાંગી રહી છે.
ભારતમાં નારી સદાય પૂજનીય રહી છે. જ્યારે ભારત સિવાયના દેશો એમના રમણી–રૂપના ઉપાસક રહ્યા છે, ભારતે એમના માતૃસ્વરૂપને જ ગૌરવ પ્રદાન કર્યું છે અને માતાને પરિવારના શીર્ષસ્થાને બેસાડ્યા છે. આનું કારણ ભારતની આધ્યાત્મિકતા છે. અન્ય દેશોની સંસ્કૃતિ સ્ત્રીને ભોગ્યા સમજે છે, જ્યારે ભારતને નારીના માતૃત્વને સન્માનિત કરવાનું શિક્ષણ મળ્યું છે. આજે પશ્ચિમી હવાની લહેરમાં આપણો આ સનાતન આદર્શ ઊડીને વિખેરાઈ રહ્યો છે. છતાં આજે પણ ભારતની સ્ત્રીઓમાં તેજસ્વિતા છે, એનામાં પ્રબળ ઇચ્છા છે અને એવી ચિનગારી છે, જે સમય આવ્યે દાવાનળ રૂપે ભભૂકી ઊઠે. એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે જો ભારતની નારી પોતાના દેશની સનાતન સંસ્કૃતિને પિછાણી લેશે અને દેશને ઉન્નતિના પથ પર લઈ જવાનો દૃઢ નિશ્ચય કરી લેશે, તો આપણો દેશ પુનઃ એક વાર ગૌરવના શિખર પર બિરાજમાન થશે. ભારતની નારી પોતાના પતિ માટે હાડા તથા સાવિત્રી બને અને પોતાના પુત્રો માટે મદાલસા તથા સુમિત્રા બને. તે આધુનિક શિક્ષણ ભલે પ્રાપ્ત કરે, પરંતુ આધુનિક જીવનશૈલી ન અપનાવીને નારી-આદર્શની જીવતી-જાગતી પ્રતિમા બને. વર્તમાન યુગમાં શ્રીમા શારદા અને ભગિની નિવેદિતા—એક એવું યુગ્મ જીવન છે, જે આપણા મનમાં જન્મ લેતી શંકાઓનું સમાધાન કરી દે છે. આ યુગલ-જીવન પૂર્વ અને પશ્ચિમનું મિલન છે. આ મિલન ભારતના કલ્યાણ માટે છે અને ભારતીય નારી સમક્ષ એક અપૂર્વ આદર્શ પ્રસ્તુત કરે છે. આ મિલનમાં જ ભારતીય નારીનું વાંછિત સ્વરૂપ નિહિત છે. આ યુગ્મ-જીવનના મિલનમાં એમની જવાબદારીઓ પણ પ્રકટ થઈ ઊઠી છે.
પ્રશ્નઃ શું સ્ત્રીઓ માટે ઓંકારના જપ કરવા યોગ્ય છે? કેટલાક લોકો માને છે કે સ્ત્રીઓ વેદનો અભ્યાસ ન કરી શકે. શું આ માન્યતાનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે?
ઉત્તરઃ હા, સ્ત્રીઓ ઓંકારનો જપ કરી શકે છે. સ્ત્રીઓ વેદનો અભ્યાસ કરી શકે છે. તેમને વેદનો અભ્યાસ વગેરેના અધિકારથી વંચિત રાખવામાં આવી, પરંતુ એનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આપણી પાસે એનું પ્રમાણ છે કે, પ્રાચીન કાળમાં સ્ત્રીઓ વેદ–પ્રવચનમાં ભાગ લેતી હતી. જે પ્રમાણે દીકરાઓની શિક્ષા–દીક્ષા માટે ગુરુકુળ હતાં, તે જ પ્રમાણે દીકરીઓના શિક્ષણ માટે પણ વ્યવસ્થા હતી. છોકરાઓના ઉપનયન–સંસ્કારની જેમ જ છોકરીઓના પણ ઉપનયન સંસ્કાર થતા હતા. બ્રહ્મવાદિની ગાર્ગીનું નામ બહુ જાણીતું છે. વેદોમાં પુરુષ–ઋષિઓ દ્વારા રચિત મંત્રોની જેમ જ સ્ત્રી–ઋષિઓ દ્વારા રચિત મંત્રો પણ દૃષ્ટિગોચર થાય છે. જ્યારે સ્ત્રી વૈદિક સૂક્તોની રચના કરી શકે છે, તો શું સ્ત્રી એ વૈદિક સૂક્તોનો અભ્યાસ ન કરી શકે? સ્ત્રીઓ પાસેથી વેદ–પાઠ વગેરેનો અધિકાર છીનવી લેવો એ પુરુષો દ્વારા તેના પર આચરવામાં આવેલો અત્યાચાર છે. આ જ અત્યાચારે ધીરે ધીરે સ્ત્રીઓને વિશાળ દાયરામાંથી ધકેલીને, અંતે ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે.
ઓંકાર જગતમાં વ્યાપ્ત એ પરમ સત્તાનું શાબ્દિક પ્રતીક છે. એનો જપ કરવાથી ભલા સ્ત્રીને શું વાંધો હોઈ શકે? જેવી રીતે વિજ્ઞાન–જગતના પ્રયોગો સ્ત્રી–પુરુષ બંને માટે સમાન અર્થ અને મહત્ત્વ ધરાવે છે, એવી રીતે અધ્યાત્મ–જગતના પ્રયોગો પણ બંને માટે સરખી મહત્તા રાખે છે. ઓંકારના જપ કરવાથી જો પુરુષો આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે, તો સ્ત્રીઓ માટે પણ એનું એટલું જ મહત્ત્વ છે. પ્રાચીન કાળમાં હિન્દુસમાજ સ્ત્રીઓને પુરુષોની જેમ જ બધાં ક્ષેત્રોમાં અગ્રેસર થવાની તક આપવાનો હિમાયતી હતો. વચ્ચેના સમયમાં મુગલોનાં આક્રમણથી હિન્દુઓની સામાજિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ. આ વિધર્મીઓમાં સ્ત્રીઓને કોઈ પણ પ્રકારનો અધિકાર પ્રાપ્ત હતો નહીં. એવું લાગે છે કે એનો પ્રભાવ હિન્દુ સમાજ પર પણ પડ્યો અને સ્ત્રી કેવળ પુરુષભોગ્યા બનીને રહી ગઈ. સમાજની આ દુર્દશાને દૂર કરવી પડશે અને હિન્દુ સંસ્કૃતિનાં તેજસ્વી રત્નોને સારી રીતે પરિષ્કૃત કરી પુનઃ સંસાર સમક્ષ રાખવાં પડશે.
(ક્રમશઃ)
Your Content Goes Here




