(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી દુષ્યંતભાઈ પંડ્યા અને શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)
જ્યારે પ્રભુ માનવ રૂપે આ ધરતી પર અવતાર લે છે ત્યારે બીજાં દેવદેવીઓ, યોગીઓ અને દિવ્ય જ્યોતિર્મય આત્માઓ પણ એમની સાથે અવતરે છે. પ્રભુ આ ધરતી પર એકલા જ અવતાર ધારણ કરીને આવતા નથી; કારણ કે એમને જાણી શકે એવા લીલાસહચરોની જરૂર રહે છે. આ લીલાસહચરો પ્રભુની દિવ્ય લીલાને પ્રશંસે છે અને એમના જીવનાદર્શને પૂર્ણ કરવામાં સહાયરૂપ બને છે.
એક નાનકડી કીડી હાથીની શક્તિનો અંદાજ કાઢી શકતી નથી; એમ સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી એવા પ્રભુને સમજવા સામાન્ય માનવ માટે અશક્ય બની જાય છે. આ અવતાર-પુરુષની સાથે આવતા નિત્ય સિદ્ધો એમને તરત જ ઓળખી શકે છે. એનું કારણ એ છે કે તેઓ બધા દિવ્ય ગુણોથી ભરપૂર હોય છે.
તેઓ અવતાર સાથે ચોક્કસ સંબંધની અનુભૂતિ કરે છે. એકબીજા સાથે પણ એવો પરિચય કેળવે છે. કારણ કે એ બધાનું દિવ્ય સ્વરૂપ એમની સમક્ષ પ્રગટ થાય છે. ક્રમશ: તેઓ પોતાના જીવનધ્યેયથી વાકેફ થાય છે અને મૂળ અવતારી-પુરુષ સાથે અને એમની નિશ્રા હેઠળ એમણે કઈ ભૂમિકા ભજવવાની છે એ પણ તેઓ જાણી જાય છે.
શ્રીરામકૃષ્ણદેવના ભત્રીજી લક્ષ્મીદેવી માતા શીતલાના અવતાર હતાં. એક દિવસ શ્રીમા શારદાદેવી પોતાના ઉદ્બોધનના નિવાસસ્થાને ભક્તજનોને પોતાના સસરા ક્ષુદીરામ વિશે વાત કરતાં હતાં:
“એમને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા હતી અને તેઓ માતા શીતલાના પરમ ભક્ત હતા. મા શીતલાના એમના પર સદૈવ આશીર્વાદ રહેતા. પૂજા માટે પુષ્પ ચૂંટવા તેઓ હંમેશાં વહેલી પ્રભાતે ઊઠી જતા. આવી રીતે એક દિવસ તેઓ લાહાબાબુના ઉદ્યાનમાં ગયા હતા ત્યારે નવેક વર્ષની એક નાની કન્યા એમની પાસે આવી અને કહ્યું: ‘પિતાજી, આ બાજુ આવો. અહીં આવેલી ફૂલછોડ ફૂલોથી લથબથ છે. ચાલો, હું ડાળીઓ પકડી રાખું અને તમે ખીલેલ તાજાં પુષ્પો વીણી લો.’ આ સાંભળીને ક્ષુદીરામે પૂછ્યું: ‘બેટા, તું કોણ છો અને આટલી બધી વહેલી અહીં શા માટે આવી છો?’ બાલિકાએ પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘અરે પિતાજી, એ તો હું છું. હાલદારના ઘરની છું.’ ક્ષુદીરામની આવી પવિત્રતા અને નિર્મળ ભક્તિને કારણે પ્રભુએ એમના ઘરે અવતાર ધારણ કર્યો. એમની સાથે બીજા બધા લીલાસહચરો આવ્યાં.”

ક્ષુદીરામના કુળદેવતાઓ—શ્રીરઘુવીર, રામેશ્વરશિવ, શીતલા દેવી
ક્ષુદીરામને ત્રણ કુળદેવતાઓ હતાં—શ્રીરઘુવીર, રામેશ્વરશિવ, શીતલા દેવી. સિંદૂરથી અર્ચિત, માથે આમ્રપર્ણ રાખેલ પાણીથી ભરેલ ઘટની મા શીતલાના પ્રતીક તરીકે ક્ષુદીરામ નિત્યપૂજા કરતા. શીતલા માની પૂજા લાલ વસ્ત્ર પહેરીને થાય છે અને સુખશાંતિ માટે આંબાની ડાળખીથી શાંતિજળ છાંટવામાં આવે છે. રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં રહેતા હતા ત્યારે તેમને અવારનવાર મીઠાઈ અને ફળો ભક્તો તરફથી મળતાં. એક વખત એવું બન્યું કે એમના મનમાં ઓચિંતાનો વિચાર આવ્યો, “અરે! અહીં તો મને ઘણી સારી મજાની વાનગીઓ ખાવા મળે છે પણ કામારપુકુરમાં માતા શીતલાને આવું કંઈ મળતું નથી.”
થોડા દિવસો પછી એમને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં માતા શીતલાએ એમને કહ્યું: “પાણીના ઘટમાં હું એક સ્વરૂપે રહું છું અને બીજા સ્વરૂપે તમારી ભત્રીજી લક્ષ્મીમાં રહું છું. જો તમે એમને ભોજન નૈવેદ્ય આપશો તો મને આપ્યા બરાબર જ ગણાશે.”
ત્યાર પછી જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણદેવને કોઈ ભક્ત ફળ-મીઠાઈ આપી જતા તો તેઓ પોતાને જ હાથે લક્ષ્મીદેવીને એ બધું જમાડતા.
લક્ષ્મીદેવીનો જન્મ કામારપુકુરમાં ૧૮૬૪ના ફેબ્રુઆરીમાં થયો હતો. એમના પિતા રામેશ્વર શ્રીરામકૃષ્ણદેવના મોટા ભાઈ હતા. લક્ષ્મીદેવીને રામલાલ અને શિવરામ નામે બે ભાઈ હતા. પાંચ વર્ષની ઉંમરથી લક્ષ્મીદેવી પોતાના કુળદેવતાઓની પૂજા-સેવા કરવામાં, ચંદનનો લેપ બનાવવામાં તેમજ ફૂલો ચૂંટવામાં મદદ કરતાં.
પોતાનો રમતગમતનો સમય તો મુખ્યત્વે દેવતાઓની પૂજા કરવામાં જ પસાર થઈ જતો. એમને એકાંત બહુ ગમતું. ગામડાની શાળામાં પ્રાથમિકના પહેલાં ધોરણનું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ નિશાળેથી ઘરે આવતાં ત્યારે કાકી શ્રીમા શારદાદેવી સાથે પોતે જે ભણ્યાં તેની બધી વાતો કરતાં. શ્રીમા શારદાદેવી તેમનાં કરતાં દસ વર્ષ મોટાં હતાં. ત્યાર પછી દક્ષિણેશ્વરમાં લક્ષ્મીદેવી અને શ્રીમા શારદાદેવી બીજા ધોરણનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ માટે શરત ભંડારી નામના એક યુવાનને શ્રીઠાકુરે શિક્ષક રૂપે નિમ્યો હતો.
વર્ષા ઋતુમાં દક્ષિણેશ્વરનું વાતાવરણ ઘણું નાદુરસ્તીભર્યું થઈ જતું. એટલે એ સમયે શ્રીરામકૃષ્ણ સામાન્ય રીતે કામારપુકુર, જયરામવાટી અને શિહોડની મુલાકાતે જતા. તેમની સાથે તેઓ હૃદયને લઈ જતા. એક વખત જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે રઘુવીરને નૈવેદ્ય અર્પણ કરવા માટે વિશેષ પ્રકારના ચોખા વપરાતા હતા એ ખલાસ થઈ ગયા.
રામેશ્વરનાં પત્નીએ પોતાની પુત્રી લક્ષ્મીને મુકુંદપુર જઈને થોડા ચોખા ખરીદી લાવવા કહ્યું. એ વખતે લક્ષ્મીદેવીની ઉંમર ૧૦ વર્ષની હતી. પાતળા બાંધાનાં લક્ષ્મીદેવી ટૂંકું વસ્ત્ર પહેરતાં. વરસાદ વરસતો હતો. પોતાના માથા પર વાંસનો સૂંડલો મૂકીને આઠ આના લઈને પાછલા દરવાજેથી તેઓ નીકળી પડ્યા. એ વખતે શ્રીઠાકુર મુખ્ય દરવાજા પાસે કેટલાક ગ્રામ્યજનો સાથે વાતો કરી રહ્યા હતા.
થોડા સમય પછી લક્ષ્મીદેવી તો ચોખા લીધા વિના જ પાછા ફર્યા અને શ્રીઠાકુરને દરવાજે મળ્યાં. શ્રીઠાકુરે પૂછ્યું: “લક્ષ્મી, તું ક્યાં ગઈ હતી?” નાની છોકરી તો રડી પડી અને કહ્યું: “હું ભગવાન રઘુવીર માટે ચોખા ખરીદવા મુકુંદપુર ગઈ હતી પણ મને મળ્યા નહિ.” એની આ વિષમ પરિસ્થિતિ જોઈને શ્રીઠાકુરનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને કહ્યું: “આ દુનિયાના લોકોને શું શું સહન કરવું પડે છે!” તેમણે પોતાના ભાભીને બોલાવ્યા. ભાભીએ કહ્યું કે ઘરમાં પોતાના ભોજન માટે ચોખા હતા પણ વિશેષ નૈવેદ્યના ભાત ન હતા. તરત જ શ્રીઠાકુરે કુટુંબના ભોજન અને નૈવેદ્યની સમસ્યાનો અંત લાવવા નિર્ણયાત્મક પગલું લીધું. તેમણે તરત જ પોતાના પડોશી શ્રીરામયોગી અને પોતાના બાળપણના મિત્ર ગયાવિષ્ણુને બોલાવ્યા તેમજ થોડી જમીન ખરીદી લેવા કહ્યું. લાંબી શોધખોળ પછી એવી છ એકર જમીન મળી. આ ખરીદી પર સરકારી મહોર લગાડવા માટે શ્રીઠાકુર ગોઘાટની કોર્ટમાં પાલખીમાં બેસીને ગયા.
તેમણે આ વિશે આ શબ્દોમાં વર્ણન કર્યું છે:
“એક વખત હું રજિસ્ટ્રેશન ઓફિસમાં કેટલીક જમીનની નોંધણી કરાવવા ગયો. આ નોંધણી શ્રીરઘુવીરના નામે થઈ હતી. અધિકારીએ મને મારા નામ સાથે સહી કરવા કહ્યું; પરંતુ હું એમ ન કરી શક્યો કારણ કે ‘આ જમીન મારી છે’ એવું મને મન-હૃદયથી ન થયું.”
કામારપુકુર પાછા ફર્યા પછી શ્રીઠાકુરે લક્ષ્મીને કહ્યું: “હવે પછીથી તારે અનાજના અભાવનું દુ:ખ સહન નહિ કરવું પડે. સાથે ને સાથે ચોખા લેવા જવા માટે હવે તારે ક્યારેય મુકુંદપુર પણ જવું નહિ પડે.”

લક્ષ્મીદીદી
લક્ષ્મીદેવીએ શ્રીઠાકુર પાસેથી સાંભળ્યું હતું કે ભગવાન કૃષ્ણ કદંબ વૃક્ષ નીચે રહે છે. એટલે જ એક દિવસ જ્યારે શ્રીરામકૃષ્ણ બપોરના ભોજન પછી આરામ કરતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને જોવા લક્ષ્મીદેવી કદંબવૃક્ષની શોધમાં નીકળી પડ્યાં. તેમને કામારપુકુરમાં તો ક્યાંય આ વૃક્ષ મળ્યું નહિ. પરંતુ નજીકના ગામમાં શોધતાં શોધતાં એ વૃક્ષ મળી ગયું. ઘણા લાંબા સમય સુધી તેમણે એ વૃક્ષ નીચે રાહ જોઈ પણ ભગવાન કૃષ્ણ આવ્યા નહિ. અંતે તેઓ ઘરે પાછાં આવ્યાં.
જ્યારે શ્રીઠાકુરે એમને જોયા ત્યારે પૂછ્યું: “ક્યાં ગઈ હતી?” લક્ષ્મીદેવીએ સમજાવ્યું કે એ તો કદંબવૃક્ષ નીચે ભગવાન કૃષ્ણને શોધવા ગયાં હતાં; પણ પોતાને એ મળ્યા નહિ. પછી શ્રીઠાકુરે તેને કહ્યું: “એ કદંબવૃક્ષ બહાર નથી. એ તો અંદર જ છે.”

નોબતખાનું
લક્ષ્મીદેવીનાં લગ્ન ૧૧ વર્ષની ઉંમરે ગોઘાટ ગામના ધનકૃષ્ણ ઘટક સાથે થયાં હતાં. આ લગ્ન એમના પિતા રામેશ્વરે ૧૮૭૩માં તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં ગોઠવ્યાં હતાં. જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતા રામલાલે શ્રીઠાકુરને લક્ષ્મીના લગ્નના સમાચાર આપ્યા ને તરત જ શ્રીઠાકુરે કહ્યું: “લક્ષ્મી વિધવા થશે.” અને પછી તેઓ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા.
હૃદયને ઘણો આઘાત લાગ્યો. થોડી વાર પછી જ્યારે શ્રીઠાકુર સામાન્ય દેહભાનમાં આવ્યા ત્યારે હૃદયે એમને કહ્યું: “તમને તો લક્ષ્મી માટે ઘણો પ્રેમભાવ છે. એના લગ્નના સમાચાર સાંભળીને તમારે તો એમને આશીર્વાદ આપવાના હતા. પણ એને બદલે તમે તો કંઈક ભયાનક કહી નાખ્યું!”
શ્રીરામકૃષ્ણે ઉત્તરમાં કહ્યું: “હું શું કરું? મા જગદંબા જ મારા દ્વારા બોલે છે. લક્ષ્મી શક્તિશાળી દેવી શીતળામાનો અંશાવતાર છે; જ્યારે એમની સાથે પરણનાર પુરુષ તો એક સામાન્ય માનવ છે. તેને માટે લક્ષ્મીદેવી સાથે ઘરસંસાર માંડવો શક્ય નથી. જો ભગવાન શિવ માનવ રૂપે અવતરે તો તે તેમનાં પત્ની બની શકે. એટલે તે ચોક્કસ વિધવા થશે જ.”

કામારપુકુર
પોતાના લગ્નના બે-એક મહિના પછી ધનકૃષ્ણ કામધંધાની શોધ માટે પ્રવાસે નીકળે તે પહેલાં લક્ષ્મીદેવીને મળવા કામારપુકુર ગયા. દુર્ભાગ્યે તેઓ ક્યારેય પાછા ન ફર્યા. હિંદુ રીતિરિવાજ પ્રમાણે લક્ષ્મીદેવીએ ૧૨ વર્ષ સુધી એમની રાહ જોઈ અને પછી તેઓ પોતાના પતિના ઘરે શ્રાદ્ધવિધિ પૂર્ણ કરવા ગયાં. શ્રીરામકૃષ્ણે લક્ષ્મીદેવીને પોતાના પતિની સંપત્તિમાંથી કોઈ પણ હિસ્સો સ્વીકારવા ના પાડી હતી. એટલે જ એમણે પોતાનો ભાગ કુટુંબના બીજા સભ્યોમાં વહેંચી આપ્યો. પોતાના પતિ ગુમ થયાના ત્રણ વર્ષ પછી લક્ષ્મીદેવી કામારપુકુરમાં રહેવા લાગ્યાં. પછી તેઓ દક્ષિણેશ્વરમાં આવ્યાં. અહીં શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવી રહેતાં હતાં. એ વખતે લક્ષ્મીદેવી ૧૪ વર્ષની યુવાન વયના હતાં અને અત્યંત સુંદર હતાં.
શ્રીરામકૃષ્ણે એમને સલાહ આપી: “તું તારા કામકાજ કરજે અને ઘરે ધર્મનું અનુસરણ કરજે. તું એકલી ક્યારેય તીર્થયાત્રાએ ન જતી. કોણ તને હાનિ કરે એની કોને ખબર છે? તારાં કાકી (શારદાદેવી) સાથે રહેજે. આ સંસારમાં જીવન સલામત નથી.”
Your Content Goes Here





