(લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે. હાલ પોરબંદર ખાતે એડી.કલેકટર તરીકે ફરજ બજાવે છે. ૧૯મી ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)
“આભમાં ઊગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે.”
ઝવેરચંદ મેઘાણીજીનું આ પ્રસિદ્ધ હાલરડું ભારતના જે સપૂત માટે આજે પણ લોકજીભે રમે છે એવા છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ તા.૧૯ ફેબ્રુઆરી ૧૬૩૦ ના દિવસે શિવનેરી (પૂણે-મહારાષ્ટ્ર)માં થયેલ. ત્યાંનાં સ્થાનિક શિવાઈ માતાજીની જીજાબાઈએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનુ નામ ‘શિવા’ રાખ્યું હતું. જીજાબાઈને બીજા પુત્રો હતા પરંતુ, એક બીજા મોટા પુત્ર સિવાય કોઈ જીવ્યું ન હતું. છત્રપતિ શિવાજી મહારાજનાં કુળદેવી માતા તુલજા ભવાની હતાં.
શહાજીએ નાના શિવાજીને તેની માતા જીજાબાઈ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા હતા. મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી હતી. આ મંડળીમાં હતા – પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા.
દાદાજી કોંડદેવ બધી જ તાલીમની દેખરેખ રાખતા. આવી પરિસ્થિતિમાં શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી. શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પણ બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતું; જેમાં સંસ્કૃતમાં લખ્યું હતું કે “આ શહાજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજના ચંદ્રની માફક વધશે.” આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઈ. શહાજીના મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યું.
છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમના વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ, દાદા કોંડદેવ અને ગુરુ સમર્થ રામદાસજી નો અગત્ય નો ફાળો રહ્યો. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઈથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.
શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઈમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રી જીજાબાઈ સાથે શહાજીનાં લગ્ન થયાં હતાં અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી.
પૂર્વજોની જેમ, શહાજી પણ મુઘલ યુદ્ધોના ખેલાડી હતા. નિઝામશાહના વઝીર, મલિક અંબર સાથે રહીને તેમણે મુઘલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલું. પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકી, શહાજી નિઝામશાહને છોડી બિજાપુર આદિલશાહ સાથે જોડાઈ ગયા હતા. આદિલશાહે તેમને ‘સર લશ્કર’ નો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઈ કરી ત્યારે શહાજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા.
શિવાજીના જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનતના તાબામાં કામ કરતા હતા. શહાજીએ પણ નિઝામશાહીની હાર પછી રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો પરંતુ શાહજહાં અને આદિલશાહે તેમને ૧૬૩૬માં હરાવ્યા હતા. ના છુટકે તેમણે પૂણેનો ત્યાગ કરવો પડયો હતો અને આદિલશાહે તેમને પૂણે પાસે નાની જાગીર આપી હતી.
છત્રપતિ શિવાજીએ ૧૬ વર્ષની ઉંમરે બીજાપુરના તોરણા કિલ્લાને જીત્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૫૬માં ચંદ્રરાજ મોરે પાસેથી રાયગઢ કિલ્લો જીત્યો હતો અને ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી હતી.
છત્રપતિએ પોતાના ૫૦ વર્ષના ટૂંકા જીવનકાળ દરમિયાન કુલ ૫૯ કિલ્લોઓ જીત્યા હતા, જેમનાં કેટલાંક અગત્યનાં નામો આ રહ્યાં—માલવણ, સિંધુદુર્ગ, વિજયદુર્ગ, રત્નાગિરી, સુવર્ણદુર્ગ ખાંદેરી, રાયગઢ, ઉંદેરી વગેરે. ઈ.સ. ૧૬૫૯માં તેઓએ અફઝલ ખાનનો વધ કરેલ હતો.
૧૬૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલિકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઈ ગઈ હતી—બિજાપુર, અહમદનગર અને ગોલકોંડા. મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. આ બધી સલ્તનતો વચ્ચે મૈત્રી અને સંઘર્ષનું વાતાવરણ સતત ચાલ્યા કરતું.
અંતે આ વીર સપૂત અને બહાદુર યોદ્ધાનું નિધન તા.૦૩ એપ્રિલ, ૧૬૮૦ રાયગઢ કિલ્લામાં સખત તાવથી થયાનું મનાય છે.
ભારતની યશોગાથાના આકાશમાં છત્રપતિ શિવાજી મહારાજનું નામ સૂર્યની માફક આજે પણ ઝળહળે છે.
Your Content Goes Here





