શ્રીરામકૃષ્ણ કોણ છે?
ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને જોઈએ: ‘અમાનવીય પ્રકૃતિ સાથે પનારો પાડવામાં માણસ પ્રમાણમાં ઘણો સારો છે. પણ માનવીય પ્રકૃતિ સાથે પનારો પાડવામાં એટલો જ ખરાબ છે. આ બાબત પોતાના માટે પણ લાગુ પડે છે અને એમના માનવ બંધુઓ માટે પણ લાગુ પડે છે.’ કેટલાક મનોવિશ્લેષકોના અભિપ્રાય પ્રમાણે બીજી વ્યક્તિને સંતોષજનક રીતે સમજવા માટે પોતાના માટેની ઘણી સારી સમજ હોવી જરૂરી છે. શ્રીરામકૃષ્ણે તો આના કરતાં પણ વધારે કર્યું છે. તેઓ દરેક વસ્તુને બે રીતે જોઈ શકતા, ચૈતન્યના બે સ્તરેથી એટલે કે અદ્વૈતની રીતે અને સામાન્ય ચેતનાની દૃષ્ટિએ. પોતાના મહાન ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’માં સ્વામી સારદાનંદજીએ લખ્યું છે: ‘આપણે જેમ જોઈએ છીએ તેમ વર્તમાન ભૌતિક બાહ્ય ઓળખાણની રીતે માનવો અને ચીજવસ્તુઓને ગુરુદેવ ન જોતા. એમનો એ બધા પ્રત્યેનો દૃષ્ટિકોણ ચેતનાના વધુ ને વધુ ઉચ્ચતર સ્તરનો હતો. એટલે જ આપણી જેમ તેમને માટે એક પક્ષીય કે પૂર્વગ્રહવાળો અભિપ્રાય કે એવું મનોવલણ ભૌતિક પદાર્થો પ્રત્યે ન હતું. એટલે જ એમની વાણી અને એમના આદર્શો આપણે સમજી શકતા નથી. જો કે તેઓ આપણાં વાણી અને આદર્શને સમજી શકે છે.’
એટલે શ્રીરામકૃષ્ણ માટે જે શક્ય હતું તે આપણી પહોંચમાં નથી. સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવને શ્રેષ્ઠ રીતે સમજી શક્યા હતા, એ વાત નિ:શંક છે. એમના વાર્તાલાપો અને નોંધાયેલા સંવાદોમાં આપણે પોતાના ગુરુદેવ માટેની ગહન સમજણના કેટલાક ઝબકારા જોવા મળે છે. દા.ત. એમણે એક વખત આમ કહ્યું હતું: ‘શ્રીરામકૃષ્ણનું જીવન એક અદ્ભુત પ્રકાશપુંજ હતો અને એની રોશનીમાં હિંદુ ધર્મનો બધો વ્યાપ ખરેખર સમજી શકાય તેમ છે… શાસ્ત્રગ્રંથો તો સિદ્ધાંતો જ છે અને એની તેઓ અનુભૂતિ હતા.’ આટલી આંતર્દૃષ્ટિ હોવા છતાં પણ સ્વામીજી વિનમ્રતાપૂર્વક આવું સ્વીકારે છે: ‘ખરેખર તમને કહું છું કે હું તેમને બહુ ઓછા પ્રમાણમાં સમજી શક્યો છું. તેઓ મને એટલા મહાન લાગે છે કે જ્યારે જ્યારે મારે એમના વિશે કંઈક બોલવાનું થાય છે ત્યારે મને એવી બીક લાગે છે કે રખેને હુંં સત્યની – સાચી વાતની અવગણના કરી રહ્યો છું કે એને બરાબર સમજાવી શકતો નથી. મારી ઓછી સમર્થતા એમને માટે પૂરતી નથી અને હું એમની પ્રશંસા કરવાનો પ્રયત્ન કરતા મારી પોતાની દૃષ્ટિ મુજબ એમનું ચરિત્ર ચિત્રણ કરું છું. એમ કરવા જતાં હું કદાચ એમનું વાસ્તવિક કદ ઘટાડી પણ નાખું છું.’
જ્યારે આપણે સ્વામી વિવેકાનંદના ગુરુબંધુઓની આવી નોંધોને એક બીજા સાથે સરખાવીએ ત્યારે આટલું સ્પષ્ટ થઈ જાય છે કે એમાંથી બધાએ શ્રીરામકૃષ્ણને પોતપોતાની વિચારસરણી પ્રમાણે જોયા હતા. પરિણામે એક ગુરુબંધુનું શ્રીઠાકુર વિશેનું મૂલ્યાંકન બીજા કરતાં જૂદું જ હોવાનું. આમ છતાં પણ એમના એ અવલોકનમાં કેટલીયે બાબતોમાં સામાન્ય દૃષ્ટિબિંદુઓ પણ જોવા મળતાં. અને આ બધાનાં દૃષ્ટિબિંદુ કે વિચાર-આદર્શોમાં એમના અનન્ય ગુરુદેવે હસ્તક્ષેપ કર્યો નથી. તેમણે દરેકને એમને સમજવા માટે મુક્ત રાખ્યા હતા અને પોતપોતાની સ્વતંત્ર રીતે પોતાને સ્વીકારવા દીધા હતા.
કેટલાક લોકો એવું કહેશે કે શ્રીઠાકુરને વધુ ગહનતાથી સમજવામાં સૌથી મોટી અડચણ છે, એમની ખરેખરી જીવનકથાનો અભાવ. વળી ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદને આમ કહેતા સાંભળ્યા હતા: ‘શ્રીરામકૃષ્ણની વાણી કે ઉપદેશો જ નહિ પરંતુ એમની સાથે તેઓ જે જીવન જીવ્યા એ જ સૌથી વધુ ઇચ્છનીય હતું અને એ બધું તો હજીયે લખાવાનું બાકી છે.’ પોતાના આ દૃષ્ટિબિંદુને સમજાવતા સ્વામીજીએ લખ્યું હતું: ‘(શ્રી ગુરુદેવ) તેમનું જીવન એમણે જે દર્શન અનુભૂતિઓનો સંદેશ આપ્યો તેના ઉદાહરણ રૂપે લખાવું જોઈએ.’
ડો. શશિભૂષણ ઘોષે પોતાના બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવ’ લખીને એક પ્રયત્ન કર્યો પણ લોકોની અપેક્ષાએ આ પણ ઊણું ઊતર્યું. શ્રી મ.એ પણ આમ કરવાનું આયોજન કર્યું હતું પણ તેઓ કરી ન શક્યા.
પોતાના ગુરુદેવની ઘણી ઘણી વાતો કરનાર સ્વામી વિવેકાનંદને શ્રીઠાકુરની જીવનકથા લખવાની ગિરીશચંદ્ર ઘોષની વિનંતીનો એમણે ઈન્કાર કર્યો હતો. જો કે સ્વામી સારદાનંદજીએ પછીથી આ મહાકાર્ય ઉપાડી લીધું. શ્રીરામકૃષ્ણના ૧૬ સંન્યાસી શિષ્યોમાંથી તેઓ એક જ એવા હતા કે જેમણે એમના ગુરુદેવના જીવન અને સંદેશનાં કેટલાંક અનન્ય પાસાંને દર્શન શાસ્ત્રનાં અર્થઘટનો સાથે એક વિસ્તૃત અને મોટો વિવરણ ગ્રંથ લખવાની હિંમત કરી. કમભાગ્યે તેઓ આ મહાકાર્ય પૂરું ન કરી શક્યા. ૬૨ વર્ષની આયુના અંતે એમણે નિખાલસભાવે આવી કબૂલાત કરી: ‘જ્યારે મેં લીલાપ્રસંગ લખવાનું શરૂ કર્યું ત્યારે મેં ધાર્યું કે હું ગુરુદેવને સમજ્યો છું. પણ હવે મને સ્પષ્ટપણે સમજાય છે કે ગુરુદેવનું જીવન ઘણું ગહન છે. હું તો એ જીવન વૃક્ષની કેટલીક ટોચની ડાળીઓ સુધી જ ફરી-ઊડી શક્યો છું અને એનું મૂળિયું તો એ ભૂમિની નીચે ઘણુંય દૂર છે.’
કેટલાક ગંભીર મિજાજના વાચકો ‘વિજ્ઞાન અને ભાવમુખ’ જેવા ચોક્કસ અસામાન્ય શબ્દો શ્રીઠાકુરની જીવનકથામાં વપરાયા હોવાનો ઉલ્લેખ કરે છે. આ શબ્દોને સમજવા એ ઘણું કપરું કાર્ય છે. વિજ્ઞાની એટલે એક જીવનકથાકારે કહ્યું છે તેમ ‘કુદરતી બક્ષિસ વડે બુદ્ધિશક્તિ કે કોઈ વિશેષ આવડતની પ્રાપ્તિ થવી’ અને વિજ્ઞાન એટલે પૂર્ણ બ્રહ્મ વિશેનું વિશિષ્ટ જ્ઞાન. એના દ્વારા આ સમગ્ર બ્રહ્માંડની ખાતરી થાય છે કે તેને બ્રહ્મના પ્રગટીકરણના રૂપે જુએ છે. ‘ભાવમુખ’ એક સાદો સીધો શબ્દ છે. એનો અર્થ સાપેક્ષ ચૈતન્યના ઉંબરે રહેવું એવો થાય છે. વળી, સમાધિ કે અંતર્દાહનું મહત્ત્વ જાણવું એ કંઈ ઓછું મુશ્કેલ નથી. આ અંતર્દાહ એટલે કે પ્રભુ માટેની ઉત્કટ વિરહવેદના શ્રીરામકૃષ્ણે પોતાના દૈનંદિન જીવનમાં ઘણાં વર્ષો સુધી સહન કરી હતી.
એમના સમાધિભાવની અવસ્થાને સમજવા માટે શારીરિક ચિકિત્સકોએ સ્ટેથોસ્કોપથી ચકાસી જોયું અને એમાંના એકે તો જ્યારે તેઓ સમાધિ અવસ્થામાં હતા ત્યારે આંખમાં આંગળીયે ખોંચી દીધી હતી. ધાતુના સ્પર્શ સામેના એના પ્રબળ પ્રત્યાઘાતના રહસ્યને જાણવા પણ કેટલાક લોકોએ પ્રયત્ન કર્યા હતા. વળી તેઓ આ બધી દૈહિક નિર્બળતાઓથી પર હતા એ જોવા પણ એમની કસોટી કરી હતી. આ બધા પડકારોનો સીધો સાદો સામનો કરવાને બદલે શ્રીરામકૃષ્ણે પોતાના અત્યંત નિકટના શિષ્યોને સ્પષ્ટપણે કહ્યું હતું: ‘જેમ સિક્કાની પરીક્ષા કરનાર એને ભોંય પર પછાડીને ખખડાવે તેમ મારી પરીક્ષા કરશો. મારી સાંગોપાંગ પરીક્ષા ન કરી લો ત્યાં સુધી તમારે મને સ્વીકારવો ન જોઈએ.’ સ્વામી વિવેકાનંદે પોતે જ ગુરુદેવને એમના અંતિમ દિવસો સુધી કસોટીની સરાણે ચડાવ્યા હતા અને અંતે એમની મહાનતાની એમને પૂરેપૂરી ખાતરી થઈ હતી.
એમના વ્યક્તિત્વના પ્રભાવ હેઠળ ભિન્ન ભિન્ન લોકોએ જુદા જુદા અભિપ્રાયો શ્રીઠાકુર વિશે બાંધ્યા. કેટલાક કહેતા કે તેઓ સર્વોત્કૃષ્ટ તાંત્રિક અને કૌલ-શાક્ત હતા. વળી કેટલાક તેઓ વૈષ્ણવ હતા એમ માને છે. એક નવરસિક મંડળી એમને નવભાવની પ્રતિમૂર્તિ ગણતા. બાઉલો એમને સાંઈ ગણતા. કેટલાક વૈષ્ણવો એમને ગોસાંઈ કહેતા. કર્તાભજાનો એક સમૂહ એમને અહાલ્લેક-અલખ કહેતા. વળી કેટલાક દશનામી સાધુઓ એમને પરમહંસ ગણતા. કેટલાક શિખોએ એમનામાં ગુરુ નાનકની પ્રતિમૂર્તિ નિહાળી હતી અને ખ્રિસ્તીઓ એમનામાં ઈશુ ખ્રિસ્તને જોતા. મુસ્લિમો એમને પોતાનામાંના જ એક ગણતા. બ્રાહ્મોસમાજી લોકો બ્રહ્મના જ્ઞાતા તરીકે તેમને ઓળખતા અને વેદાંતને વરેલા તોતાપુરી પૂર્ણ બ્રહ્મના જ્ઞાતા રૂપે એમને ગણતા. વળી કેટલાક શ્રી ચૈતન્ય શ્રીરામકૃષ્ણ રૂપે અવતર્યા છે એમ પણ માનતા.
સ્વામી વિવેકાનંદનું આવું નિરીક્ષણ હતું: ‘તમે એને ગમે તે કહો, એના વિશે ગમે તે ધારણા કરો, એને સંત કહો કે બ્રહ્મજ્ઞાની કહો કે ગમે તે કહો, એનો કંઈ અર્થ નથી; પણ હું કહું છું કે આ ધરતી પર આવો રામકૃષ્ણ જેવો સર્વાંગ સંપૂર્ણ માનવ ક્યારેય અવતર્યો નથી.’ જો કે શ્રીરામકૃષ્ણે જ પોતાના શિષ્યોને પોતે ઈશ્વરનો અવતાર છે એવી ખાતરી આપી હતી છતાં પણ ખરેખર શ્રીરામકૃષ્ણને આપણે સમજી શક્યા છીએ કે કેમ એ આપણે ખાતરીપૂર્વક ન કહી શકીએ. કદાચ આ સત્યની નજીક અક્ષયકુમાર સેન હતા. એમણે આવું નિરીક્ષણ કર્યું છે: ‘ચિદાનંદ સ્વરૂપ ઈશ્વરને માનવ રૂપે ઓળખવા એ ઘણું કઠિન છે. ગમે તે રૂપે તેઓ આ ધરતી પર અવતરે તો પણ તેઓ પોતે જ્યાં સુધી બીજામાં ઈશ્વરને ઓળખવાની શક્તિનું સંક્રમણ ન કરે ત્યાં સુધી તેમને કોઈ ઓળખી જાણી શકતું નથી.’
શ્રીરામકૃષ્ણે કબૂલ્યું હતું કે ઘણી વખત ઈશ્વર માનવના રૂપે અવતાર લે છે, પછી જ તે માનવની જેમ જ વર્તે છે. એમને પણ માનવના જેવાં જ ભૂખ, તરસ, રોગ, ગ્લાનિ અને વળી ક્યારેક ભય પણ રહે છે. આ જ કારણે કેટલાક લોકો એમને સામાન્ય વ્યક્તિ માની લે છે. વળી બીજા કેટલાક લોકો એમને પવિત્ર વ્યક્તિ તરીકે જાણે છે. બહુ ગણ્યાગાંઠ્યા લોકો એમને ઓળખી શકે છે અને ઈશ્વર સ્વરૂપે જ એમના પ્રત્યે ભક્તિભાવ રાખે છે. આમ છતાં પણ અવતારો ક્યારેય આ દુનિયાના પાંજરામાં પુરાઈ જતા નથી.
એટલું જ નહિ પણ એની જાળમાંયે તેઓ ફસાઈ જતા નથી. એમનો અહં ‘સૂક્ષ્મ અહં’ હોય છે. એના દ્વારા તેઓ કોઈ પણ જાતના વિઘ્ન વિના નિરંતર ઈશ્વરને નિરખી શકે છે. અવતારી પુરુષોનો આ અહં દીવાલમાં રહેલા એક કાણા જેવો છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ બીજી બાજુએ જોઈ શકે છે. આમ જોઈએ તો તેઓ માનવદેહધારી હોય છે પણ તેઓ હંમેશાં ઈશ્વર સાથે જોડાયેલા જ રહે છે. એટલે ઈશ્વરના અવતારો એક રહસ્ય જ છે.
એક સામાન્ય માનવ અને અવતારી પુરુષ વચ્ચેનો ભેદ સમજાવતા શ્રીરામકૃષ્ણે કહ્યું છે: ‘અવતારી પુરુષમાં રામનો સાક્ષાત્કાર જોવા મળે છે અને આવું બીજા માણસોમાં પણ જોવા મળે છે. અવતારી પુરુષો દેહભાન વાળા પણ હોય છે. માયાને કારણે તેઓ મૂર્ત સ્વરૂપમાં છે.. જેમ નાનાં બાળકો આંધળાપાટાની રમત રમે છે તેમ અવતારો પોતાની આંખો પર એક પાટો પોતાની ઇચ્છાથી જ બાંધી લે છે. આ બાળકો એમની માતા બોલાવે એટલે રમત બંધ કરે છે. પણ સામાન્ય માણસમાં એનાથી તદ્દન જૂદું જોવા મળે છે.’ આ વાત આપણને સમજાવે છે કે શ્રીરામકૃષ્ણને સમજવા એ કેટલું મુશ્કેલ છે. પણ શ્રીરામકૃષ્ણ માટે બીજા માનવોને સમજવા અત્યંત સરળ હતું. શ્રીરામકૃષ્ણ કે જેઓ આ દુનિયામાં માનવોના કલ્યાણ માટે અવતર્યા હતા, તેઓ પોતે એટલા બધા માનવીય ભાવવાળા હતા છતાં પણ સામાન્ય માનવની બુદ્ધિ એમને સમજી ન શકે એવી રીતે તેઓ અવતર્યા; આ એક વિરોધાભાસ છે.
એક દિવસ સમાધિભાવમાંથી નીચે ઊતરીને સામાન્ય દુન્યવી દેહભાનમાં અંશત: આવ્યા ત્યારે શ્રીરામકૃષ્ણના મુખેથી આવા શબ્દો સરી પડ્યા: ‘અરે! આ બધું હું કોને કહીશ? કોણ મને સમજશે?’ એ પહેલાં એમના શિષ્યોમાંના બે એમને દિવ્ય અવતાર રૂપે કહેવા લાગ્યા; આ વાતની જાણ એમને થઈ ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું: ‘શું એ લોકો એવું ધારે છે કે એ રીતે તેઓ મારી આ ભવ્યતાને જાણી શકશે? એમાંનો એક તો રંગભૂમિનો કલાકાર છે. બીજો છે ડોક્ટર! તેઓ વળી અવતાર વિશે શું જાણે?’ આ જ વિધાન શ્રીરામકૃષ્ણ એક ઈશ્વરનો અવતાર હતા એના રહસ્યને વધારે ગહન બનાવે છે.
વળી ઈશ્વરનો અવતાર હોવા છતાં પોતે પ્રેમ અને કરુણાની મૂર્તિ હતા, એવા શ્રીરામકૃષ્ણે સમગ્ર જીવન દરમિયાન લોકોને પોતાના તરફ આકર્ષ્યા હતા અને લોકો આજે પણ એ આકર્ષણ અનુભવે છે. એમને નજરે જોવા, એમની વાણી સાંભળવા, એમનો ચરણસ્પર્શ કરવા તેમજ એમની સાથે વાર્તાલાપ કરવા ઇચ્છે છે, એ પણ સ્વાભાવિક વાત છે. આનું જ ચિંતન કરીને ખંતીલા આધ્યાત્મિક સાધકો શ્રીરામકૃષ્ણની અનુભૂતિ માટે મોટી આરત કેળવે છે.
Your Content Goes Here




