કાવડનું અદ્ભુત માટલું
એક ભિસ્તી દરરોજ નદીએથી પાણી ભરીને ઘરે લઈ જતો. પોતાના ખભે રાખેલી કાવડની બંને બાજુએ એક એક માટલું રહેતું. એને તે ‘અદ્ભુત માટલાં’ કહેતો. એમાંનું એક માટલું સાજુંસારું હતું અને પોતાના લાંબા રસ્તેથી ઘર આવતાં સુધી એમાં પાણી પૂરેપૂરું રહેતું. પણ બીજું માટલું થોડું તરડાયેલું હતું. એમાંથી પાણી વહી જતું અને ઘરે આવે ત્યાં સુધીમાં એ અરધું ભરેલું રહેતું.
એક દિવસ એ માટલાએ ભિસ્તીને કહ્યું: ‘ભાઈ, મને મારી જાત પર શરમ આવે છે.’ ભિસ્તીએ કહ્યું: ‘કેમ ભાઈ?’ માટલું બોલ્યું: ‘મારી તીરાડમાંથી ઘરે પાછા ફરતી વખતે પાણી વહેતું રહે છે. એનું કારણ એ છે કે હું પૂર્ણપણે સાજુંસારું નથી. તમે બંને માટલાં પૂરેપૂરાં ભરીને ઘરે લઈ જઈ શકતા નથી. એક તરડાયેલા માટલા રૂપે મને આટલી નિષ્ફળતા મળે છે.’
ભિસ્તીએ માટલાને કહ્યું: ‘તારે આ બાબતનો આવી રીતે વિચાર ન કરવો જોઈએ. તું વાસ્તવિક રીતે નિષ્ફળ નથી. તું તો અદ્ભુત માટલું છો. અને આ વાત તું પોતે જ સાબિત કરી શકે છે.’ થોડીવાર રહીને ભિસ્તીએ વળી કહ્યું: ‘આજે આપણે ઘરે પાછા ફરીએ ત્યારે રસ્તા પર બરાબર ધ્યાનપૂર્વક નજર કરજે. આપણે ઘરે પહોંચીએ ત્યારે તેં શું જોયું એની વાત મને કરજે.’
આખે રસ્તે તરડાયેલ માટલું ધ્યાનથી બધું નિરખતું રહ્યું. ઘરે પહોંચતાં ભિસ્તીએ પૂછ્યું: ‘તેં રસ્તામાં શું શું જોયું?’ પેલું માટલું બોલ્યું: ‘ફૂલો, મેં પુષ્કળ ફૂલો જોયાં.’ ભિસ્તીએ કહ્યું: ‘એમ, ફૂલો જોયાં ને? એ બધાં શું સુંદર નથી?’ માટલાએ કહ્યું: ‘હા, પણ મારામાં રહેલું પાણી તો ફરીથી અડધોઅડધ વહી ગયું. એનું મને દુ:ખ છે.’
ભિસ્તીએ કહ્યું: ‘એમાં દુ:ખી થવાની જરૂર નથી. હવે તું મને આટલું કહે કે આ બધાં ફૂલો ક્યાં ઊગ્યાં હતાં એ તે જોયું’તું?’ માટલું તો મૂંઝાઈ ગયું, પણ પછી કહ્યું: ‘હા, હા, એ બધાં મારી બાજુના રસ્તા પર હતાં. એની બીજી બાજુએ એ જોવાં ન મળ્યાં. એમ કેમ થયું હશે?’
ભિસ્તીએ કહ્યું: ‘દરરોજ પાણી ભરીને આવતી વખતે આટ-આટલાં વર્ષોથી મેં તારી તરફના રસ્તાની બાજુએ ફૂલછોડ વાવ્યા હતા.’ આશ્ચર્યથી માટલું અધવચ્ચે બોલી ઊઠ્યું: ‘ઓહોહો! હું આનંદ – આશ્ચર્યનું કંપન અનુભવું છું! અરે, મારી આ તીરાડોમાંથી વહેતા પાણીથી મેં એ ફૂલ છોડને પાણી પાયું હતું! એ જ ફૂલ છોડ અંકુરિત થયા, એમાં પુષ્પો ખીલ્યાં, લૂમેઝૂમે!’
આશ્ચર્યચકિત થયેલા માટલાને ભિસ્તીએ કહ્યું: ‘હા, મિત્ર! તમે સન્માર્ગે જ હતા. દરેકે દરેક ગ્રામજન એ સુંદર ફૂલો ઘરે લઈ જશે અને પોતપોતાના ઘરને ફૂલોથી શણગારશે.’ થોડીવાર થોભીને વળી ઊમેર્યું: ‘ભાઈ, આપણે બધા કોઈને કોઈ રીતે તરડાયેલા માટલા જેવા છીએ. છતાં પણ આપણે અસીમ સૌંદર્યનું સર્જન કરી શકીએ છીએ.’ પોતે પણ કેટલું અદ્ભુત હતું એનો ખ્યાલ એ દિવસે માટલાને આવ્યો.
સૌજન્ય : Dimdima.com
Your Content Goes Here




