રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
ભારતીય સંસ્કૃતિની રૂપરેખા વિલડુરાંએ આ પ્રમાણે આલેખી છે : ‘વીસ લાખ ચોરસ માઈલમાં વિસ્તરેલ આ વિશાળ ઉપદ્વિપ કદમાં અમેરિકાના બે તૃતીયાંશ ભાગ જેટલો, અને એના માલિક ગ્રેટ બ્રિટનથી વીસ ગણો મોટો છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકાની કુલ વસતી કરતાં પણ વધુ એટલે કે બત્રીસ કરોડ લોકો અહીં વસે છે. આ વસતી પૃથ્વીની વસતીનો એકપંચમાંશ ભાગ છે. ઈ.સ. પૂર્વે ૨૯૦૦થી વધુ વર્ષ પહેલાં મોહેંજોદડોમાં ઉદ્ભવેલી અને વિકસેલી સંસ્કૃૃતિની ગભીર પ્રભાવક અવિચ્છિન્ન ધારા આ યુગમાં ગાંધી, રામન અને રવીન્દ્રનાથ ટાગોરમાં પ્રગટી છે. બર્બરતાપૂર્ણ મૂર્તિપૂજાથી માંડીને દરેકે દરેક ઉન્નત ધર્મમત અને સર્વોપરિ અને સૂક્ષ્મત્તમ આધ્યાત્મિક સર્વેશ્વરવાદ સુધીનાં બધાં ધર્મતત્ત્વો આ દેશમાં જોવા મળશે. ખ્ર્રિસ્તી ધર્મના ૮૦૦ વર્ષ પહેલાંથી અને ત્યાર પછીના ૮૦૦ વર્ષ પછી શંકરાચાર્ય સુધીના આ દેશના દાર્શનિકોએ ઔપનિષદિક અદ્વૈતતત્ત્વની ભૂમિકા પર હજારો હજારો ભાવવૈવિધ્યની સૃષ્ટિ રચી છે. આ દેશના વૈજ્ઞાનિકોએ ૩૦૦૦ હજાર વર્ષ પહેલાં ખગોળવિદ્યા વિકસાવી છે. આ ક્ષેત્રમાં આ યુગના વૈજ્ઞાનિકે નોબલ પુરસ્કાર પણ મેળવ્યો છે. આ દેશના ગ્રામ્ય પ્રદેશોમાં અતિપ્રાચીન કાળથી ઉદ્ભવેલી લોકશાહીવાળી પંચાયત વ્યવસ્થા આ જ સુધી ચાલુ રહી છે. આ દેશની પાટનગરી પર અશોક અને અકબર જેવા શાણા અને પ્રજાહિતકારી રાજાઓએ રાજ કર્યું છે. આ દેશમાં હોમર જેેવા અત્યંત પ્રાચીનકાળના ચારણ કવિઓએ મહાકાવ્યોનાં ગાન કર્યાં છે. આ દેશમાં એવા મહાકવિઓ જન્મ્યા છે કે જેમનો આજે પણ સમાદર થાય છે. આ દેશના નિપુણ શિલ્પીઓએ તિબેટ થી શ્રીલંકા સુધી અને કમ્બોડિયાથી જાવા સુધી હિન્દુ દેવદેવીઓના વિશાળ મંદિરો સર્જ્યાં છે. મોગલ શહેનશાહો અને એમની બેગમના મનોરંજન માટે આ કુશળ શિલ્પીઓ સુંદર શિલ્પસ્થાપ્ત્યોની રચના કરી છે. ભારતની આ ભાવમૂર્તિઓ આજના કાળમાં પણ ધૈર્યશીલ ગવેષણાના માધ્યમ દ્વારા સ્વપ્રકાશિત થઈ રહી છે. થોડા સમય પૂર્વેના કાળ સુધી પાશ્ચાત્ય લોકોની દૃઢ માન્યતા હતી કે સભ્યતા અને સંસ્કૃતિ એ યુરોપનો જ એકાધિકાર છે. પાશ્ચાત્ય દેશના લોકોની સામે ભારતવર્ષ એક નવીન પ્રતિભાસંપન્ન એક મહાન દેશના રૂપે ઊભરી રહ્યું છે.’ (ધ સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન ભાગ-૧, અવર ઓરિયેન્ટલ હેરિટેજ, વિલડુરાં, પૃ.૩૯૧) આ છે ૧૯૩૫માં એક પશ્ચિમના વિદ્વાન ઇતિહાસકાર વિલડુરાંએ પોતાના મનોભાવને વ્યક્ત કરતો ભારત વિશેનો એક લેખ.
એમાં કોઈ બેમત નથી કે આ મહાન ભારતવર્ષની વિપુલ વૈચિત્ર્યવાળી સંસ્કૃતિ વિશે હજુએ ઘણું બધું અજ્ઞાનના અંધકારમાં ઢંકાયેલું છે. અને જેટલું જ્ઞાત છે એનું યથાર્થ મૂલ્યાંકન પણ હજુ સુધી થયું નથી.
ઉત્તરે શાશ્વત હિમાચ્છાદિત નગાધિરાજ હિમાલય અને પૂર્વ-દક્ષિણ-પશ્ચિમમાં ઉછળતા સુનીલવર્ણા જળરાશિથી ઘેરાયેલ ભારતભૂખંડ એક વિશિષ્ટ દેશ છે. આ રીતે ઇતિહાસના ઘાત-પ્રતિઘાત તેમજ યુગયુગાંતરથી વહેતી આવેલી એક સવિશેષ ભાવધારાની કલ્પના અને તેના સદાચરણે એક વિશિષ્ટ ભૌગોલિક સ્થાનની એક અનન્ય દેશરૂપે તેની સાચી ઓળખાણ કરાવી છે. આ દેશમાં રચાઈ છે એક સ્વતંત્ર સંસ્કૃતિ; અને એના માનવસમુદાયમાં એક અનન્ય સુંદર વ્યક્તિત્વનો પણ વિકાસ થયો છે. ભારતવર્ષની આકૃતિ-ભૂગોળની જે વિવિધતા જોવા મળે છે, એવી જ વિવિધતા એની પ્રકૃતિમાં પણ જોવા મળે છે. ભારતની ભૂગોળ વિશે આપણે ગમે તેટલી જાણકારી ભલે રાખીએ પણ એની પ્રકૃતિ એટલે કે એની ભીતર રહેલા ભાવજીવન વિશે આપણું જ્ઞાન મહદંશે ઘણું સીમિત છે. ‘ભારત વર્ષનો ઇતિહાસ’ એ નિબંધમાં રવીન્દ્રનાથ ટાગોરે આ શબ્દોમાં દુ:ખ પ્રગટ કર્યું છે : ‘આપણે ભારતવર્ષના જે ઇતિહાસનું અધ્યયન કરીએ છીએ અને તેને ગોખી મારીને તેની પરીક્ષા આપીએ છીએ, એ ઇતિહાસ તો ભારતની અંધકાર રાત્રિનું એક દુ:ખદ સ્વપ્નમાત્ર છે. રક્તવર્ણરંજિત વર્તમાન સ્વપ્નદૃશ્યપટલ દ્વારા જો ભારતને ઢાંકી દઈને જો આપણે એને નિહાળીશું તો સાચું ભારત જોઈ શકાશે નહીં. એ સમયે સાચા ભારતવર્ષમાં જે જીવનસ્રોત વહેતો હતો, જે પુરુષાર્થના તરંગ ઊઠતા હતા, જે સામાજિક પરિવર્તનો થતાં હતાં, એનું વિવરણ એ ઇતિહાસમાં મળતું નથી. આવી પરિસ્થિતિમાં વિદેશને સ્વદેશના સ્થાને બેસાડી દેતાં આપણા મનમાં કોઈ પ્રકારની દ્વિધા પણ જન્મતી નથી! ભારતની ગૌરવહીનતામાં આપણા પ્રાણ કે અંતરમાં કોઈ લજ્જાનો ભાવ ઉત્પન્ન થતો નથી! આપણે સહજ રીતે બોલી ઊઠીએ છીએ કે આ પહેલાંનાં કાળમાં આપણી પાસે આપણું હોય એવું કંઈ હતું નહીં. અને અત્યારનાં આપણાં ખાણીપીણી, પહેરવું-ઓઢવું, આચાર-વ્યવહાર, એ બધા વિદેશીઓ પાસેથી ભીખીને-માગીને સ્વીકારવા પડશે!’
આપણા દેશના લોકોએ પોતાના અતીતમાં શું શું કર્યું હતું, કેટકેટલી પ્રબળ શક્તિ પ્રાપ્ત કરી હતી, તેમણે કેટલું બધું અને કેવી રીતે શ્રેયસ્જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એ શ્રેયસ્ને પ્રાપ્ત કરીને એને કેવી રીતે સંરક્ષ્યું હતું, આ બધાં તથ્યો અને તત્ત્વો વિશે સમ્યક્જ્ઞાન પ્રાપ્ત કરીને જ આપણા દેશવાસીઓ આપણી વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની સંભાવના વિશે ધારણા કરી શકે. કોઈપણ જાતિ તેની પોતાની ગતિ અને પ્રગતિ અને પોતાની અંતરનિર્હિત શક્તિ કે સામર્થ્ય વિશે સચેત ન થાય, તો એમની સહજ શક્તિનું સ્ફુરણ એમને થતું નથી. સાથેને સાથે પોતાના નિર્દિષ્ટ પથે પોતાનો અભ્યુદય, પોતાની આગેકૂચ શક્ય બનતી નથી. વાસ્તવિક ભારતવર્ષને સમજવું પડે, તેનો સાચો ઇતિહાસ પણ જાણવો પડે, ભારતના આત્માના મર્મસ્થાનને મેળવવું પડે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે : ‘કોઈપણ દેશના લોકોની દેશભાવના એટલે શું? દેશનું મૂળ મર્મસ્થાન ક્યાં છે? એ બંનેને એક શબ્દમાં વર્ણવી કે વ્યક્ત ન કરી શકાય. આ બાબત દેહમાં રહેલા પ્રાણની જેમ પ્રત્યક્ષ સત્ય છે. આમ છતાં પણ પ્રાણની જેમ એને આલેખવું કે એની ધારણા કરવી સહજ સંભવ નથી. આપણા શૈશવથી જ આપણા જ્ઞાનમાંથી, આપણા પ્રેમમાંથી, આપણી કલ્પનામાંથી ન દેખાતા ભિન્ન ભિન્ન પથે તેમજ પ્રકારે પ્રવેશે છે. તે પોતાની વિશિષ્ઠ શક્તિ દ્વારા આપણું અત્યંત ગહન રીતે ઘડતર કરે છે. સાથેને સાથે તે આપણને આપણા અતીતથી આપણા વર્તમાનને અલગ કરી નાખતું નથી. એની જ કૃપાથી આપણે બૃહદ્-મહાન બનીએ છીએ અને આપણે છિન્નવિછિન્ન થતા નથી.’
આ વિશિષ્ઠ પુરુષાર્થસંપન્ન અને ગુપ્ત પુરાતન શક્તિને તેની પોતાની ધારાનું અનુસરણ કરીને ભારતવાસીઓના મનની વિચારધારાનો ઇતિહાસ જાણી લેવો પડે. ભારતવાસીઓનો વિશ્વાસ અને તેમની આશા-આકાંક્ષાઓની મર્મકથાને ટૂંકમાં કહીએ તો એ છે ભારતીય ભાવધારાનું અસલ સ્વરૂપ.
આ દેશનાં નીતિ, શિલ્પકલા, સાહિત્ય અને વિજ્ઞાનની પ્રાચીન વિકાસભૂમિએ ભારતવર્ષના બાહ્ય અને આંતરિક સ્વરૂપને ઘણી કુશળતાથી ઘડ્યું હતું, આ વાતને સ્વામી વિવેકાનંદની અસાધારણ ઐતિહાસિક પ્રજ્ઞાએ સહજભાવે પરખી લીધી હતી. એક ગૌરવાન્વિત ભારતવાસીની જેમ તેમણે પાશ્ચાત્યજગતના પ્રાજ્ઞજનોને કહ્યું હતું: ‘તમારો ધર્મનો જન્મ જ્યારે કલ્પનામાં પણ નહોતો થયો તેનાં ઓછાંમાં ઓછાં ૩૦૦૦ વર્ષ પહેલાં અમારો ધર્મ સુપ્રતિષ્ઠિત થઈ ગયો હતો. વિજ્ઞાનની બાબતમાં પણ આવું જ છે. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે કરેલું મહત્ત્વનું પ્રદાન છે, વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા ચિકિત્સકોનો સમૂહ. સર વિલિયમ હન્ટરની દૃષ્ટિએ વિવિધ રાસાયણિક પદાર્થોની શોધ, નાક અને કાનની શલ્યચિકિત્સા અને એના ઉપાંગોના પ્રત્યારોપણના વિજ્ઞાન દ્વારા ભારતે આધુનિક શલ્યચિકિત્સાના વિજ્ઞાનને સમૃદ્ધ કર્યું છે. અંકશાસ્ત્રમાં ભારતનું પ્રદાન આનાથીયે સવિશેષ છે. બીજગણિત, ભૂમિતિ, જ્યોતિર્વિદ્યા અને આધુનિક વિજ્ઞાનમાં અત્યંત મહત્ત્વનું ગણાતું કલનશાસ્ત્ર – આ બધું ભારતમાંથી ઉદ્ભવેલું છે. વર્તમાન સભ્યતાની ભૂમિકા રૂપ દશાંશ પદ્ધતિ એ ભારતીયમનની સૃષ્ટિ છે. અંગ્રેજીમાં વપરાતો ‘ડેસિમલ’ શબ્દ પણ સંસ્કૃત શબ્દ ‘દશ’ પરથી ઊતરી આવ્યો છે. દર્શનશાસ્ત્રના ક્ષેત્રમાં પણ આપણો દેશ બીજાં બધાં કરતાં ચડિયાતો છે. સંગીતના ક્ષેત્રમાં ભારતે જગતને સાત પ્રધાન સ્વર આપ્યા છે અને સૂરોના ત્રણ ગ્રામ તેમજ તેની સ્વરલિપિ પણ આપી છે. ઈ.સ.પૂર્વે ૩૫૦ વર્ષથી આપણે આ પ્રણાલીબદ્ધ સંગીતને માણી રહ્યા છીએ. યુરોપમાં સંગીતનો ઉદ્ગમ ૧૧મી સદીમાં થયો હતો. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં આપણી સંસ્કૃત ભાષા બધી યુરોપિયન ભાષાઓનો પાયો છે એ વાતમાં બધા એકીમતે સહમત થાય છે. સાહિત્યના ક્ષેત્રમાં આપણાં મહાકાવ્યો અને નાટકો વિશ્વની બીજી કોઈ પણ ભાષાની આવી સાહિત્ય રચનાથી જરાય ઊતરતી નથી. શિલ્પકલાના ક્ષેત્રમાં ભારતે રૂનો અને લાલ રંગનો સર્વપ્રથમ આવિષ્કાર કર્યો હતો. સાથે ને સાથે સર્વ પ્રકાશમાં અલંકારનિર્માણમાં પણ પોતાનું પ્રભુત્વ બતાવ્યું હતું. ખાંડ ભારતમાં જ પ્રથમવાર આવિષ્કૃત થઈ. અંગ્રેજી શબ્દ ‘Sugar’ – સ્યુગર શબ્દ સંસ્કૃત શબ્દ ‘શર્કરા’ પરથી ઊતરી આવ્યો છે. શતરંજ પાસનો ખેલ – ચોપાટ – પત્તાં જેવી વિવિધ રમતોની શોધ સર્વપ્રથમવાર ભારતમાં થઈ હતી. વસ્તુત: બધાં ક્ષેત્રોમાં ભારતની ઉન્નતિ એટલી વિરાટ હતી કે પોતાના નસીબને અજમાવવાની ભૂખવાળા યુરોપિયનોનાં ટોળે ટોળાં ભારતની સીમા પર આવી ગયાં હતાં. આ રીતે ભારતની સભ્યતા અને સંસ્કૃતિના વિરાટ ભાવભંડારનો પુન: આવિષ્કાર કરીને અને તેનો પ્રચાર-પ્રસાર કરીને સ્વામીજીએ આત્મગ્લાનિમાં ડૂબેલા દેશવાસીઓના વિષાદને દૂર કર્યો, દેશવાસીઓના અંતરમાં અસ્મિતા સ્થાપિત કરીને પ્રજાનાં મનહૃદયનાં જડતા, કાયરપણું, દુર્બળતાને દૂર કરીને દેશવાસીઓની આત્મશક્તિને જાગૃત કરી હતી. સ્વામીજીના કંઠેથી વહેલા નવજાગરણ મંત્રે પ્રજાના મેરુદંડને સ્વજાતિ -ગર્વગર્જનાથી કંપાવી દીધો. સ્વદેશમાં પાછા આાવીને સ્વામીજીએ કોલંબોમાં તેમના પ્રથમ પ્રવચનમાં આવેગપૂર્ણ કંઠે – સૂરે કહ્યું હતું : ‘પહેલાં તો હું ભારતને માત્ર પુણ્યભૂમિ ગણતો. આજે હું સૌની વચ્ચે ઊભો રહીને એમ કહી શકું છું કે એ વિશે હવે મારા મનમાં કોઈ સંશય નથી.’
સ્વામીજીની નજરે ભારત એક ભૂખંડ જ નથી, એક પ્રાચીન પ્રજાની નિવાસભૂમિ જ નથી કે અલભ્ય સંસ્કૃતિની લીલાભૂમિ જ માત્ર નથી; એમની નજરે ભારતભૂમિ એક પુણ્ય ભૂમિ, ધર્મભૂમિ, દેવભૂમિ છે; ભારતવર્ષ જગતની ધર્મચેતનાનું પ્રાણકેન્દ્ર છે; ભારતવર્ષ એક મહાન આદર્શનું પ્રતીક છે; ભારતવર્ષ એક શ્રેષ્ઠ જીવનદર્શનની ભૂમિ છે; ભારતવર્ષ સ્વામીજીના અનન્ય નિર્મળ પ્રેમનું પ્રતીક હતું, ભારતની રજે રજ એમને માટે પાવનતમ, ભારતનાં નીર એમને મત નિર્મળતમ, ભારતના વાયુ વિશુદ્ધતમ હતાં. એમના મુખેથી ઉચ્ચારાતો પંચાક્ષરી શબ્દ ‘ભારતવર્ષ’ શ્રોતાના પ્રાણને ઝંકૃત કરી દેતો. એક અપૂર્વ ભાવનાનો સંચાર કરી દેતો. એમણે સાંન્ફ્રાસિસ્કોમાં એકવાર સ્વીકાર્યું હતું : ‘ભારત વિશે જ્યારે હું બોલવાનું શરૂ કરું છું ત્યારે હું ક્યાં જઈને અટકીશ તેનું ભાન અને રહેતું નથી.’ તેમના આ આવેગપૂર્ણ ઉચ્ચારણમાં હતી ઐતિહાસિક તત્ત્વથી સમૃદ્ધ એક પ્રબળ યુક્તિ-તર્કભરી કલ્પના. સ્વામીજીએ એક નિબંધમાં લખ્યું છે:
‘આ એ ભૂમિ છે કે, જે તત્ત્વજ્ઞાન, નીતિ અને આધ્યાત્મિકતાને માટે, તેમજ માણસને જીવતા રહેવા માટે સતત જે સંગ્રામ ચલાવવો પડે છે તેમાં જે કાંઈ જરા આરામ આપી શકે તેવું હોય તે માટે પવિત્ર છે; જે અભ્યાસ મનુષ્યને તેનું પશુત્વનું આવરણ ફેંકી દઈને અવિનાશી, અજન્મા, અમર તથા સદા આનંદમય આત્માની અનુભૂતિ કરાવે છે… ભારતના અધ:પતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. એક સમય એવો હતો, કે જ્યારે હું પણ તેમ જ માનતો. પણ આજે અનુભવની ઉચ્ચભૂમિકા ઉપર ઊભો રહીને આડે આવતા પૂર્વગ્રહોથી મુક્ત થયેલી દૃષ્ટિથી, અને ખાસ તો બીજા દેશોનાં અતિ રંજીત ચિત્રોનાં પ્રકાશ અને છાયાને જાત-અનુભવ દ્વારા સાચે સ્વરૂપે જોતાં, મારે નમ્રતાપૂર્વક કબૂલ કરવું પડે છે કે હું ખોટો હતો. આર્યોની પુણ્યભૂમિ, ઓ ભારત! તારું અધ:પતન કદાપિ થયું જ નથી. એક પછી એક રાજદંડોને તોડીને ફેંકી દેવામાં આવ્યા છે, સત્તાનો દોર એકમાંથી બીજા હાથમાં ફરતો રહ્યો છે, પણ ભારતમાં રાજાઓ અને તેના દરબારીઓ માત્ર થોડાક લોકસમૂહને જ સ્પર્શી શકતા હતા. ઉચ્ચમાં ઉચ્ચથી લઈને હલકામાં હલકા સુધીનો વિશાળ સમુદાય તેના અચૂક માર્ગે ચાલ્યા કરતો હતો; રાષ્ટ્રિય જીવનનો પ્રવાહ ક્યારેક ધીમો અને અર્ધજાગ્રત, તો ક્વચિત દ્રુત અને જાગ્રત બનીને વહેતો હતો. અનેક ઉજ્જ્વલ સૈકાઓથી અખંડ ચાલ્યા આવતા પ્રવાહ સામે હું સ્તબ્ધ બનીને જોઈ રહું છું; અહીંતહીં કોઈક સ્થળે એ આખી શૃંખલામાં એકાદ કડી ઢીલી નિહાળું છું, પણ બીજી જ ક્ષણે તે વધારે તેજથી ઝબકી ઊઠે છે. અને આમ મારી આ માતૃભૂમિ ગૌરવભર્યાં પગલાં માંડતી માંડતી આગળ ચાલતી જાય છે – પશુમાનવને દેવમાનવની સ્થિતિએ લઈ જવાની પોતાની ગૌરવમય નિયતિને પૂર્ણ કરવા આગળ જાય છે; તેની એ ગતિને પૃથ્વીની કે સ્વર્ગની કોઈ પણ સત્તા રોકી શકે નહિ.’ (સ્વા. વિ.ગ્રં.મા. : ૫.૨૪૫-૨૪૬)
પહેલાં કદીયે ન સાંભળેલા ઇતિહાસની ભીતર વ્યક્ત થતી સ્વામીજીની દૃષ્ટિ સ્વચ્છ નિર્મળ હતી. આ જ દૃષ્ટિએ ભારતવર્ષના ઇતિહાસને જોવો પડશે. એ પણ જોવું પડશે કે બધા દેશોનો ઇતિહાસ એક સરખો નથી હોતો. સાચા દૃષ્ટિકોણથી ન જોઈએ તો આપણે સાચા ભારતવર્ષને જોઈ ન શકીએ. આજ કારણે રવીન્દ્રનાથે રોમાં રોલાંને સલાહ આપી હતી કે ભારતવર્ષથી સુપરિચિત થઈને જ વિવેકાનંદને વાંચી શકાય અને સમજી શકાય.
સ્વામીજી વિવેકાનંદે કહ્યું હતું કે બધી પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે એક જ સંસ્કૃતિ ટકી રહી છે અને એ છે ભારતીય સંસ્કૃતિ. ઇજિપ્ત, બેબેલોનિયા, એસેરિયા કે માયા જેવી સંસ્કૃતિઓ આજે ઇતિહાસમાં સીમિત સંસ્કૃતિઓ બની ગઈ છે. ગ્રીક અને રોમન સભ્યતાનાં પ્રતીકો સંગ્રહસ્થાનને જ શોભાવે છે. બીજી બાજુએ ભારતીય સંસ્કૃતિની અવિચ્છિન્ન ધારા સ્વર્ણાતીત કાળથી વહેતી રહી છે. આ ધારા ક્યારેક દુર્બળ તો ક્યારેક સબળ રહી છે. એના ઉજ્જ્વળ જ્યોતિથી રાષ્ટ્રના માણસો ઉદ્ભાસિત બન્યા છે. ક્યારેક આ અગ્નિ રાખની ક્રમશ: વૃદ્ધિ થવાથી ઢંકાઈ ગયો છે, પરંતુ આ અગ્નિ ક્યારેય હોલવાઈ ગયો નથી. આ ધારા ભારતવર્ષની વિશિષ્ટ સાધના ને સંસ્કૃતિની વચ્ચે વૃદ્ધિ જ પામતી રહી છે.
આ ધારામાં સ્પંદિત થતી રહી છે, એક શાશ્વત પ્રેરણા, એક નિત્યસત્ય ભાવાદર્શ. આની પ્રેરણા ગભીર અને વ્યાપક છે. આનું અવલંબન લઈને ભારતવાસીઓ યુગો યુગોથી પોતાના જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવી શક્યા છે, બીજી સંસ્કૃતિઓના આક્રમણથી છિન્નભિન્ન તો થયા પણ પોતાના અસ્તિત્વને સ્વકીય વિશિષ્ટતા સાથે જાળવી રાખ્યું છે; સાથે ને સાથે બીજી સંસ્કૃતિઓમાંથી સારી બાજુઓને અપનાવીને આત્મસાત કરીને પોતાના ઉપર્યુક્ત ભાવાદર્શને વધુ ને વધુ ઉચ્ચતર બનાવ્યા છે. અને જ્યારે જ્યારે સુઅવસર સાંપડ્યો ત્યારે પોતાની ઉન્નત ભાવધારાથી અન્ય સંસ્કૃતિના રંગમંચને પણ પ્રકાશિત કર્યો છે. અને એ સંસ્કૃતિને અનાયાસે સમૃદ્ધ અને કલ્યાણકારી બનાવી છે. સુનીતિકુમાર ચેટર્જી, મિત્ર અને ઘોષે પોતાના ગ્રંથ ‘ભારત સંસ્કૃતિ’માં લખ્યું છે : ‘ભારતીય સંસ્કૃતિ અને દર્શન જ્યાં જ્યાં ગયાં છે, ત્યાં એ વિનાશ કરવાં ગયાં નથી. તેઓ તો પૂર્ણતા લાવવા માટે જ ત્યાં ગયાં છે અને વિભિન્ન દેશોમાં પ્રાણાર્પણ કરીને સુજલ વરસાવ્યાં છે.’ અતિપ્રાચીન કાળથી ભારતવર્ષની રાષ્ટ્રિય ઐતિહાસિક સ્વતંત્રતાએ આ દેશને જે વિશિષ્ટતા પ્રદાન કરી છે તેનાં પ્રકૃતિ અને તાત્પર્ય વિશે થોડું જાણવું જરૂરી છે અને સજાગ બનીને એ વિશિષ્ટતાને આપણે જાળવી રાખવી પડશે. પશ્ચિમમાં ભારતીય સંસ્કૃતિનો વિજયધ્વજ ફરકાવીને સ્વદેશમાં ફરીને સ્વામીજીએ પોતાના કુંભકોણમ્માં આપેલ વ્યાખ્યાનમાં દેશવાસીઓને સાવધાન કરતાં કહ્યું હતું : ‘પહેલવહેલાં તો આપણે પ્રજા તરીકે ઐતિહાસિક રીતે મેળવેલા ચારિત્ર્યને જાળવી રાખવું જોઈએ.’ ઇતિહાસ સમર્થિત આ ચારિત્ર્યનું અવલંબન કરીને જ આપણી પ્રજાની સ્વાભાવિક જીવનશક્તિ હજારો હજારો ધારાઓમાં વહીને, વિકસીને રાષ્ટ્રના લક્ષ્યપ્રાપ્તિને સહજ કરી શકશે. આ ભાવાદર્શને લક્ષ્યમાં રાખીને સ્વામીજીએ આ ઘોષણા કરી હતી : ‘મારો ઉદ્દેશ્ય છે સર્વને પોતાના કરી લેવા, કોઈનેય ત્યજવા નહિ… પૃથ્વીની કોઈ પણ ઉન્નતજાતિની અપેક્ષા કરતાં પણ આપણે વધારે ઉન્નતિશીલ બનવું જોઈએ, સાથે ને સાથે આપણા ભૂતકાળના સંચિત સંસ્કારસમૂહ પ્રત્યે આદર અને શ્રદ્ધા હોવાં જોઈએ.’
ધરતીના પ્રજાસમૂહના ક્યારેક ક્યારેક અરસપરસના ઐક્ય અને સર્વ સાધારણત્વ જેમ જોવા મળે છે તેમ પ્રત્યેક પ્રાચીન પ્રજાનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ પણ આપણને જોવા મળે છે. પ્રત્યેક પ્રજાની જીવનધારામાં એક અનન્ય વિશિષ્ટતા રહેલ છે. એમાં જ એ પ્રજાનાં સાધના અને સાધ્યનું સ્ફૂરણ વિશેષ રૂપે જોવા મળે છે. પ્રજાના અંતર્જીવનના સ્રોતમાં અધિષ્ઠિત ગભીર અને વ્યાપક પ્રેરણા ઉદ્બોધિત થાય છે અને પ્રજા પોતાની વિભિન્ન સમસ્યાઓનું સમાધાન કરી શકે છે, પ્રજાના ગતિશીલ વિકાસ અને અભિપ્સાને ચરિતાર્થ કરીને પ્રાણ અને બળ પૂરીને સાચું ઐશ્વર્ય બક્ષે છે. પ્રજાના આ પ્રેરણાસ્રોતનું પ્રતિફલન એટલે એ પ્રજાની સંસ્કૃતિ.
એક પ્રજાની સંસ્કૃતિ એટલે એનાં કાવ્ય, સંગીત, શિલ્પ, વિજ્ઞાન, દર્શન અને ધ્યાનધારણા. ઘણા એમ પણ માને છે કે આચાર અનુષ્ઠાન, શાલીનતા અને શિષ્ટાચાર, અને એ વિશેનાં ભાવનાચિંતન, નીતિનિયમ વગેરે સંસ્કૃતિનાં અંતર્ગત પાસાં છે. સમગ્ર દૃષ્ટિએ જોતાં પ્રજાના અનુશીલનથી પ્રાપ્ત કરેલ વિદ્યા, બુદ્ધિ, શિલ્પવિજ્ઞાન, આધ્યાત્મિકતા વગેરેનો ઉત્કર્ષ સંસ્કૃતિની ભીતર જ રહેલાં છે. પ્રજાનાં વિચાર અને આચરણના મૂળમાં જ રહે છે તેમની ભાવસંપત્તિનો સમુચ્ચય. દરેક પ્રજાનાં આચાર-વ્યવહાર અને કર્મનીતિમાં એક પ્રકારની સામાન્ય એકતા આપણને જોવા મળે છે. સ્વાભાવિક રીતે દરેક સુપ્રતિષ્ઠિત પ્રજાની ઓળખ આપતો ભાવાદર્શ રાષ્ટ્રના દરેક વ્યક્તિના જીવનમાં ઓતપ્રોત અને વ્યાપેલ રહે છે અને તેના જીવન પર ગહન પ્રભાવ પાડે છે. ક્ષિતિમોહન સેન લખે છે : ‘માનવની મુખ્ય સંપત્તિ તેની સંસ્કૃતિ છે. સંસ્કૃતિગત ઐશ્વર્ય માટે આવશ્યક છે વ્યક્તિત્વની વિશિષ્ટતા… રાષ્ટ્રિય જીવનમાં એકતા ઘણી મહત્ત્વની છે, વ્યક્તિત્વ એમાં ઘણી વખત નિરર્થક અડચણ ઊભી કરે છે, છતાંયે સંસ્કૃતિની બાબતમાં વ્યક્તિત્વની વિશિષ્ટતા જ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.’ ઇતિહાસના નિયમ પ્રમાણે દેશ અને કાળની અંત:પ્રેરણા વ્યક્તિ વિશેષની ધ્યાનધારણા દ્વારા પ્રગટ થાય છે. પરંતુ જો એને થોડી ઝીણવટપૂર્વક જોઈએ તો વ્યક્તિની ગહન અભીપ્સા અને એનું વ્યાપક સાફલ્ય પોતાના ક્ષુદ્ર બંધનોને તોડીને સમૂહના ક્ષેમ કલ્યાણ માટે આત્મસમર્પણ કરે છે. ક્યારેક ક્યારેક એમાં વિક્ષેપ ઊભો થાય છે અને નૂતન શક્તિનું આવર્તનબળ ઊભું થાય છે. મેલેન્સ્કી કહે છે : ‘સંસ્કૃતિ એટલે કે માનવની સામુદાયિક સર્જનશક્તિ વૈયક્તિક કાર્યકુશળતા અને કાર્યશક્તિની સીમાને વિસ્તારે છે. અને તે કોઈ પણ પ્રાણીની જાતિમાં કદીયે ન કલ્પેલી દૃષ્ટિની વિશાળતા અને વિચારોની ગહનતા પણ આપે છે. આ બધાનો સ્રોત વૈયક્તિક સિદ્ધિઓનું સંમિશ્રણ અને બધાનાં કલ્યાણ કાર્ય માટેના સહકારમાં રહેલ છે. એટલે જ સંસ્કૃતિ વ્યક્તિઓને એક સુગઠિત સમૂહમાં પરિવર્તિત કરે છે અને એમને એક અવિનાશી સાતત્યભર્યું અસ્તિત્વ અર્પે છે.’ પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ભારતના ઇતિહાસમાં એવા ગૌરવોજ્જ્વળ અધ્યાયમાં આપણને ભારતના વ્યક્તિ અને સમષ્ટિના અભ્યુદયની અભિપ્સામાં ઘણું સામંજસ્ય જોવા મળે છે. આમ છતાંયે ભારતે ઇતિહાસના કોઈ ગહન નિયમના આધારે પોતાની ભાવધારાનો આશ્રય લઈને પોતાની સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે.
જેમ વ્યક્તિના જીવનમાં હોય છે તેમ દરેક પ્રજાના જીવનમાં પણ એક weltanschauung એટલે કે જીવનસંગીતનો પ્રધાન સૂર હોય છે, બીજા સૂરો આ પ્રધાન સૂરની સંગતિ કરીને એક તાનસૃષ્ટિ રચે છે. એ આદર્શ અને ઉદ્દેશ્યને કેન્દ્રમાં રાખીને પ્રજાની સ્વાભાવિક જીવનશક્તિ પ્રજાના જીવનને પરિચાલિત કરે છે. પ્રજાને પોતાપણું આપે છે. આ આદર્શ અને ઉદ્દેશ્ય સાધનપથમાં જ પ્રજાની સંસ્કૃતિના મહેલની સંરચના કરે છે. સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન થાય કે આ સંસ્કૃતિનું પરિવર્તન થઈ શકે કેમ? તેના ઉત્તરમાં કહી શકાય કે સંસ્કૃતિ એક સજીવ ભાવ છે, ગતિશીલ ભાવપ્રકૃતિ છે. પરંતુ પ્રત્યેક સુપ્રતિષ્ઠિત પ્રજાની સંસ્કૃતિની ભીતરની ભાવસંપદ સનાતન અને શાશ્વત હોય છે. એમાં કોઈ પાયાનું પરિવર્તન થતું નથી. મૂળ ભાવધારાનો આધાર લઈને ભિન્ન ભિન્ન કાળમાં અલગ અલગ પ્રયોજન પ્રમાણે પ્રજાની સંસ્કૃતિના બાહ્ય રૂપમાં થોડાં પરિવર્તનો થઈ શકે છે. અત્યંત પ્રાચીનકાળની પ્રત્યેક પ્રજાની વર્તમાન કે ભાવિ સંસ્કૃતિ તેની પ્રાચીન સંસ્કૃતિનું અનુવર્તન જ નથી પણ સ્વાભાવિક રીતે તેનું થયેલું રૂપાંતર જ છે. આ રૂપાંતર વખતે ચોતરફ બાહ્ય પરિવર્તન જ થાય છે, પણ પ્રજાના મૌલિક ચારિત્ર્યનું પરિવર્તન થતું નથી. જીવિકાનું વાસ્તવિક ઉપકરણ, સમાજનું અસલ રૂપ અને માનસિક સંપદ આ ત્રણેય ક્રિયા અને પ્રતિક્રિયા થતાં રહે છે. ઘાત-પ્રતિઘાતના પરિણામે સંસ્કૃતિનું યુગે યુગે રૂપાંતર થવા છતાં આ બધાં રૂપાંતરોની વચ્ચે ફલ્ગુ નદીની ધારાની જેમ (ઉપરથી સૂકી દેખાતી પણ નીચે પાણીના પ્રવાહવાળી) પ્રવાહમાન પ્રજાની પ્રાણધારા તેની સંસ્કૃતિની મુખ્ય વિલક્ષણતાને અતૂટ વહેતી રાખે છે. સ્વામીજી ભારતીય સંસ્કૃતિની મૂળ વિલક્ષણતા અને તેના મહત્ત્વ વિશે ‘પૂર્વ અને પશ્ચિમ’ ગ્રંથમાં લખ્યું છે : ‘હવે તમે બરાબર સમજી શક્યા હશો કે આ ડાકણનો જીવ ક્યાં છે. એ જીવ એના ધર્મમાં છે. એનો નાશ કરવાને કોઈ શક્તિમાન નહોતું, એટલે તો આટલી આટલી મુશ્કેલીઓ અને આપત્તિઓ આવી ગઈ હતી તોય હિંદુ પ્રજા હજી જીવે છે… વસ્તુસ્થિતિ એવી છે કે નદી પર્વતો માંહેનાં પોતાનાં ઊગમસ્થાનથી હજારો માઈલ દૂર નીચે આવી ગઈ છે; એ પોતાના ઊગમસ્થાને પાછી જાય ખરી? જઈ શકે ખરી? જો કદાચ એ પાછી મૂળ સ્થાને પહોંચવાનો પ્રયાસ કરે, તો એનાં પાણી ચોમેર ફેલાઈ જઈને કેવળ એ સુકાઈ જ જવાની! ગમે તે રીતે વહેલી કે મોડી, ખુલ્લાં અને સુંદર મેદાનોમાં સરળતાથી વહેતી વહેતી, અગર તો કઠણ પથરાળ પ્રદેશોમાંથી પછડાટો ખાઈને મુશ્કેલીથી માર્ગ કાઢતી કાઢતી, પણ એ નદી આખરે સમુદ્રમાં મળવાની એ ચોક્કસ. આ દસ હજાર વરસનું આપણું પ્રજાકીય જીવન જો એક ભૂલ હોય તોપણ એને માટે હવે બીજો કોઈ રસ્તો નથી; અને જો આપણે નવો સ્વભાવ પાડવાનો પ્રયાસ કરીએ તો અનિવાર્ય પરિણામ એ આવે કે આપણો વિનાશ જ થાય.’ (સ્વા. વિ.ગ્રં.મા. : ૬.૨૮૨)
પશુમાંથી ક્રમિક વિકાસ રૂપે માનવ બને છે. મનુષ્યના વિકાસના પણ ઘણા બધા પર્યાય છે. દરેક મનુષ્યમાં અંતર્નિહિત શક્તિ રહેલી છે એટલે જ મનુષ્યની વિકાસની સંભાવનાઓ અસીમ છે. પ્રાચીન ભારતના ઋષિઓએ ઘોષણા કરી હતી કે ‘શ્રૃણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આ યે ધામાનિ દિવ્યાનિ તસ્થૂ:’. અંધારાની પાછળ રહેલ એક જ્યોતિ, જડની પાછળ રહેલ ચૈતન્ય, રૂપની પાછળ રહેલ અરૂપ સત્તા – નો ભારતના ઋષિઓએ આવિષ્કાર કર્યો છે. જીવાત્માની ભીતર વિશ્વાત્માને જોયો છે, જાણ્યો છે. આત્માનાં અનંત શક્તિ, વીર્ય, શુદ્ધિની પ્રાપ્તિ કરીને ભારતના ઋષિઓ યુગ યુગો સુધી સમાજને એક વિલક્ષણ પથે ચાલવાનો નિર્દેશ કરે છે અને તેમણે જીવનપાથેય રૂપે અધ્યાત્મવિદ્યા ભેટ રૂપે આપી છે. ક્રમવિકાસવાદની સમાલોચના કરતાં જુલિયન હક્સલી કહે છે : ‘આપણા વર્તમાન જ્ઞાનના પ્રકાશમાં મનુષ્યનું પ્રધાન લક્ષ્ય માત્ર જેમ તેમ ટકી રહેવું એ જ નથી, અને પ્રજાની સંખ્યાવૃદ્ધિ પણ નથી; તે સંચાલનની અતિકુશળ સંકુલતા પણ નથી અને નથી તે સમગ્ર પ્રકૃતિ પરનું નિયંત્રણ કે વર્ચસ્વ; પરંતુ તે છે વ્યક્તિગત રીતે કે સમષ્ટિ રૂપે પોતાનામાં રહેલી વધુ ને વધુ શક્યતાઓની અનુભૂતિ અને તેની પૂર્તિ.’ ભારતવાસીઓએ વ્યક્તિગત રૂપે કે સમષ્ટિના રૂપે જીવનની સર્વશ્રેષ્ઠ પરિતૃપ્તિ અધ્યાત્મ વિદ્યાને જ ગણી છે. આ વિદ્યાનું અનુસરણ કરીને મનુષ્ય મૃત્યુંજય કરીને નિર્ભય બને છે, અમૃતસ્વરૂપ બને છે. ‘યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તત: । યસ્મિન્ સ્થિતો ન દુ:ખેન ગુરુણાપિ વિચાલ્યતે ॥’ આ પ્રત્યક્ષ આત્મોપલબ્ધિ જ ભારતીયોની ભાવાનુભૂતિનો આધાર છે. આની જ ભૂમિકા પર રચાયેલ છે ભારતની સભ્યતા અને સંસ્કૃતિ. આ તત્ત્વની ઉપલબ્ધિમાં જ ભારતના આત્માની મૌલિક શક્તિ રહેલી છે. આ સત્ય સનાતન છે, તેનું પતન-ઉત્થાન થતાં નથી, ક્ષયવૃદ્ધિ થતાં નથી, આ સત્ય જ પ્રજાના જીવનરથનો સારથિ છે. આ સત્ય પથ પર આવજા કરીને જ ભારતવાસીઓ પોતાપણું અને સાફલ્ય પ્રાપ્ત કરીને પ્રજાના ઉદ્દેશ્યોના અંતિમ શિખરે પહોંચી ગયા છે. આ પ્રજાના ઉદ્દેશ્યને અપરિવર્તિત રાખીને ભારતીય સમાજને સમયે સમયે ઉપયોગી થાય તેવા ભારતવાસીઓ મૂલ્યબોધ, વિચારબોધ, નીતિ અને સંસ્કારબોધનો પ્રચાર-પ્રસાર કરે છે. આ બધાં પરિવર્તનની આડશે ભારતવાસીઓ પ્રાકૃતિક નિયમને આધારે કે મહાપુરુષની પ્રતિભાના આધારે સામાજિક રીતિનીતિ, વિધિવિધાનોનો જીવનના ઉદ્દેશ્યને સિદ્ધ અને સફળ બનાવવા માટે ઉપયોગ કરે છે. ફ્રેંચ અને અંગ્રેજની તુલના કરતા સ્વામીજીએ કહ્યું છે : ‘રાજકીય સ્વાતંત્ર્ય એ ફ્રેંચ પ્રજાના સ્વભાવનો મેરુદંડ છે… અંગ્રેજ પ્રજાના સ્વભાવમાં, ‘આપલે’ની નીતિ, વેપારીનો લેવડદેવડનો નિયમ મુખ્યત્વે રહેલો છે. અંગ્રેજને મન ઈન્સાફ, હકોની સરખી વહેંચણી, એ ખાસ અગત્યનાં છે… હિંદુ કહે છે કે રાજકીય અને સામાજિક સ્વાતંત્ર્ય ઠીક છે, મજાનાં છે; પણ ખરી વસ્તુ છે આધ્યાત્મિક સ્વાતંત્ર્ય, એટલે કે મુક્તિ. આ આપણો પ્રજાકીય હેતુ છે. પછી તમે વૈદિક લ્યો, જૈન લ્યો કે બૌદ્ધ લ્યો; અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત કે દ્વૈતને માનો; એ બધા ત્યાં એકમત છે. એ વાતને છેડ્યા વગરની રહેવા દો તો પછી તમે ગમે તેમ કરો, હિંદુને તેની સાથે નિસબત નથી; એ મૂંગો રહે છે. પણ ધર્મની બાબતમાં જો એની સાથે અંચઈ કરી તો મૂઆ પડ્યા સમજો.’ (સ્વા. વિ.ગ્રં.મા. : ૬.૨૮૦)
સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિના મૂળસ્રોત અને તેની પ્રાણધારા વિશે નિશ્ચિત વિચાર કર્યો છે. ભારતીય સંસ્કૃતિના પ્રભાવની ગંભીરતા અને વ્યાપકતાનું મૂલ્યાંકન કરતાં તેમણે કહ્યું છે : આ પ્રજાનું જીવન છે ધર્મ, એની ભાષા છે ધર્મ, એનો વિચાર છે ધર્મ. અને તમારું રાજકારણ, સમાજસેવા, નગરપાલિકા, રોગો અટકાવવાનું અને દુષ્કાળ નિવારણનું કાર્ય : બધું આજ સુધી અહીં જેમ થતાં આવ્યાં છે તેમ, એટલે કે કેવળ ધર્મ દ્વારા જ થશે. દોસ્ત! અન્ય રીતે તો તમારા બધા ઘેલછાભર્યા બરાડા અને પોકરાણોનું પરિણામ શૂન્ય જ આવશે!’ (સ્વા. વિ.ગ્રં.મા. : ૬.૨૮૨) અહીં ધર્મ એટલે શું? માનવ મૂળરૂપે નિત્ય, શુદ્ધ, મુક્ત પ્રકૃતિવાળો છે. આ સ્વરૂપની પ્રાપ્તિ માટે માણસ જાણે અજાણે પ્રયત્ન કરતો રહે છે. આ મૂળ સ્વરૂપની પ્રાપ્તિ એ જ મુક્તિ, આ મુક્તિ જ માનવનું લક્ષ્ય છે. આ લક્ષ્યે પહોંચવા માટે માનવની ભીતર એક વૈશ્વિક બુભુક્ષા-ભૂખ જોવા મળે છે. આ જ ભૂખને સંતોષવા માટે ધર્મ માણસને પોતાના આત્માનુભૂતિના લક્ષ્ય સુધી પહોંચાડે છે. બધા ધર્મોનું પરમ લક્ષ્ય છે, આત્માનુભૂતિ. બધા ધર્મગ્રંથો, બધી ધર્મશ્રદ્ધા અને બધા આચારવિચારોનું ઊર્ધ્વીકરણ એટલે આત્માનુભૂતિ. આ આત્માનુભૂતિ એટલે અમૃતત્વ. સ્વામીજીનું પોતાના જીવન અને એમની વાણીના ગહન મર્મમાં અપ્રત્યક્ષ આત્માનુભૂતિ અને સાચી આધ્યાત્મિક દૃષ્ટિ રહેલ છે. તેના અનુસંધાને ભારતના લોહીમાં સતત પ્રવાહમાન ધર્મ અને ભવબંધનમાંથી મુક્તિની આકાંક્ષાએ ભારતવાસીઓનું લક્ષ્ય રહ્યું છે. ભારતીયોના જીવનના ધ્યેયનું કેન્દ્ર છે, અપરોક્ષ આધાર ભૂમિકાવાળો મોક્ષ.
આપણા ધર્મ શબ્દના મીમાંસકોના મતાભિપ્રાયોનો ઉપયોગ કરીને સ્વામીજીએ આપણને બતાવ્યું છે કે ભારતમાં અને પાશ્ચાત્ય ધર્મોમાં મોક્ષની પ્રાપ્તિ એ લક્ષ્ય રહ્યું છે. અહીં ધર્મ છે : ‘ધર્મ એટલે જેનાથી મનુષ્યને આ લોકમાં તેમ જ પરલોકમાં સુખ મળે તે, એટલે કે પુણ્ય. ધર્મનો આધાર છે કર્મો. ધર્મ માણસને રાત અને દિવસ સુખ મેળવવા અર્થે પ્રેરે છે. મુક્તિ શું છે? મુક્તિ એટલે જે એમ શીખવે કે આ જિંદગીના સુખભોગો ગુલામી છે અને પરલોકનું પણ તેવું જ છે, કારણ કે ન તો આ દુનિયા કે ન તો પરલૌકિક દુનિયા કુદરતના કાયદાઓથી પર છે. માત્ર આ દુનિયાની ગુલામીની બેડી લોઢાની છે અને પેલીની બેડી સોનાની છે. વળી સુખ, પછી તે ગમે ત્યાં હોય, પ્રકૃતિના નિયમોને આધીન હોવાને કારણે વિનાશને આધીન છે અને અનંત કાળ સુધી ટકવાનું નથી. એથી માણસે હંમેશાં મુક્ત થવાનો અભિલાષ સેવવો જોઈએ; તેણે શરીરના બંધનથી પર જવું જોઈએ; ગુલામી નહિ ચાલે. આ મોક્ષમાર્ગની કલ્પના એક માત્ર ભારતમાં જ છે. બીજે ક્યાંય નથી.’ (સ્વા. વિ.ગ્રં.મા. : ૬.૨૭૧)
(ક્રમશ:)
Your Content Goes Here




