જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય
શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન અવલંબનરૂપ થયો હતો. તેમજ તે દ્વારા જ તે તે યુગના વિશિષ્ટ સાધક ગણોએ ઈશ્વરની, અને તે સાધકોમાંથી થોડાએ અખંડ અદ્વય બ્રહ્મની ઉપલબ્ધિ કરી હતી.
વૈદિક તથા બૌદ્ધયુગમાં પ્રધાનત: શાંત ભાવની, તથા ઉપનિષદ યુગમાં શાંત ભાવની પરિપુષ્ટિ દ્વારા અદ્વૈત ભાવની, તેમજ દાસ્યભાવ તથા પિતૃભાવની શરૂઆત જોવામાં આવે છે.
રામાયણના તથા મહાભારતના યુગમાં શાંત તથા નિષ્કામ કર્મ સાથે જોડાયેલ દાસ્યભાવ, તેમજ તાંત્રિક યુગમાં ઈશ્વર પ્રત્યે માતૃભાવ તથા થોડાઘણા મધુર ભાવનો પ્રકાશ માલૂમ પડે છે.
વૈષ્ણવયુગમાં સખ્ય, વાત્સલ્ય અને મધુર ભાવનો પૂર્ણ વિકાસ દેખાય છે.
ભારતવર્ષના આધ્યાત્મિક ઇતિહાસમાં અદ્વૈતભાવ સહિત દાસ્ય શાંતાદિ પાંચ ભાવનો પૂર્ણ પ્રકાશ જોવામાં આવે છે, પરંતુ અન્ય દેશોના ધર્મસંપ્રદાયોમાં માત્ર શાંત, દાસ્ય અને પિતૃભાવ જ દેખાય છે.
યહૂદી, ક્રિશ્ચિયન, મુસલમાન ધર્મસંપ્રદાયોમાં રાજર્ષિ સોલોમનની સખ્ય અને મધુર ભાવાત્મક ગીતાવલિનો પ્રચાર છે. પણ તેઓ આ ગીતોનો ભાવ બરોબર સમજતા નથી, અને જુદા જ અર્થની કલ્પના કરે છે. મુસલમાન ધર્મના સૂફી સંપ્રદાયમાં સખ્ય અને મધુરભાવનો પ્રચાર છે, પણ તેમનો સાધારણ જનસમાજ તે રૂપે ઈશ્વરની ઉપાસના કુરાનથી વિરુદ્ધ સમજે છે.
રોમન કેથોલિક સંપ્રદાયમાં એક રીતે જીસસ ક્રાઈસ્ટનાં માતા મેરીની પ્રતિમા દ્વારા જગન્માતાની પૂજા કરવામાં આવે છે. પણ તે પૂજા સીધી રીતે ઈશ્વરના જગન્માતૃભાવની સાથે જોડાયેલ નહિ હોવાથી ભારતમાં પ્રચલિત જગન્માતાની પૂજા માફક ફલપ્રદ થતી નથી; કારણ તે પૂજા સાધકને અખંડ સચ્ચિદાનંદની ઉપલબ્ધિ અને સ્ત્રી માત્રમાં જગન્માતાનો પ્રકાશ પ્રત્યક્ષ કરવાને સમર્થ થતી નથી.
શાંતાદિ પાંચ ભાવોનું વિશેષ વિવરણ
(૧) શાંત ભક્તિ : – મનુષ્યહૃદયમાં જ્યાં સુધી ખરો પ્રેમાગ્નિ પ્રજ્જ્વલિત થતો નથી, અને જ્યાં સુધી પ્રેમમાં ઉન્મત્ત થઈ તે પોતાનું ભાન ભૂલી જતો નથી, તેમજ બાહ્ય ક્રિયાઓ તથા બાહ્ય ભક્તિ કરતાં માત્ર સહેજ વધારે પ્રેમ ઉત્પન્ન થાય છે, પણ તેમાં તીવ્ર પ્રેમનાં લક્ષણ જોવામાં આવતાં નથી, ત્યાં સુધીની તેની ભક્તિ શાંત ભક્તિ ગણાય છે. દુનિયામાં કોઈ કોઈ માણસો એવાં છે કે જેઓ સાધનામાં ઝડપથી આગળ વધવા ચાહે છે, પણ મોટા ભાગે ભક્ત તો ધીરે ધીરે આગળ વધવાની ઇચ્છાવાળો હોય છે. ધીર, નમ્ર, શાંત ભક્ત આ બીજી શ્રેણીનો છે.
(૨) દાસ્યભાવ :- આ ભાવ શાંત ભાવથી જરા ઊંચો છે. તેમાં મનુષ્ય પોતાને ઈશ્વરનો દાસ સમજે છે. વિશ્વાસુ નોકરની માલીક પ્રત્યેની ભક્તિ એ તેના આદર્શરૂપ હોય છે. રામદાસ, હનુમાન એ તેનાં પ્રધાન દૃષ્ટાંત છે.
(૩) સખ્યભાવ : – સખ્ય પ્રેમમાં સાધકને ભગવાન તરફ મિત્રભાવ હોય છે. મિત્ર જેમ મિત્ર પાસે દિલ ખોલીને વાત કરે છે. અને પોતાને તેની સમાન ગણે છે, તેમ આ સાધક ભગવાનને પણ સમજે છે. જગતરૂપી ખેલમાં ભગવાન તેનો ગોઠિયો છે એમ તે ધારે છે. સુદામા, અર્જુન ઇત્યાદિ આ ભાવનાં દૃષ્ટાંત છે.
(૪) વાત્સલ્યભાવ : – આ ભાવમાં ભગવાનને પોતાનું બાળક ગણવામાં આવે છે. સ્ત્રીઓને માટે આ પ્રકારના ભાવની સાધના ઘણી સુગમ છે. તેનું મુખ્ય દૃષ્ટાંત માતા યશોદા છે. બાલકૃષ્ણ પ્રત્યે યશોદાના પ્રેમને સાધકો પોતાનો આદર્શ સમજે છે. પુરુષો પણ ભગવાનના પિતા જેવા બનીને આ ભાવ સાધી શકે છે.
(૫) મધુરભાવ : – આ ભાવમાં પ્રેમનો સર્વોચ્ચ પ્રકાશ થાય છે. મધુરભાવમાં ભગવાનનું પોતાના પતિ તરીકે ચિંતન કરવું પડે છે. કેટલાક વૈષ્ણવ સંપ્રદાયો કહે છે કે જગતમાં માત્ર એક જ પુરુષ છે, એ તે પરમપુરુષ; બાકીનું બધું પ્રકૃતિરૂપ છે. સ્ત્રીપુરુષ વચ્ચે જે પ્રેમ હોય છે તે પ્રેમને આ ભાવમાં ભગવાનમાં પ્રયોજવાનો હોય છે. આ ભાવની સાધના ઘણી કઠિન છે. વૃંદાવનની ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ તેનું મુખ્ય ઉદાહરણ છે. વાત્સલ્યભાવની જેમ આ ભાવ પણ સ્ત્રીઓને સહજ હોય છે.
આ ભાવના દુરુપયોગ સંબંધી અહીં થોડું કહેવું આવશ્યક છે. ઘણા ધર્મઢોંગીઓ મધુરભાવની સાધનાના ઓઠા હેઠળ વ્યભિચાર કરે છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનનાં અન્ય કાર્યો પ્રત્યે લક્ષ્ય આપ્યા વિના, આ ઠગો માત્ર ગોપીઓની સાથેની પ્રેમલીલા તરફ જ ધ્યાન આપે છે. આ લીલામાં મધુરતા છે એમાં સંદેહ નથી. પણ એ લીલા માત્ર શુકદેવ જેવા શુદ્ધહૃદયવાળા આજન્મ બ્રહ્મચારીઓ જ સમજી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે ભાગવતના કહેનારા શુકદેવ અને સાંભળનારા ભગવાનમાં તલ્લીન ચિત્તવાળા રાજા પરીક્ષિત છે. અશુદ્ધહૃદય વ્યક્તિએ આ ભાવની સાધના કરવી જોઈએ નહિ. અન્ય ભાવોની સાધનામાં સિદ્ધ થયા પછી જ છેલ્લે આ ભાવની સાધના સુગમ થાય છે.
બીજી વાત એ યાદ રાખવી, કે મનુષ્યોની સાથે આવો પ્રેમ હોઈ શકે નહિ. ઘણા દુષ્ટ ધર્માચાર્યો પોતાને શ્રીકૃષ્ણના અંશાવતાર તરીકે જાહેર કરી આવી મધુરલીલા કરવા પ્રવૃત્ત થાય છે. તેઓનો એક માત્ર ઉદ્દેશ્ય ધર્મના નામે વ્યભિચાર જ હોય છે. આવા પાખંડીઓનું કૃષ્ણત્વ કેવળ આવી લીલાઓમાં જ પ્રકટ થાય છે, પણ શ્રીકૃષ્ણના જીવનની અન્ય લીલાઓ તેમનાં જીવનમાં, આચરણમાં જોવામાં આવતી નથી; આવા ધર્મઠગોથી હંમેશાં સાવધ રહેવું.
Your Content Goes Here




