ગાંધીજી
મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશાં આનંદમાં રહે છે. હું તો ચાહું છું કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં, પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે. એક હિંદુ બાળક કે બાલિકા માટે ગીતા વિશે ન જાણવું તે શરમની વાત હોવી જોઈએ…
જ્યારે હું સમસ્યાઓથી ઘેરાઈ જાઉં છું, આશાનું કોઈ કિરણ દેખાતું નથી ત્યારે હું ગીતામાતાના શરણે જાઉં છું. ત્યારે ચમકતો કોઈ ને કોઈ શ્લોક મારા ચિત્તમાં ઊભરી આવે છે અને મારી સમસ્યાનું સમાધાન કરી દે છે અને હું સ્મિત કરવા લાગું છું. મારું જીવન આંતર-બાહ્ય સંકટોથી ઘેરાયેલું છે, પરંતુ તેનો કોઈ સ્થાયી પ્રભાવ મારા જીવન પર પડ્યો નથી. આનું સઘળું શ્રેય ગીતાના ઉપદેશો પર છે.
બાળગંગાધર ટિળક
શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા ધર્મગ્રંથોનો એક અત્યંત તેજસ્વી અને નિર્મળ હીરો છે. પિંડ-બ્રહ્માંડ-જ્ઞાન સહિત અધ્યાત્મવિદ્યાનાં ગૂઢ અને પવિત્ર તત્ત્વોને સંક્ષિપ્તમાં અને સચોટ-સ્પષ્ટરૂપે સમજાવી દેનારો, તે તત્ત્વોના આધાર ઉપર મનુષ્યમાત્રના પુરુષાર્થની અર્થાત્ આધ્યાત્મિક પૂર્વાવસ્થાનો પરિચય કરાવી દેવાવાળો અને તેના દ્વારા દુ:ખિત મનુષ્યોને શાંતિ આપી તેમને નિષ્કામ કર્માચરણમાં લગાડી દેવાવાળો ગીતા જેવો બાળબોધ ગ્રંથ, જગતના કોઈ પણ સાહિત્યમાં નહીં જડે, તો પછી સંસ્કૃતની વાત જ ક્યાં?
શ્રી અરવિંદ
ગીતા એ અધ્યાત્મ-કૃતિઓ પૈકીની માનવજાતિને અપાયેલ સર્વોત્તમ અમૃતવાણી છે… તે છે આપણો મુખ્ય રાષ્ટ્રીય વારસો, ભાવિની અમર આશા.
મદન મોહન માલવિયા
મારો વિશ્વાસ છે કે જગતની પ્રચલિત ભાષાઓમાં ભગવાન શ્રીકૃષ્ણની કહેલી ભગવદ્ ગીતા સમાન નાના કદમાં આટલો મહાન જ્ઞાનપૂર્ણ બીજો કોઈ ગ્રંથ નથી… કર્મ, જ્ઞાન અને ભક્તિએ ત્રણ માર્ગ દ્વારા મનુષ્યને પરમ શ્રેયની સાધનાનો ઉપદેશ કરવાવાળો, બધાથી ઉચ્ચ જ્ઞાન, સૌથી વિમલ ભક્તિ, સૌથી ઉજ્જ્વળ કર્મ, યમ, નિયમ, ત્રિવિધ તપ, અહિંસા, સત્ય અને દયાના ઉપદેશોની સાથે ધર્મને માટે ધર્મનું અવલંબન કરવાનું, અધર્મનો ત્યાગ કરી યુદ્ધ કરવાનો ઉપદેશ કરવાવાળો તે અદ્ભુત ગ્રંથ છે. પૃથ્વીમંડળમાં મારા ખ્યાલ પ્રમાણે ભગવદ્ ગીતા જેવો અન્ય ગ્રંથ નથી. ગીતા ધર્મનો ભંડાર છે. કેવળ હિંદુઓના નહીં, પરંતુ સમગ્ર જગતના મનુષ્યોનું ધન છે.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જ્યારે હું ગીતાનું અધ્યયન કરું છું અને ઈશ્વરે કેવી રીતે સૃષ્ટિનું સર્જન કર્યું તે અંગે ચિંતન કરું છું ત્યારે બાકીનું સર્વકંઈ ક્ષુદ્ર અને વામણું લાગે છે.
ડૉ. આલ્બર્ટ સ્વાટ્ઈઝર
માનવજાતની અસ્મિતા પર ભગવદ્ ગીતાનો પ્રબળ પ્રભાવ છે, જે તેમનાં કાર્યોમાં પ્રગટ થતી ઈશ્વર પ્રત્યેની ભક્તિના માધ્યમથી અભિવ્યક્ત થાય છે.
રાલ્ફ વાલ્ડો ઇમર્સન
ભગવદ્ ગીતા મને સાંપડી તે દિવસ મારા માટે ધન્ય છે. તે જાણે કે સમ્રાટે આપણને પ્રબોધેલી વાણી છે; તેમાં કંઈ જ નગણ્ય કે અમાન્ય નથી; પરંતુ તેમાં પૂર્વકાળમાં અને વિષમ પરિસ્થિતિમાં પ્રબોધાયેલી અનુભૂતિજન્ય, સર્વગ્રાહી, ગંભીર અને પ્રાસંગિક વાણી છે. તેમાં આપણી સમસ્યાઓનો ઉકેલ છે.
હેન્રી ડેવિડ
સવારમાં હું મારી બુદ્ધિનેે ભગવદ્ ગીતાના અલૌકિક અને વિશ્વજનીન (જળમાં) સ્નાન કરાવું છું, કારણ કે તેની સંરચનાને અનેક દેવ-વર્ષ વીતી ગયાં છે અને તેની તુલનામાં આપણા વર્તમાનયુગનું સાહિત્ય વામણું અને ક્ષુદ્ર જણાય છે. જો આવું ચિંતન પૂર્વે ન પ્રગટ્યું હોત તો આપણી અવધારણાઓ વર્તમાન ઉત્કૃષ્ટતાથી વંચિત રહી હોત, એમાં મને લગારેય શંકા નથી… ગીતાના એક વચન બરાબર ‘સ્ટેટ ઑફ મેસેચ્યૂસેટ્સ’નું કેટલાય ગણું મૂલ્ય.
એન્ની બેસન્ટ
મહાન ભારતીય મહાકાવ્ય મહાભારતમાં ઉપલબ્ધ અમૂલ્ય બોધવચનો પૈકી ગીતા સમાન વિરલ અને મૂલ્યવાન બીજું કંઈ નથી.
વિલ્હેમ વૉન હમ્બોલ્ટ
સંસારમાં જેટલા પણ ગ્રંથો છે તેમાં ક્યાંય શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા સૂક્ષ્મ અને ઉન્નત વિચારો મળતા નથી. જ્યારે હું મારા વતન સિલેસિયામાં હતો ત્યારે મેં સૌ પ્રથમ વખત ગીતાનું વાંચન કર્યું, ત્યારે આવી કૃતિ સાથે સુપરિચિત થવા બદલ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીને હું અભિભૂત થઈ ઊઠ્યો. સંસારભરની આ સર્વોત્તમ મનનીય અને ઉદાત્ત ચીજ છે.
ચાર્લ્સ જ્હોનસ્ટન
ભગવદ્ ગીતા એ ભારતનો ઉદાત્તતમ ગ્રંથ છે, તે જગતનાં ગહનતમ શાસ્ત્રોમાંનો એક છે… અનેક સૂચિતાર્થો, અનેક સત્ય ધરાવતું માર્ગદર્શક શાસ્ત્ર છે… જે પૌરસ્ત્ય જ્ઞાનના જીવંત હૃદયરૂપ છે.
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
ગીતા મહાન મૌલિક કૃતિ છે. તેની અવધારણા, તાર્કિકતા અને યથાર્થતાના વિષયમાંની સર્વોચ્ચતા બાબત અજોડ છે અને તેને માનવજાતના સર્વ ધર્મોમાંનાં શાસ્ત્રો પૈકી અપ્રતિમ જાહેર કરવામાં હું ખચકાટ અનુભવતો નથી.
રોબર્ટ ઓપનહેમર
કોઈ પણ ભાષા માંહેનું (ગીતા) એ પરમોચ્ચ સૌંદર્યમય તાત્ત્વિક ગીત છે.
ડૉ. આનંદ કે. કુમારસ્વામી
પ્રાચીન વેદો, બ્રાહ્મણો અને ઉપનિષદો સહિતના સમગ્ર વૈદિક સાહિત્યમાં (ભગવદ્ ગીતા) જેવો કોઈ સાર ગ્રંથ નથી અને તેથી તે પશ્ચાત્-કાલીન વિકાસનો આધાર છે. તેની સમગ્ર ભારતીય ધર્મના નાભિબિંદુરૂપે ગણના કરી શકાય.
જ્હોન એડિંગ્ટન
ભગવદ્ ગીતા અને ઉપનિષદો ઈશ્વરીયવાણીની જેમ સર્વ બાબતો અંગેના આમૂલ જ્ઞાનથી ભરપૂર છે, તેથી મને લાગે છે કે તેના રચયિતાઓએ અવશ્યપણે ભયંકર યાતનાઓ અને તડકા-છાંયાથી આચ્છાદિત ભાવમય હજારો માનવજન્મ વિતાવ્યા હશે. પરિણામે તેના નિષ્કર્ષરૂપે સર્જિત તેમનાં લખાણો નિશ્ચિતતાપૂર્વક જીવાત્માઓને સંસારનું સારતત્ત્વ સમજવા ઉદ્બુદ્ધ કરે છે.
જેકોબ વિલ્હેમ હાવર
(ગીતા) અમર મહિમા ધરાવતી કૃતિ છે, જે સર્વકાલીન અને સર્વધર્મમય ગહન અંતર્દૃષ્ટિ પ્રદાન કરે છે. માત્ર આટલું જ નહિ, પરંતુ તે ભારત-જર્મન ધર્મ-ઇતિહાસના ઉત્કૃષ્ટ મહત્ત્વપૂર્ણ શાસ્ત્રીય પાસાને પણ પ્રસ્તુત કરે છે… એમાં પરમાત્માના આત્મા સાથેના અનુસંધાનનું ચિંતન છે. આપણને જીવનની સાર્થકતાનું નિરાકરણ કરવાનું કહેવામાં આવ્યું નહીં, પરંતુ કર્તવ્ય પ્રત્યે સભાન બનવાનું, કર્તવ્યનિષ્ઠ બનવાનું અને જીવનના કોયડાને ઉકેલવાનું આહ્વાન અપાયું છે.
આલ્ડસ હક્સ્લે
ગીતા પૂર્વે ક્યારેય ન રચાયેલ શાશ્વત તત્ત્વચિંતનયુક્ત સ્પષ્ટતમ અને સંપૂર્ણતમ કૃતિ છે. તેથી તેની સર્વકાલીન ઉપાદેયતા માત્ર ભારતીયો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર માનવજાતિ માટે છે… ભગવદ્ ગીતા શાશ્વત તત્ત્વચિંતન અંગેની અત્યંત પદ્ધતિસરની આધ્યાત્મિક કૃતિ છે.
ક્રિસ્ટોફર ઈશરવુડ
હું ગીતાને સંસારભરનાં મુખ્ય ધર્મશાસ્ત્રોમાંનું એક માનું છું. જો મને અન્ય બોધવચનો તથા શાસ્ત્રો સાથે ગીતાના ઉપદેશો સુસંગત ન જણાયા હોત તો મારી પોતાની વિચારસરણી અસમંજસમાં મુકાઈ હોત અને હું સંપૂર્ણપણે દ્વિધાગ્રસ્ત બની ગયો હોત. ગીતા માત્ર ઉપદેશ જ નથી, પરંતુ તે તત્ત્વચિંતનાત્મક ભાષ્ય છે.
સર એડ્વિન આર્નોલ્ડ
આ (ગીતા) પ્રસિદ્ધ અને અલૌકિક સંસ્કૃત કાવ્ય (શાસ્ત્ર) મહાન હિંદુ મહાકાવ્ય ‘મહાભારત’ અંતર્ગતના છઠ્ઠા પર્વ એટલે કે ભીષ્મપર્વમાં એક પ્રસંગરૂપે આવેલું છે. તે ભારતમાં પ્રચુર લોકપ્રિયતા અને સ્વીકૃતિ ધરાવે છે. તેને દેવનાગરી ભાષાનાં પંચરત્નાનિ પૈકીના એક રૂપે ગણવામાં આવે છે. સરળ છતાં ઉદાત્ત ભાષામાં તે તત્ત્વચિંતન પીરસે છે. તે પ્રવર્તમાન ‘બ્રહ્મવિદ્યા’નું પ્રબોધન કરે છે, જેમાં કપિલ (સાંખ્ય), પતંજલિ (યોગ) અને વેદમતનું સંયોજન છે.
એલ.એડમ્સ. બેક.
ભગવદ્ ગીતા ‘સ્વર્ગીય ગાન’ અથવા ‘ઈશ્વરનું ગાન’ એ રૂપે જાણીતું શાસ્ત્ર છે અને તે નિત્ય પ્રાપ્ત નિરાકાર સત્તા સહિતનો સાકાર ભાવનાંં ઉચ્ચાતિ ઉચ્ચ તત્ત્વોને પ્રસ્તુત કરે છે.
વિનોબા ભાવે
મારું શરીર માતાના દૂધથી પોષાયું છે, પણ તેથીયે વિશેષ મારું હૃદય અને બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે.
Your Content Goes Here




