‘કેટલી વાર કહેવું ?’
‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે.
મા કે બાપ બાળકને એક વાર કહે છે, બે વાર કહે છે, ત્રણ-ચાર વાર કહે છે, અને જ્યારે બાળક માનતું નથી, ત્યારે માબાપ કહે છેઃ ‘અરે! તને તે મારે કેટલી વાર કહેવું ?’
મા કે બાપના ત્રણ-ચાર ભડાકા ખાલી જ જાય, અને પછી જ્યારે કડકાઈથી અને કંટાળાથી બોલે ત્યારે બાળક ઊભું થાય અને જે કરવાનું હોય તે કરે.
માબાપ કે બાળક બેમાંથી એકેય માટે આ સ્થિતિ સારી નથી. માબાપને ત્રાસ થાય છે અને બાળક વધારે નીંભરું બને છે.
આનો ઉપાય થવો જોઈએ. પ્રથમ તો મા કે બાપે હુકમ આપતી વખતે વિચારવું કે અમુક હુકમ કરવા જેવો છે કે નહિ. જો અશકય હુકમ હોય તો કરવો જ નહિ, અને પળાય તે માટે વારંવાર કહેવું જ નહીં.
અમલ થઈ શકે તેવો હુકમ હોય તો સમય કે સ્થળ જોઈને તે કરવો. બાળક એવા જ કામમાં કે મનની સ્થિતિમાં હોય કે કહેલું નકામું જશે, તો જરા રાહ જોઈને કહેવું. ઘણીવાર બાળકોને આપણે માટે રાહ જોવી પડે છે, ધીરજ કેળવવી પડે છે; એમ જ આપણે પોતે પણ રાહ જોતાં અને ધીરજ કેળવતાં શીખવું જોઈએ.
સામાન્યતઃ આપણે એક જ હુકમે પતાવવું જોઈએ. બે વાર હુકમ કરવો જ નહિ. એક વારે ન પતે તો વિચારવા બેસવું કે શા માટે એમ બન્યું?
બાળકોનું તો એવું છે કે જેવું આપણે ચલવીએ તેવું તેઓ પણ ચલાવે. જો બે-ચાર હુકમ પછી જ્યારે આપણે તાડૂકીને બોલીએ ત્યારે જ કામ કરવું એવી ટેવ બાળકોમાં આવી, તો પછી નિરાંતે બાળકો તેટલું તો ચલાવી લે.
આકળા થઈને અને અકળાઈને હુકમ કાઢવા જ નહિ. જે કામ માટે કહેવું હોય તે કામ વિવેકથી કરાવવું, અને બીજા મોટી ઉંમરના માણસો પાસેથી જેમ આપણે સરળતાથી કામ લઈએ-દઈએ છીએ તેમ જ નાનાં-બાળકો સાથે વર્તવું.
આપણી પોણી ભૂલ, બાળકો નાનાં છે એટલે માનને પાત્ર નથી એમ માનવામાં રહેલી છે. બાળક વિશેનો ખ્યાલ આપણે કાઢી નાખવો જોઈએ.
વળી જ્યારે બાળકો બે–ચાર હુકમ ન માને તેવી સ્થિતિ આવી લાગે, ત્યારે આપણે તે બાબતની વાત બાળકો સમક્ષ ન કરવી; તેથી તો તેઓ વધારે નઠોર અને રીઢાં થાય છે.
ઘરમાં બે-ચાર જણાં હોય અને એકબીજાંના મતો એકબીજાંથી જુદા હોય ત્યાં બાળકો બહુ ફાવી જાય છે. જે મત જે વખતે બાળકને ગમે તે વખતે તે તેના પક્ષમાં જાય છે. આથી બાળક એક વાર એકમાં તો બીજી વાર બીજામાં ભળીને સૌને બેવફા બને છે, અને બધાંને કેમ ઠગવાં તે શીખે છે.
અમુક બાબતો પર ઘરનાં માણસોમાં કદાચ મતભેદ હોય તોપણ બાળકો સામે એ મતભેદ જાહેર કરી બાળકોને ગોટાળામાં નાખવા નહિ, પણ જે સર્વમાન્ય મત હોય તેની ભૂમિકા ઉપર બાળકોને રહેવા દેવાં એ સારું છે.
બે, ચાર, પાંચ વાર કહ્યા છતાં બાળકો સાંભળતાં કે માનતાં નથી, તેનો અર્થ એ છે કે બાળકોને માબાપ પ્રત્યે ભાવના નથી, તેમ જ માબાપનો તેમના પર બોજ પડતો નથી.
– ગીજુભાઈ બધેકા
‘પાઠ પાકો નથી થયો’
શાળાનો પહેલો દિવસ હતો. આચાર્ય નવા હતા, વિદ્યાર્થીઓ પણ નવા હતા.
આચાર્યે લખાવ્યું: ‘સત્યં વદામિ’ અને કહ્યું, ‘બોલોઃ હું સત્ય બોલું છું.’ બધા વાંચવા માંડ્યા : ‘હું સત્ય બોલું છુંઃ સત્યં વદામિ.’
આચાર્યે કહ્યું, ‘કાલે પાઠ પાકો કરી લાવજો.’ આચાર્ય હતા દ્રોણઃ વિદ્યાર્થીઓ હતા કૌરવ-પાંડવો.
બીજા દિવસે દ્રોણાચાર્યે પૂછ્યું, ‘પાઠ કરી લાવ્યા છો?’
બધા કહે, ‘હા.’
આચાર્યે લખ્યું: ‘સત્યં વદામિ’ અને કહ્યું, ‘વાંચો જોઈએ.’ બધા એક પછી એક વાંચવા લાગ્યાઃ ‘સત્ય વદામિ… હું સત્ય બોલું છું.’ અર્જુને વાંચ્યું, દુઃશાસને વાંચ્યું, વર્ગમાં ધ્યાન ન આપનાર ભીમ પણ કડકડાટ વાંચી ગયો! યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિરે હાથ જોડીને ગુરુને પ્રણામ કરીને કહ્યુંઃ
‘ગુરુજી, મને પાઠ નથી આવડ્યો.’
દ્રોણાચાર્યે કહ્યું, ‘ભલે, કાલે પાકો કરી લાવજો.’ બીજા દિવસે પૂછ્યું, ‘કેમ, પાઠ પાકો કર્યો છે ને?’ વળી યુધિષ્ઠિરે કહ્યું, ‘હજુ પાકો થયો નથી.’
આચાર્યે વળી એક દિવસ વધારે આપ્યો. પણ યુધિષ્ઠિર તે દિવસે પણ પાકો ન કરી શકયા. ચાર-પાંચ દિવસ ગયા, એટલે દ્રોણાચાર્યે એક દિવસ કહ્યું, ‘આમાં તે શું પાકું કરવાનું હતું કે હજુ પાઠ નથી આવડ્યો?’ આ જડબુદ્ધિ દુઃશાસન પણ હમણાં જ વાંચી ગયો કે ‘સત્યં વદામિ’ ને તને હજુ ન આવડ્યું? કાલે પાકો કરી જ લાવજે!
વર્ગમાં બધાને થયું કે યુધિષ્ઠિરને આટલુંય ન આવડે તો તે ઠપકાને લાયક જ હતા.
બીજે દિવસે દ્રોણાચાર્યે ફરી પૂછ્યું ત્યારે પણ યુધિષ્ઠિરનો જવાબ તો એ જ હતોઃ ‘હજુ પાઠ પાકો નથી થયો.’
‘સાવ પોઠિયા જેવો લાગે છે! આમાં તે શું આવડવાનું હતું!’ દ્રોણાચાર્યે સહેજ ખિજાઈને કહ્યું; વર્ગ હસી પડ્યો. યુધિષ્ઠિર અચકાતાં અચકાતાં બોલ્યાઃ
‘ગુરુજી, આપ પાઠ પાકો કરી લાવવાનું કહો છો, ને હુંય ઘણી કોશિશ કરું છું. પણ હજુયે મારાથી કોઈ વાર ખોટું બોલાઈ જાય છે, ત્યાં સુધી કેમ કરીને કહું કે- હું સત્ય બોલું છું, એ પાઠ પાકો થઈ ગયો છે ?’
– મનુભાઈ પંચોળી
(અરધી સદીની વાચનયાત્રા ભાગ ૧માંથી)
Your Content Goes Here




