૨૨. વિવેકાનંદને આશીર્વાદ
શ્રીરામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્ય નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ થયા. ઠાકુરની મહાસમાધિ પછી, વિવેકાનંદે મોટા ભાગે પગપાળા, સમગ્ર ભારતવર્ષની યાત્રા કરી. દેશના ગરીબો અને શ્રીમંતોને મળ્યા. ભમતાં ભમતાં ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારી પહોંચ્યા. અહીં બેસીને પરિભ્રમણ દરમિયાન જે અનુભવો થયા હતા તે વિષે ખૂબ ચિંતન કર્યું. ચિંતનને અંતે નિર્ણય લીધો કે પશ્ચિમનાં દેશોમાં જવું. ભારતવર્ષને જાગ્રત કરવો. જો પશ્ચિમનાં દેશો ભારતીય દર્શનની મહત્તા સ્વીકારશે તો જ આ જાગૃતિ શક્ય બનશે.
૧૮૯૩ની શરૂઆતમાં તો અમેરિકા જવાનું નક્કી જ કરી નાખ્યું. પણ મનમાં એક પ્રશ્ન ઘોળતો હતો. “હું અમેરિકા તો જાઉં પણ ઈશ્વરની શી ઇચ્છા છે?” એકવાર શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન થયાં. એમને લાગ્યું : “શ્રીરામકૃષ્ણદેવ તો સંમત હોય એવું લાગે છે. પણ એ વાતની ખાતરી શી? હા, માતાજી કલકત્તામાં જ છે. એમને જ લખીને પુછાવી જોઉં.” વિવેકાનંદે માતાજીને પત્ર લખીને આશીર્વાદ માગ્યા.
શારદાદેવી તો અમેરિકા વિશે કશુંય જાણતાં ન હતાં. વિવેકાનંદ આ વખતે ત્રીસ વર્ષના યુવા સાધુ, ને પાસે ફૂટી કોડીય ન મળે. પણ માતાજીને લાગ્યું કે વિવેકાનંદ અમેરિકા જાય એ નિર્વિવાદપણે કોઈ દૈવી સંકેત છે. વિવેકાનંદ સફળ થશે જ એવી માતાજીને સંપૂર્ણ શ્રદ્ધા હતી.
સ્વામીજીના બધા સંશયો હવે દૂર થઈ ગયા. કહે: “હવે વિચારવાનું કેવું? મારે નીકળવું જ જોઈએ.” અને ૧૮૯૩ના સપ્ટેમ્બર મહિનામાં શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લઈ સ્વામીજીએ સમગ્ર જગતને આશ્ચાર્યમાં ગરકાવ કરી દીધું.
બેલુરમઠમાં માતાજી
સ્વામી વિવેકાનંદે પશ્ચિમનાં દેશોમાં હિન્દુધર્મની વિજય પતાકા ફરકાવીને ૧૮૯૭માં ભારત પાછા ફર્યા. હવે રામકૃષ્ણ સંઘનો એક મઠ સ્થાપવા તરફ એમણે બધું લક્ષ્ય કેન્દ્રિત કર્યું. કલકત્તાની સુપ્રસિદ્ધ બેલુરમઠનો સમર્પણવિધિ સ્વામીજીએ કર્યો.
ભગિની નિવેદિતા અને સ્વામીજીના કેટલાક વિદેશી શિષ્યો સાથે ૧૮૯૯માં માતાજી બેલુરમઠમાં આવ્યા. માતાજીએ મઠની ભૂમિ ઉપર પગ મૂક્યો એટલે સ્વામીજીએ ભક્તિભાવપૂર્વક એમનો સત્કાર કર્યો. માતાજીએ જાતે જ થોડી જગ્યા સાફ કરીને ત્યાં બેસી શ્રીરામકૃષ્ણદેવની પૂજા કરી. માતાજીના જીવનનો આ પરમ આનંદનો અવસર હતો. સ્વામીજીએ કહ્યું: “મા, આ હવે આપનું જ ઘર છે. આપ અહીં જ રહો અને નિરાંતે હરોફરો.”
મઠ જે સ્થળે સ્થાપવામાં આવ્યો છે એ સ્થળ વિશે માતાજી કહેતાં: “આ જમીન ખરીદી એ પહેલાથી જ મને લાગતું હતું કે શ્રીરામકૃષ્ણદેવ આ સ્થળે જ વસે છે.” પછી ખૂબ આનંદપૂર્વક કહે: “હવે મારા બાળકો માટે માથું મૂકવાની જગ્યા થઈ. આખરે ઠાકુરની કૃપા એમના ઉપર ઊતરી ખરી.”
Your Content Goes Here




