(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે – ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી આ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)
વાયબ્રેટર એલાર્મ
ટાગોર વિદ્યામંદિર, હોશંગાબાદ મધ્યપ્રદેશમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા આદિત્ય પરાશરની વાહનને ઓળંગતી વખતે વાયબ્રેટર એલાર્મનીશોધ.
આ નાની ઉંમરના બાળકે આપણી વાહન વ્યવહારની અને એમાંય વાહન ઓળંગતી (ઓવરટેક) વખતે થતા ભયંકર અકસ્માતોને નિવારવા ઉપર્યુક્ત શોધ કરીને વાહન વ્યવહારના જગતમાં મોટું સહાય કાર્ય કર્યું છે.
આમાં કોઈ પણ વાહન કોઈ બીજા વાહન પાછળ જતું હોય તેમની બાજુના દૃશ્યને નિહાળવાના અરીસામાં એક માઈક્રોફોન લગાડવામાં આવે છે.
જેથી પાછળ આવતા વાહનના હોર્ન-અવાજના તરંગોને માપી શકાય છે. ક્યારેક કાચની બારી-દરવાજા બંધ હોય અને અંદર સંગીતના સૂર વહેતા હોય ત્યારે પાછળથી આવતા વાહનનું હોર્ન સાંભળવું મુશ્કેલ બને છે.
આવી પરિસ્થિતિમાં પેલું લગાડેલું માઈક્રોફોન કાર્યરત બને છે અને સ્ટીયરિંગમાં કંપન આપતા પેડ પર એમના સંકેતો મોકલવા માંડે છે. આને લીધે મોટર ચાલક પાછળ આવતા વાહનથી સાવધાન બની જાય છે.
આ વિદ્યાર્થી પાસે ટીવીના પ્રકાશમાંથી રીમોટ જેવા સાધનથી ઊર્જા મેળવવાનું તેમજ ટીવી ઉપરાંત કૃત્રિમ કે અકૃત્રિમ સ્રોતમાંથી ઊર્જા મેળવવાનો વિચાર એની પાસે પણ છે. લગેજ કેરિયર પર સરળતાથી લગેજ-સામાન મૂકી શકાય તેવું પ્રસાધન વિકસિત કરવાનો ખ્યાલ પણ આ વિદ્યાર્થી ધરાવે છે.
એક અજબની કાંખઘોડી
અર્ચના કોનવાર બૂટાકોર હાઈસ્કૂલ, ધેમાજી, આસામમાં ધો. ૮માં અભ્યાસ કરે છે.
આ નાની બાલિકાએ કાંખઘોડીનો હાલતાં હાલતાં આંચકો ન લાગે, ઘંટડી વાગે અને પ્રકાશ પણ થાય એવી નવી કાંખઘોડીની શોધ કરી છે. કાંખઘોડીનો ઉપયોગ કરનારને આ ઘણી ઉપયોગી નીવડે તેવી શોધ છે. રાત્રી દરમિયાન ચેતવણી આપતી ઘંટડી અને પ્રકાશની સુવિધા પણ એમાં છે.
નાના વેક્યુમ ક્લિનર
ટી ક્રિસ અનંત બેલ મેટ્રિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં તામિલનાડુના તિરુનેલવેલીમાં ધો. ૧માં અભ્યાસ કરતા આ નાના બાળકે જોડામાં નાના વેક્યુમ ક્લિનરની શોધ કરી છે.
જ્યારે માણસ ચાલતો હોય ત્યારે એના નાના જોડામાં એક એવું નાનું યંત્ર ગોઠવ્યું છે કે જે રસ્તામાં આવતી ધૂળને શોષી લે છે. આ જોડાની અંદર એક નાનકડી કચરા થેલી પણ હોય છે અને એ કચરા થેલીમાં કચરો એકઠો થતો રહે છે.
***
છે ને! આ નાના બાળકની અદ્ભુત શોધ! તમેય આવું કરી શકો છો. તમનેય ભગવાને પ્રતિભા આપી છે. તમારી પ્રતિભાને ઢંઢોળો અને તમે કંઈક આવું નવું નવું શોધીને સર્જનાત્મક બાળકોની સૃષ્ટિનું એક અંગ બનો તેમ અમે ઇચ્છીએ છીએ.
Your Content Goes Here




