એક રાજા પોતાના દરબારમાં આવતા દરેક સાધુને પૂછતો : ‘મહારાજ, ઘરબાર છોડી જનાર સંન્યાસી શ્રેષ્ઠ કે સંસારમાં રહીને પોતાનો ધર્મ બજાવનાર ગૃહસ્થ?’
ઘણા સંન્યાસીઓ જવાબ આપવાનો પ્રયત્ન કરતા પણ કોઇ સંતોષજનક ઉત્તર આપી શકતા નહિ. કોઇ કહેતા કે સંન્યાસી મહાન, વળી બીજા કહેતા કે સંસારમાં રહીને જે પોતાનું કર્તવ્ય બજાવે છે તે ગૃહસ્થ મહાન. પણ કોઇ જીવંત દૃષ્ટાંતથી ગળે ઉતારી ન શકતા અને રાજા તેમને સજા ફટકારતો.
એક વખત ધી૨-શાંત – નીડર – સંન્યાસી રાજાના દરબારમાં આવી ચડ્યો. તેણે દૃઢતાથી કહ્યું : ‘હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ.’ આખા દરબારમાં તરત જ શાંતિ પથરાઇ ગઇ. બધાએ જવાબ સાંભળવા કાન માંડ્યા. થોડી વાર શાંત રહીને રાજાએ ધીમા અને સ્પષ્ટ અવાજે કહ્યું : ‘આપ સાબિત નહીં કરો તો સજા ભોગવવી પડશે. આપને આ શરતનો ખ્યાલ છે ને?’
સાધુએ મક્કમતાથી કહ્યું : ‘હા, મહારાજ, મને બધી ખબર છે.’ રાજાએ કહ્યું : ‘તો પછી કહો કે સંન્યાસી મહાન કે ગૃહસ્થ મહાન?’ સંન્યાસી શાંતિથી બોલ્યા : ‘હે રાજા દરેક પોતપોતાની રીતે મહાન છે.’ રાજા તરત જ બોલી ઊઠ્યા : ‘મને જીવતું જાગતું ઉદાહરણ આપો.’ સંન્યાસીએ કહ્યું, ‘ભાઇ, એ બધું થઇ રહેશે, પણ થોડા દિવસ તમારે મારી સાથે આવવું પડશે અને હું રહું તેમ રહેવું પડશે.’
રાજા તો થયા સમ્મત, અને પોતાના રાજ્યની બહાર સંન્યાસી સાથે ઉપડ્યા બીજા દેશમાં. ફરતાં ફરતાં એક વિશાળ નગરીમાં આવ્યા. ઢોલ-ત્રાંસાના અવાજ સાથે ઢંઢેરો પીટનારાનો અવાજે ય સાંભળ્યો. બંને તો ઉપડ્યા આ તમાશો જોવા. લોકો સુંદર વસ્ત્રો પહેરી શેરીઓમાં ભેગાં થયાં હતાં. ઢંઢેરો પીટનાર મોટા અવાજે કહી રહ્યો હતો : ‘રાજાની કુંવરી માટે સ્વયંવર યોજાયો છે.’ સ્વયંવર રચવો એ તો રાજરજવાડાંનો જૂનો પુરાણો રિવાજ.
સ્વયંવરમાં આવેલા રાજકુમારો સમક્ષ વારાફરતી સિંહાસનવાળી પાલખીમાં કુંવરીને લઇ જવાતી અને એમાંથી પોતાના મનપસંદ રાજકુંવરના ગળામાં હાર પહેરાવીને તેને પોતાના પતિ તરીકે પસંદ કરતી.
આમ સ્વયંવર રચાયો હતો. સિંહાસન વાળી પાલખીમાં બેસાડીને રાજકુંવરીને દરેક રાજવી સમક્ષ લાવવામાં આવી. પણ કુંવરીનું મન ક્યાંય ન પીગળ્યું. એવું લાગતું હતું કે સ્વયંવર નકામો જશે; પણ ત્યાં જ એક યુવાન સંન્યાસી દરબારમાં આવી ચડ્યો.
સુંદર સૂર્ય સમો તેજસ્વી. જાણે પૃથ્વી પર ઊતરી આવેલ તેજતારલો હોય એવો યુવાન સ્વયંવર નિહાળતો એક ખૂણામાં ઊભો હતો. કુંવરીની પાલખી આ યુવાન પાસે આવી. કુંવરીની નજર પડી કે તરત જ તેણે સંન્યાસીના ગળામાં વરમાળા આરોપી દીધી.
પળ વાર સુધી તો સંન્યાસીને કાંઇ સમજાયું નહિ. પણ પછી તરત જ તેણે વરમાળા ખેંચી અને તોડી, ફોડીને ફેંકી દીધી અને બોલી ઊઠ્યો : ‘આ તે કેવી મૂર્ખામી! હું તો સંન્યાસી. મારે ને લગ્નને વળી શું લેવા દેવા!’
રાજાને લાગ્યું કે, કદાચ સંન્યાસી ગરીબ છે એટલે રાજકુંવરીને પરણવાની હિમ્મત નહીં કરી શકતો હોય. તેથી રાજાએ કહ્યું : ‘ભાઇ, મારી પુત્રી સાથે અડધું રાજ પણ આપીશ, અને મારા મૃત્યુ પછી આખું રાજ તમારું જ!’ – આમ કહીને ફરીથી માળા પહેરાવી.
સંન્યાસીએ ફરીથી માળા તોડી, ફોડીને ફેંકી દીધી અને બોલ્યા : ‘કેવી મૂર્ખાઇ ભરેલી વાત! હું પરણવાનો નથી.’ આમ કહીને તે તો ઉતાવળા પગલે સડસડાટ સ્વયંવર સભા મંડપમાંથી ચાલી નીકળ્યો.
હવે રાજકુમારી તો એ સંન્યાસીને મનથી વરી ચૂકી હતી. તેણે કહ્યું : ‘પરણું તો એને જ પરણું, નહીં તો પ્રાણ ત્યજું.’ આમ કહીને તે સંન્યાસીને મનાવી પાછો લાવવા તેની પાછળ પાછળ ગઇ.
બીજો એક સંન્યાસી જે પોતાના રાજા સાથે આ બધું જોતો હતો તેણે કહ્યું : ‘આપણે ય આ યુગલની પાછળ પાછળ જઇએ.’ અને એ બે’ય ઉપડ્યા યુગલની પાછળ. પણ તેમનાથી થોડા દૂર જ રહેતા. પરણવાનો ઇન્કાર કરનાર સંન્યાસી શહેરથી ઘણા માઇલ દૂર નીકળી ગયો. અંતે તે એક ગાઢ જંગલમાં પ્રવેશ્યો. રાજકુમારી પણ પાછળ પાછળ જતી હતી. એમાં ગાઢ જંગલમાં તે ભૂલી પડી અને રડવા લાગી. આ યુગલની પાછળ પાછળ જતા સંન્યાસી અને રાજા રાજકુંવરી પાસે આવ્યા ને કહ્યું : ‘બહેન! તું ડરતી નહિ. અમે તને જંગલમાંથી બહાર જવાનો રસ્તો બતાવીશું. પણ અત્યારે ઘનઘોર અંધારું છે. એટલે આ મોટા વૃક્ષની નીચે આપણે આરામ કરીએ અને વહેલી સવારે આપણે નીકળીશું અને તને રસ્તો બતાવીશું.’
એ વૃક્ષ પર એક પક્ષી અને તેની પત્ની પોતાનાં ત્રણ બચ્ચાં સાથે રહેતાં હતાં. નરપક્ષીએ નીચે જોયું અને ત્રણ માણસોને જોઇને પોતાની પત્નીને કહ્યું : ‘અરે, સાંભળ્યું? આ ત્રણ આપણે આશરે છે; ને વળી આ શિયાળાની કડકડતી ટાઢ છે. અને અગ્નિય નથી.’ આમ કહીને ઊડીને સળગતું કરાંઠિયું ચાંચમાં ઉપાડી લાવ્યો. તે મહેમાન પાસે મૂક્યાં એટલે પેલા ત્રણેયે સળગાવીને કર્યું તાપણું. પણ અહીં આ પક્ષીને સખ નહોતું થતું. પત્નીને કહ્યું : ‘આ ત્રણેય ભૂખ્યાં છે ને આપણી પાસે આજે ખાવાનુંયે કંઇ નથી. આપણે ગૃહસ્થ, આંગણે આવેલા અતિથિને જમાડવાનો આપણો ધર્મ છે. એમ કર હું અગ્નિમાં પડી એમનું ભોજન બનું.’ મહેમાનોએ પક્ષીને પડતાં જોયું, પણ એટલી ઝડપથી આ બન્યું કે તેઓ તેને બચાવી ન શક્યાં.
પતિનું આચરણ જોઇને પત્નીએ વિચાર્યું : ‘આ તો ત્રણ છે, અને મારા પતિનું માંસ કેટલું? – એ પૂરતું નથી. મારા પતિનો પ્રયાસ એળે ન જાય એટલે મારે ય મારો પત્નીધર્મ બજાવવો રહ્યો. ભલે મારુંય માંસ મહેમાનોને ખાવા મળે.’ એમ કહીને એ ય ખાબકી અગ્નિમાં ને આપ્યું બલિદાન.
હવે પેલાં ત્રણ બચ્ચાંય આ બધું જોતાં હતાં. એમણે જોયું કે માતા-પિતાના બલિદાનથી ય મહેમાનોને પેટભર ખાવાનું નહીં મળે. એટલે એમણે વિચાર્યું : ‘આપણા મા-બાપે તો બલિદાન આપ્યું પણ એ હજુ પૂરતું નથી. આપણાં મા-બાપની અધૂરી ફરજ આપણે બજાવીએ. આપણે ય દેહત્યાગ કરવો પડે તો ભલે; પણ આપણો ધર્મ બજાવીએ.’ – આમ બોલતાં બહાદુર બચ્ચાંઓએ આગમાં ઝંપલાવ્યું.
આવાં બલિદાન જોઇને આશ્ચર્યચકિત થયેલા ત્રણેયને ગળે કોળિયો ય ઊતર્યો નહીં. ખાધાપીધા વિના ત્રણે યે રાત ગાળી અને સવારમાં કુંવરીને રસ્તો બતાવ્યો; કુંવરી તો પહોંચી ગઇ પોતાના પિતા પાસે.
પછી સંન્યાસીએ રાજાને કહ્યું : ‘હે રાજા, મેં તમને કહ્યું હતું કે સંન્યાસી કે સંસારી, પોતપોતાના સ્થાને મહાન છે. એનો જવાબ હવે તમને મળી ગયો ને? તમે ગૃહસ્થ બનો તો પેલાં નિર્દોષ – નિઃસ્વાર્થ પક્ષીની જેમ ત્યાગ – બલિદાનની ભાવનાથી જીવો. બીજાના કલ્યાણમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દો. ત્યાગી – વૈરાગી બનો તો પેલા યુવાન સંન્યાસી જેવું જીવન જીવો. એમણે કામિની –કાંચન કે રાજવૈભવની કંઇ પરવા ન કરી; અને બધાંને ઠોકરે માર્યાં.’
બોધ : આદર્શ ગૃહસ્થ અને આદર્શ સંન્યાસી બન્ને સમાનરૂપે મહાન છે. દરેક પોતપોતાને સ્થાને મહાન છે; પણ એકની ફરજ બીજા જેવી કદાપિ ન હોઇ શકે.
(‘વિવેકાનંદની સચિત્ર બોધકથાઓ’માંથી)
સંકલક : શ્રી મનસુખલાલ મહેતા
Your Content Goes Here




