તરતાં આવડતું ન હતું તેવો પંડિત
એક વાર કેટલાક માણસો નાવમાં બેસી ગંગા પાર કરતા હતા. તેમાં એક પંડિત હતો ને પોતાના જ્ઞાનનું મોટું પ્રદર્શન કરી રહ્યો હતો. ‘મેં વેદો, વેદાન્ત, છ દર્શન, બધું વાંચ્યું છે.’ એક સહયાત્રીને એણે પૂછ્યું, ‘તમે વેદાન્ત જાણો છો?’ ‘ના જી.’ ‘સાંખ્ય અને પાતંજલ વાંચેલ છે? ‘ના, મહારાજ.’ ‘તમે કોઈ દર્શનશાસ્ત્ર વાંચ્યું જ નથી?’ ના, મહારાજ.’ ‘પંડિત આમ ગર્વભરી ભાષામાં વાત કરી રહ્યો હતો અને પેલો મુસાફર મૂંગો બેઠો હતો. અચાનક મોટું તોફાન ફાટી નીકળ્યું અને હોડી ડૂબવા લાગી. પેલા મુસાફરે પંડિતને પૂછ્યું, ‘આપને તરતાં આવડે છે?’ ‘ના’, પંડિતે જવાબ આપ્યો. મુસાફરે કહ્યું, ‘હું સાંખ્ય કે પાતંજલ નથી જાણતો પણ તરવાનું જાણું છું.’
અનેક શાસ્ત્રો જાણીને માણસને શો ફાયદો મળે? આ સંસાર સરિતા કેમ પાર કરવી તે જ જાણવું જરૂરી છે. ઈશ્વર જ સત્ય છે. બીજું બધું મિથ્યા છે.
આ જ તો સંસાર છે !
હૃદયે૧ એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં૨ એ દોરડાથી બાંધ્યો હતો જેથી એ ત્યાં ચરી શકે. મેં એને પૂછ્યું, ‘હૃદય, આ વાછડાને તું રોજ અહીં શા માટે બાંધી રાખે છે ?’ એણે કહ્યું, ‘હું એને આપણે ગામ મોકલવા માગું છું. એ મોટો અને ધીંગો થશે ત્યારે, હું એને હળે જોતરવા માગું છું.’ આ શબ્દો મેં સાંભળ્યા તેવો જ મને આઘાત લાગ્યો : ‘આ માયાનો ખેલ કેવો તો અગમ્ય છે.’ કામારપુકુર૩ અને શિહોર૪ કલકત્તાથી ક્યાંય આઘાં છે ! આ રાંક વાછડાએ ત્યાં જવું પડશે મોટા થઈને એ હળે જોતરાશે. આ જ તો સંસાર ! આ જ માયા ! હું બેહોશ થઈ ગયો. લાંબા કાળ પછી જ હું ભાનમાં આવ્યો.
૧. શ્રીરામકૃષ્ણનો ભાણેજ, લાંબા સમય માટે એણે ઠાકુરનું ધ્યાન રાખ્યું હતું.
૨. શ્રીરામકૃષ્ણ નિવસતા હતા તે દક્ષિણેશ્વરના કાલીમંદિરની વાડી.
૩. શ્રીરામકૃષ્ણ જન્મ્યા હતા તે બંગાળનું ગામ.
૪. હૃદયનું જન્મનું ગામ.
Your Content Goes Here




