યુધિષ્ઠિર મહાન રાજા હતા. તેઓ દયાળુ અને ધર્મપ્રેમી પણ હતા. તેઓ લોકોને ય ચાહતા અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા. બધાં પર તેઓ પ્રેમ વરસાવતા. તેમના માર્ગદર્શક, ગુરુસમા શ્રીકૃષ્ણના અવસાનના સમાચાર સાંભળી યુધિષ્ઠિર ખૂબ દુ:ખી થયા. ‘કૃષ્ણ તો મારા પરમ મિત્ર. તેમણે મને હંમેશાં મદદ કરી હતી અને મને શાણપણભરી સલાહ આપતા. કૃષ્ણ ન હોય તો હું જીવી ન શકું.’ શોકમગ્ન બનીને અને પછી ઉમેર્યું, ‘જો કૃષ્ણ સ્વર્ગમાં હોય તો હુંય ત્યાં જઈશ.’

આમ, યુધિષ્ઠિર વગેરે પાંડવો એક સાથે સ્વર્ગના લાંબા અને કઠિન રસ્તે ઊપડ્યા. યુધિષ્ઠિર સાથે એમનો પોતાનો કૂતરો પણ પાછળ પાછળ સ્વર્ગ તરફ ચાલ્યો.

પાંડવો થોડું ચાલ્યા પછી યુધિષ્ઠિરે કૂતરાને કહ્યું, ‘અમારે તો હજી લાંબો પંથ કાપવાનો છે. રસ્તોય કઠિન છે. તું થાકી જઈશ. માટે ઘેર પાછો જા.’ કૂતરો તો સ્થિર ઊભો રહીને યુધિષ્ઠિર તરફ તાકી રહ્યો. પણ પાછો ન વળ્યો.

યુધિષ્ઠિર તો ચાલવા લાગ્યા અને પેલો કૂતરોય તેમની પાછળ ગયો. રસ્તો હતો દુર્ગમ, વાંકોચૂંકો અને પહાડી અને ઠંડી કહે મારું કામ. ચારે બાજુ બધું બરફથી ઢંકાયેલ ધોળુંધોળું લાગે. હવાય જાણે કે થીજી જતી હતી. ચાલતા ચાલતા યુધિષ્ઠિરના ભાઈઓ અને દ્રૌપદી એક પછી એક ગબડતાં ગયાં અને મૃત્યુ પામ્યાં. યુધિષ્ઠિર તો ક્યાંય રોકાયા વિના ચાલતા જ રહ્યા અને એમનો કૂતરોય એમની પાછળ પાછળ.

ડુંગરા, ટેકરા ચડતા અને ખીણો ખૂંદતાં પહાડોની વચ્ચે હિમમાંથી રસ્તો કાઢતા તેઓ ઊંચે ને ઊંચે ચડતા ગયા. અંતે તેઓ મેરુ પર્વતની તળેટીમાં પહોંચ્યા. મેરુ પર્વતની ટોચે બ્રહ્માનું નગર આવેલું છે. આ શહેરની ચારે બાજુએ ગંગા વર્તુળાકારે વહે છે. યુધિષ્ઠિર અને કૂતરાએ આ પાવન નગરીના ઘંટના રણકાર સાંભળ્યા. આ સાંભળતાંની સાથે તેમના પર સ્વર્ગીય ફૂલોનો વરસાદ થયો. એકાએક વીજળીના ચમકારાની જેવા દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગના રાજા ઈન્દ્ર પોતાના રથમાં ઊભા રહી એમનું સ્વાગત કરવા આવ્યા. ઈન્દ્રે કહ્યું, ‘યુધિષ્ઠિર, મારા રથમાં બેસો! હું તમને સ્વર્ગમાં સદેહે લઈ જવા આવ્યો છું. તમારા સિવાય બીજું કોઈ સદેહે સ્વર્ગમાં પ્રવેશ્યું નથી.’

યુધિષ્ઠિરે પૂછ્યું, “મારા ભાઈઓ અને દ્રૌપદી ક્યાં છે? તેઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યાં અને હું બધાંને પાછળ મૂકીને આવ્યો છું તેઓ ક્યાં છે? હું એમના સિવાય સ્વર્ગમાં આવી ન શકું.”

ઈન્દ્રે જવાબ આપ્યો, ‘એમની ચિંતા ન કરો. તેઓ બધાં સ્વર્ગમાં છે. તમારી રાહ જુએ છે.’ યુધિષ્ઠિરે આતુરતાથી પૂછ્યું,

‘અને શ્રીકૃષ્ણ ક્યાં છે? તેઓય સ્વર્ગમાં હશે ખરુંને?’ ઈન્દ્રે હસતાં હસતાં કહ્યું, ‘તેઓ પણ ત્યાં છે. તમને ચાહનારાં બધાં તમારી રાહ જુએ છે.’

યુધિષ્ઠિરે આનંદ સાથે કહ્યું, “તો તો હું તમારી સાથે સ્વર્ગમાં આવું છું.” પછી યુધિષ્ઠિરે પોતાના કૂતરા સામે જોયું અને કહ્યું, “હે વત્સ, તુંયે રથમાં ચડી જા.”

“શું કહ્યું?” ઈન્દ્ર બોલી ઊઠ્યા, “શું કૂતરોય મારા રથમાં બેસી સ્વર્ગમાં આવશે? ના ભાઈ ના. એ તો નહીં બને. સ્વર્ગમાં કૂતરા જ નથી. માટે તમે રથમાં બેસો અને કૂતરાને અહીં છોડી દો!”

યુધિષ્ઠિરે કહ્યું, “એ ન બને. જ્યારે મારા ભાઈઓ અને પત્ની મને છોડી ગયાં ત્યારે આ દુર્ગમ માર્ગે અને હિમવર્ષામાં ય આ કૂતરો મારો વફાદાર સાથી-મિત્ર રહ્યો છે. તેણે મારો ત્યાગ કર્યો નથી. તે બોલતો નથી પણ તેની આંખોમાં તેનો મારા પ્રત્યેનો પ્રેમ હું જોઈ શકું છું. હું તેને હવે કેમ તજી શકું?”

ઈન્દ્રે કહ્યું, “યુધિષ્ઠિર, આ તમારું ગાંડપણ છે. તમે મહાન અને સાધુ ચરિત છો. એટલે તમે સદેહે સ્વર્ગમાં આવી શકો છો. પણ કૂતરાને સાથે રાખનાર માનવીને સ્વર્ગમાં સ્થાન જ નથી. આ કૂતરાને અહીં છોડી દો!”

યુધિષ્ઠિરે વળતો જવાબ આપ્યો, “કૂતરા વિના હું સ્વર્ગમાં નહીં આવું. હું એનો આશરો છું અને મારા જીવતાં હું એને છોડીશ નહીં. ધર્મનું જ પાલન કરીશ અને તેને અત્યારે તજી દેવો એ ધર્મ નથી. એટલે હે ઈન્દ્ર સ્વર્ગના સુખની ખાતર પણ હું ધર્મના માર્ગને નહીં છોડું.”

ઈન્દ્રે કહ્યું, “ભાઈ! જરા વિચાર તો કરો. આવો કૂતરો તો બીજાં પ્રાણીને મારી નાખે, શિકાર પણ કરે. શું આ પાપ અધર્મ નથી? આ કૂતરો અધર્મી છે. તે નરકને પાત્ર છે. હા, તમે સ્વર્ગના અધિકારી છો. પણ આ કૂતરો નથી.”

યુધિષ્ઠિરે કહ્યું, “કૂતરા વિના હું સ્વર્ગમાં નહીં આવું.” ઈન્દ્રે વિચારીને જવાબ આપ્યો, ભલે, એક શરતે તમે તેને સ્વર્ગમાં લઈ જઈ શકો. તમે એની સાથે મળનારા સ્વર્ગની અદલાબદલી કરી શકો. એટલે કે તમે તેના બદલે નરકમાં જાઓ અને તે તમારે બદલે સ્વર્ગમાં જાય.”

તરત જ યુધિષ્ઠિરે કહ્યું, “ભલે, કૂતરાને સ્વર્ગમાં જવા દો, હું નરકમાં જઈશ.” આ વચનો સાંભળતાં જ કૂતરાએ પોતાનું ધર્મરાજનું સાચું સ્વરૂપ ધારણ કર્યું. મૃત્યુ અને ધર્મના દેવ યમરાજ પોતે જ કૂતરાના સ્વરૂપમાં હતા. યમરાજે યુધિષ્ઠિરને કહ્યું, “હે રાજા તમે ખરેખર નિ:સ્વાર્થી છો. તમે માનવ અને પ્રાણીમાત્રને ચાહો છો તમે બધા પ્રત્યે પ્રેમાળ અને માયાળુ છો.”

(સ્વામી વિવેકાનંદની સચિત્ર બાળવાર્તાઓ (૧૯૮૯) પૃ.સં. ૮-૧૧)

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.