ગુરુ તો એક જ હોય પણ, ઉપગુરુઓ અનેક હોઈ શકે. જેની પાસેથી કશુંક પણ શીખવાનું મળે તે ઉપગુરુ. મહાન અવધૂતને આવા ચોવીસ ઉપગુરુઓ હતા એમ ભાગવતમાં જણાવ્યું છે.
(ક) એક માછલી પકડનાર એક તળાવમાં માછલાં પકડતો હતો. એની પાસે જઈ અવધૂતે પૂછ્યું, ‘ભાઈ, ફલાણો રસ્તો ક્યાં થઈને જાય છે ?’ બરાબર તે જ સમયે વાંસની દોરીને છેડે બાંધેલા ગ્રાસને માછલી ખાઈ રહી હતી એટલે, શિકારીનું લક્ષ ત્યાં જ મંડાયેલું હતું અને એણે કશો ઉત્તર ન આપ્યો. માછલી કાંટામાં ભરાયા પછી એણે મોઢું ફેરવ્યું અને પૂછ્યું : ‘તમે શું પૂછતા હતા ?’ અવધૂત એને પગે લાગ્યા અને બોલ્યા : ‘ભાઈ, તું મારો ગુરુ છો. મારા ઈષ્ટનું ધ્યાન હું ધરતો હોઉં ત્યારે, તને હું અનુસરું અને મારાં પૂજાભક્તિ પૂર્ણ થાય તે પહેલાં હું બીજી કોઈ પણ વૃત્તિમાં ન પડું.’
(ખ) અવધૂત એક વાર એક મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે, ઢોલત્રાંસાં સાથેનો ભપકાદાર વરઘોડો એમણે જોયો. પાસે જ એક શિકારી હતો. એણે પોતાના શિકાર પર નિશાન તાક્યું હતું અને આ વરઘોડાના ઘોંઘાટ અને ધમાલથી તે સાવ નિર્લિપ્ત હતો. એ વરઘોડા તરફ એ નજર પણ કરતો ન હતો. એ શિકારીને પ્રણામ કરી અવધૂતે કહ્યું, ‘ભાઈ, તું મારો ગુરુ. તારું ધ્યાન તારા શિકારમાં છે તે રીતે હું ધ્યાનમાં બેસું ત્યારે મારું ધ્યાન પણ મારા લક્ષ્યમાં લાગવું જોઈએ.’
(ગ) અવધૂતનો બીજો એક ગુરુ હતો મધમાખી. મધમાખી ખૂબ મહેનત કરીને કેટલાય દિવસો સુધી મધ એકઠું કરે. પણ એ મધ પોતાથી ખવાય નહિ. બીજો કોઈ આવીને મધપૂડો પાડીને ઉઠાવી જાય. મધમાખીની પાસેથી અવધૂત એ શીખ્યા કે સંચય કરવો નહિ. સાધુઓએ ઈશ્વર ઉપર સોળે સોળ આના આધાર રાખવો, તેમણે સંચય કરવો નહિ.
આ વિધાન સંસારીને માટે નથી. સંસારીને સંસાર વહેવાર ચલાવવો પડે, એટલે તેને સંગ્રહની જરૂર પડે. પંછી (પક્ષી) ઔર દરવેશ (સાધુ) સંચય ન કરે. પરંતુ પંખી પણ બચ્ચાં થાય એટલે સંચય કરે; બચ્ચાં માટે ચાંચમાં ખાવાનું લઈ આવે.
Your Content Goes Here




