(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

પરમાત્માની દિવ્ય શક્તિ:

આધ્યાત્મિક જીવન માત્ર સબળ સાધકો માટે જ છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે કે – માત્ર શારીરિક શક્તિ જ નહિ, પરંતુ માનસિક સામર્થ્ય (આત્મશ્રદ્ધા, ધૈર્ય, ખંત) અને આધ્યાત્મિક તાકાતની પણ આવશ્યકતા છે. ઇચ્છાશક્તિના અભ્યાસથી, તપશ્ચર્યાના પ્રભાવથી સાધક પ્રચંડ આધ્યાત્મિક, આંતરિક શક્તિઓનો વિકાસ સાધે છે. આ બધું સામર્થ્ય સાધક પાસે હોવા છતાંયે, બીજા એક બળનો અનુભવ સાચા ભક્તને થાય છે એ છે ૫૨માત્માની દિવ્ય શક્તિ; ‘સર્વશક્તિમાન પ્રભુ જ મારું રક્ષણ કરે છે.’ – એને પ્રતીતિ થાય છે કે ‘મને ડગલે-પગલે સહાયરૂપ થવા માટે અનંત અસીમ પરમાત્માની શક્તિ હાજરાહજૂર છે.’ આપણા મહાન સંતોમાંથી સુરદાસે તો ગાયું છે:

સુને રી મૈંને નિર્બલ કે બલ રામ… …
સુર કિશોરકૃપા સે સબ બલ હારે કો હરિ-નામ

ઈશ્વરમાં શરણાગતિનો સ્વીકાર, એ તો અતિશય મહાન સાધના છે. સાધારણ લોકો માને છે તેટલી તે સહજ-સરળ નથી. સાધારણ રીતે કહીએ તો લોકો આટલું કરી શકે: દિવસની જુદીજુદી વેળાએ પ્રભુ સમક્ષ પ્રાર્થના, નિવેદન; ઈશ્વર ઉપર નિર્ભરતાનો અભ્યાસ તેમજ વારંવાર ઈષ્ટ દેવતાના શ્રીચરણોમાં શરીર, મન, પ્રાણ – હૃદય, બુદ્ધિ વગેરેનું સમર્પણ કરવું.

ભગવાન શ્રીકૃષ્ણે ગીતાનો ઉપસંહાર કરતાં (૧૮:૬૧-૬૨-૬૩) કહ્યું છે:

વસીને સર્વ ભૂતોમાં હ્રદયે પરમેશ્વર
માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યા
એને જ શરણે જા તું સર્વભાવથી ભારત!
એના અનુગ્રહે લૈશ, શાંતિ ને શાશ્વત પદ.
આવું આ સારમાં સાર-જ્ઞાન મેં તુજને કહ્યું
એને પૂર્ણ વિચારીને કર જેમ ગમે તને.

જ્યારે આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ, ત્યારે વધુ ને વધુ અહં-કેન્દ્રિત બનીએ છીએ; દિવ્યતાના પ્રકટીકરણની સાધનાના માર્ગને ભૂલી જઈને દૂર ભટકીએ છીએ. એટલે મિથ્યાભિમાન ઉપર આધાર રાખવા કરતાં પરમેશ્વરને આત્મસમર્પણ કરીને તેમને જ આપણી ચેતનાનું કેન્દ્ર બનાવીએ. ત્યાર પછી નૈતિક ને આધ્યાત્મિક જીવન સરળ બને છે. જ્યારે પણ અશુભ વૃત્તિઓ બળવાન બનતી લાગે, ત્યારે આપણે પ્રાર્થના, આતુરતાથી પ્રાર્થના કરવી જોઈએ. કેવળ ત્યારે જ આપણને ઉન્નતિના પથ પર દોરી જતી કલ્યાણકારી શક્તિનું અંતરમાં આગમન થયું તેવો અનુભવ કરીશું.

અદૃશ્ય આશીર્વાદ:

જો આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો કોઈ પણ પ્રકારની સલામતી વિહોણું – સલામતીની ખાતરી જ ન હોય એવું – અનિશ્ચિતતાઓથી ભર્યું જીવન એ વિશેષ કલ્યાણકારી છે. જે-જે વસ્તુઓ ઉપર સાધક આધાર રાખે છે, તેવી દરેકે દરેક દુન્યવી ચીજ વસ્તુ કે વ્યક્તિઓને તેની પાસેથી દૂર હટાવી લેવામાં આવે – કારણ કે, તેનું પરિણામ શુભમાં જ આવશે. આવું કંઈ તમારા જીવનમાં ઘટે, તો એનું ફળ તમને અવશ્ય મળશે. તમે માની લીધેલ બધાં જૂનાં મૂલ્યો, મૈત્રી, સગપણ, આત્મીયતા કે બંધુત્વભર્યા સંબંધોનો નાશ થાય તથા તમારાં લૌકિક વળગણ ભાંગીને ચૂર્ણ થઈ જાય તેમાં જ મંગલ સમાયેલું છે. આ દુનિયા આપી શકે તેવાં બધાં આશ્વાસન, અન્ય વ્યક્તિઓ માટે સેવેલ સોનેરી આશાઓ માટીમાં મળી જાય તે જ અતિશય શુભકારી છે. કારણ કે, કેવળ ત્યારે ને ત્યારે જ સૌના સત્યસનાતન – ચિર – સખા ને અનંત આશિષ વરસાવતા માર્ગદર્શક પ્રત્યે વળવાની તમને ફરજ પડશે.

આ અનુભવો જરૂર દુઃખદાયી છે. પરંતુ મોટા ભાગના લોકો માટે તે અનિવાર્ય રીતે જરૂરી હોય છે, નહિતર મનુષ્ય-સ્વભાવ પ્રમાણે તેઓ ભગવાનને સાવ ભૂલી જાય છે. આત્માનું સ્વરૂપ અથવા તેમની આધ્યાત્મિક નિયતિ પણ સ્મૃતિપટમાંથી ભૂંસી નાખે છે. પોતાના જ ભવિતવ્ય વિષે તમે બિલકુલ અચેત-અજ્ઞાત છો. નાશવંત ચીજ વસ્તુઓ ઉપર તમે આધાર રાખી શકો નહિ. પણ છતાંયે લોકો તો એમાં જ આશાનો તંતુ બાંધીને બેઠા છે. કોઈ વખત ચિકિત્સકની સારવાર-પદ્ધતિ રોગીને રોગ કરતાંયે વધુ પીડાકારક નીવડે છે. પરંતુ એ સારવાર લીધા સિવાય રોગીનો રોગમાંથી છુટકો પણ નથી જ. રોગ જેટલો વધુ પ્રબળ હોય, તેમ તેના ઈલાજની માત્રા પણ એટલી જ બળવાન હોવી જોઈએ. દરેક રોગીને ચિકિત્સાની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. સાથોસાથ એ સારવાર વડે જ તે સંપૂર્ણ નિરોગી બને છે.

હું કેટલીયે વાર પ્રભુને પ્રાર્થના કરું છું કે, ‘તમારા ભક્તોને આપત્તિ-વિપત્તિઓમાંથી પસાર કરો!’ ‘સંતાપ ને અશાંતિ તેમના જીવનમાં મોકલો!’ કારણ કે, ત્યારે જ ભક્તોને કેવી ધરતી પર ઊભા છે, તેનું ભાન થશે, ત્યારે જ તેમનામાં ચેતના જાગશે. માયાનો એવો પ્રભાવ છે કે અગાઉ ભૂતકાળમાં અસંખ્ય ઉત્પીડન ને કેટકેટલાં શોક તાપ-પીડા ભોગવ્યાં પછીયે એ બધું પળવારમાં ભૂલીને ફરી પાછા એના એ રવાડે જોવા મળે છે. તેઓ ભગવાનને અનન્ય ભાવે યાદ કરે ને વિસ્તરણની તક ન મળે – સતત યાદ કરતા રહે તેવી કોઈ કાયમી વ્યવસ્થા હોવી જોઈએ.

બધાં દુઃખ ઉત્તમ શિક્ષકની જેમ આપણને બોધપાઠ શીખવે છે; તે માનસિક તાલીમ આપે છે. આપણી બધી સહજ વૃત્તિઓને આધ્યાત્મિક સાધના-યજ્ઞમાં આહુતિરૂપે હોમી દઈને ‘સ્વાહા’ કરવી જોઈએ. લોખંડનો સળિયો વાંકોચૂકો થઈ જાય, ત્યારે તેને તપાવીને ઘણના ઘા કરવા જ પડે. કેટલીયે વાર ઘણ ને એરણની વચ્ચે આપણી નાજુક સ્થિતિને ભૂલી જઈને જાતે જ અહંકારથી ફૂલાઈને પ્રમાદી બનીએ છીએ – જડતાથી ઘેરાઈ જઈએ છીએ. એ સમયે જ્યારે જોરદાર આઘાત લાગે ત્યારે સ્થિરતા ગુમાવીને અધીર – બાવરા બનીએ ને ચિત્કાર કરી ઊઠીએ કે ‘હાય! કેવી દુર્દશામાં ફસાઈ ગયો!’ પણ ભાઈ! તું કહીશ ખરો કે ‘ફાંસલામાં ફસાઈ જા.’ એમ કોણે તને કહ્યું? ફાંસલાની વરણી આપણે જ કરી હોય છે.

સંસારીને પીડા કે યાતનાના કડવા અનુભવ થાય – એવું દરેક કિસ્સામાં બનતું નથી. અધ્યાત્મમાર્ગનો પથિક સંસારમાં જ રહે છે ને તેના સાધનપથમાં વ્યાકુળતા કે આતુરતાના અભાવના કારણે, અંધાર ઘેર્યા ભેંકાર રસ્તેથી પસાર થવું પડે – એ સાવ સ્વાભાવિક છે. એવી પળે બરાબર સાધારણ સંસારીની જેમ જ સંતાપ અનુભવે છે.

ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 425

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.