સર્વવ્યાપી, આનંદસ્વરૂપ, સર્વહૃદયનિવાસી પરમાત્માને પ્રણામ. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના શાસનકર્તા છે. એમનો સાક્ષાત્કાર કરીને વ્યક્તિ ભયમુક્ત બની શાંતિ પ્રાપ્ત કરે છે. તે પરમસત્તા, સત્સ્વરૂપ, પરમજ્યોતિ અને પરમ આત્મા છે. એ જ સર્વવ્યાપી રસસ્વરૂપ પરમાત્મામાંથી આપણા સૌની ઉત્પત્તિ થયેલી છે. એમનામાં જ આપણે સ્થિત છીએ અને એમનામાં જ આપણે લય પામી જઈશું. ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ

આપણે થોડીક ક્ષણ માટે શરીર અને મનને તણાવ-મુક્ત કરીને શાંતિથી બેસીએ. હવે આપણે સર્વવ્યાપી પરમાત્માને પ્રણામ કરીએ. તેઓ આપણી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. આપણે સંસારના બધા મહાન આચાર્યો અને સંતોને પ્રણામ કરીએ, જેમના ઉપદેશો આપણને વારસારૂપે પ્રાપ્ત થયા છે. તેઓ આપણી અંદર સત્યની સ્પૃહા જગાડે.

પરમાત્મા પવિત્રતા સ્વરૂપ છે. આપણે પવિત્રતાનાં સ્પંદનોને શ્વાસની સાથે અંદર લઈએ. તે આપણી બધી અપવિત્રતાઓનો નાશ કરે. આપણે નિઃશ્વાસ દ્વારા પવિત્રતાનાં સ્પંદનોને બહાર કાઢીએ. આપણે બળનાં સ્પંદનોને અંદર ખેંચીએ; તેઓ આપણી બધી દુર્બળતાનો નાશ કરે. આપણે બળને નિઃશ્વાસ દ્વારા બહાર કાઢીએ. આપણે શાંતિનાં સ્પંદનો અંદર લઈએ; તે આપણી બધી ચંચળતાનો નાશ કરે; આપણે શાંતિનાં સ્પંદનોને બહાર નિઃશ્વસિત કરીએ. આપણે પવિત્રતા, બળ તથા શાંતિને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધી દિશાઓમાં આપણા સહમાનવોની તરફ પ્રવાહિત કરીએ. આપણે પોતે જ શાંત બનીએ તથા સમગ્ર વિશ્વમાં શાંતિનો વિસ્તાર કરીએ.

હવે આપણે સાક્ષીભાવનું અવલંબન લઈએ તથા મનને બધાં વિક્ષેપો, અવાજો તથા બીજી તકલીફોથી અલગ કરીએ. આપણે બધા વિચારો, કલ્પનાચિત્રો અને મનમાં ઊઠી રહેલી ભાવનાઓથી પણ પોતાને અલગ કરીએ. આપણે પૂર્ણ સજાગ રહીએ. આપણું શરીર ભગવાનનું એક મંદિર છે. આપણે ચેતનાને હૃદયરૂપી ગર્ભગૃહમાં એકાગ્ર કરીએ અને ત્યાં એક નાના જ્યોતિપુંજની માફક પોતાના આત્માનો અનુભવ કરીએ. આ ક્ષુદ્ર જ્યોતિપુંજ સર્વત્ર પ્રકાશિત થઈ રહેલી અનંત જ્યોતિનો એક અંશ છે. અનંત પરમાત્મા સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્રોમાં વ્યાપ્ત છે. પરમાત્મા બધાં પ્રાણીઓમાં વિરાજિત છે. તેઓ આપણાં નેત્રોમાં, કાનમાં તથા બીજી ઇન્દ્રિયોમાં વ્યાપ્ત છે. પરમાત્મા આપણા મનમાં પ્રકાશિત થઈ રહ્યા છે. તેઓ આપણા હૃદયમાં વિદ્યમાન છે. આપણે એમની સાથે સંપર્કનો અનુભવ કરીએ.

અદ્વૈતવાદી પરમાત્માનું અનંત સચ્ચિદાનંદના રૂપમાં ધ્યાન કરે છે. ભક્ત એ સચ્ચિદાનંદની પિતા, માતા, મિત્ર અને પ્રિયતમના રૂપમાં ઉપાસના કરે છે. અનંત સચ્ચિદાનંદ મહાન દેવી-દેવતાઓનું રૂપ ધારણ કરે છે. ફરીથી તેઓ માનવજાતિના કલ્યાણ અર્થે પૃથ્વી પર જાણે કે ઈશ્વરાવતાર બનીને આવે છે. આપણે ધ્યાન માટે કોઈ પણ ભાવનું અવલંબન લઈ શકીએ છીએ, પરંતુ ધ્યાન કરતી વખતે આપણે અનુભવ કરીએ કે ધ્યાતા અને ધ્યેય અનંત સચ્ચિદાનંદમાં નિમગ્ન છે.

વાસ્તવિકપણે એક જ અનંત પરમાત્મા એક બાજુ ભક્ત તથા બીજી બાજુ ભગવાનના રૂપમાં અભિવ્યક્ત થાય છે. આપણે આપણા હૃદયના અંતઃસ્થળમાં ભગવદ્ સંસ્પર્શનો અનુભવ કરીએ અને ત્યાં ભગવાનની અવસ્થિતિ આપણા સ્નાયુઓને શીતળ, મનને શાંત તથા હૃદયને વિશ્રામ પ્રદાન કરે. પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે અને આપણી ચેતનાને ઉદ્‌બુદ્ધ કરે.

આપણે થોડીક ક્ષણ માટે સર્વવ્યાપી, આનંદ સ્વરૂપ પરમાત્માનું, એમના કોઈપણ રૂપનું જે આપણને સારું લાગે તથા જે રીતે આપણી ઇચ્છા હોય તેવું ધ્યાન કરીએ. પરંતુ આપણે ભગવદ્ સંસ્પર્શનો જરૂર અનુભવ કરીએ.

સર્વવ્યાપી, આનંદ સ્વરૂપ પરમાત્મા, જેઓ આત્માના પણ આત્મા છે, તેઓ આપણા બધાની રક્ષા કરે, આપણા બધાનું માર્ગદર્શન કરે, આપણા બધાનું પોષણ કરે. આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ તે એમની કૃપાથી તેજસ્વી અને ફળ આપનાર બને. આપણા સૌમાં પરસ્પર શાંતિ અને સદ્‌ભાવ સ્થાપિત થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.

હે પ્રભુ! બધા સાધનાપથ સચ્ચિદાનંદરૂપ સાગર સુધી જનારી નદીઓ સમાન છે.

તમે અમારા આત્માઓના આત્મા છો.

તમે જ માતા છો, પિતા તમે જ છો, તમે જ બંધુ છો, મિત્ર તમે જ છો, તમે જ વિદ્યા છો, ધન તમે છો, અમારું સર્વસ્વ તમે જ છો.

અમને અસત્માંથી સત્ તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમૃતત્વ તરફ લઈ જાઓ.

અમારા આત્મામાં પૂર્ણપણે પ્રકાશિત થાઓ અને તમારી પ્રેરકસત્તાથી અમને ધન્ય કરો.

અમે અમારા હૃદયના અંતરતમ પ્રદેશમાં તમારો સાક્ષાત્કાર કરીએ. અમે સૌ પ્રાણીઓમાં આપનું દર્શન કરીએ, બધામાં વિરાજિત આપને અમે પ્રેમ કરીએ અને એમનામાં આપની સેવા કરીએ.

સંસારમાં શાંતિ પ્રવર્તે. સૌ ભયમુક્ત બને. સૌ શુભનો સાક્ષાત્કાર કરે. સૌ સદ્વિચારો દ્વારા પ્રેરિત થાય. સૌ સર્વત્ર સુખી થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ.

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.