(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
સિંધમાં કરાંચી એક બહુ સમૃદ્ધ બંદર છે. શહેર પણ સુંદર છે, ઘણા ધનાઢ્ય લોકો ત્યાં વસે છે. સંન્યાસી પંજાબનું ભ્રમણ કરતાં કરતાં સિંધના હૈદરાબાદ શહેર અને ત્યાંથી કરાંચી પહોંચ્યો. ત્યાં પહેલાં સાધુબેલા આશ્રમમાં થોડા દિવસ રોકાઈને પછી બંદર રોડ એક્સટેન્સનમાં એક હૈદરાબાદી કાપડના વેપારીના સૌજન્યથી એના નવા મકાનમાં રોકાયો હતો. ત્યારે એ તરફ હિંદુઓનાં ફક્ત ત્રણ જ મકાન બન્યાં હતાં અને બીજાં બની રહ્યાં હતાં. પારસી કોલોની તૈયાર થઈ ગઈ હતી.
કરાંચીમાં સંન્યાસીને ઘણા સિંધી સત્સંગીઓ સાથે પરિચય થયો હતો. એમાંથી ત્રણ-ચાર લોકો તો નિયમિત મળવા આવતા હતા. તેઓ બધા વેદાંતવાદી હતા અને ખાસ કરીને ‘વિચાર-સાગર’ના અભ્યાસી હતા. સત્સંગમાં બહુ આનંદ આવતો હતો.
એમાંથી એક જણ, જે ‘વિચાર-સાગર’નો ખાસ અભ્યાસી હતો, તેણે સંન્યાસીને એકાંતમાં લઈ જઈને કહ્યું કે, ‘મહારાજ, અત્યારે એક ફકીર આવ્યા છે, તે સોનું બનાવવાનું જાણે છે. તાંબામાંથી સોનું બનાવે છે. એવી કોઈ જડીબુટ્ટીઓ છે, જેનો રસ તાંબા સાથે ભેળવીને ભઠ્ઠીમાં નાખવાથી એ સોનું બની જાય છે.’
સંન્યાસીએ કહ્યું કે, ‘અરે ભાઈ, વિશ્વાસ ન કરો. આમાંથી મોટા ભાગના ઠગ હોય છે, તમે એમાં ન ફસાઓ. જો એ ફકીરને સોનું બનાવતાં આવડતું હોત, તો શું એ ભીખ માગતો ફરત? આવા લોકોથી દૂર રહો.’
– ‘પણ સ્વામીજી, એ તો આપણી નજર સામે બનાવીને દેખાડે છે. પહેલાંના વખતમાં પણ તો યોગીઓ કીમિયો જાણતા હતા અને આજે પણ એવા લોકો છે, જેઓ આ વિદ્યામાં નિપુણ છે.’
– ‘હશે, પરંતુ મોટા ભાગના ઠગ હોય છે, લોકોને છેતરીને ભાગી જાય છે, એટલે આવા સાધુ-ફકીરોથી બચીને રહેવું જોઈએ.’
તે સિંધી ભક્ત ચાલ્યો ગયો અને થોડાક દિવસો સુધી મળવા આવ્યો નહીં. સંન્યાસીએ વિચાર્યું કે કોઈ જરૂરી કામમાં વ્યસ્ત હશે અથવા તો તબિયત નરમ-ગરમ હશે. એનો એક મિત્ર એક દિવસ સંન્યાસીને મળવા આવ્યો અને કહ્યું કે, ‘તમને ખબર છે કે એ સાંઇ પાગલ થઈ ગયો છે? એને કોઈ ફકીર મળ્યો હતો, જેણે સોનું ડબલ કરી આપવાની લાલચ આપીને તેના ઘરે જ ભઠ્ઠી બનાવી હતી. એની પત્નીનાં જેટલાં પણ સોનાનાં ઘરેણાં હતાં, એ બધાં તાંબા સાથે ભઠ્ઠીમાં નાખીને સોનું ડબલ કરતો હતો. ૪-૫ દિવસ સુધી ભઠ્ઠીનું કામ ચાલુ રહ્યું. ત્યાર બાદ એ ફકીર ગાયબ થઈ ગયો, ત્યારે એણે ભઠ્ઠી પરનું ઢાંકણ ખસેડીને જોયું તો એની અંદર પથ્થર અને તાંબાના ટુકડા પડ્યા હતા—સોનું ગાયબ હતું. ચોરી થયાની ખબર પડતાં જ ઘરમાં ધમાલ મચી ગઈ. નાનાં બાળકો છે, વેપારમાં તો નુકસાન થઈ જ રહ્યું હતું. એ ઉપરાંત, આશરે રૂપિયા સાત હજાર જેટલું માથે કરજ હતું અને સાડા રૂપિયા ત્રણ હજારનું સોનું લઈને કીમિયાવાળો ફકીર ભાગી ગયો. ઘરની હાલત સાવ કંગાળ થઈ ગઈ છે. હવે સમસ્યા એ છે કે ઘરનું ગુજરાન કેમ ચાલશે?’
એથી એ સિંધી ભગત ચિંતાગ્રસ્ત તથા ઘર તેમજ બહાર અપમાનિત થવાથી પાગલ જેવો થઈ ગયો હતો, એની પત્ની અને સગાંવહાલાંએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, એટલે અહીં-તહીં ભટકતો હતો અને પરિચિત સ્નેહીજનો દયા રાખીને જે કંઈ ખાવાનું આપતા તે ખાઈ લેતો. આ હકીકત જાણીને સંન્યાસીને બહુ દુઃખ થયું. સાવધાન કરવા છતાં પણ લોભવશાત્ તેણે આ કામ કરી જ નાખ્યું. દુર્ભાગ્ય એને ખેંચીને લઈ ગયું હતું. હવે શું કરી શકાય! આ ગાંડપણનું કારણ માનસિક ક્લેશ જ છે, જો એને દૂર કરવામાં આવે, તો કદાચ સ્વસ્થ થઈ જાય.
સંન્યાસી જે સજ્જન (શ્રી ગુરનામલ)ના ઘરે અતિથિ હતો, એમનો પુત્ર સંન્યાસી સાથે વિશેષ સંપર્કમાં હતો અને ઉદારદિલ હતો. એને પૂછતાં ખબર પડી કે કાપડના વેપારીઓનું જ રૂપિયા સાત હજારનું કરજ છે; માલ લીધો હતો, પણ પૈસા ચૂકવી શકતો નહીં, એટલે એ લોકોએ ઉધાર માલ આપવાનું બંધ કરી દીધું હતું; તેથી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.
સંન્યાસીએ કહ્યું, ‘પણ ભાઈ, એની મદદ તો કરવી જોઈએ. એ દુઃખનો માર્યો પાગલ જેવો થઈ ગયો છે, એની જિંદગી બરબાદ થઈ જાય, એ તો બરાબર નથી. વળી, એ તમારા સંબંધી જ તો છે, તમે એના પ્રત્યે થોડી ઉદારતા રાખો. ઈશ્વર-કૃપાથી તમે રૂપિયે-પૈસે તો સુખી જ છો, પાંચ-દસ હજાર રૂપિયા તમારા માટે મોટી વાત નથી.’
– ‘અમે શું કરી શકીએ સ્વામીજી, અડધાથી વધારે રૂપિયા અમારા જ છે, પણ બીજા લોકો તો નહીં છોડે.’
– ‘હું છોડવા માટે નથી કહેતો, હું તો કહું છું કે તમે અથવા બીજા લેણદારો, એ શરતે એની દુકાન સંભાળી લો કે, જ્યાં સુધી પૈસાની ચૂકવણી ન થઈ જાય, ત્યાં સુધી તેઓ દુકાનને પોતાના કબજામાં રાખશે અને પૈસાની ચૂકવણી થતાં જ દુકાન પાછી આપી દેશે, એટલે તેને ભરોસો બેસે કે આવક ચાલુ રહેશે. એના ઘરનું ગુજરાન ચાલે એટલા માસિક ખર્ચના રૂપિયા દુકાનની આવકમાંથી આપવામાં આવે. એ ખર્ચ પણ તેની પત્નીના હાથમાં આપવામાં આવે. જો તે દુકાને આવે, તો એને કામ કરવા દેવું. એના મોટા દીકરા (ઉંમર ૧૧-૧૨ વર્ષ)ને પણ દુકાને બેસાડવો. મને લાગે છે કે તેથી એનું મગજ ઠેકાણે આવી જશે. શું આટલું કરી શકશો?’
એણે કહ્યું, ‘મોટા ભાઈ અને બીજા લોકો સાથે વાત કરી જાેઉં. આવી વ્યવસ્થા તો થઈ શકે છે.’ (પિતાજી એ સમયે હૈદરાબાદમાં હતા, મોટા ભાગે એ બાજુ જ રહેતા હતા).
ત્રણ-ચાર દિવસમાં આ વાત નક્કી થઈ ગઈ. લેણદારો બધા સંબંધીઓમાંથી જ હતા અને એ વ્યક્તિની ધાર્મિક ભાવના જોઈને એના પ્રત્યે શ્રદ્ધાભાવ પણ રાખતા હતા. એની આવી હાલત જોઈને બધા દુઃખી હતા. બધા રાજી થઈ ગયા અને સંન્યાસીએ કહ્યું હતું એ પ્રમાણે, એની પત્ની સાથે કરારનામું કરીને એ શરત મુજબ દુકાન કબજામાં લઈ લીધી અને વેપાર ચાલુ રાખ્યો, એમાં તેને કોઈ તકલીફ ન પડી. એ લોકોએ આ દુકાન મારફતે કંઈક વેપાર-ધંધો કરીને રૂપિયા વસૂલ કરવાનું નક્કી કરી લીધું હતું.
આ વ્યવસ્થા થતાં જ એ સિંધી ભક્ત સ્વસ્થ થઈ ગયો. જ્યારે એનો એક જૂનો મિત્ર એને સાથે લઈને સંન્યાસીને મળવા આવ્યો, ત્યારે આવતાંવેંત જ તે સંન્યાસીના પગ પકડીને ખૂબ રડવા લાગ્યો — ‘તમે ના પાડી હતી, પરંતુ લોભવશ મેં સાંભળ્યું નહીં અને પરિણામ બૂરું આવ્યું.’
– ‘ખેર, જે થયું, તે થયું, હવે સાવચેત રહેજો, તમારી પત્ની સાથે ઝઘડતા નહીં. તેણે ઘરમાંથી કાઢી મૂક્યા હતા—એ બાબતે એની સાથે કે બીજા લોકો સાથે ચર્ચા જ ન કરો. એની સાથે એવી રીતે વર્તજો કે જાણે કંઈ બન્યું જ નથી. છો તો ચુસ્ત વેદાંતી જ ને, પછી શું?’ તે માથું નમાવીને ચુપચાપ બેસી રહ્યા. વેપારીઓની આવી ઉદારતામાં પણ હતી માનવતાની ઝાંખી!
Your Content Goes Here




