પ્રસ્તાવિક

આપણા પાટનગરની ત્રણ મહાન શાળાઓના શિક્ષકો એવા આપ સૌને મળતાં મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ માટેનો મારો સમય મર્યાદિત છે; પણ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને મળવાની કોઈ પણ તક મને હંમેશાં ગમે છે. તમે જેને વિશે ખૂબ સાંભળ્યું છે અને પૃચ્છા કરી છે તે વિષય, ‘અર્વાચીન ભારતના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અને તેમની જવાબદારી’ – ની ચર્ચા કરવામાં તમારી સાથેનો સમય વ્યતીત કરીશ. કોઈપણ સંસ્થામાં આ વિષય પરત્વે હું બોલું છું ત્યારે વિષયને એના પરિપ્રેક્ષ્યમાં મૂકીને શ્રોતાઓને સમજાવવાનો હું સહાય કરું છું. જે સંદર્ભમાં તમે સૌ વસો છો અને કામ કરો છો તેને વિશે તમે બધા પૂરા સભાન હશો. આપણી સંસ્કૃતિ આશરે ૫,૦૦૦ વર્ષ પુરાણી છે અને ખૂબ સમૃદ્ધ અને વિવિધતાભરી છે; અને જ્ઞાનની પ્રાપ્તિ અને તેનું વિતરણ એનું પીઠબળ હતું. વિવિધ વિજ્ઞાનશાખાઓ, કલાઓ, તત્ત્વજ્ઞાન, ધર્મ અને સામાજિક – રાજકીય વિચારણામાં એણે ફાળો આપ્યો છે અને એ સર્વને સમૃદ્ધ કરેલ છે. પરંતુ છેલ્લી કેટલીક સદીઓ દરમિયાન આપણે સંકુચિત બની ગયાં હતાં. આપણે સ્વાતંત્ર્ય ગુમાવ્યું હતું અને સતત પરદેશી ધૂંસરી હેઠળ રહ્યાં છીએ.

સ્વતંત્રતા પછી શું?

આપણે હવે સ્વાતંત્ર્ય મેળવ્યું છે અને સાર્વભૌમ લોકશાહી ગણતંત્રની સ્થાપના કરી છે. સ્વાતંત્ર્યોત્તર ભારત સામે પ્રશ્ન ખડો છે – સ્વતંત્રતા પછી શું? આપણા બંધારણમાં લોકોને મોટાં વચનો આપ્યાં છે અને ઘોષણા કરી છે કે આપણા પોતાનાં ખ્યાલો, આદર્શો અને આપણી જરૂરતો અનુસાર ભારતનું ભાવિ આપણે ઘડશું. એ સ્વાતંત્ર્યે ખડો કરેલો પહેલો મોટો પ્રશ્ન છે – આપણાં ૭૦ કરોડ પ્રજાજનોના લગભગ અર્ધાની ભયંકર ગરીબાઈનો અને પછાતપણાનો. એમાંનાં કરોડોની નિરક્ષરતા બીજો પ્રશ્ન છે. આપણી શિશુ – લોકશાહીને ગુંગળાવતો ત્રીજો પ્રશ્ન છે જ્ઞાતિવાદી અને કોમવાદી ભેદ પાડતી વફાદારીનો. આપણાં લોકોએ, આપણે જ આ સવાલો ઉકેલવાના છે. કોઈ વિદેશી સત્તા આપણને સહાય કરવાની નથી તેમજ ઉકેલ માટે વિદેશો પાસે જવું ઇચ્છનીય પણ નથી. આપણે આઝાદ થયાં તે સાથે જ આ રાષ્ટ્રીય જવાબદારી આપણી ઉપર ઊતરી આવી છે સ્વતંત્ર ભારતના દરેક નાગરિકે એમને પોતાની જવાબદારી સમજવી જોઈએ. અખિલ ભારતમાં આપણા શિક્ષકોનાં કાર્યની અને જવાબદારીની ઘોષણા આ પરિસ્થિતિ કરે છે અને, આપણા આજના વિષયની ચર્ચા સંદર્ભ પૂરો પાડે છે.

નાગરિક શબ્દ મેં ખાસ વાપરેલો છે. એ શબ્દ મહાન છે. સ્વતંત્ર થતાંની સાથે જ આપણે નાગરિક બન્યાં. તે પૂર્વે આપણો ઉલ્લેખ બ્રિટિશ સામ્ર્રાજ્યની પ્રજા તરીકે કરાતો હતો. પરદેશી સત્તાની પ્રજા અને સ્વતંત્ર દેશનાં નાગરિકો વચ્ચે મોટો અર્થભેદ છે. સ્વતંત્ર નાગરિકો બનીએ છીએ ત્યારે આપણું વ્યક્તિત્વ સમૃદ્ધતર થાય છે અને આપણો માનમોભો વધે છે. પરંતુ સ્વતંત્ર થયા હોવા છતાં એનો પૂરો અર્થ સમજવામાં અને એના સાચા સંદેશ અનુસાર જીવવામાં આપણે નિષ્ફળ ગયાં છીએ તે દુર્ભાગ્ય છે. પ્રજામાંથી નાગરિકના આ માનમોભા-પરિવર્તનનો અર્થ ન સમજવાને કારણે આપણા રાજ્યે કરવી જોઈએ તેટલી પ્રગતિ સાધી નથી. આપણા રાજકારણીઓ, વહીવટદારો, શિક્ષકો તથા આપણી અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ, બીજા વ્યાવસાયિકો – સૌને આ લાગુ પડે છે. બીજાં બધાં પ્રજાજનો ભલે રહ્યાં પરંતુ આપણાં શિક્ષકોએ એનો સાચો અર્થ સમજવો જોઈએ અને મહાન દેશનાં નાગરિકો થવાથી મળતા અધિકારો તથા જવાબદારીઓ બીજા લોકો કરતાં આપણાં શિક્ષકોએ બરાબર સમજવાં જરૂરી છે.

નાગરિકતાનો અર્થ શો? મુક્ત સમાજમાં મુક્ત અને જવાબદાર નાગરિક બનવાનો અધિકાર પ્રાપ્ત કરવો તે એવો અર્થ. મુક્તિ અને જવાબદારી એ બંને અંશો આપણે લક્ષમાં લેવા જોઈએ. ભારતની પ્રગતિ માટે આપણે જવાબદાર છીએ. આપણે માત્ર ભારતમાં નથી પણ, આપણે ભારતનાં અને ભારત માટેનાં પણ છીએ. અર્વાચીન લોકશાહીમાં નાગરિકતાની આ સંકલ્પના છે. ભારતના આજના કોયડાઓ ભણી નજર કરશો તો જોવા મળશે કે, ઘણાં બધાં લોકો વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર અને, વધારે ને વધારે તેવા સ્વાતંત્ર્ય પર જ ભાર દે છે. અર્થાત્‌, પહેલા અંશ ઉપર જ અને એમાંથી ફલિત થતા લાભો પર જ ભાર દે છે પરંતુ સામાજિક જવાબદારીઓ અને તેમાંથી નિષ્પન્ન થતી ફરજોની અગત્ય પર ભાર દેવાનું અને તેમની અગત્યને સાવ ઉવેખ્યું છે. આપણા રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણે જાગ્રત રહ્યાં હોત તો આજે કરીએ છીએ તેના કરતાં વધારે નિષ્ઠાપૂર્વક, વધારે શ્રમથી અને વધારે કુશળતાપૂર્વક આપણે પ્રવૃત્ત રહ્યાં હોત. પોતાના રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીના ભાગનો વિકાસ કરીને જ મહાન બનનાર દરેક દેશે એ મહત્તા હાંસલ કરી છે. પણ ભારતમાં આપણે આ સબક શીખ્યાં નથી તેમજ એમાંથી ફલિત થતાં સખત શ્રમનો મહિમા પણ શીખ્યાં નથી. કોઈપણ ઓફિસમાં જાઓ, સરકારના કોઈપણ ખાતામાં જાઓ, મોટા ભાગના કર્મચારીઓમાં આ રાષ્ટ્રીય ફરજ અને જવાબદારીનું ભાન જોવા નહીં મળે; તે આપણા શિક્ષણને પણ આજ રોગ લાગુ પડ્યો છે એથી જ તો સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું બંધારણમાં અપાયેલું વચન હજી સિદ્ધ નથી થયું.

શિક્ષણ અને તે પણ વિશેષ કરીને આપણા ગ્રામ પ્રદેશોમાં રાજ્યે પોતે તેમજ લાગતાવળગતા શિક્ષકોએ ખૂબ ઉવેખ્યું છે. એ જવાબદારીના ભારનો અનુભવ આપણે પહેલી વાર આજે કરી રહ્યાં છીએ. આપણે બ્રિટિશ અમલ હેઠળ હતાં તે સમયના શિક્ષણમાંના શ્યામલ, સંસ્થાનવાદી તત્ત્વો દૂર કરીને એને રાષ્ટ્રલક્ષી તથા સાર્વત્રિક બનાવવા માટેની પદ્ધતિઓ તથા આપણાં શૈક્ષણિક ધ્યેયોમાં આપણે પરિવર્તન ઇચ્છીએ છીએ. આ મહાન કાર્ય માટેનો પ્રયત્ન આજે કરાઈ રહ્યો છે.આપણી લોકસભાના ચાલુ સત્રમાં નવી શિક્ષણનીતિ અને રાષ્ટ્રલક્ષી અને મૂલ્યલક્ષી એવી નવી શિક્ષણનીતિ સરકાર રજૂ કરશે તેવી આપણે આશા રાખીએ છીએ. ભૂતકાળમાં હતું તેના કરતાં આ નવી નીતિ આપણા શિક્ષણને તદ્દન નવો ઘાટ આપશે તેની મને ખાતરી છે. ભલે એ પૂર્ણ નહીં હોય પરંતુ એ ‘એકદમ આગે’ હશે અને પછીથી રાષ્ટ્ર એને વધારે ને વધારે સારું બનાવી શકશે.

આ સંદર્ભમાં આપણી લોકશાહીમાં તમારું કાર્ય શું છે, તમારે શો ભાગ ભજવવાનો છે અને તમારી જવાબદારી શી છે? લોકશાહીમાં શિક્ષણ સૌથી મોટો ભાગ ભજવે છે. આપણા ગણતાંત્રિક રાજ્યનાં ઉપયોગી નાગરિકો બને એ માટે આપણી યુવાપેઢીને તમારે શિક્ષકો તરીકે ઘડવાની છે. તમે એને જે પણ તાલીમ આપશો તે રાષ્ટ્રમાં પરિવર્તન લાવશે. એ પરિવર્તન સારા અને તંદુરસ્ત રાષ્ટ્રનું હોવું ઘટે. અર્થાત્‌ શિક્ષક પર ઘણી મોટી જવાબદારી છે. એનો અર્થ એ કે ૩ વર્ષથી માંડીને બાળક ૧૦ કે ૧૯મા વર્ષનું થાય ત્યાં સુધી આશરે ૧૫-૧૬ વરસો સુધી બાળક શાળામાં હોવાનું. અત્યારે નિમ્ન પ્રાથમિક કક્ષા પૂરી કર્યા પહેલાં પણ ઘણાં બાળકો શાળા છોડી જાય છે. આપણા મૂલ્યવાન માનવસ્રોતનો સડો અટકાવવાનું કાર્ય આ નવી કાર્યપદ્ધતિ કરશે એવી મને આશા છે. બાળક શાળામાં બધો સમય જ્ઞાન અને નવા વિચારો ગ્રહણ કરે છે. આ પૂર્વ યુનિવર્સિટી કાળે શિક્ષણની એક વિશેષ અગત્ય છે, કારણ એ વચગાળામાં બાળકોનાં મન ખૂબ ગ્રહણપટુ હોય છે. ૧૨મી શ્રેણીનો અભ્યાસ પૂરો કર્યા પછી મોટા ભાગનાં બાળકોના ભણતરનું પૂર્ણવિરામ આવી જાય છે. યુનિવર્સિટીઓમાં તો આ બાળકોના થોડા ટકા જ જાય છે. આમ પોતાના જીવનના ઘડતરના કાળનાં ઘણાં વર્ષો દરમિયાન બહુમતિ વિદ્યાર્થીગણ પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનાં શિક્ષકોની અસર હેઠળ હોય છે. આ કક્ષાઓનાં શિક્ષકો ઉપર તેથી ખૂબ મોટી જવાબદારી આવે છે અને એમને વિશેષ અધિકાર બક્ષે છે. આ જવાબદારી અદા કરવા માટે એ સૌમાં રાષ્ટ્રભાવના હોવી જોઈએ; તો જ પોતાનાં વિદ્યાર્થીઓમાં એ રાષ્ટ્રભાવના રેડી શકે.

અભિગમ બદલવાની આવશ્યકતા

લાગતાવળગતા શિક્ષકોમાં અભિગમ પરિવર્તન થાય ત્યારે જ આ બની શકે. શિક્ષકોનાં અને વહીવટદારોનાં જે જે સંમેલનોમાં હું જઉં છું ત્યાં ત્યાં હું આની ઉપર ભાર દઉં છું. આપણા અભિગમોમાં પરિવર્તનની મોટી આવશ્યકતા છે. બધા કાર્યકૌશલ પાછળ રહેલી પ્રેરણાના મહાન વિષય બાબત આપણાં લોકોએ વિચારવાની મોટી જરૂર છે. ‘ક્યારે હું ઉત્તમ કાર્ય શકું છું કે કરું છું?’ અત્યાર સુધી આ પ્રશ્નનો એક જ ઉત્તર અપાય છે, ‘મને વધારે પૈસા મળે ત્યારે.’ પણ ઉત્તમ કાર્યને માટે પૈસો જ એકમાત્ર પ્રેરક બળ નથી એ બાબતનું ભાન લોકોને જગતભરમાં થયું છે. પૈસો એક બાબત છે ખરી પણ સૌથી અગત્યની બાબત છે આપણા અભિગમમાં પરિવર્તન. ભારતના નાગરિક હોવાનું ગૌરવ અને તેની મહત્તાનું ભાન, કોઈ પણ કાર્ય રાષ્ટ્રસેવા માટે કરવાનું અભિમાન પૈસા કરતાં એ મહત્તર અને ગહનતર પ્રેરક બળ છે. બીજાં ઉચ્ચતર પ્રેરકબળ સિવાયનું માત્ર પૈસાનું પ્રેરકબળ લોકોને ભાડૂતી બનાવી દે છે. ભાડૂતી લોકો માત્ર પૈસા માટે કામ કરે છે. સદીઓ સુધી આપણો દેશ વિદેશી ધૂંસરી નીચે હતો ત્યારે આપણા ઘણા બધા બૌદ્ધિકો અને શક્તિશાળી લોકો વિદેશી શાસકો પાસે જઈને કહેતા કે તમે અમને સારો પગાર આપશો તો અમે તમારી ચાકરી કરશું. ઊંચામાં ઊંચો ભાવ બોલનારને તેઓ પોતાની બુદ્ધિ અને અન્ય શક્તિઓ વેચતા. એ રીતે આવા લોકો સદીઓ સુધી ભાડૂતી તરીકે કામ કરતા. સ્વતંત્ર ભારતમાં આજે કેટલાય ભણેલા લોકો આવા ભાડૂતી માણસો કરતાંયે નીચે ઊતરી ગયા છે તે ખૂબ ખેદકારક છે. પૈસા મળતાં ભાડૂતી લોકો સખત કામ કરે છે પરંતુ પગાર મળ્યા છતાંયે આપણા ઘણા લોકો પ્રામાણિકપણે પોતાનું રોજિંદું કામ કરતા નથી. આ બદલવું જ જોઈએ.

ભાડૂતી માણસ કોઈ આદર્શને, સિદ્ધાંતને કે રાષ્ટ્રને વફાદાર નથી હોતો. એની વફાદારી માત્ર જાત પ્રત્યે જ હોય છે. આપણા સ્વતંત્ર લોકશાહી ભારતમાં તમે કોઈ ઈરાદાપૂર્વક ભાડૂતી થવા ઇચ્છતા હો એમ હું માનતો નથી. કેવળ વિચારશક્તિને અભાવે આજે કોઈ એ રીતે વર્તે છે. કોઈ વિચારવંત માનવીને એ સ્થાન લેવું ગમશે નહીં, મુક્ત દેશના નાગરિકત્વની તુલનાએ એ ઘણું હલકું છે. ‘આ અમારો દેશ છે, અમે એની પ્રજા છીએ; એના વિકાસને અને ઉત્કર્ષને માટે અમે જવાબદાર છીએ અને, અમારા દેશબાંધવોની સેવામાં અમારા કાર્યનું અમે પરિવર્તન કરીશું.’ પેલા ભાડૂતી કે ભાડૂતી કરતાંયે અધમ વલણની તુલનાએ આ છે જ્વલંત નાગરિકતાનું વલણ.

આ અભિગમ – પરિવર્તન આવે ત્યારે લાગતીવળગતી વ્યક્તિમાં પુષ્કળ શક્તિનો આવિષ્કાર થાય છે; એનામાં ગતિશીલતા પ્રગટે છે અને અર્પણની ભાવના ઉદ્‌ભવે છે. પેલા પૈસાના કરતાં ક્યાંય સમર્થ અને સહજ એવી પ્રેરક શક્તિ અહીં પ્રગટ થાય છે. ગયે અઠવાડિયે હૈદરાબાદમાં આંધ્ર પ્રદેશની સરકારના સચિવાલયના સ્ટાફને સંબોધન કરી રહ્યો હતો ત્યારે ત્યાંના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ પણ હાજર હતા. ત્યાં પણ મેં આ જ વાત કહી હતી. તમે માત્ર નોકરિયાતો તરીકે કામ કરતા હો તો એક ઢબે કામ કરો; પણ તમારો અભિગમ બદલવો અને નાગરિકતાના ભાનને જાગ્રત કરો ત્યારે તમારામાં અને તમારા કામમાં મહાન પરિવર્તન આવે છે. જાપાની લોકોમાં પોતાના રાષ્ટ્ર માટે ઊંડી ભક્તિ છે. પોતાનો દેશ અને એનો ઇતિહાસ, એની સંસ્કૃતિ માટે એમને ગૌરવ છે અને પોતાના દેશની પ્રગતિ માટે તે લોકો બધું જ કરી છૂટશે. શિક્ષણ માટે એ પરદેશ જશે તો વતન પાછો જઈ પોતાનાં જ્ઞાનને અને શક્તિને દેશના કલ્યાણ માટે જ વાપરશે.

આ દૃષ્ટિથી જોતાં આપણામાં મોટી રાષ્ટ્રીય ખોટ છે. જગતના દેશોમાં આપણે ઓછામાં ઓછા રાષ્ટ્ર ભક્ત રહ્યાં છીએ. આપણે માત્ર આપણી કોમને, જ્ઞાતિને, આપણા કુટુંબને અને મુખ્યત્વે, આપણી પોતાની જાતને વળગી રહ્યાં છીએ. પરંતુ આજે આપણાં લોકોમાં રાષ્ટ્રીય ચેતનાનું નવું મોજું જાગી રહ્યું છે; આપણાં લોકોમાં આધ્યાત્મિક વિકાસનું એ તંદુરસ્ત ચિહ્‌ન છે. આપણે જેના એક અંશ છીએ તેવાં લોકો, વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને વિવિધ સંસ્કૃતિક કક્ષાઓ ધરાવતા સાર્વભૌમ ગણતંત્રનાં આપણે નાગરિક છીએ તે જાતની ભાવનાની નવી જાગૃતિ થતી આવે છે. આ સંદર્ભમાં રાષ્ટ્રમાં શિક્ષક થવાનું આવાહન તેમને કરવામાં આવ્યું છે. તમારી જાતને તમે આ સવાલ પૂછો : આ સંજોગોમાં મને શિક્ષક થવાનું કહેવામાં આવે તો મારો પ્રતિભાવ શો હશે? કોઈ દૂરને ગામડે મારી નિમણૂક કરવામાં આવે તો મારી જાતને હું કેવળ સરકારી કે કોઈ સેવાસંસ્થાનો નોકર માનું તો મારું સ્થાન ઘણું નીચું થશે. નોકરિયાત તરીકે મને પગાર મળશે અને મારું સ્થાન પગારદાર નોકરિયાતનું હશે. પરંતુ મુક્ત ભારતના નાગરિકના ભાન સાથે અને મારી શાળામાં આવતાં બાળકોને કેળવણી આપવાની રાષ્ટ્રીય જવાબદારી વહન કરવાના ભાન સાથે ત્યાં જઉં તો સહજ રીતે જ મારો મોભો વધી જશે. શાંત, રાષ્ટ્ર ઘડવૈયા લાખોમાંનો એક હું બની જઈશ.

અભિગમનું આ પરિવર્તન આપણે મોટે પાયે સિદ્ધ કરવાનું છે. કોઈ જ કામ નાનું કે મોટું નથી; આપણો અભિગમ એને તેવું બનાવે છે. કારકૂની મન વડે તમે કારકૂનનું કામ કરી શકો છો; તો તે કામ અને તેનો કરનાર બંને ક્ષૂદ્ર રહેશે. નાગરિકની ભાવનાથી કાર્યકર્તા બંને મહાન બનશે. એ જ રીતે દેશના નાનકડા ખૂણામાં કામ કરતો કોઈ શિક્ષક પોતાને નાનો પગારદાર નોકરિયાત માનશે તો પોતાની જાતને અજ્ઞાન અને મૂલ્ય વગરની વ્યક્તિ બનાવી દેશે. નાગરિકભાવના ખીલવીને, પોતાની જાતને રાષ્ટ્રનો ઘડવૈયો માનીને પોતાના કાર્યમાં મહત્ત્વ અને અર્થ પૂરે તો એ પોતાની જાતને ઊંચે લઈ જશે; કોઈ પગારદાર નોકરિયાત આ કાર્ય કદી કરી નહીં શકે. તમારા કાર્યને અને તમારી જાતને તમને ગમે તેટલી નીચી ઉતારવા તમે મુક્ત છો; બંનેને ઊંચે લઈ જવા પણ મુક્ત છો. આધાર અભિગમ પર છે, તમારી જીવન ફિલસુફી પર છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે મોટો માણસ નાનું કામ કરી તેને મોટું બનાવે છે અને નાનો માણસ મોટું કામ કરી તેને નાનું બનાવે છે! બધો આધાર આપણી પર જ છે. આપણા પોતાનામાં જ આપણે મહત્તા ખિલાવવાની છે; અને પછી આપણા કાર્યને એ મહત્તા આપવાની છે. એ ચારિત્ર્ય છે. વેદાન્ત એને જગતની શ્રેષ્ઠ શક્તિ માને છે.

શિક્ષકો : માત્ર ભણાવતાં જ નથી વિદ્યાર્થીઓને પ્રેરે પણ છે

શિક્ષકે પોતાની અંદર શક્તિ પેદા કરવાની છે અને એની પાસે આવતાં વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવાના કાર્યમાં એને કામે લગાડવાની છે. શિક્ષકે વિદ્યાર્થીને માત્ર શિખવવાનું જ નથી પણ તેમને પ્રેરણા પણ આપવાની છે; પોતાનાં વિદ્યાર્થીઓનાં જીવન અને ચારિત્ર્ય પર તેણે અસર કરવાની છે અને રાષ્ટ્રના જીવનપ્રવાહમાં ઉપયોગી નાગરિકો એ બની રહે તે માટેનાં વિચારો અને મૂલ્યોનું પ્રદાન પણ કરવાનું છે. શાળામાં તમારી પાસે હોય તે વર્ષોમાં જ તમારે આ કરવાનું છે.

આપણી લોકશાહીમાં સૌ સ્ત્રીપુરુષોને સમાન ગણવાની આવશ્કતા તમારે તેમને શિખવવાની છે, જ્ઞાતિના અલગતાવાદ અને અભિમાનને દૂર કરતાં, અસ્પૃશ્યતા, કોમ કોમના ભેદો અને શત્રુવટ દૂર કરતાં પણ શિખવવાનું છે. આપણું રાજ્યબંધારણ ઘોષિત કરે છે તે પ્રમાણે ‘વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એક્તા’નો પાઠ પણ આપવાનો છે.

આપણી ભિન્નતામાંથી સુગ્રથિત રાષ્ટ્રના વિકાસના સાધનરૂપ બનવા માટે પણ વિદ્યાર્થીઓને કેળવવાના છે. આપણા રાજ્ય બંધારણની ઉદાત્ત માનવતાવાદી ભાવનાઓનો પરિચય તેમને કરાવવાનો છે અને એ ભાવનાઓ સામાજિક-રાજકીય તત્ત્વોમાં પરિણમે તે માટેની ધગશ તેમનામાં આરોપવાની છે.

ચારિત્ર્ય ઘડતર થાય અને રાષ્ટ્રીય અભિગમનો વિકાસ થાય તે વયનાં તમારાં વિદ્યાર્થીઓ છે. આપણી નવી શિક્ષણનીતિનાં સાધન બની તમારાં વિદ્યાર્થીઓમાં ઉચ્ચ ચારિત્ર્યશક્તિ, વિશુદ્ધ રાષ્ટ્રીયચેતના, લોકશાહી માટેની દૃઢ વફાદારી અને અર્પિત સામાજિક જવાબદારીનું ભાન જાગ્રત કરવાના સાધનરૂપ તમારે થવાનું છે. અભ્યાસના બીજા વિષયોના અધ્યાપનના સંદર્ભમાં જ આ કરવાનું છે. શિક્ષકનું રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ અહીં જ વ્યક્ત થાય છે. શિક્ષકનું કાર્ય ઊગતી પેઢીનાં મનને ઘાટ આપવાનું છે. આ ઘાટ આપવાનું કાર્ય ભાવાત્મક હશે. વૈજ્ઞાનિક અને માનવતાવાદી વલણ અને મિજાજનો વિકાસ, આત્મનિયમન, બીજાં માટે લાગણી, પર્યાવરણ માટે જાગૃતિ અને ચિંતા, સહિષ્ણુતા પર જ લોકશાહી નભે છે તેવી દૃઢ માન્યતા, અને ‘માથું ભાંગવાની’ નહીં પણ ‘બુદ્ધિને ઢંઢોળવા’ની દૃઢ શ્રદ્ધાથી જ આ ભાવાત્મક ઘાટ આપી શકાય. આપણી લોકશાહીને સુદૃઢ કરવા માટે શિક્ષકોએ પોતાનાં વિદ્યાર્થીઓમાં ભિન્ન ભિન્ન મતને સહન કરવાની આપણી સાંસ્કૃતિક ભાવનાને અને ‘તમારી વાતનો હું સ્વીકાર કરતો નથી પણ તમારા એ ભિન્ન મતના અધિકાર માટે હું જાત પણ દેવા તૈયાર છું.’ – એ પ્રખ્યાત ફ્રેન્ચ ચિંતક વોલ્તેરના કથનનો પરિચય વિદ્યાર્થીઓને કરાવવો પડશે.

વર્ગોમાં તમારા વિદ્યાર્થીઓને આજે તમે જે કરશો તેની ઉપર પછીની પેઢી ભારતમાં શું કરશે તેનો આધાર રહેશે. શાળાઓમાંનાં આજનાં બાળકો આવતી સદીના આરંભમાં કામ કરતાં અને રાષ્ટ્રીય જવાબદારીઓ સંભાળતાં થઈ જશે. રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીનું અને જવાબદારીનું ભાન તમારે એમને આપવાનું છે. આપણા ભૂતકાળમાં જે કંઈ અભાવાત્મક અને નિર્બળતા પ્રેરક છે તેને તેમનાં મનમાંથી કાઢી નાખવા તમારે સહાય કરવાની છે. આપણા ભૂતકાલીન ઇતિહાસમાં કેટલીક બાબતો સારી છે તો કેટલીક ખરાબ પણ છે. ખરાબને દૂર કરીને સારી બાબતોને સુદૃઢ કરવાની છે. પોતાના રાષ્ટ્રીય વારસનાં આ બે પાસાં વચ્ચે વિવેક કરતાં વિદ્યાર્થીઓએ શીખવું જ જોઈએ. પ્રત્યેક સાંસ્કૃતિક વારસાનાં આવાં બે લક્ષણો હોય છે. ખરાબ છે તેને અવગણવાની શક્તિ આપવાનું કાર્ય શિક્ષણ જ કરી શકે છે. ભાવાત્મક લક્ષણોને ઓળખીને એમની જાળવણી કરીને, ભાવાત્મક લક્ષણોને પોતાના યોગદાન વડે સુદૃઢ કરીને ભાવિપેઢીને તે આપવા માટે આપણા યુવાનોને તૈયાર કરવાનું કામ શિક્ષણ જ કરી શકે.

વ્યક્તિમાંથી વિકસિત વ્યક્તિનો વિકાસ

ભારતના જુદા જુદા ભાગોમાં શિક્ષકોને હું અનેક વાર કહું છું કે તમે વર્ગખંડમાં પ્રવેશો ત્યારે વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ પર દૃષ્ટિપાત કરી પ્રસન્ન હાસ્ય વડે એમનું અભિવાદન કરો અને તમારી જાતને મનમાં જ પૂછો : ‘મારી સામે બેઠેલાં આ બાળકો કોણ છે? મારે અહીં શું કરવાનું છે?’ તમને આપોઆપ ઉત્તરો મળી જશે.

‘સમાજનાં ભિન્ન ભિન્ન સ્તરોમાંથી આવતાં આ બાળકો જ્ઞાનની ખોજ કરે છે; સદીઓથી એમને આ તક મળી ન હતી. આપણા સ્વતંત્ર દેશનું બંધારણ રાષ્ટ્રના દરેક બાળકને શિક્ષણનું અને સારા જીવનનું વચન આપે છે; અને આપણી રાજાશાહી વ્યવસ્થામાં જે અધિકાર કેવળ થોડાંક બાળકોને માટે જ આરક્ષિત હતો તેનો લાભ લેવા માટે તેઓ આવ્યાં છે અને કેટલાંક તો દૂરનાં ગામડાંઓમાંથી પણ ને હું એમને ઉત્તમ જ્ઞાન અને પ્રેરણા આપવા ઉપસ્થિત છું.’

આ અભિગમ સાથે તમે બોલવા માટે તમારું મોઢું ઉઘાડશો ત્યારે તમારી સમક્ષ બેઠેલાં બાળકોને તમારો પ્રત્યક્ષ શબ્દ પ્રેરણા આપશે. પછી તમે પણ શખ્સ મટી જઈને સ્વકેન્દ્રી પગારદાર નોકર કે ભાડૂતી માણસ મટી જઈને, સાચા કેળવણીકાર, પ્રબુદ્ધ નાગરિક અને પૂર્ણપુરુષ બની જશો.

(ક્રમશ:)

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.