એક દિવસ બપોર પછી ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના પ્રણામનો સમય પૂરો થયો. ભક્તો જઈ રહ્યા છે. પ્રણામનો સમય પૂરો થયા પછી મહારાજશ્રી બાજુના બગીચામાં ટહેલતા. એ દિવસે મહારાજશ્રી કોઈ અકળ કારણે ભીતરથી અત્યંત પ્રસન્ન હતા અને એમના મુખ પર એને લીધે દરરોજ કરતાં આજે વધારે હાસ્ય દેખાતું હતું. મહારાજના હાસ્ય પાછળનું કારણ પૂછતાં એમણે કહ્યું:
જુઓ, હમણાં હમણાં જ ભક્ત લોકો પ્રણામ કરીને ગયા. છેલ્લે એક મહિલા ભક્ત પોતાની નવવધૂને મહારાજશ્રીને પ્રણામ કરવા લઈ આવ્યાં. નવવધૂનો પરિચય કરાવતી વખતે એમણે વારંવાર કહ્યું: ‘મહારાજ, મારી વહુ બંગાળીમાં એમ.એ. થયેલાં છે; મહારાજે સાંભળ્યું ને, તે બંગાળી ભાષા સાથે એમ.એ. થયાં છે.’ જેમ તેમ કરીને એમને રાજી રાખીને વિદાય કર્યાં. એમના પ્રણામ વખતે બંગાળીમાં એમ.એ. વિશે મને એક વિનોદી વાત યાદ આવી, એ યાદ આવતાં મને આટલું બધું હસવું આવ્યું.
આમ કહીને મહારાજશ્રીએ મૂળવાત કરી :
એક યુવાન બંગાળીમાં એમ.એ. થયો હતો, પણ તે બેકાર હતો. ઘણા પ્રયત્ન કર્યાં છતાં તેને ક્યાંય નોકરી ન મળી. અંતે એક પક્ષીઘરમાં અસ્થાયી મદદનીશ તરીકે નોકરી મળી. મદદનીશ તરીકે એણે કાર્યાલયમાં એને જે કહેવામાં આવે એ બધું કામ કરવું પડતું. એ યુવાન પણ નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતો હતો અને ઉપરી અધિકારી એના પર રાજી થઈને એને કાયમી કરી દે એવી ઇચ્છા સેવતો. એક દિવસ સુપ્રિન્ટેન્ડેન્ટે એને બોલાવ્યો. એના કામના વખાણ કર્યા અને કહ્યું: ‘અત્યારે અમારે થોડી મુશ્કેલી છે. જો તું એમાં સહાયભૂત બને તો એ સમસ્યાનો ઉકેલ આવી શકે.’ યુવકે ખૂબ ખુશ થઈને કહ્યું: ‘ચિંતા ન કરો સાહેબ, તમે જે કહેશો એ કામ કરીશ.’ યુવકનો ભરોસાપૂર્વકનો પ્રત્યુત્તર સાંભળીને સુપ્રિન્ટેન્ડેન્ટે નીચે અવાજે કહ્યું : ‘જો ભાઈ, અમારો ચિમ્પાન્જી વાંદરો ઘણા દિવસથી મરી ગયો છે. એ પાંજરું ખાલી છે. તારે એક કામ કરવાનું છે. દરરોજ સવાર-સાંજ એક-એક કલાક એ પાંજરામાં ચિમ્પાન્જી જેવો પોશાક પહેરીને બેસવાનું છે.’ યુવક તો રાજી થઈ ગયો. કેટલાય દિવસ સુધી આમ ચાલતું રહ્યું. સુપ્રિન્ટેન્ડેન્ટ પોતે ચિમ્પાન્જીનું કાર્ય જોવા આવી પહોંચ્યા. ત્યાર પછી એક દિવસ એ યુવકને ઓફિસમાં બોલાવીને કહ્યું: ‘જો ભાઈ, તું આમ છાનોમાનો બેઠો રહે એ સારું નથી લાગતું. નાનાં બાળકો જે મોજમજા માણવા આવે છે એમને આનંદ આવતો નથી. વચ્ચે વચ્ચે તારે થોડું ડોલવું, હાલવું-ચાલવું અને હાવભાવ સાથે કૂદવું; આવું બધું કરવું. વળી કોઈ બાળક સિંગદાણા કે કોઈ ખાદ્ય પદાર્થ ફેંકે તો એને મોંમાં લઈને ખાઈ જજે. વચ્ચે વચ્ચે બાળકો તરફેય આવા પદાર્થો ફેંકવા. તો જ એ બધાંને આનંદ આવે અને ખુશખુશ થઈ જાય.’ યુવકે ભરોસો આપતાં કહ્યું: ‘સાહેબ, બરાબર એમ જ થશે.’
સુપ્રિન્ટેન્ડેન્ટના કહ્યા પ્રમાણે પેલો યુવક ચિમ્પાન્જીના પાંજરામાં વાનર-નખરા કરીને રહેવા લાગ્યો. ઘણા મુલાકાતીઓ પણ આવવા માંડ્યા. ઉપરી અધિકારી પણ રાજી હતો. એક દિવસ એવું બન્યું કે આ નવા ચિમ્પાન્જીનો જુસ્સો કંઈક વધી ગયો. પાંજરાની ઉપરના લાકડાને પકડીને આમ-તેમ ઉછળકૂદ કરવાની રમત રમતો હતો. એકાએક લાકડા પરથી હાથ છટક્યો અને બાજુના પાંજરામાં ખાબક્યો, એ પાંજરું હતું વાઘનું. વાઘ તો ઘૂરકતો ઘૂરકતો આગળ આવતો હતો. આ બાજુ આ યુવક-ચિમ્પાન્જીના રામ રમવાની તૈયારી હતી. ભયમાંને ભયમાં તે જડ જેવો બની ગયો. લાકડાની જેમ એનું મોં સૂકાઈ ગયું, જીવ બચાવવા વાઘના પાંજરાની ચારેતરફ આમ તેમ દોડતો હતો. એવામાં તે એક ખૂણામાં આવી ચડ્યો અને વાઘેય ત્યાં પહોંચી ગયો. વાઘે એને ધીમે અવાજે સાંત્વના આપતાં કહ્યું: ‘ભાઈ, તું ચિંતા ન કર. હુંયે બંગાળીમાં એમ.એ. થયો છું!’
Your Content Goes Here




