(સોમસાર શ્રીરામકૃષ્ણ સેવા મંદિર, બાંકુડા દ્વારા બંગાળીમાં પ્રકાશિત અને સ્વામી ઋતાનંદજી દ્વારા સંકલિત ‘શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજેર રસબોધ’માંથી થોડા અંશો વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
એક અનુષ્ઠાન વખતે પરમાધ્યક્ષ પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ અને ઉપાધ્યક્ષ ભૂતેશાનંદજી મહારાજ સાથે હતા. માઈક દ્વારા વારંવાર આવી ઘોષણા થતી રહે છે: ‘આજના શુભ પ્રસંગે આપણી વચ્ચે રામકૃષ્ણ મઠ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ અને ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત છે.’ ઉદ્ઘોષક દ્વારા ‘વીરેશ્વરાનંદજી અને ભૂતેશ્વરાનંદજી’ એવા નામોચ્ચારની અનેકવાર ઘોષણા થઈ. આ ઉદ્ઘોષણા સાંભળીને કુતૂહલપૂર્વક શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે પોતાનું મુખ ડાબી બાજુએ બેઠેલા શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ તરફ કર્યું અને પછી એમના કાનમાં કહ્યું: ‘સાંભળ્યું ને મહાશય, આજના આ પ્રસંગે આપણી વચ્ચે રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ અને ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત છે.’ એ સાંભળીને શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે કહ્યું: ‘આ માટે તો આપ જ જવાબદાર છો.’ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે જિજ્ઞાસા સાથે પૂછ્યું: ‘એટલે તમે શું કહેવા માગો છો?’ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે કહ્યું: ‘એમના મનમાં એવું છે કે પરમાધ્યક્ષ ‘વીરેશ્વર’ હોય તો ઉપાધ્યક્ષ ‘ભૂતેશ્વર’ જ હોય.’ આ વાત પૂરી થતાં જ બંને વરિષ્ઠ સંન્યાસીઓના મુખ પર શિશુસહજ હાસ્ય તરવા લાગ્યું.
* * *
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ બેલૂર મઠમાં હતા. સવારે મંદિરમાં પ્રણામ કરીને તેઓ ટહેલતા હતા. એમની સાથે અમે લોકો (સેવકો) પણ હતા.
એકવાર ટહેલતાં ટહેલતાં મિશનની નવી ઓફિસ સામે આવીને મહારાજશ્રી એકાએક ઊભા રહ્યા. ત્યાં રસ્તાની બંને બાજુએ સાલનાં મોટાં વૃક્ષો હતાં. આ વૃક્ષ પર એક પક્ષી બેસીને ‘ઠકર, ઠકર, ઠક’ એવો અવાજ કરતો. મહારાજે પૂછ્યું: ‘આ પક્ષી શું કહે છે, કહો તો?’ અમે શું બોલીએ? અમે તો ચૂપ જ રહ્યા.
એમણે પછી કહ્યું: ‘એક મજાની વાત સાંભળો.’ ચાલતાં ચાલતાં વાત આગળ વધી: ‘આવી રીતે એક વખત ચાર માણસો એક વૃક્ષ નીચે બેઠા હતા. ત્યારે અચાનક એક પક્ષીના ઠકર, ઠકર, ઠક એવા શબ્દો સાંભળીને પરસ્પર પૂછવા લાગ્યા: ‘આ પક્ષી શું કહેતું હશે?’ પહેલો તો હતો પહેલવાન. તેણે કહ્યું: ‘દંડ-બેઠક-કસરત, એવું કહે છે.’ બીજો બોલી ઊઠ્યો: ‘ચોખા, મીઠું, આદું – ચોખા, મીઠું, આદું’ એ હતો વેપારી. ત્રીજાએ ઊમેર્યું: ‘ના ના, એવું નથી; તે કહે છે – રામ, લક્ષ્મણ, દશરથ’ એ હતો રામાનંદી સાધુ. ચોથો માણસ મૌલવી હતો. એમણે હસતાં હસતાં કહ્યું: ‘વો સબ ગલત. પક્ષી તો કહે છે – યહી ખુદા કી કુદરત, યહી ખુદા કી કુદરત.’
આ વાર્તા પૂરી કર્યા પછી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે કહ્યું: ‘જુઓ, આવી જ વાત શ્રીઠાકુરે કરી છે – આંધળાનું હાથીદર્શન.’ જેમના મનમાં જેવો ભાવ હોય તેને ધ્યાનમાં રાખીને જ જે તે વ્યક્તિ એ શબ્દનો અર્થ તારવે છે – ચિદાકાશે જેને જે સ્ફૂરે તે કહે.’ આવી એક સામાન્ય પક્ષીના અવાજની વાત પરથી અમને તેઓ શ્રીઠાકુર સુધી લઈ ગયા.
Your Content Goes Here




