(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલ હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક જીવન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)
આધ્યાત્મિક પરિવર્તન
યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના ઉપવનમાં એક વૃક્ષ નીચે પોતાના વિચારોમાં મગ્ન બનીને બેઠા હતા. મધ્યરાત્રીના અંધકારમાં સમગ્ર વિશ્વમાં નીરવતા અને શાંતિ છવાઈ ગયાં હતાં. રંગમહેલની નૃત્યાંગનાઓનાં હસવા અને મજાકના કોલાહલથી કંટાળીને પોતાનો ભોજન ખંડ છોડીને થોડીવાર પહેલાં જ તેઓ અહીં આવ્યા હતા. એક તીવ્ર અસંતોષ અને ઊંડે ઊંડે સરી જતું ખાલીપણું એની ભીતર વધતું અને વધતું જ જતું હતું. અચાનક એમને કાને કેટલીક વિચિત્ર વાણીઓ પડી. એમણે સાંભળ્યું તો આકાશમાં કેટલાક દેવતાઓ સમૂહગાન કરી રહ્યા હતા:
‘ચાહું છું હું જોડાવા, પણ ક્યાં જોડાઉં? કોણ જાણે ક્યાંથી આવીને ક્યાં વહી રહ્યો છું હું. વારંવાર આવતો રહું છું અને ન જાણે કેટલું હસું છું અને કેટલું બધું રડું છું પણ ખરો. હું ક્યાં જઈ રહ્યો છું, એ જ વિચાર મારા મનમાં સદા રહ્યા કરે છે… અરે, ઊંઘનારા, ઊંઘમાંથી જાગો, વળી પાછા ક્યાંક સૂઈ ન જતા.’
કુમાર સિદ્ધાર્થ ઊભા થયા. પોતાનાં પત્ની અને સંતાન તરફ અંતિમવાર નજર નાખી અને પછી પોતાની ઐતિહાસિક યાત્રાએ નીકળી પડ્યા. એણે જ અંતે એમને બુદ્ધ કે તથાગત બનાવી દીધા.
આધ્યાત્મિક પથ સ્વીકારનારા એક માત્ર બુદ્ધ જ ન હતા. કઠોપનિષદ (૧.૩.૧૪)માં કહેવાયું છે : ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’ – ‘ઊઠો, જાગો અને મહાન આચાર્યોના ઉપદેશોનું અનુસરણ કરીને સત્યનો સાક્ષાત્કાર કરો.’ વસ્તુત: અતિ પ્રાચીનકાળથી જ ભગવાન મહાન શાસ્ત્રોના માધ્યમ દ્વારા માનવને પોતાનો બોજો પોતે જ ઉપાડીને એની પાછળ પાછળ આવવાનું આહ્વાન કરતા હોય છે. વળી આ આહ્વાનને સાંભળીને પૂર્વ અને પશ્ચિમના દેશોમાં હજારો લોકોએ પોતાના જીવનમાં સર્વસ્વનો ત્યાગ કરીને અતિચેતન રાજ્યની આ યાત્રાને સ્વીકારી છે. સામાન્ય લોકો માટે આ સંસાર અને એનાં સુખ ઘણું મહત્ત્વ ધરાવે છે. આમ છતાં પણ એવા લોકો પણ છે કે જે નિત્ય અને અનંત (પરમાત્મા) માટે તલસતા રહે છે. સ્વામી વિવેકાનંદના સત્ય માટે અથાક પ્રયાસ અને સંઘર્ષનો વિચાર કરી જુઓ. તેઓ અસાધારણ રીતે પવિત્ર, શક્તિસંપન્ન, સુંદર, બુદ્ધિમાન, પ્રતિભાશાળી હતા. પોતાના સાંસારિક જીવનમાં એમણે ધાર્યું હોત તો જીવનના કોઈ પણ ઉત્કૃષ્ટ સ્થાને પહોંચી શક્યા હોત. એમને સાંસારિક જીવન તરફ ખેંચવા પોતાના પરિવારની દરિદ્રતા અને અસહાયતા પણ પ્રબળ કારણ બની શકે તેમ હતું. પરંતુ એમણે આ બધાં પ્રલોભનો હોવા છતાં ત્યાગ અને સેવાનો પથ પસંદ કર્યો.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય તો અવશ્ય આવે છે કે જ્યારે તે આધ્યાત્મિક લક્ષ્ય પ્રત્યે આકર્ષાય છે. આવું આમંત્રણ પ્રાપ્ત થતાં એને એ વ્યક્તિ સાંભળ્યા વગર રહી શકતી નથી. એ વખતે સંસારની કોઈ પણ ચીજવસ્તુ એને સંતોષી શકતી નથી. સાથે ને સાથે એ ઉચ્ચતર આહ્વાનનું અનુસરણ કર્યા વિના તે ક્યારેય શાંતિ પામી શકતો નથી. આ આંતરિક જાગરણ તથા ઉચ્ચતર આદર્શનું અનુસરણ કરવાની અપરિહાર્ય પ્રેરણા આધ્યાત્મિક જીવનના શુભારંભનાં દ્યોતક છે. ત્યાર પછી આધ્યાત્મિક લક્ષ્ય સાધકને આખા જીવનમાં આકર્ષિત કરતું રહે છે અને એની સ્મૃતિ વારંવાર ઉદિત થતી રહે છે. સાંસારિક લક્ષ્યોના સ્થાને આધ્યાત્મિક લક્ષ્યને સ્વીકાર કરવાનું પરિવર્તન એટલે ‘ઈશ્વરોન્મુખતા’. એનાથી આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે. કેટલાક લોકોમાં આ ‘પરિવર્તન’ અચાનક થાય છે અને કેટલાકમાં એનો ક્રમિક વિકાસ થાય છે.
કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળે આવી સાચી ઈશ્વરોન્મુખતા થોડાક જ લોકોમાં જાગે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો પણ સાચું આધ્યાત્મિક જીવન પસંદગીના કેટલાક અલ્પ લોકો માટે જ હોય છે. સામૂહિક આધ્યાત્મિકતાનો આદર્શ ભલે ઘણો મજાનો અને સુંદર હોય પણ એ ક્યારેય સંભવ નથી. ભગવદ્ ગીતા (૭.૩)માં કહેવામાં આવ્યું છે કે હજારો લોકોમાંથી કેવળ થોડાક જ લોકો આધ્યાત્મિક જીવન અંગીકાર કરે છે. અને એમાંથી માત્ર ગણીગાઠી વ્યક્તિ જ અતિચેતન અનુભૂતિ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. પરંતુ આપણા માંથી દરેકે આટલું તો વિચારવું જોઈએ કે આપણે એ પસંદગી પામેલ અલ્પસંખ્યક માનવ છીએ અને એટલે ઉચ્ચતમ આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.
આધ્યાત્મિક સ્પૃહા એક દુર્લભ સૌભાગ્ય
ધર્મજીવનમાં પણ એક પ્રકારનું અભિજાત તંત્ર એટલે રઈશશાહી હોય છે. મહાન સંત અને ઋષિ તેમજ બધા ધર્મોના સિદ્ધ મહાપુરુષોનો એક વિશિષ્ટ વર્ગ હોય છે. પરંતુ સાંસારિક રઈશોથી વિપરીત આ આધ્યાત્મિક રઈશ પોતાની આ દિવ્ય સંપત્તિનું વિતરણ બીજામાં કરવાના સદ્ હેતુ માટે સદૈવ તત્પર રહે છે. તેઓ જેનો સ્વયં ઉપભોગ કરે છે તેને બીજાને આપવામાં કેવળ પ્રસન્નતા જ અનુભવે છે. પરંતુ દુ:ખની વાત તો એ છે કે ઘણી ઓછી સંખ્યામાં લોકો આધ્યાત્મિક જીવનની મહાન સંપત્તિના ઇચ્છુક હોય છે. મોટા ભાગના લોકો અધ્યાત્મ-પ્રાસાદની સુખકર ઉષ્ણતાનો આનંદ લેવાને બદલે સંસાર રૂપી ભૂંડના માદણામાં લોટવાનું વધારે પસંદ કરે છે. ઘોડાને પાણીની નજીક લાવી શકાય છે, પણ જો એ પાણી પીવા ન ઇચ્છે તો એને પાણી પીવડાવી શકાતું નથી. એટલે કેટલા લોકો આધ્યાત્મિક પથ પર ચાલી રહ્યા છે એવું ચોતરફ જોવાની આવશ્યકતા નથી. જો તમને ઉચ્ચ આદર્શ આકર્ષિત કરે, જો તેનું આહ્વાન તમે અનુભવી શકો, તો એને સ્વીકારી લો અને એની શરતો પણ પૂરી કરી દો. જો બીજા એ આહ્વાનને સાંભળ્યું ન સાંભળ્યું કરે તો એમના માટે તમે વધારે કંઈ કરી ન શકો. આધ્યાત્મિક જીવનમાં બીજાથી અલગ એવો માર્ગ સ્વીકાર કરવો અનિવાર્ય બને છે. શંકરાચાર્યે વિવેકચૂડામણિ (૩) માં કહ્યું છે:
‘દુર્લભં ત્રયમેવૈતદ્દેવાનુગ્રહહેતુકમ્ ।
મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રય: ॥’
એટલે કે મનુષ્યજન્મ, મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો સંશ્રય આ ત્રણેય દુર્લભ છે તેમજ ભગવાનની કૃપાથી જ એ પ્રાપ્ત થાય છે. પરંતુ આ ત્રણ દુર્લભ વસ્તુની પ્રાપ્તિ પણ પૂરતી નથી. એના દ્વારા લાભાન્વિત થવા આપણે તત્પર બનવું જોઈએ. તેમજ આધ્યાત્મિક જીવન માટે સર્વસ્વ ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઈ પણ મૂલ્ય ચૂકવવાની તથા ગમે તેવી મુશ્કેલી કે કઠણાઈનો સામનો કરવાની તત્પરતા હોવી જોઈએ.
જો કોઈ પણ કારણે આપણું મન ઉચ્ચતર તથા ચિરંતન તત્ત્વો પ્રત્યે આકર્ષાય તો એને આપણે પોતાનું મોટું સદ્ભાગ્ય માનવું જોઈએ. સાથે ને સાથે એ વાતનું પણ ધ્યાન રહેવું જોઈએ કે આપણે લક્ષ્ય પ્રાપ્તિ સુધી ઉચ્ચતર પથે ધીરસ્થિર ભાવે અને અથક્ પ્રગતિ કરતા રહીએ. આધ્યાત્મિક ઉત્સાહ જાળવી રાખવો જોઈએ. પરંતુ આપણે શિથિલ બની જઈએ એવો ભય સદૈવ રહે છે. એટલે જ આધ્યાત્મિક જીવનનો સ્વીકાર કર્યા પછી થોડા સમય બાદ મોટા ભાગના લોકો પોતાના આધ્યાત્મિક પ્રયાસો બંધ કરી દે છે. મનની અતિ અધિક ચંચળતા અને બહિર્મુખતાને કારણે તેઓ વધારે સમય સુધી આધ્યાત્મિક ઉત્સાહ અને તીવ્રતા જાળવી શકતા નથી અને નિષ્ઠાપૂર્વકની લગની સાથે સાધના અને સ્વાધ્યાય પણ કરતા નથી. એટલે જ આપણે સાવધાન રહેવું પડે. આધ્યાત્મિક જીવન માટે દૃઢ નિષ્ઠા એક માત્ર આવશ્યક વસ્તુ છે. નિરુત્સાહિત થયા વિના કે પ્રયાસમાં જરાય ઢીલ દીધા વિના ઘણી મોટી લગની અને અતૂટ દૃઢતા દ્વારા જ પ્રગતિ સંભવ બને. વર્ડઝવર્થ પોતાની એક પ્રસિદ્ધ કવિતા (ગોડ ઓન ધ ઇન્ટિમેશન્સ ઓફ ઇમ્પોર્ટન્સ)માં કહે છે: ‘આપણો જન્મ નિદ્રા અને વિસ્મૃતિ માત્ર છે.’ બીજા એક કાવ્ય (ધ વર્લ્ડ ઈઝ ટૂ મચ વિથ અસ)માં તેઓ આમ કહે છે : ‘સંસાર આપણી સાથે વધારે પ્રમાણમાં જોડાયેલો છે; પહેલાં અને ત્યાર પછી પામીને અને ગુમાવીને આપણે આપણી પોતાની શક્તિઓનો ક્ષય કરીએ છીએ.’ આવી રીતે આપણે આખું જીવન નિરર્થક વેડફી દેવું ન જોઈએ.
સંસારમાં ચિરશાંતિ સંભવ નથી
કેટલીકવાર જ્યારે આપણને કોઈ વસ્તુ મળે છે ત્યારે આપણને સમજાય છે કે આપણે એને ક્યારેય ઇચ્છતા ન હતા. આપણને એની લાલસા ભલે રહી હોય પણ એ મળતાં જ એ સમયે વસ્તુત: આપણે એવું અનુભવીએ છીએ કે એ માટેની ઇચ્છા પૂર્ણ થઈ ગઈ છે અને એનું સ્થાન કોઈ બીજી ઇચ્છાએ લઈ લીધું છે. ઘણા લોકો પોતાની અભિલાષાઓના સ્વરૂપને પૂરેપૂરું ન સમજવાને લીધે એને સાંસારિક દિશામાં વાળી દે છે. જ્યારે વાસ્તવિકતા તો એ છે કે માનવની કોઈ પણ અભિલાષા કે લાલસા કોઈ પણ અનિત્ય અને પરિવર્તનશીલ વસ્તુ દ્વારા પૂર્ણ થઈ શકતી નથી; પછી ભલેને લોકો એ વિશે પોતાની જાતને ગમે તેટલું છેતરવાનો પ્રયત્ન કરતો રહે. જૂનું ખાલીપણું ફરી ફરીને અને તે પણ પહેલાં કરતાં વધારે ભયાનક અને નિષ્ઠુર રૂપે એમની સાથે જોડાયેલ રહે છે, એનો પીછો કરતું રહે છે. લોકો બાહ્ય પદાર્થોમાં, સ્ત્રી અને પુરુષનાં ભૌતિક રૂપોમાં સુખ શોધતા હોય છે. પરંતુ સાચું સુખ તો આપણી ભીતર જ રહેલું છે. એ તો આપણી પરંપરાગત મૂડી છે. જેને આપણે અલગ કરી શકતા નથી. બાહ્ય પદાર્થ ક્યારેય વાસ્તવિક સુખ આપી શકતા નથી. જે થોડું ઘણું સુખ એના દ્વારા આપણને મળે છે તે અલ્પ સમયમાં નાશ પામે છે. આપણે આપણા પોતાના સમગ્ર જીવનકાળ પર દૃષ્ટિ રાખવાને બદલે કાળના એક અંશ વિશેષ પર જ નજર માંડી રાખવાની ભૂલ કરતા રહીએ છીએ. આ વાતમાં કોઈ શંકા નથી કે સાંસારિક સંબંધોમાં, માનવીય પ્રેમ અને માનવીય સ્નેહમાં અસ્થાયી સુખ છે. પરંતુ આ અસ્થાયી સુખ ક્યારેય સાચું સુખ બની ન શકે. એટલું જ નહિ, પણ એ તો એનાથી બરાબર ઊલટું જ છે. સાચું સુખ અંતરાત્માનું નૈસર્ગિક સ્વરૂપ છે. આપણને એ પોતાના સ્વરૂપને જાણવાની, પોતાના વાસ્તવિક આત્માને ઓળખવાની ઇચ્છા થવી જોઈએ. આત્મસાક્ષાત્કારમાં જ સાચો આનંદ રહેલો છે.
આત્મા પરમાત્માનો અંશ છે અને તેનાથી અભિન્ન પણ છે. આમ છતાં પણ ભક્ત પોતાના આત્માના કરતાં પરમાત્માને વધુ મહત્ત્વ આપે છે. એકમાત્ર પરમાત્માને જ સમગ્ર શાંતિ અને આનંદનું નિધાન માને છે. આપણે ભીતર ડોકિયું કરીને એમને પોતાના હૃદયમાં સ્થાપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણો દેહ ભગવાનનું જીવંત મંદિર છે. બધાં શાસ્ત્રોમાં આ માન્યતા પર વારંવાર ભાર દેવામાં આવ્યો છે. આમ છતાં પણ મહાન અવતાર તેમજ ઋષિગણ ભગવાનનાં સર્વશ્રેષ્ઠ મંદિર છે એટલે જ એમનો પ્રભાવ સર્વાધિક પડે છે. જે લોકોએ પોતાના આત્મામાં સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેઓ જ બીજાને સાક્ષાત્કારનો પથ શીખવી શકે છે. પરમાત્મા સદૈવ આપણા અંત:કરણના આપણા વ્યક્તિત્વના પાશ્ર્વમાં વિદ્યમાન છે. સાથે ને સાથે આંતરિકભાવે પ્રાર્થના કરવાથી જ પ્રાર્થના સાંભળી શકાય છે, નહિ તો નહિ. પ્રાર્થના કરતી વખતે ક્યારેય સાંસારિક સુખની વાત વિચારવી ન જોઈએ. સામાન્ય રીતે જેને સુખ સમજીએ છીએ તે આધ્યાત્મિક જીવનનો માપદંડ, આધ્યાત્મિક પ્રગતિ કે અનુભૂતિનું પ્રમાણ ક્યારેય ગણી ન શકાય. આધ્યાત્મિક આનંદ ભિન્ન પ્રકારનો હોય છે. તે પરમાત્માની ‘શાંતિ છે જે બુદ્ધિથી પર છે’. (બાઈબલ – ફિલીપિયન્સ, ૪.૭)
ભગવાન પાસે સાંસારિક વસ્તુઓની યાચના ન કરવી જોઈએ. માની લો કે તેઓ એ બધું આપી પણ દે, પણ ભૌતિક વસ્તુઓની સાથે સમસ્યાઓ પણ આવી શકે છે. આ મહાન વરદાતાની સમીપ જઈને વ્યક્તિગત ઇચ્છાઓ કે કામનાઓ સંબંધી સાંસારિક વસ્તુઓ ક્યારેય માગવી ન જોઈએ. આપણે ભગવાનની સમીપ કેવળ ભૌતિક પદાર્થોના મોહથી બચવા તથા સંસાર સાગરમાં ડૂબી જવાના ભયમાંથી આપણી પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી શકીએ છીએ. સામાન્યત: જ્યારે આપણે દુ:ખી થઈએ છીએ ત્યારે પોતાની જીવનપદ્ધતિને પરિવર્તિત કરીને સત્ય અને આનંદ સ્વરૂપ પરમાત્મા તરફ જવાને બદલે પોતાની વાસનાઓ અને મનોરાજ્યની સાથે વળગી રહીએ છીએ અને પોતાના દુ:ખ સાથે મન-મનામણાં કરી લઈએ છીએ. આપણે એટલા બધા દેહમાં આસક્ત થઈએ છીએ કે દેહસુખને અન્ય બીજી બધી બાબતો કરતાં વધારે મહત્ત્વ આપી બેસીએ છીએ અને એને ત્યજવા માટે તૈયાર જ નથી. એટલું જ નહિ, પુન: પુન: ઘાત-પ્રતિઘાત આવવા છતાં પણ આપણે એનાં વિભિન્ન રૂપોને હઠપૂર્વક પકડી રાખીએ છીએ. અવિદ્યા કે માયા આવી મહાન શક્તિ છે.
જગન્માતા કે જગત્પિતા આપણાં જેવાં બાળકોનો ખેલ જોતાં રહે છે. રમકડાં અને બાળકવેડાથી બાળક જ્યારે કંટાળી જાય છે ત્યારે ભગવાન વસ્તુત: એની પાસે આવીને માયાના લીલાક્ષેત્રથી તેને દૂર લઈ જાય છે. બાળકો મીઠાઈ, ઢીંગલા-ઢીંગલી, રમકડાના સિપાઈ કે ઘર-મોટરથી રમે છે. જ્યારે તેઓ એ બધાંથી કંટાળીને પૂરેપૂરી અનાસક્તિપૂર્વક એમાંથી પોતાનું મન વાળી ન લે ત્યાં સુધી ભગવાન કંઈ ન કરી શકે. ભગવાનને આ બધું ઘણું રોચક લાગે છે અને વળી એક દિવસ બાળક થોડું મોટું થઈને આમેય બોલી ઊઠવાનું – ‘અરે, મેં આખું જીવન કર્યું શું?’ ભગવાન પણ કહે છે – ‘હા દીકરા, તેં આખું જીવન કર્યું શું? તને આમ કરવાનું કોણે કહ્યું હતું? આ રીતે મૂર્ખતાપૂર્વક અનિશ્ચિત સમય સુધી રમતા રહેવાનું તને કોણે કહ્યું હતું? આ રમકડાંમાં ફસાવાનું અને એનો આઘાત સહન કરવાનું તને કોણે કીધું હતું? આ બધું કોણે કર્યું?’ અને આ બધું થાય ત્યારે મોટા ભાગના લોકો માટે ઘણું મોડું થઈ ગયું હોય છે. સાથે ને સાથે બાળક રૂપી માનવ પોતાના પડીને પાધર થયેલ જીવનનાં ખંડેરોમાં બેસીને વિલાપ કરતો રહે છે.
સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો
આપણને સૌને સ્વસ્થ અને શ્રેષ્ઠતર પથના સ્વીકાર માટેની તક મળી છે. આમ છતાં પણ આપણે પોતાનાં વિશિષ્ટ રમકડાં સાથે વળગી રહીએ છીએ અને એને છોડતાં નથી. એટલે જ આપણે દુ:ખ ભોગવવું પડે છે અને જ્યાં સુધી જીવન દ્વારા વારંવાર અસંખ્ય ઉપાયોથી શીખવવામાં આવતા બોધપાઠને શીખીને બુદ્ધિપૂર્વક આચરણ કરવા માંડતા નથી ત્યાં સુધી કષ્ટ ભોગવતાં રહીએ છીએ. મોટા ભાગના લોકો જેવી રીતે પોતાની સાંસારિક કામનાઓ અને લક્ષ્યોને મેળવવા પ્રયત્ન કરે છે તેવી રીતે આપણે આધ્યાત્મિક જીવન અને સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ મોટા ભાગના લોકો આવું કરતા નથી. આ બધું આપણી એ ઇચ્છા પર આધારિત છે કે આપણે આધ્યાત્મિક જીવનનો સ્વીકાર કરવો છે કે સાંસારિક જીવનનો; ભય અને પરાધીનતાનું જીવન જીવવું છે કે નિર્ભયતા અને સ્વાધીનતાનું.
આપણે એવી કોઈ ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ કે જે અપરિવર્તનશીલ કે અક્ષર હોય. પરંતુ પ્રાય: આપણે જાણી જોઈને તથા સ્વેચ્છાપૂર્વક અવિદ્યાનો પથ પસંદ કરીએ છીએ. એનું કારણ એ છે કે આપણે પોતાના ભૌતિક તેમજ ભાવનાત્મક ભોગોની કલ્પનાના રાજ્યમાં વળગેલા રહીએ છીએ. આ બધાને હમણાં કે પછી બાધ્ય બનીને છોડવા પડે. આપણે બધાને એક દિવસ પોતાની આ પકડને ઢીલી કરવી પડશે. જો આપણે આ બધું સ્વેચ્છાએ ન કરીએ તો એ બધાં રમકડાં આપણી પાસેથી છીનવી લેવામાં આવશે અને એ બધું તો અત્યંત કષ્ટકર દુ:ખદાયી અને કેટલાક લોકો માટે હૃદયવિદારક બની જશે. મોટા ભાગના લોકો માટે બોધપાઠ શીખવાનો આ એક માત્ર ઉપાય છે, પરંતુ તે ઘણું દુ:ખદાયી છે અને એમાં કેટલાય જન્મ વહી જાય છે. એટલે જ આપણે સચેત બનીને, જાણી સમજીને તેમજ ઉદ્દેશ્ય સાથે સમર્પિત બુદ્ધિ દ્વારા એકનિષ્ઠ આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ. આપણી ઇચ્છાશક્તિને જીવનની ઉચ્ચ કે નિમ્ન દિશાઓમાં આપણે જેમ ઇચ્છીએ તેમ પ્રવાહિત કરી શકાય છે.
Your Content Goes Here




