(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)
(ગતાંકથી આગળ)
નાના માસ્ટર-ત્રિલોચન (૧૯૧૩-૧૪)
શરૂઆતમાં ફક્ત સંન્યાસ જીવન વિશે જ લખવાનું વિચાર્યું હતું, પરંતુ વચ્ચે અન્ય બાબતો વિશે લખ્યા વગર રહી શકતો નથી. મારા જીવનની સાથે આ બધી ઘટનાઓ એટલી બધી જોડાયેલી છે કે તેમનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક લાગે છે.
એક વ્યક્તિ વિશે ન લખું તો મારા સંન્યાસ જીવનની બધી વાતો અપૂર્ણ રહી જશે—આ છે નાના માસ્ટર-ત્રિલોચન. તેઓ મારા પ્રિય મિત્ર ગૌરના નાનાં ભાઈ-બહેનોના શિક્ષક હતા. જે દિવસે તેમણે ભણાવવાનું શરૂ કર્યું, તે જ દિવસે તેમની સાથે મારી ઓળખાણ થઈ. પાછળથી તેઓ બન્ને ભાઈઓ મારા ઘરના નીચેના ઓરડામાં ભાડુઆત તરીકે રહેવા લાગ્યા ત્યારે મારો તેમની સાથેનો પરિચય વધુ પ્રગાઢ બન્યો. વળી, માના સંબંધને કારણે પણ તેમની સાથેનો સંબંધ દૃઢ બન્યો હતો.
માસ્ટર મોટા ભાગનો સમય ઘરમાં જ વિતાવતા – ખાતા-પીતા અને કામ કરતા. હું પણ મારો અધિકાંશ સમય તેમની સાથે વિતાવતો. આ રીતે અમારા બંને વચ્ચે ઘણી વખત સમાજ, ધર્મ, રાજનીતિ જેવા વિવિધ વિષયો ઉપર ચર્ચા થતી. ક્યારેક ક્યારેક બન્ને સાથે ફરવા પણ જતા.
આ જ રીતે ફરતાં ફરતાં અમે બન્ને એક વખત કોલેજ સ્ક્વેર ગયા હતા. ઘણા ગંભીર વિષયો જેવા કે ઈશ્વરનું અસ્તિત્વ, તેમને જોઈ શકાય કે નહીં, ધાર્મિક જીવનનું મહત્ત્વ, મહાપુરુષોનું જીવન વગેરે વિશે ચર્ચા કરતાં કરતાં સંધ્યા થઈ ગઈ. મેં કહ્યું, ‘ચાલો, કૃષ્ણદાસ પાલની મૂર્તિ તરફ જઈને આગળ ચાલીએ, જૂનાં પુસ્તકોને જોવાની ઇચ્છા છે.’ ફૂટપાથ ઉપર બેઠેલા પુસ્તકોના વિક્રેતા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ‘બે-બે પૈસા’ કહીને બૂમો પાડી રહ્યા હતા.
અમે પણ ત્યાં ગયા. જૂનાં પુસ્તકોના ઢગલાને ઉથલાવતાં એક નાની પુસ્તિકા મળી, જેમાં બાબા પ્રેમાનંદ ભારતીના ફોટો સાથે તેમનાં ભાષણોનું સંકલન હતું. તેને ખરીદીને પરત જઈ, માસ્ટરના ઓરડામાં બેસીને વાંચવાનું શરૂ કર્યું. તેમાં કૃષ્ણ-ભક્તિ, ધ્યાન વગેરે વિષયો ઉપર તેમણે જાપાન અને અમેરિકામાં આપેલાં ભાષણો હતાં. ખૂબ સુંદર હતાં. અમે જે વિષયો અંગે વિચારી રહ્યા હતા, તે બધા ઉપરનું લખાણ તેમાં હતું. આ જાણે ભગવાનનું દાન હતું.
અહીં એ ઉલ્લેખ કરવો ઉચિત છે કે મેં શ્રીરામકૃષ્ણ તથા સ્વામી વિવેકાનંદ વિશે સાંભળેલું હતું, એક-બે પુસ્તકો પણ વાંચ્યાં હતાં. ક્યારેક ક્યારેક મઠમાં પણ જતો હતો. આ ઈ.સ. ૧૯૧૨-૧૩ની વાત છે, જો કે માસ્ટર તો ક્યારેય મઠમાં ગયા ન હતા કે ન તો તેમણે રામકૃષ્ણ સંઘનાં કોઈ પુસ્તકો વાંચ્યાં હતાં. તે નાના પુસ્તકમાં મૂર્તિ-ધ્યાનની વાત વાંચ્યા પછી માસ્ટર શ્રીરામકૃષ્ણનું એક રંગીન ચિત્ર ખરીદી લાવ્યા.
આ પછી અમે રોજ સંધ્યા સમયે ધૂપ-ધૂણી સળગાવીને ધ્યાન અને કીર્તન કરવાનું શરૂ કર્યું. સવારે પણ જપ-ધ્યાન કરતા. મોટા માસ્ટરે શરૂઆતમાં અમને સાથ ન આપ્યો, પરંતુ તેઓ રોજ માળા કરતા હતા. ત્યારબાદ તેઓ તથા એક અન્ય ભક્ત પણ અમારી સાથે જપ-ધ્યાન અને કીર્તન કરવા લાગ્યા. થોડા દિવસોમાં જ અમારાં સંધ્યા-પૂજા અને કીર્તન ખૂબ સરસ રીતે ચાલવા લાગ્યાં. ગરમીના દિવસોમાં પણ ઓરડાનાં બારી-દરવાજા બંધ કરીને, ધૂપ-ધૂણી સળગાવીને, અંધારા ઓરડામાં પરસેવાથી તર-બતર થઈને અમે લોકો ધ્યાન તથા કીર્તન કરતા. આ જોઈને પાડોશના ઘણા લોકો હસી-મજાક કરવા લાગ્યા. જો કે, મારી સામે કોઈ મજાક ન કરતું પણ નાના માસ્ટર સાથે કર્યા કરતા હતા.
ત્યારબાદ અમે બન્નેએ નક્કી કર્યું કે, રાતના સૂવાને બદલે સવારે ચાર વાગ્યા સુધી જપ-ધ્યાન કરીશું. હું રસ્તા પરના નીચેના ઓરડામાં રહેતો હતો. માસ્ટરનો ઓરડો પણ ત્યાં જ હતો, પરંતુ તેનો દરવાજો રસ્તા તરફ પડતો હતો. મારે બહાર નીકળવું હોય તો મોટો દરવાજો ખોલીને નીકળવું પડતું. નક્કી કર્યું કે રાતના બાર વાગ્યાથી જપ-ધ્યાન શરૂ કરીશું અને બેમાંથી કોઈ એક જો સૂઈ ગયું, તો બીજો તેને જગાડી દેશે. માસ્ટરને મારે ક્યારેક જ જગાડવા પડતા. તેઓ વચ્ચે વચ્ચે બારીમાંથી જોઈ જતા કે હું શું કરી રહ્યો છું. લગભગ એક વરસ આ રીતે રાત્રીનો ઉજાગરો કરવાથી મને ભયંકર અપચો થઈ ગયો. માસ્ટરને પણ વાયુ-રોગને કારણે પેટમાં તીવ્ર પીડા થવા લાગી. ત્યાર પછી, આખી રાત જાગવાને બદલે, અમે ત્રણ-ચાર વાગે ઊઠીને ધ્યાન કરવાનું શરૂ કર્યું. એ પછી સવારે સ્નાન કર્યા બાદ તથા રાત્રી-ભોજન પછી પણ અમે સાધના કરતા. આ ‘અતિશયતા’ ને કારણે મને માથાનો દુઃખાવો શરૂ થયો, જેને એલોપથીના ડૉક્ટર પણ મટાડી શક્યા નહીં. બે-ત્રણ મહિના પછી એક સજ્જનની હોમિયોપથી દવાથી એક મહિનામાં મને સારું થઈ ગયું.
(ક્રમશઃ)
Your Content Goes Here




