એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન ૧૨ જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવાદિન તરીકે ઊજવાતો હોવાથી, આજના યુવાનો માટે તેમના સંદેશનું મહત્ત્વ વધુ પ્રાસંગિક બની જાય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવાવર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. તેમના જીવનસંદેશમાં વર્તમાન યુવાવર્ગની સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય છે.

આજના યુવાનોની સામે સૌથી મોટી સમસ્યા છે ધ્યાનભંગ અને એકાગ્રતાનો અભાવ. મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને અનંત મનોરંજનના સાધનોએ યુવાનોના મનને સતત વિચલિત રાખ્યું છે. કોઈ પણ કાર્યમાં લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સતત ઘટી રહી છે. જેમ જેમ સ્ક્રીન ટાઈમ વધતો જાય છે, તેમ તેમ મનને કેન્દ્રિત કરવાની શક્તિ ઓછી થતી જાય છે.

અભ્યાસ હોય કે વ્યવસાય, થોડી વારમાં મન ભટકી જાય છે અને ફરીથી સ્ક્રીન તરફ હાથ વળી જાય છે. આ સતત વિક્ષેપોને લીધે યુવાનો પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી. સ્વામી વિવેકાનંદજી કહેતા, “એકાગ્રતા એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ છે.” તેમણે યોગ અને ધ્યાન દ્વારા મનને નિયંત્રિત કરવાની પદ્ધતિ બતાવી હતી. તેમનું માનવું હતું કે જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં રાખી શકે છે, તે જગતમાં કંઈપણ કરી શકે છે. મન જો એક જગ્યાએ સ્થિર થઈ જાય, તો તે અદ્ભુત શક્તિ ધરાવતું બની જાય છે.

સ્વામી વિવેકાનંદ ત્યારે બેલુર મઠમાં હતા. તેમના ઓરડામાં એન્સાઇકલોપીડિયા બ્રિટાનિકાના (વિશ્વકોષના) દળદાર ગ્રંથો પડ્યા હતા. એ જોઈને એમના શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તીએ પૂછ્યું: ‘સ્વામીજી, એક જિંદગીમાં તો માણસ આટલું બધું વાંચી ન શકે.’

આ સાંભળીને સ્વામીજીએ કહ્યું: ‘તું એ શું બોલે છે? આ દશ ભાગ તો મેં થોડા દિવસોમાં જ વાંચી નાખ્યા છે. હવે અગિયારમો ભાગ વાંચું છું!’

‘ખરેખર?’ આશ્ચર્યથી શિષ્યે પૂછ્યું.

સ્વામીજીએ ઉત્તર આપ્યો, ‘હા, તારે મને આમાંથી કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે છે.’ અને શિષ્યે દશ ભાગમાંથી જે કંઈ પૂછ્યું, તેના સ્વામીજી બરાબર સાચા જવાબો આપતા ગયા. અને ક્યાંક ક્યાંક તો તેમણે પુસ્તકમાંનાં વાક્યો જ ઉદ્ધૃત કર્યાં.

‘સ્વામીજી, આપ ચમત્કારિક પુરુષ છો. માનવની મગજશક્તિની આ વાત જ નથી.’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘અરે વત્સ, એમાં ચમત્કાર જેવું કશું નથી. આ તો મનની એકાગ્રતાની શક્તિનું પરિણામ છે.’

એકાગ્રતા-પ્રાપ્તિના સચોટ ઉપાયો સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાં ઉપલબ્ધ છે.

સ્ટ્રેસ અને માનસિક તણાવની સમસ્યા પણ આજના યુવાવર્ગને ત્રાસી રહી છે. કારકિર્દીનું દબાણ, સ્પર્ધાનું વાતાવરણ, સોશિયલ મીડિયા પર સંપૂર્ણ દેખાવાનો પ્રયત્ન અને ભવિષ્યની અનિશ્ચિતતા યુવાનોને માનસિક રીતે થકવી નાખે છે. પરીક્ષા, નોકરી, માતાપિતાની અપેક્ષાઓ અને સમાજનાં દબાણો યુવાવર્ગને તણાવગ્રસ્ત બનાવી રહ્યાં છે. અનેક યુવાનો હતાશા અને અસુરક્ષાની લાગણીઓનો સામનો કરી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદજી કહેતા હતા, “ભય મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે.” તેમનો સંદેશ હતો નિર્ભયતાનો. તેમણે યુવાવર્ગને શીખવ્યું કે જ્યારે આપણે આપણી અંદરની અનંત શક્તિને ઓળખીએ છીએ, ત્યારે બાહ્ય પરિસ્થિતિઓ આપણને ડરાવી શકતી નથી. “નબળાઈ મૃત્યુ છે, શક્તિ જીવન છે,” તેમનો આ સંદેશ આજના યુવાનોને આંતરિક બળ પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે.

નિર્ભય બનવા માટે સ્વામી વિવેકાનંદ ભયજનક પરિસ્થિતિથી ભાગવાનું નહીં, પણ તેનો સામનો કરવાનું કહે છે. તેમના પોતાના જ જીવનમાં બનેલો એક પ્રસંગ છે. તે વખતે તેઓ પરિવ્રાજકરૂપે પરિભ્રમણ કરતાં કરતાં વારાણસીમાં આવ્યા હતા. એક દિવસ તેઓ શ્રીદુર્ગાદેવીના મંદિરેથી પાછા ફરતા હતા, ત્યારે વાંદરાઓનું ટોળું એમની પાછળ પડ્યું. આથી સ્વામીજી દોડવા માંડ્યા એટલે વાંદરાઓ પણ એમની પાછળ દોડ્યા.

આમ આગળ સ્વામીજી અને પાછળ વાંદરાઓને દોડતા જોઈને એક વૃદ્ધ સંન્યાસીએ બૂમ પાડીને કહ્યું, ‘ભાગો નહીં. સ્થિર ઊભા રહો અને સામનો કરો.’ આ સાંભળીને સ્વામીજી હિંમત એકઠી કરીને પાછા વળીને વાંદરાઓની સામે સ્થિર ઊભા રહ્યા. એમને આ રીતે પોતાની સામે ઊભેલા જોઈને વાંદરાઓ પણ એકદમ ઊભા રહી ગયા અને પછી બધા ઊભી પૂંછડીએ ભાગી ગયા.

આ પ્રસંગે સ્વામીજીને જીવનનો એક મહાન બોધપાઠ આપ્યો કે જીવનમાં મુશ્કેલીઓથી કદી ભાગવું નહીં, પણ નિર્ભયતાથી તેમની સામે આંખ મેળવવાથી મુશ્કેલીઓ પોતે ભાગી જાય છે!

આધુનિક યુવાવર્ગ એક ગંભીર આધ્યાત્મિક કટોકટીમાંથી પણ પસાર થઈ રહ્યો છે. જીવનનો હેતુ શું છે, આપણે શા માટે જીવીએ છીએ, આવા મૂળભૂત પ્રશ્નોના જવાબ યુવાનો પાસે નથી. ભૌતિક સફળતા પ્રાપ્ત કર્યા બાદ પણ અંદરથી એક શૂન્યતા અનુભવાય છે. સારી નોકરી, સારો પગાર, આધુનિક સુવિધાઓ હોવા છતાં જીવનમાં કંઈક ખૂટે છે એવું લાગે છે. આ આંતરિક શૂન્યતાનો અનુભવ આજના યુવાવર્ગને અશાંત કરી રહ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ સમસ્યાનો ઉકેલ આત્મજ્ઞાનમાં બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સાચું સુખ બાહ્ય વસ્તુઓમાં નથી, પરંતુ પોતાના આંતરિક સ્વરૂપને ઓળખવામાં છે.

સ્વામીજી દરેકની અંદર રહેલા, અનંત શક્તિના સ્રોત એવા પરમાત્માને જાગ્રત કરવા પ્રયત્ન કરતા. આ માટે તેઓ સિંહના બચ્ચા અને ઘેટાંની પ્રતીકાત્મક નિમ્નલિખિત વાર્તા કહેતા.

એક વખત એક સગર્ભા સિંહણે રસ્તો ઓળંગવા માટે છલાંગ લગાવી. પણ તે રસ્તો ઓળંગી ન શકી અને રસ્તા વચ્ચે જ ફસડાઈ પડી અને બચ્ચાને જન્મ આપીને તે મરી ગઈ. હવે તાજું જન્મેલું સિંહબાળ રસ્તા વચ્ચે પડ્યું હતું, ત્યાં ઘેટાંનું ટોળું પસાર થયું. ઘેટાઓએ આ સિંહબાળને પોતાના ટોળામાં લઈ લીધું. હવે એ સિંહબાળ ઘેટાંની જેમ જ ઊછરવા લાગ્યું. તે ઘેટાઓની જેમ જ ઘાસ ખાવા લાગ્યું. ઘેટાંની જેમ જ ‘બેં, બેં’ બોલવા લાગ્યું.

ઘેટાઓની જેમ જ સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી ડરી ડરીને નાસી જવા લાગ્યું. ભલે તે આકારમાં સિંહ જેવું હતું, પણ વાસ્તવમાં ઘેટાં જેવું જ વર્તન કરવા લાગ્યું. હવે એક દિવસ એક સિંહ ત્યાંથી પસાર થયો. તેણે જોયું તો ઘેટાંના ટોળાની વચ્ચે એક સિંહ ચાલ્યો જાય છે. પણ એને ઘેટાંની જેમ ઘાસ ખાતો અને બેં બેં કરતો જોઈને પેલા સિંહને ભારે આશ્ચર્ય થયું.

તેણે એ સિંહને પકડી લીધો અને ટોળાથી જુદો કરીને કહ્યું, ‘અરે, તું બેં બેં કેમ કરે છે ને ઘાસ કેમ ખાય છે? તું તો સિંહ છો, સિંહ. મારા જેવો જ સિંહ છો. મારી જેમ ગર્જના કર,’ આમ કહીને એ સિંહે ગર્જના કરી તો પેલો ઘેટારૂપી સિંહ થથરી ગયો ને બેં બેં કરવા લાગ્યો. તેણે કહ્યું, ‘હું ઘેટું છું. મને છોડી દો.’

તેની આવી વાત સાંભળીને પેલા સાચા સિંહને ભારે ગુસ્સો આવ્યો ને ફરી કહ્યું, ‘તું ઘેટું નથી, સિંહ છો, સિંહ. જંગલનો રાજા. બધાં તારાથી ધ્રૂજે. તું આમ ઘેટાંની જેમ બેં બેં કરે છે. ચાલ, ગર્જના કર.’ પણ તોય એ ઘેટાંની જેમ બેં બેં જ કરવા લાગ્યો. એટલે પછી પેલા સિંહે તેને ગળેથી પકડ્યો ને તળાવને કિનારે લઈ આવ્યો.

તળાવના પાણીના પ્રતિબિંબમાં તેનું મોઢું બતાવી કહ્યું, ‘જો આ તું છે, છે ને અસલ મારા જેવો જ સિંહ! તો પછી મારી જેમ ત્રાડ પાડ.’ એ ઘેટા-સિંહે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ને તેની અંદરનો અસલી સિંહ જાગી ગયો. જેવું તેને તેના સાચા સ્વરૂપનું ભાન થયું કે તેણે એવી ગર્જના કરી કે આખું જંગલ ગાજી ઊઠ્યું.

આ વાર્તા દ્વારા સ્વામીજી એમ સમજાવે છે કે જ્યારે આપણે આપણા સાચા સ્વરૂપને જાણીશું, આપણે જેને સાચું માની બેઠા છીએ, એ આપણા મિથ્યા સ્વરૂપને દૂર કરી દઈશું, ત્યારે જ આપણે અનંત શક્તિનો અનુભવ કરી શકીશું. વેદાંતનો નિચોડ સ્વામીજી પોતાની ઓજસ્વી ભાષામાં આપતાં કહે છે, ‘તમે તો ઈશ્વરનાં સંતાન છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્મા છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો! ઊભા થાઓ અને અમે ઘેટાં છીએ એવા ભ્રમને ખંખેરી નાખો. તમે અજર અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી. જડ પદાર્થ તમારો દાસ છે, તમે તેના દાસ નથી.’

તેમણે કર્મયોગનો માર્ગ બતાવ્યો, જેમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાથી જીવનનો સાચો અર્થ સમજાય છે. જ્યારે આપણે માત્ર પોતાના માટે જ જીવીએ છીએ, ત્યારે જીવન સંકુચિત બની જાય છે, પરંતુ જ્યારે બીજાઓ માટે કંઈક કરીએ છીએ, ત્યારે જીવન વિસ્તૃત અને સાર્થક બને છે.

મૈસૂરના મહારાજાને સ્વામી વિવેકાનંદજીએ એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં લખ્યું હતું: ‘આ જીવન ટૂંકું છે. સંસારના ખોટા ભભકાઓ અસ્થિર છે, જેઓ બીજાને માટે જીવે છે, તેઓ જ ખરેખર જીવે છે, બાકીનાં તો જીવતાં કરતાં મૂએલાં વધારે છે.’

સોશિયલ મીડિયાએ આજના યુવાવર્ગને નવી સમસ્યા આપી છે સતત સરખામણીની. Instagram, Facebook અને અન્ય પ્લેટફોર્મ્સ પર બીજાઓનું જીવન વધુ સુખી, વધુ સફળ અને વધુ સંપૂર્ણ દેખાય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનના માત્ર ચળકતા પાસાં જ બતાવે છે, પરંતુ યુવાનો તેની સાથે પોતાના સંપૂર્ણ જીવનની તુલના કરે છે. પરિણામે અસંતોષ, હતાશા અને હીનતાની લાગણી જન્મે છે.

સ્વામી વિવેકાનંદજીએ કહેલું, “દરેક મનુષ્યમાં દિવ્યતા સુષુપ્ત રીતે રહેલી છે.” તેમનો સંદેશ હતો કે દરેક વ્યક્તિ અનન્ય છે અને પોતાની મૌલિકતા ધરાવે છે. બીજાઓની નકલ કરવાને બદલે પોતાના સ્વભાવને વિકસિત કરવો જોઈએ. તેમણે યુવાવર્ગને શીખવ્યું કે પોતાની અંદર જે અનોખી પ્રતિભા છે, તેને શોધવી અને વિકસાવવી એ જીવનનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. બીજાઓની સફળતાથી પ્રેરણા લેવી યોગ્ય છે, પરંતુ તેની સાથે પોતાની તુલના કરીને નાનું અનુભવવું અયોગ્ય છે.

સંબંધોમાં પણ આધુનિક યુવાવર્ગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. વ્યક્તિગત સંબંધોમાં ઊંડાણનો અભાવ, પ્રતિબદ્ધતાનો ડર, અવિશ્વાસની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. સંબંધો સપાટ અને અસ્થાયી બની રહ્યા છે. લોકો એકબીજા સાથે જોડાય છે પરંતુ ઊંડા સ્તરે કનેક્ટ થતા નથી. આધુનિક સમયમાં સંબંધોમાં સ્થિરતા ઓછી થઈ છે અને એકલતાનો અનુભવ વધ્યો છે. સ્વામી વિવેકાનંદજીનું માનવું હતું કે જ્યાં સુધી વ્યક્તિ પોતાને ઓળખતી નથી અને પોતાની સાથે શાંતિમાં નથી, ત્યાં સુધી તે કોઈ બીજા સાથે સાચો સંબંધ સ્થાપી શકતી નથી. તેમણે આત્મજ્ઞાન અને આત્મસ્વીકારની વાત કરી હતી. જ્યારે આપણે આપણા પોતાના ગુણદોષને સ્વીકારીએ છીએ, ત્યારે જ આપણે બીજાઓને સાચો પ્રેમ અને સન્માન આપી શકીએ છીએ. પોતાની અંદર જે અશાંતિ છે, તે બીજામાં પણ પ્રતિબિંબિત થાય છે, તેથી પહેલાં આંતરિક શાંતિ અને સંતુલન પ્રાપ્ત કરવાં જરૂરી છે.

આધુનિક જીવનશૈલીમાં તત્કાલ સંતોષ અને સહજ માર્ગની શોધ પણ યુવાવર્ગને નબળો બનાવી રહી છે. દરેક વસ્તુ તાત્કાલિક જોઈએ છે, ધીરજપૂર્વક પ્રયત્ન કરવાની ક્ષમતા ઓછી થઈ રહી છે. મહેનત કરીને કંઈક પ્રાપ્ત કરવાને બદલે શોર્ટકટ શોધવાનું વલણ વધી રહ્યું છે. આનાથી ચારિત્ર-નિર્માણ અને આંતરિક શક્તિનો વિકાસ થતો નથી. સ્વામી વિવેકાનંદજીએ આત્મસંયમની વાત કરી હતી. આનો અર્થ માત્ર શારીરિક નિયંત્રણ નથી, પરંતુ પોતાની સમય અને ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. જે વ્યક્તિ પોતાના વિચારો અને ક્રિયાઓ પર નિયંત્રણ રાખે છે, તે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. તેમણે શીખવ્યું કે આત્મનિયંત્રણ એ મહાન શક્તિ છે, અને જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે, તે અજેય બને છે.

યુવાવર્ગમાં વર્તમાનમાં જીવવાની ક્ષમતા પણ ઘટી રહી છે. કાં તો ભૂતકાળની ભૂલો અને અફસોસોમાં જીવે છે, અથવા ભવિષ્યની ચિંતા અને અનિશ્ચિતતામાં જીવે છે. વર્તમાન ક્ષણ, જે સૌથી મહત્વનો છે, તે ગુમાવાઈ જાય છે. સ્વામી વિવેકાનંદજી કહેતા કે વર્તમાનમાં જીવવું અને હાલમાં જે કરી શકાય તે કરવું એ જ સાચું જીવન છે. તેમણે કહેલું, “ભૂતકાળ ગયું અને ભવિષ્ય આવ્યું નથી, આજનો દિવસ જ આપણી પાસે છે.” તેમણે યુવાવર્ગને સલાહ આપી કે દરરોજ શ્રેષ્ઠ પ્રયત્ન કરવો, પરિણામની ચિંતા કર્યા વિના કર્મમાં લાગી રહેવું. સ્વામી વિવેકાનંદજીએ પોતાની યુવાવસ્થામાં આજના યુવાવર્ગની જેવી જ સમસ્યાઓનો સામનો કર્યો હતો. યુવક નરેન્દ્રનાથને બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ, પિતાના આકસ્મિક અવસાનને લીધે, નોકરી માટે ઘરેઘેર ભટકવું પડેલું.

સ્પેન્સર, હેગલ, કાંટ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોના ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ તેઓ ઈશ્વરના અસ્તિત્વ વિશે સંશયશીલ બની ગયા હતા. ધર્મ પ્રત્યે અવિશ્વાસ, નૈતિક અને માનસિક સંઘર્ષો તેમને પણ ત્રાસ્યા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણ પરમહંસના માર્ગદર્શનથી તેમને આ સમસ્યાઓનો ઉકેલ મળ્યો. આ અનુભવને લીધે જ તેમનો સંદેશ આજના યુવાવર્ગ માટે વિશેષ પ્રાસંગિક બની જાય છે.

સ્વામી વિવેકાનંદજીનો સૌથી પ્રસિદ્ધ સંદેશ છે, “ઊઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં.” અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરવી એ જ તો છે માનવજીવનનો સાચો ઉદ્દેશ. આ સંદર્ભમાં સ્વામીજી કહે છે, ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદર રહેલી આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર-પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.’

આ સંદેશ આજના યુવાવર્ગ માટે અત્યંત પ્રેરક છે. તેમણે યુવાનોને શીખવ્યું કે તમારી અંદર અનંત શક્તિ છે, તેને ઓળખો અને નિર્ભય બનો. તેમનું માનવું હતું કે દરેક વ્યક્તિની અંદર અસીમ સંભાવનાઓ છે અને સાચા પ્રયત્નો દ્વારા કંઈપણ અશક્ય નથી.

તેમણે કહેલું, “તમે જે બનવા માંગો છો તે બની શકો છો, કારણ કે તમારી અંદર તે બનવાની બધી શક્તિ પહેલેથી જ છે.” માત્ર તેને જાગૃત કરવાની જરૂર છે. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનું (૯ ભાગોમાં) અધ્યયન કરવાથી જાણવા મળશે કે તેમનો સંદેશ આજના યુવાવર્ગ માટે કેટલો ઉપયોગી છે. તેમણે લખેલ મોટાભાગના પત્રો યુવા શિષ્યોને ઉદ્દેશીને હતા. તેમના વાર્તાલાપો અને ભાષણો પણ મુખ્યત્વે યુવાવર્ગને સંબોધતા હતા. મહાત્મા ગાંધીએ કહેલું, “સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યા બાદ મારી દેશભક્તિ હજારગણી વધી ગઈ.”

સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન્ અને અનેક ક્રાંતિવીરોના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. આજે પણ અસંખ્ય યુવા ભાઈબહેનો સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મેળવી રહ્યાં છે.

આજના જટિલ સમયમાં, જ્યારે ટેક્નોલોજી અને ભૌતિકવાદ જીવનને નિયંત્રિત કરી રહ્યાં છે, ત્યારે સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રકાશસ્તંભ બની શકે છે. તેમણે જે આધ્યાત્મિક અને વ્યવહારિક શિક્ષણ આપેલું છે, તે આજના યુવાવર્ગને તેમના જીવનમાં સંતુલન, શાંતિ અને હેતુ શોધવામાં મદદ કરી શકે છે. એકાગ્રતા, નિર્ભયતા, આત્મજ્ઞાન, નિઃસ્વાર્થ સેવા અને આત્મનિયંત્રણ આ બધાં ગુણો વિકસાવીને યુવાવર્ગ પોતાના જીવનને અર્થપૂર્ણ અને સફળ બનાવી શકે છે. સ્વામી વિવેકાનંદજીનો આ સંદેશ આપણને આગળ વધવામાં પ્રેરણારૂપ બની શકે છે — “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.