(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ)

રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયેલી તે અનુભૂતિ પછી વિદાય લેતા પહેલાં મેં તેમને પોરબંદર આવવાના આમંત્રણને યાદ કરાવ્યું. સાથે ને સાથે ભૂકંપ પુનર્વસવાટનાં અમારાં કાર્યોના ભાગરૂપે બંધાયેલ એક શાળાનું ઉદ્‌ઘાટન કરવા પણ વિનંતી કરી. તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. પરંતુ જ્યારે મેં એમને જણાવ્યું કે આ પ્રસંગે આપને સાંભળવા માટે વિશાળ સંખ્યામાં શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓને પણ આમંત્રણ આપીશું. ત્યારે એ સાંભળીને તેમણે મને કહ્યું, ‘પોરબંદર આવવા માટેની અનુકૂળતા વિશે હું ચોક્કસ વિચારીશ.’ એ પછી મેં આ વિશે બેત્રણ પત્ર લખ્યા પણ એમણે જણાવ્યું કે તેઓ ખૂબ જ વ્યસ્ત હોવાથી નીકળી શકે તેમ નથી. ત્યાર પછી મેં એમના આવવાની આશા છોડી દીધી.

એક દિવસ બપોરે અચાનક એમનો મારા પર ફોન આવ્યો અને હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. કોઈ પણ જાતની ઔપચારિકતા વગર એમણે તો મારી સાથે સીધી વાત કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ‘સ્વામીજી, હું ૧૩મી ફેબ્રુઆરીએ પ્રાંસલા આવું છું (પ્રાંસલા પોરબંદરથી આશરે ૧૦૦ કિ.મિ. દૂર છે.) અને હું મુંબઈ-પોરબંદર ફ્લાઈટમાં આવું છું.’ આ સાંભળીને હું તો આનંદવિભોર થઈ ગયો અને મેં તેમને કહ્યું, ‘આપ અમારા આશ્રમમાં જરૂર પધારો.’ તેમણે કહ્યું, ‘હું ફક્ત અડધો કલાક જ ફાળવી શકીશ, કેમ કે પ્લેન બપોરે ૧૨ :૩૦ કલાકે પોરબંદર પહોંચે છે અને મારે ૩ :૦૦ વાગ્યે પ્રાંસલા પહોંચવું છે.’ મેં તેમને કહ્યું, ‘ભલે, અમે અડધા જ કલાકનો ટૂંકો કાર્યક્રમ ગોઠવીશું, પણ તમે જરૂર આવો.’ પછી એમણે કહ્યું, ‘હું પછીથી તમને જણાવું છું.’

બીજે દિવસે તેમણે પોતે જ ફોન કરી કહ્યું, ‘સ્વામીજી, હું દિલગીર છું કે હું તમારી પાસે આવી શકીશ નહીં, કેમ કે નવા સમયપત્રક પ્રમાણે પ્લેન બપોરે ૧ :૩૦ કલાકે પોરબંદર પહોંચે છે અને તેથી મારે ત્યાંથી જ સીધું પ્રાંસલા જવું પડશે. સ્વામીજી, મને લાગે છે કે હવે મારે તમારા માટે ખાસ કાર્યક્રમ બનાવવો પડશે.’

હું નિરાશ થઈ ગયો અને કહ્યું, ‘ડૉ. કલામ, આ સમય દરમિયાન આપના આગમનના સમાચારથી અહીં ભારે ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ ગયું છે. હવે લોકો ખૂબ નિરાશ થઈ જશે.’ તેમણે મને પૂછ્યું, ‘મુંબઈથી પોરબંદરની સવારની બીજી કોઈ ફ્લાઈટ છે ?’ મેં કહ્યું, ‘ના, દરરોજની માત્ર એક જ ફ્લાઈટ છે.’ આમ કહેતો હતો ત્યાં જ અચાનક મારા મનમાં વિચારનો એક ઝબકારો થયો અને મેં તરત જ કહ્યું, ‘પણ મુંબઈ-રાજકોટની સવારની ફ્લાઈટ છે. અમે આપને લેવા રાજકોટ આવીશું. આપના માટે રાજકોટથી પોરબંદર સુધીની કારની વ્યવસ્થા કરીશું.’ એ સાંભળીને એમણે કહ્યું, ‘સ્વામીજી, મને જરા વિચારવા દો. હું તમને પછીથી જણાવીશ.’

બીજે દિવસે ફરીથી તેમણે પોતે જ ફોન કરીને કહ્યું, ‘સ્વામીજી, હું પોરબંદર આવું છું. હું ૧૨મી ફેબ્રુઆરીએ રાજકોટના એક કાર્યક્રમમાં આવું છું. તમે ૧૩મી ફેબ્રુઆરીએ સવારે મને રાજકોટથી પોરબંદર લઈ જવાની વ્યવસ્થા કરશો.’ આ સાંભળીને મારા આનંદનો પાર ન રહ્યો. મેં કહ્યું, ‘આપનો ખૂબ ખૂબ આભાર. હવે અમે આપના આગમનની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છીએ.’ ડૉ. કલામની સરળતા, વિનમ્રતા અને સન્નિષ્ઠાથી હું અત્યંત પ્રભાવિત થયો. પ્રાંસલાના કાર્યક્રમના આયોજન વખતે મેં તેમને આપેલું આમંત્રણ યાદ રાખ્યું હતું અને પોરબંદરના કાર્યક્રમને નક્કી કરવા માટે તેમણે મને સામેથી ત્રણ વખત ફોન કર્યો હતો !!

૧૨મી ફેબ્રુઆરીએ તેમને લેવા માટે હું પોતે રાજકોટ ગયો. એનું કારણ એ હતું કે મુસાફરી દરમિયાન તેમની સાથે વાતચીત કરવાની એક ઉમદા તક હું મેળવી શકું. રાજકોટમાં તેમના નિવાસસ્થાને રાત્રે મળ્યો અને સવારે પોરબંદર જવા નીકળવાનો સમય નક્કી કર્યો.

૧૩મી ફેબ્રુઆરીએ સવારે ૮ :૧૫ કલાકે અમે રાજકોટથી પોરબંદર જવા નીકળ્યા. કારમાં અમે ફક્ત ચાર જ વ્યક્તિઓ હતી. પાછળની સીટમાં ડૉ. કલામ અને હું, આગળની સીટમાં ડ્રાઈવર અને ડૉ. કલામના અંગત સિક્યુરીટી ગાર્ડ. ડૉ. કલામ સાથે હું એકલો જ હતો. એમની સાથે મુક્ત રીતે વાતચીત કરવાની ભાગ્યે જ મળતી તક મેં ઝડપી લીધી. કાર ઊપડી કે તરત જ અમારી વાતચીત શરૂ થઈ ગઈ.

પ્રારંભમાં તો મેં એમના આગમન અંગે આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યાં. પછી મેં કાર્યક્રમની વિગત આપી અને અમારા ભૂકંપ પુનર્વસવાટ કાર્યક્રમની પૂર્વભૂમિકા સમજાવી. એ વિશે બધી વિગતો આપી. મેં તેમને રામકૃષ્ણ મિશનની વિવિધ માનવસેવા પ્રવૃત્તિઓ વિશે ખ્યાલ આપ્યો. પોરબંદરનું રામકૃષ્ણ મિશન કે જ્યાં સ્વામી વિવેકાનંદ ૧૮૯૧-૯૨માં ચાર મહિના રોકાયા હતા, તેની પ્રવૃત્તિઓ વિશે વિશેષ વાત કરી.

મેં તેમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ’ માટે અભિનંદન આપ્યા. પછી કહ્યું, ‘આપનું આ પુસ્તક મને સમગ્ર ભારતમાં યુવાનો સમક્ષ વાર્તાલાપ કરતી વખતે ખૂબ જ ઉપયોગી થયું છે.’ મેં તેમને એમ પણ જણાવ્યું કે આ પુસ્તક દ્વારા તેઓ સ્વામી વિવેકાનંદના સંદેશને જ એક રીતે પ્રસરાવી રહ્યા છે, કેમ કે સ્વામી વિવેકાનંદે પણ ભવિષ્યવાણી ભાખી હતી કે ભારત એક દિવસ મહાન બનશે અને સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક બનશે.

ડૉ. કલામે મને સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો વિશે કંઈક કહેવા અનુરોધ કર્યો. મેં તેમને સ્વામી વિવેકાનંદના જીવનના ઘણા પ્રેરક પ્રસંગો જણાવ્યા. મેં તેમને વિશેષમાં કહ્યું કે ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં આપેલાં તેમનાં ઐતિહાસિક વ્યાખ્યાનો પછી તેઓ રાતોરાત વિશ્વ વિખ્યાત બની ગયા. એમાંય પ્રથમ વ્યાખ્યાનના પ્રારંભમાં મા સરસ્વતીની પ્રાર્થના પછી સભાજનોને ઉદ્દેશીને બોલ્યા, ‘અમેરિકાનાં મારાં બહેનો અને ભાઈઓ !’ આ શબ્દોએ સભાગૃહના શ્રોતાઓનાં હૃદય જીતી લીધાં. બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી સભાગૃહ ગુંજી ઊઠ્યું. આવો હતો સ્વામી વિવેકાનંદનો અદ્‌ભુત પ્રભાવ ! પછી તો સ્વામીજી સમગ્ર અમેરિકામાં ફરી વળ્યા અને ત્યાંના પ્રબુદ્ધ નાગરિકો, નર-નારીઓનાં હૃદયમાં ભારત માટે સદૈવ જીવંત રહે એવો પ્રેમભાવ તેમણે જગાડી દીધો.

મેં તેમને એમના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક અને ભૂખથી પડી ગયા હતા, ત્યારે એક મુસલમાન ફકીરે આવીને એમને કાકડી ખવડાવી અને એમનો જીવ બચાવ્યો. આવા બીજા અનેક પ્રસંગો મેં એમને કહ્યા.

 

Total Views: 484

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.