ગતાંકથી આગળ…
આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય કરનાર યુવાન નેતા નહીં પણ તેમને પ્રેરનાર તેમજ આ વિશ્વમાં આદર્શપૂર્વક જીવન જીવવા માટે આધ્યાત્મિક શક્તિની આવશ્યક દોરવણી આપનાર સ્વામી વિવેકાનંદ પર દૃષ્ટિ દોડાવી શકે. આ વાત શ્રીરાધાકુમુદ મુખર્જીએ સુયોગ્ય રીતે આ શબ્દોમાં મૂકી છે : ‘જાણે કે સ્વામી વિવેકાનંદ એક માત્ર રાજકીય નેતા હોય તેમ આપણે તેમના સંદેશને અતિપ્રમાણમાં આધુનિક બનાવવા ઈચ્છીએ છીએ. એમની મુખ્ય શક્તિ તો એમના પોતાના આત્માના ગહનતમમાં રહેલી હતી એ વાત આપણે ભૂલી જઈએ છીએ. એ જ આત્મશક્તિએ જીવનને સુદીર્ઘ કાળ સુધી ઘટના પ્રસંગોથી સમૃદ્ધ બનાવ્યું અને બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ સમૃદ્ધિ અર્પી. આટલા અત્યંત અલ્પકાળના જીવન સમયમાં આટલું બધું ભાગ્યે જ કોઈના જીવનમાં ભરપૂર ભરી દીધું હશે. એમનું જીવન તો ૩૯ વર્ષની ઉંમરે પૂરું થયું પણ એ જીવન ભારત અને સમગ્ર માનવ પ્રજા માટે એક અમૂલ્ય ખજાના જેવું છે.’ (પ્રબુદ્ધભારત, એપ્રિલ ૧૯૪૦, પા. ૧૫૭). એટલે જ આજના યુવાનો સ્વામી વિવેકાનંદમાં નિર્મળ, પવિત્ર ચારિત્ર્યવાળા માનવ કે જે પોતાની ભીતર રહેલી દિવ્યતાને નિરખવા પ્રેરણા આપી શકે અને જાતિ, સંપ્રદાય, ધર્મ કે દેશના ભેદભાવ વિનાની બીજામાં રહેલી દિવ્યતાને સેવતા, ભજતા કરી મૂકે એવા ‘આદર્શ વીરનાયક’ જોઈ શકે.
યુવાન નરેન્દ્રનાથમાંથી વિવેકાનંદ સુધીની યાત્રાનો સમયગાળો એમના માટે ગહનતમ શારીરિક, માનસિક સંતાપવાળો અને આત્માને ભૂંજી નાખનારો બની રહ્યો; આ બધું આપણે એમના બાહ્ય અને આંતરિક જીવનમાં બનેલી અનેક વિષમ અને વિપરીત ઘટનાઓ પરથી જોવા મળે છે. જો કે ત્યારપછી તરત જ એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યકૃપાની વૃષ્ટિને લીધે યુવાનો જેમને માટે સ્વામીજી તરફ પ્રેરણાસ્રોતની નજરે જોઈ શકે તેવા બે મહાન ગુણો હિંમત અને નિર્ભયતા એમનામાં આવ્યાં. આ બંને ગુણો જાણે કે એમના નામના સમાનાર્થી ગુણો બની ગયા. ચાલતી ઘોડાગાડીમાંથી નાના બાળમિત્રને બચાવવાની વાત હોય કે હિંસક વાંદરાઓના મોટા સમૂહ કે ભૂખ્યા વાઘનો સામનો કરવાની ઘટના હોય કે પોતાના પરિવ્રાજક જીવનમાં દિવસો સુધી ભૂખ્યા રહેવાની કે કડકડતી ઠંડી સહન કરવાની વાત હોય, સામે ધસી આવતા માતેલા સાંઢનો સામનો કરવાનો પ્રસંગ હોય કે અમેરિકન ભરવાડોની સણસણતી ગોળીઓ કાન પાસેથી જતી હોય છતાં ભાષણમાં અડગ રહેવું, અમેરિકામાં ઈર્ષ્યાખોર વિરોધીઓ દ્વારા પોતાની વિરુદ્ધ વ્યર્થ દોષારોપણ-નિંદા થતાં હોય, આવા બધા પ્રસંગોએ એમણે એક વીરને છાજે એવાં હિંમત અને સાહસ બતાવ્યાં છે.
તેમણે વારંવાર સ્પષ્ટ વાણીમાં કહ્યું છે કે યુવાનો માટે, ‘શક્તિ એ જ દુનિયાના રોગોનું રામબાણ ઔષધ છે.’ શક્તિ અને માત્ર શક્તિ જ, શારીરિક, માનસિક, આધ્યાત્મિક શક્તિ જ યુવાનોને આજના જીવનની સ્પર્ધાઓ, મુશ્કેલીઓ, અસલામતી, હતાશા-નિરાશા, સંઘર્ષ અને જીવનનાં દુ :ખોનો સામનો કરવા સમર્થ બનાવે છે. જ્યારે ખેતડીના રાજાએ એમને પૂછ્યું, ‘સ્વામીજી, જીવન શું છે?’ ત્યારે સ્વામીજીએ ઉત્તર આપતાં કહ્યું, ‘આપણને નીચે તરફ પરાણે ધકેલતા વિષમ સંજોગોમાં પોતાના સ્વનો વિકાસ અને તેનું પ્રગટીકરણ એટલે જીવન.’ પોતાના પશ્ચિમનાં શિષ્યા જોસેફાઈન મેક્લાઉડને ઉદ્દેશેલી વાણીમાં સ્વામીજીના પોતાના જીવનની મુશ્કેલીઓ અને ત્યાગ-વૈરાગ્યની રોમાંચક અભિવ્યક્તિ જોવા મળે છે. એ શબ્દો આ છે, ‘તમે કેટલું સહન કર્યું એ મને કહો અને તમે કેટલાં મહાન છો એ હું તમને કહીશ.’
તેમણે હંમેશાં યુવાનોને જીવનની ચોતરફથી આવતી ચડતીપડતી સામે સંઘર્ષ કરવાનું અને હજારોવાર કે વારંવાર નિષ્ફળતા મળે કે ભૂલો થાય તો પણ આદર્શને વળગી રહેવાનું કહ્યું છે. એક અમેરિકન યુવાન કે જે પાછળથી સંન્યાસીરૂપે સ્વામી અતુલાનંદ બન્યા તેમણે ન્યૂયોર્કના મંચ પર સ્વામીજીને પ્રથમ વખત જોયા ત્યારે તેઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. તેઓ પોતાના આ સંસ્મરણને યાદ કરતાં કહે છે, ‘કેટલી ભવ્ય, કેવી અદ્ભુત તાકાત, કેવું પુરુષત્વ અને કેવું તો અદ્ભુત વ્યક્તિત્વ! એમની તુલનામાં એમની નજીક રહેલા બધા નિસ્તેજ લાગતા હતા!… શું તે પવિત્રતા હતી? તે શું હતું? ભગવાન બુદ્ધ વિશે કહેવાયેલું કથન મને યાદ આવ્યું, ‘માનવોમાં સિંહ! મને લાગ્યું કે સ્વામીજીમાં અસીમ શક્તિ છે. અને જો તે ઈચ્છે તો તે આ સ્વર્ગ અને પૃથ્વીને પણ હચમચાવી શકે. આ મારી એમના વિશેની ચિરંતન છાપ હતી.(સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ- વો. ૫, પા.૧૫૬-૫૭) ક્રિસ્ટીન ગ્રીનસ્ટિડેલ નામની એક યુવાન શિક્ષિકાએ ડેટ્રોઈટમાં સ્વામીજીને સાંભળવા એકઠા થયેલા યુવાન લોકો પર સ્વામીજીના પડેલા ભવ્ય પ્રભાવને આ શબ્દોમાં વર્ણવ્યો છે, ‘આ અધ્યાત્મ શક્તિવાળા આત્મામાંથી જે શક્તિ પ્રવાહ વહેતો હતો તે એટલો બધો મહાન હતો કે કોઈ તેમાંથી છટકી ન શકે; તે સર્વગ્રાહી શક્તિ પ્રવાહ હતો. જાણે કે તેની સામે રહેલ સર્વકાંઈને વહાવી જવાની ભયાનક તાકાત ધરાવતો હતો… એ એક એવું મન હતું કે જે પોતાની જાતને પ્રતિભાવાન ગણાવતા હતા એવા લોકોની સાથે બીજાં બધાંના મનને અતિક્રાંત કરી જતું હતું. અને એ મન પોતાના અસલ સ્વરૂપે ભિન્ન જ લાગતું હતું. એમના વિચારો એટલા સ્પષ્ટ, એટલા શક્તિશાળી, અને એટલા મનને અતિક્રમી જનારા, મુગ્ધ કરી દેનારા હતા કે તે વિચારો બહુઅલ્પ હોય એવા મહા અસ્તિત્વની પ્રજ્ઞામાંથી સરતા હોય તેમ લાગ્યું. તેઓ માંડ ત્રીસ વર્ષના હશે. ભારતમાંથી આવેલા આ ઉપદેશક કિશોરોમાં પણ યુવાન છતાં વરિષ્ઠોમાં પણ પ્રાચીનકાળના જ્ઞાન અને શાણપણમાં વરિષ્ઠ હતા. પછીથી અમારામાંથી કેટલાંકને ખ્યાલ આવ્યો કે અમારાં મન પણ પરિવર્તન પામ્યાં છે.’ (રેમિનન્સિસ ઓફ સ્વામી વિવેકાનંદ, પા. ૧૪૮-૫૦)
પાપની સંકલ્પના માનસિક અવ્યવસ્થા સાથે સંબંધિત અપરાધની લાગણીનાં કેટલાંય સ્વરૂપો તરફ દોરી જાય છે. પશ્ચિમની આ વિશિષ્ટ અને વિલક્ષણ ધારણા સમગ્ર વિશ્વભરમાં યુવાનો પર વધારે ને વધારે પ્રભાવ પાડી રહી છે. સ્વામીજીનો આ વિશેનો અભિગમ સાવ તાજો અને મૂળભૂત પોતાનો સ્વકીય છે. તેઓ ભારપૂર્વક કહે છે કે જેને આપણે ‘પાપ’ કહીએ છીએ તે ‘સ્વ’ના પ્રગટીકરણનો નિમ્ન અંશ છે કે ‘સત્યનું નિમ્નરૂપ’ છે અને તે અજ્ઞાનનું પરિણામ છે. માનવ ઉન્નત થઈને ક્રમશ : નિમ્નતર સત્યમાંથી ઉચ્ચતર સત્ય તરફ આગળ ધપે છે. આ માટે તેમણે યુવાનોને પોતાના ઉચ્ચતર સ્વરૂપને ક્રિયાશીલ કરવા અને પોતાના ઉચ્ચતર નૈતિક અને આધ્યાત્મિક સ્વરૂપને સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું છે,
‘તમારી પોતાની જાતને, સહુ કોઈને, પોતાના સત્ય સ્વરૂપનો ઉપદેશ આપો; સૂઈ રહેલા આત્માને જગાડો અને જુઓ કે એ કેવો જાગી ઊઠે છે. જ્યારે આ સુષુપ્ત આત્મા જાગીને સ્વમાનપૂર્વક ક્રિયાશીલ થઈ જશે ત્યારે શક્તિ આવશે, કીર્તિ આવશે, ભલાઈ આવશે, પવિત્રતા આવશે, અને જે કાંઈ ઉત્તમ છે તે બધી બાબતો આવી મળશે.’ (સ્વા. વિ. ગ્રં.૨-૭૮)
આજનો આધુનિક યુવાન અત્યંત સંકુલ અને વધતી જતી હરિફાઈવાળા વૈશ્વિક સમાજનો સામનો કરી રહ્યો છે. સ્વાર્થભરી અને અત્યંત હઠીલી, મેળવવાની વૃત્તિને કારણે જન્મતી વ્યગ્રતા અને ગળાકાપ નિર્દયતાથી ભરેલી હરિફાઈવાળા આ સમાજમાં ભૌતિક સફળતા મેળવવાની નિરર્થક તાલાવેલી આજના યુવાનોમાં શારીરિક, માનસિક અસ્વસ્થતા સાથે સંલગ્ન વિવિધ પ્રકારના માનસિક તણાવ ઉત્પન્ન કરે છે. ૫રિણામે ‘બળેલા-ઝળેલા’ની સંખ્યા વધતી જાય છે. જ્યારે કેટલાક યુવાનો કહેવાતી ‘સારી ગોઠવણવાળી’ જિંદગીમાં ગમે તેમ કરીને ગોઠવાઈ જાય છે અને અંતે આવા યુવાનો જીવનના ઉચ્ચતર હેતુ અને જીવનના અર્થને શોધવાના પથે વળે છે. આવી જિંદગી સાથે જોડાયેલ આનુષંગિક કંટાળો અને માનસિક થાક નિપજે છે. નિ :સ્વાર્થ ભાવના અને નિરાસક્તિની સમતુલા કેળવીને સાચા ધર્મથી કે આધ્યાત્મિકતાથી માનવ ઘડતર કરનાર અને ચારિત્ર્ય ઘડતર કરનાર, યુવાનોના જીવનને સાચી રીતે સાર્થક કરનાર અને સંતોષની પ્રાપ્તિ કરાવનાર સ્વામી વિવેકાનંદનો નવો ધર્મ યુવાનોને જ્ઞાતિ-જાતિ, ધર્મ-સંપ્રદાયના ભેદભાવથી ઉપર ઉઠાવે છે. જીવનમાં અસ્તિત્વની એકતાની અભિવ્યક્તિ, સાચો પ્રેમ, આત્મસમર્પણ અને સમર્પિત ભાવે કરેલી સેવા શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાનાં સાધન છે.
પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણની જેમ ‘તાજાં અને અનાઘ્રત પુષ્પો જેવા’, ‘પોલાદી સ્નાયુઓ અને લોખંડી જ્ઞાનતંતુઓવાળા’, ‘પવિત્રતાના ઉત્સાહ-અગ્નિથી ભરેલા’, ‘પ્રભુમાં પ્રબળ અને શાશ્વત શ્રદ્ધાવાળા’ અને ‘ગરીબ, પતિત અને કચડાયેલ લોકો માટે પોતાની સમસંવેદનાથી સિંહના જેવી હિંમત કેળવેલા’ યુવાનોમાં ઘણી શ્રદ્ધા હતી. શ્રીરામકૃષ્ણદેવના મહાન જીવન અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના અમર સંદેશે પશ્ચિમ અને પૂર્વમાં વ્યવહારુ વેદાંતના વૈશ્વિક સંદેશને ઉપદેશવા સ્વામીજીને પ્રેર્યા હતા. શ્રીરામકૃષ્ણ કહેતા કે સર્વકાળે એક મહાન પૂજા ચાલી રહી છે, એમાં કશાની અવગણના ન થવી જોઈએ. ખાવા, હાલવા-ચાલવા, ચર્ચા કે વાતચીત કરવા કે ઊંઘવા જેવી જીવનની બધી પ્રવૃત્તિઓમાં ઈશ્વર ચિંતન થવું જોઈએ. આને જ સાચો ધર્મ કહેવાય. એક વખત સ્વામીજીએ કહ્યું હતું :
‘આપણે આધ્યાત્મિક આદર્શાે માગીએ છીએ, આપણે ઉચ્ચ આધ્યાત્મિક વ્યક્તિઓની આસપાસ ઉત્સાહપૂર્વક એકઠા થવા માગીએ છીએ. આપણા વીર પુરૂષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે.’(સ્વા. વિ. ગ્રં.૨-૧૮૫)
બીજે એક સ્થળે એમણે આમ કહ્યું છે,
‘ભૂતકાળના ઇતિહાસ પ્રમાણે ભારતે પોતાના આંતર જીવનનો અને પશ્ચિમે તેની પ્રવૃત્તિનો એટલે બાહ્ય જીવનનો વિકાસ સાધ્યો છે. અત્યાર સુધી એ બંને એકબીજાથી ભિન્ન રહેતા આવ્યા છે; હવે તેમને એકત્ર થવાનો સમય આવી પહોંચ્યો છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ આત્માની ઊંડામાં ઊંડી અનુભૂતિ વિષે સર્વ સમયે જાગ્રત હતા. છતાં બાહ્ય ભૂમિકાએ તેમનાથી વધુ ક્રિયાશીલ બીજું કોણ હતું? મુખ્ય વાત આ છે. તમારું જીવન મહાસાગર જેવું ગંભીર અને સાથોસાથ આકાશ જેટલું વિશાળ હોવું જોઈએ.’ (સ્વા. વિ. ગ્રં.૬-૩૯)
વળી તેઓ કહે છે, ‘આજના યુગમાં જેને માટે ભગવાન શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા એ બાહ્ય-આંતર જીવનની સંસ્કૃતિનો સુભગ-સુમેળ સાધવાનો રહે છે. આ યુગમાં એક બાજુએ લોકોએ અત્યંત વ્યવહારુ બનવું જોઈએ અને બીજી બાજુએ તેમણે ગહન આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવવું જોઈએ.’
અમેરિકાના થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં એમણે આપેલ ‘ઈન્સ્પાયર્ડ ટોક્સ-દિવ્યવાણી’માં ઉચ્ચારેલી વાણીને પૂર્વ કે પશ્ચિમના શુભ નિષ્ઠાવાળા જિજ્ઞાસુ એવા ઘણા યુવકો સારો પ્રતિભાવ આપે છે. એ વાણી આ છે, ‘થોડાં પુરુષો અને સ્ત્રીઓ બહાર આવે અને તેઓ માત્ર ઈશ્વર માટે જ જીવે અને વિશ્વના ધર્મોને બચાવે.’ અને તેઓ ભવિષ્યમાં પણ આવું જ કરવાનું ચાલુ રાખે. એમની પહેલાં થઈ ગયેલ મહાન અને યુવાન આધ્યાત્મિક વિભૂતિઓ જેવી કે ઈશુ ખ્રિસ્ત, શંકરાચાર્ય અને શ્રીરામકૃષ્ણદેવની પરંપરામાં આવેલા સ્વામી વિવેકાનંદ યુવાનોની દીવાદાંડી અને માનવ જીવનમાં જે કંઈ પૂર્ણ અને દિવ્ય છે તેના પૂરેપૂરા પ્રગટીકરણ માટે આધ્યાત્મિક વીરનાયક બની રહો.
Your Content Goes Here




