આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું છે, ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવાવર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત બની શકે તેમ છે.’ આના સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રીય યુવા સપ્તાહ (૧૨ થી ૧૯ જાન્યુઆરી) ઊજવવા જે કાર્યક્રમો યોજવા નિર્દેશો આપ્યા છે, તેમાં સ્વામી વિવેકાનંદના આદર્શો પર વિચાર કરવાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભારત સરકારનું આ પગલું અત્યંત પ્રશંસનીય છે. ખરેખર તો આ ઘોષણા આઝાદી પછી તરત જ થવી જોઈતી હતી. ખેર, જાગ્યા ત્યારથી સવાર.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘મારી આશા, મારો વિશ્વાસ યુવા પેઢી પર છે. અને તેઓ મારા ધ્યેયને પરિપૂર્ણ કરશે.’ સ્વામીજી જ્યારે શિકાગો વિશ્વધર્મસભામાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપીને સાડા ત્રણ વર્ષ ત્યાં રહીને ૧૮૯૭માં પાછા ફર્યા, ત્યારે એમનું એવું સ્વાગત થયું હતું, જેવું એક વિશ્વવિજેતાનું થાય છે. અને એ સ્વાગતના ઉત્તરમાં એમણે જે અગ્નિમય પ્રવચનો આપ્યાં, એમાં એમને બધાંને કહ્યું હતું, ‘Arise ! Awake ! And stop not till the goal is reached.’ – ‘ઊઠો ! જાગો ! અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ અને આખો દેશ જાગ્રત થઈ ગયો.

તેમણે કહ્યું હતું, “આવનારા પચાસ વર્ષો સુધી બાકી બધાં દેવી-દેવતાઓને ભૂલી જાઓ, એક માત્ર દેવી છે, જેની આપણે આરાધના કરવાની છે, એ છે આપણી ભારતમાતા!” ૧૮૯૭માં તેમણે કહ્યું હતું કે પચાસ વર્ષમાં ભારત સ્વાધીન થશે. અને બરાબર પચાસ વર્ષ પછી ૧૯૪૭માં ભારત સ્વાધીન થયું..

સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા ન હતા, યુગદૃષ્ટા હતા. એમણે જે જે વાતો કરી એ બધી અક્ષરશઃ સાચી પૂરવાર થઈ છે. એક વાત બાકી છે. તેમણે કહ્યું હતું, ‘ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે, પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા.’ એ ધીરે ધીરે થઈ રહ્યું છે. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ યુનાઈટેડ નેશનની સામાન્ય સભામાં ૨૫, સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ, ૨૧, જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રૂપમાં ઉજવવા માટેનો એક પ્રસ્તાવ મૂક્યો હતો. માત્ર ચાર મહિનાની અંદર ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ યુનાઈટેડ નેશનની સામાન્ય સભાએ આ પ્રસ્તાવ મંજૂર કરી દીધો. માત્ર બહુમતીથી નહીં, સર્વાનુમતે આ પ્રસ્તાવ પારિત થયો. આ સભામાં ૧૯૮ દેશોમાંથી ૧૭૩ દેશોએ કોઈ પણ વિરોધ વગર જ આ પ્રસ્તાવને બહાલી આપી. સ્વામીજીનું સ્વપ્ન ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે. ભારત વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે, અગ્રસર થઈ રહ્યું છે. એ માટે યુવાનોની ભૂમિકા બહુ અગત્યની છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું એ સંદેશ યુવાનોને હંમેશાં યાદ રાખવો જોઈએ. ‘Arise ! Awake ! And stop not till the goal is reached.’ – ‘ઊઠો! જાગો! અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ માત્ર શિક્ષણ સંબંધી ડિગ્રી મેળવવી એ ધ્યેય નથી, એ તો એક માત્ર ‘માઈલ સ્ટોન’ છે. કારકિર્દીના વિકાસ (Career development) માટે એ જરૂરી છે, નાણાકીય આવક માટે પણ તે જરૂરી છે. પરંતુ સાથેને સાથે ચરિત્રનો વિકાસ (Character development) પણ વધુ અગત્યનો છે. આપણા જીવનમાં સાચી સફળતા આવે, એની સાથે જો સુખ અને શાંતિ ન આવે તો કહેવાતા વિકસિત અને વિકાસશીલ દેશોમાં એવી વ્યક્તિઓના આત્મહત્યા કરવાના અનેક દાખલા આપણી સમક્ષ આવતા જ રહે છે, જેઓ માત્ર ધન કમાવામાં મશગૂલ હતા. એટલે જીવનમાં માત્ર સફળતા નહીં, પરંતુ સુખ અને શાંતિની પણ આવશ્યકતા છે, કૃતકૃત્યતાની આવશ્યકતા છે, સંતોષની આવશ્યકતા છે.

પ્રસિદ્ધ મોબાઈલ ફોન અને ‘એપલ’ના સંસ્થાપક સ્ટીવ જોબ્સે ૨૦૦૫માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં વક્તવ્ય આપ્યું હતું, તે વક્તવ્યને સમગ્ર વિશ્વના પદવીદાન સમારંભના ઇતિહાસનું એક યાદગાર વક્તવ્ય માનવામાં આવે છે. આ વક્તવ્યમાં તેમણે કરેલ બે વાતો બહુ અગત્યની છે.

તેમણે કહ્યું હતું, ‘Life is not a bed of roses.’ ‘જીવન એ કોઈ ગુલાબનાં ફૂલોની પથારી નથી.’ એક વખત ખેતડીના મહારાજા અજીતસિંહે સ્વામીજીને પૂછ્યું હતું, ‘સ્વામીજી, જીવન શું છે ?’

સ્વામીજીએ ઉત્તર આપ્યો, ‘મારા વહાલા રાજા, જીવન એટલે સંઘર્ષ. એવી પરિસ્થિતિઓ વિરુદ્ધ સંઘર્ષ કે જે તમને હંમેશાં દબાવી દેવા માગે છે. આમ સંઘર્ષ તો જીવનમાં કરવો જ પડશે.’ તો જ આપણને સફળતા મળશે, સુખ અને શાંતિ મળશે, અને જીવનમાં આગળ વધી શકીશું. હંમેશાં સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે.

સ્ટીવ જોબ્સની શું સ્થિતિ થઈ હતી ! ૨૦ વર્ષની ઉંમરે તેણે ગેરેજમાં પોતાની કંપની શરુ કરી હતી, પછીના દસ વર્ષોમાં તે કંપની વિશ્વની ૧૦ સર્વશ્રેષ્ઠ કંપનીઓમાં પ્રથમ નંબર પર હતી. પરંતુ ૩૦ વર્ષની તેમની ઉંમરે તેમને તે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ન માની શકાય તેવું ! પણ એ થયું. તેમણે નોકરીમાં રાખેલ વ્યક્તિએ કંપનીમાં બધું જ પોતાના તાબામાં લઈ લીધું. તેમ છતાં તેઓ હતોત્સાહિત ન થયા. ફરી શરૂઆત કરી, ફરી વિશ્વસ્તરે તેમનું નામ ચમક્યું. વળી તેમને કેન્સર જેવો જીવલેણ રોગ થયો, એનો પણ તેમણે સામનો કર્યો. આમ તેમનું જીવન સતત સંઘર્ષમય હતું.

ઉપરોક્ત પદવીદાન સમારંભમાં અંતે તેમણે બીજી વાત કહી હતી, ‘Stay hungry, Stay foolish.’ (હંમેશાં ભૂખ્યા રહો અને મૂર્ખ રહો.) તમારી ભૂખ એક ડીગ્રી મળવાથી નહીં સંતોષાય, વધુ ડીગ્રી મેળવવાની ભૂખ હોવી જોઈએ. ‘Stay hungry’ એટલે કે શિક્ષા માટેની ભૂખ હોવી જોઈએ. કારણ કે શિક્ષા એ જીવનપર્યંત ચાલતી પ્રક્રિયા છે.

અમેરિકન મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકર કહે છે, “એકવીસમી સદી ‘નોલેજ વર્કર’ – જ્ઞાનની સદી છે.” એટલે જ્ઞાન મેળવવાની ભૂખ તમારામાં કેળવો. ‘Stay foolish’ એટલે કે એમ નહીં માની લેવાનું કે હું જ્ઞાની થઈ ગયો છું. ના, હજી ઘણું બધું શીખવાનું બાકી છે. જીવન આપણને હજી કેટલાયે પાઠ શીખવશે, તેનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવાનું છે. પછી તો રશ્મિ બંસલે ‘Stay hungry, Stay foolish’ શિર્ષકથી આખું પુસ્તક લખ્યું, જેમાં IIM, અમદાવાદના ઉદ્યોગ-સાહસિકોની વાત છે.

યુવાનોએ આગળ ને આગળ વધતા રહેવું પડશે.માત્ર IQ (Intelligence Quotient – બુદ્ધિ આંક) અને EQ (Emotional Quotient – ભાવનાત્મક આંક ) જ પૂરતા નથી.  SQ (Spiritual Quotient – આધ્યાત્મિક આંક) પણ અતિ અગત્યનો છે.

ડેનિયલ ગોલમેન તેમના ૧૯૯૧ના સંશોધનમાં કહે છે કે IQ કરતાં EQ વધુ મહત્વનો છે. અને આધુનિક સંશોધન કહે છે SQ સૌથી વધુ અગત્યનો છે. ઓક્ષ્ફર્ડ યુનિ.ના પ્રોફેસર ડાના ઝોહર તેમના પુસ્તકમાં કહે છે, ‘Spiritual Quotient is the ultimate intelligence.’ વધુમાં તેઓ લખે છે કે ન્યુરોલોજી, શારીરિક, મનોવૈજ્ઞાનિક અને જીવવિજ્ઞાનની દૃષ્ટિએ આધ્યાત્મિકતા આંક માટેના પૂરતા પૂરાવા મળી આવ્યા છે. આ આધ્યાત્મિકતા આંક – SQ (Spiritual Quotient), IQ (Intelligence Quotient – બૌદ્ધિક આંક) અને EQ (Emotional Quotient – ભાવનાત્મક આંક)નો પાયો છે. આ  SQ આપણને સંપૂર્ણ સંતુષ્ટિ આપશે, સફળતા અને સાથે સુખ તેમજ શાંતિ આપશે.

રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે આ IQ, EQ અને SQ યુવાનોના જીવનમાં આવે, તેઓ આગળ વધતા રહે, તેઓનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય, કારકિર્દીના વિકાસની સાથે તેઓના ચારિત્ર્યનો વિકાસ થાય, તેઓ ભારતમાતાના સપૂત બને અને સ્વામી વિવેકાનંદનું ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરે, એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના.

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.