માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી કહી શકાય નહીં. એ બધાં તો પોતાના નિભાવ અને અસ્તિત્વને માટે જ એક સાથે રહેતાં હોય છે. એમનું સમાજ જીવન સુવ્યવસ્થિત હોતું નથી. માણસ જ એક એવું પ્રાણી છે કે જે જન્મથી માંડીને મૃત્યુ સુધી પોતાના સમાજમાં રહે છે, સામાજિક વ્યવહાર ચલાવે છે અને સમાજની નીતિરીતિ, રૂઢિરિવાજ, નિયમો-સિદ્ધાંતો, આચારવિચાર તેમ જ સંસ્કૃતિ અને સભ્યતાને અનુસરીને જીવન વ્યતીત કરે છે.

આ સૃષ્ટિનો દરેક જીવ સ્વાર્થને કેન્દ્રમાં રાખીને જીવતો હોવા છતાં એની પ્રવૃત્તિ માત્ર પોતાના પૂરતી જ સીમિત રહેતી નથી. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે તે અન્ય પર અસર કરે છે. માનવી સમાજ સાથે સંકળાયેલો હોઈ, તેની પ્રવૃત્તિઓની સમાજ પર અસર પડે છે. પોતાનાં સુખદુઃખ, લાગણીઓ અને આવેગો, મહત્ત્વાકાંક્ષા અને અભિલાષા, ગમા અને અણગમા – એ બધું સમાજની વચ્ચે રહીને વ્યક્ત કરતો હોય છે. એટલે, માનવીનો સમાજ સાથેનો સંબંધ અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ કરતાં વધુ ગાઢ બન્યો છે. સમાજનાં બંધનો છોડીને માનવી ક્યાંય દૂર જઈ શકતો નથી.

માનવજીવનમાં યુવાનીનો કાળ શ્રેષ્ઠ ગણાય છે. બાળપણ નિર્દોષ રમતોમાં અને જીવનવિકાસની મૂળભૂત જરૂરિયાતો સંતોષવામાં ક્યારે પસાર થઈ જાય છે તેની તેને ખબર પણ પડતી નથી. વૃદ્ધાવસ્થામાં જીવનશક્તિનો હ્રાસ થતો હોઈ, માનવી લાચાર બની જાય છે. જીવનને ટકાવવાની મથામણમાં તે રાતદિવસ ચિંતાતુર રહે છે. એક યુવાવસ્થા જ એવી છે કે જ્યારે માનવીની સર્વ શક્તિઓનો વિકાસ થયો હોય છે. તેનામાં સાહસિકતા, ઉત્સાહ અને થનગનાટ હોય છે અને કર્તવ્યો અદા કરવાની તમન્ના હોય છે. કુટુંબજીવનની કેટલીક જવાબદારીઓ અદા કરવાની હોવા છતાં સમાજ અને રાષ્ટ્રના ઘડતર અને વિકાસમાં કંઈક કરી છૂટવાની અભિલાષા યુવા વર્ગને હોય છે. ઉદારતા, વિશાળતા અને સમાજાભિમુખતાની લાગણીઓ આ સમયમાં સૌથી વિશેષ હોય છે. એટલે સમાજના ઘડતરમાં યુવાનો જ સૌથી વધુ ફાળો આપી શકે છે.

મનુષ્ય તરીકે જન્મીએ ત્યારે જ આપણે અમુક જવાબદારીઓ અને અસ્કયામતો ધરાવીએ છીએ. આપણે કોઈને કશુંક ઉછીનું કે દાનમાં આપીએ છીએ તેમ લઈએ પણ છીએ. નાનપણમાં આપણાં માતાપિતાએ આપણને ઉછેર્યા, ભણાવ્યા, પરણાવ્યા અને નોકરી ધંધે વળગાડ્યા, હવે આપણે યુવાવસ્થામાં ઠરીને ઠામ થયા, પછી વૃદ્ધ માબાપને જાળવવાની અને તેમની માવજત કરવાની આપણી ફરજ થઈ પડે છે. તેની સાથોસાથ આપણાં સંતાનોને ઉછેરવાનું અને તેમનો વિકાસ સાધવાનું કર્તવ્ય અદા કરવું પડે છે. આમ, પેઢી દર પેઢી આ ચક્ર ચાલ્યા કરે છે ને કૌટુંબિક કર્તવ્યની પરંપરા જળવાઈ રહે છે.

કુટુંબથી એક ડગલું આગળ વધીએ તો આપણી સામાજિક જવાબદારીઓ આવે છે. સમાજના સ્વાસ્થ્ય અને શ્રેયને માટે કેટલાક નીતિનિયમો આપણે નક્કી કર્યા છે અને કેટલીક પરંપરાઓ પણ ઊભી કરી છે. આ બધું પણ પેઢી દર પેઢી ચાલતું આવે છે. સમાજ હંમેશાં પરિવર્તનશીલ હોય છે, એટલે ગઈ પેઢી કે જમાનામાં આપણે જે રીતે જીવન જીવતા હતા અને સામાજિક પ્રવૃત્તિઓ આચરતા હતા, તે રીતે હવે જીવી કે આચરી શકીશું નહિ. એટલે નવા જમાનાને અનુરૂપ નવા વાતાવરણ સાથે આપણે પ્રવૃત્તિઓ કરવી પડે છે. દા.ત. બાળલગ્ન, વિધવાવિવાહ, અસ્પૃશ્યતા, નિરક્ષરતા – એ બધા પ્રશ્નો ગયા જમાનામાં જેટલા ઉગ્ર હતા, તેટલા ઉગ્ર આજે રહ્યા નથી. આજે વસ્તીવધારો, સિનેમા અને ટી.વી.ની અનિષ્ટ અસર, બેકારી, વ્યક્તિસ્વાતંત્ર્યને નામે વ્યક્તિ- સ્વચ્છંદતા, અધિકારના ઓઠા નીચે ફરજનો ઈન્કાર, ભ્રષ્ટાચાર- આ બધી નવી સમસ્યાઓ હવે ઊભી થઈ છે, જેનો આપણા આજના યુવાનોએ સામનો કરવાનો છે.

આજથી અર્ધી સદી પૂર્વેનો સમય એવો હતો કે સમગ્ર હિંદમાં રાષ્ટ્રીય એકતાનું મોજું ફરી વળ્યું હતું અને સ્વાતંત્ર્યની ઝુંબેશ શરૂ થઈ હતી. ગાંધીજીની આગેવાની હેઠળ આપણી પ્રજા તેમણે ચીંધેલા કાર્યક્રમોનું પાલન કરવામાં પોતાની કૃતાર્થતા સમજતી હતી. આખો દેશ એક વ્યક્તિ તરીકે જીવતો હોય એવી રાષ્ટ્રીય વફાદારીની ભાવના પ્રવર્તતી હતી, આપણા અનેક ઉત્સાહી યુવાનોએ પોતાની ઉજ્વળ કારકિર્દીની પરવા કર્યા વિના, કુટુંબ અને સમાજ છોડીને સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધો હતો. અને કેટલાકે તો સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ ઝીલીને આત્મબલિદાન આપ્યું હતું. બાકીના ઘણાએ કારના કારાવાસ વેઠીને ઘણું બધું સહન કર્યું હતું.

એ બધાં બલિદાન એળે ગયાં નથી. ગુલામીની બેડીઓ તૂટી અને દેશ આઝાદ થયો. જૂની પેઢીએ અનેક યાતનાઓ વેઠીને જે સિદ્ધિ મેળવી, તેનું ફળ ભોગવવાનું તેના ભાગ્યમાં નહોતું; પણ તેના પછીની આજની પેઢીને આગલી પેઢીના પુરુષાર્થનો પુણ્યલાભ મળી ગયો. આગલી પેઢીએ જે પુરુષાર્થ અને પરિશ્રમ કર્યો હતો, તેનો બદલો નવી પેઢીને વિના પ્રયત્ને મળી ગયો. પરિણામે સ્વાતંત્ર્ય પછીનું આખુંય ચિત્ર બદલાઈ ગયું. જીવનનાં મુલ્યો બદલાઈ ગયાં. નૈતિક ભાવનાઓમાં ઓટ આવી. આપણી યુવા પેઢી આગળ હવે કોઈ ઉચ્ચ આદર્શો ન રહેતાં તે મોજશોખ અને વૈભવવિલાસમાં પડી ગઈ. નોકરી, વેપાર અને વ્યવસાયમાં ભ્રષ્ટાચારનું દૂષણ પેસી ગયું. જીવનનાં સર્વ ક્ષેત્રોમાં પેસી ગયેલા ભ્રષ્ટાચારે ઉધઈની જેમ આપણા જીવનને બધી જ દિશાએથી કોતરી ખાધું છે. આપણા નેતાઓ જાતજાતના ભ્રષ્ટાચારને આચરીને દેશને પાયમાલ કરી રહ્યા છે. તેમનાં કૌભાંડોમાં દેશની જનતાના અબજો રૂપિયા હોમાયા છે. પ્રજાના રખેવાળ ગણાતા નેતાઓએ પ્રજાના પૈસે અનેક પ્રકારના એશઆરામ ભોગવવા માંડ્યા છે. આપણા રાજકારણીઓ એવા તો રીઢા બની ગયા છે કે ભ્રષ્ટાચાર પ્રત્યે તેમને કોઈ સૂગ રહી નથી. આજ-કાલ એ બધું સ્વાભાવિક ગણાય છે. નેતાઓના પગલે આપણી પ્રજા પણ ભ્રષ્ટાચારી બની રહી છે. લાગવગ, લાંચરુશ્વત, અપ્રામાણિકતા, આળસુવેડા અને અનીતિ ઠેર ઠેર જોવા મળે છે.

આવી પરિસ્થિતિમાં આપણા દેશના યુવાનોનું કર્તવ્ય ભ્રષ્ટાચાર સામે શરસંધાન કરવાનું છે. પૈસાથી સર્વ પ્રવૃત્તિઓ થઈ શકે છે, માટે તે સાધ્ય છે એ માન્યતા તોડવાની છે. પૈસો એકસાધન છે અને જીવનમાં પૈસા સિવાય બીજી ઘણી મૂલ્યવાન ચીજો છે, એ સમજી લેવાની જરૂર છે. યુવાનોએ નૈતિકતાને ભોગે પૈસાને અપાતી પ્રતિષ્ઠા તોડીને જીવનમૂલ્યોની યથાર્થતા સમજવાની જરૂર છે.

જૂના જમાનામાં આપણું સમાજજીવન એક જ જૂની ઘરેડમાં ચાલ્યા કરતું હતું. વડીલોનું વર્ચસ્વ કુટુંબમાં રહેતું અને એમની આમન્યા જળવાતી. તેથી કુટુંબની એકતા જળવાઈ રહેતી. કુટુંબમાં મતભેદના પ્રસંગો બહુ ઓછા બનતા. હવે પશ્ચિમના સુધારાનો નવો પવન ફૂંકાયો છે ને તેની સાથે સિનેમા અને ટી.વી.ની સિરિયલોની દેખાદેખીથી સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા પ્રવર્તી રહી છે. કુટુંબો ભાંગવા લાગ્યાં છે. આજનો યુવક ટાપટીપવાળો, શોખીન અને એશઆરામપ્રિય બન્યો છે. તેની જીવન જરૂરિયાતોની અપેક્ષાઓ વધી છે. સિગારેટ, પાનમસાલા તેમ જ કેફી દ્રવ્યોનું વ્યસન તેને એવું તો વળગી પડ્યું છે કે તેમાંથી મુક્ત થવું તેને માટે અઘરું બનતું જાય છે. આવા સંજોગોમાં નિર્વ્યસની, પરિશ્રમી અને ચારિત્ર્યશીલ યુવાનોની તાતી જરૂર પડી છે. કુટુંબમાં માતાપિતા, ભાઈબહેન અને અન્ય સ્વજનો પ્રત્યે પણ પોતાને કેટલીક ફરજો છે એવું વિવેકભાન આજના યુવકોમાં હોવું જરૂરી છે.

આજે કાયદાએ સ્ત્રીઓને ઘણા અધિકારો આપ્યા છે. સ્ત્રીઓ પુરુષ સમોવડી બનીને જીવનનાં અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. સ્ત્રીઓ ધારાસભ્ય, પ્રધાન અને વડા પ્રધાન બની શકે છે. આજની સ્ત્રીઓ રીક્ષા, ટૅકસી, ટ્રક અને એન્જિનના ડ્રાઈવર તરીકે કામ કરી શકે છે. બિલ્ડર, કૉન્ટ્રાક્ટરો, પોલીસ ઈન્સ્પેક્ટર અને પત્રકારના વ્યવસાયમાં પણ તેણે ઝુકાવ્યું છે. તે લશ્કરી તાલીમ લઈને લૅફટનન્ટ પણ બને છે. તે અવકાશયાનમાં ઊડે છે, પર્વતનાં શિખરો ખૂંદે છે અને મહાસાગરના તળિયે ડૂબકી પણ મારે છે. આમ છતાં સમાજમાં સ્ત્રીઓનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્વીકારતાં આપણો સમાજ અચકાય છે. આજે પણ કુટુંબ અને સમાજમાં છોકરી કરતાં છોકરાની કિંમત વધુ અંકાય છે. તબીબી તપાસમાં, ગર્ભવતી સ્ત્રીને, જો ઉદરસ્થ શિશુ બાળકી છે એમ માલૂમ પડે, તો તેનો ગર્ભપાત કરાવી નંખાય છે. પુત્રનો ઉછેર લાડકોડથી થાય છે અને પુત્રીનો ઉછેર અણગમતા મહેમાનની જેમ થાય છે. આ સ્થિતિ હવે યુવાનોએ બદલવી જોઈશે. સામાજિક કુરૂઢિઓને તોડવા તેમણે ભારે જહેમત કરવી પડશે. સમાજમાં ક્રાન્તિ કરવાનું કામ ઘણું અઘરું છે, કારણ કે તેમાં મહાભારતના અર્જુનની જેમ સ્વજનોની સામે જ તીર ફેંકવાનાં હોય છે. સમાજના સેંકડો માણસોની વિરુદ્ધ જઈને પણ સત્યનો સત્કાર કરવો એ જેવા તેવા કાચા માનવીનું કામ નથી. સમાજનું સાચું ઘડતર કરવું હશે તો યુવાનોએ કુરિવાજો અને ખોટી માન્યતાઓ સામે હથોડાના ઘા ઝીંકવા પડશે. સમાજની કાયાપલટ કરવા યુવાશક્તિએ પોતાની પ્રચંડ પ્રતિભાનો પરચો દેખાડવો પડશે.

આપણી આજની યુવા પેઢીમાં ગંભીરતાનો અભાવ વર્તાય છે. નિરાંત અને નવરાશની પળોમાં તે પત્તાં ટીચવામાં કે અન્ય ફાલતુ પ્રવૃત્તિમાં સમય વેડફી નાખે છે. વિચાર અને આચારનું સામંજસ્ય પણ તેણે કેળવ્યું હોતું નથી. પોતાની ઉજ્વળ કારકિર્દી બનાવવા યુવાનો થનગનતા હોય છે, પરંતુ વિચારને આચારમાં પલટવા માટે પરિશ્રમ કરવાની તેમનામાં ધીરજ હોતી નથી. સારા સંગીતકાર થવા માટે વર્ષો સુધી રિયાઝ કરવો પડે છે. સારા ડૉક્ટર, ઍન્જિનિયર, વકીલ કે વેપારી બનવા માટે પણ સખત પરિશ્રમ કરવો પડે છે. ઉત્તમ વસ્તુ ક્યારેય ઉતાવળે મળી શકતી નથી. આજના યુવાનોએ પરિશ્રમ અને પુરુષાર્થનું મૂલ્ય સમજવાની જરૂર છે. સમાજ અને દેશના ઘડતરમાં તેમનો ફાળો સૌથી વધુ મહત્ત્વનો બની રહેવાનો છે.

Total Views: 367

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.