મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ પોતાની આ સફળતાનું શ્રેય, સમય માટેની ચોકસાઈને આપે છે. એક વખત તેમણે કોઈ ઉચ્ચ અધિકારીને મળવા માટે સમય લીધેલો. જ્યારે તેમને મળવા જવાનું હતું, ત્યારે ધોધમાર વર્ષા થઈ રહી હતી. આવે વખતે સહેજે એમ થાય કે ‘જવા દો, પછી મળાશે, અત્યારે જ મળવું એવું થોડું છે? અને પેલા અધિકારી પણ મારી મજબૂરી સમજશે જ ને?’ પણ ના, તેમણે પોતાના મનને બહાનું કાઢવાની કોઈ તક ન આપી અને એ ધોધમાર વર્ષામાં પલળતાં-પલળતાં જ ઠરાવેલ સમયે પેલા અધિકારીને મળવા પહોંચી ગયા. અધિકારીશ્રી આ જોઈને અચંબો પામ્યા, એટલું જ નહીં, સાથે સાથે તેમને આનંદ પણ થયો, ‘અહા, ઓછામાં ઓછી એક વ્યક્તિ તો એવી જોવા મળી કે જે સમય-પાલનને આટલું મહત્ત્વ આપે છે!’ બસ, તુરત જ તેમણે મારા મિત્રનું કામ કરી આપ્યું, અને ત્યારથી તેઓ સફળતાનાં સોપાનો એક-એક કરતાં ચઢતા જ ગયા.
સમય-પાલનમાં ચોકસાઈ જીવનના દરેક ક્ષેત્ર માટે મદદરૂપ થાય છે. જો આપણે સૂવા-ઊઠવા, ખાવા-પીવા તેમજ દરેક કામ સમયસ૨ ક૨વાની આદત પાડીએ તો જરૂર આપણે મહાનતાની દિશામાં એક સાર્થક ડગલું ભરી રહ્યા છીએ. વળી, તેનાથી, વધારે કામ કરી શકવાની ક્ષમતા પણ ઉત્પન્ન થાય છે. દુનિયામાં જેઓએ મહાનતા પ્રાપ્ત કરી છે તેમાંના મોટા ભાગના લોકોનાં જીવન, સમય-પાલનમાં ચોકસાઈની એક સુંદર ગાથા ગાઈ રહ્યા છે. મહાત્મા ગાંધીનું જીવન એક જ્વલન્ત ઉદાહરણના રૂપમાં આપણી સામે છે. સમય-પાલનમાં તેમની દૃઢતાના અગણિત દૃષ્ટાન્તો આપણને જોવા મળે છે કે જે દર્શાવે છે કે તેમણે પોતાના જીવનની દરેક ક્રિયાઓ, દરેક ઘટનાઓને કેવી અદ્ભુત રીતે સમય દ્વારા નિયંત્રિત કરેલા!
આપણે સહુ મોટા અને મહાન તો બનવા માગીએ છીએ પણ, આ સારુ કોઈ સાધના કરવા નથી માગતા. છળ-કપટ કે ધનના જોરે કંઈ મોટાઈ ન ખરીદી શકાય. થોડી-ઘણીયે મોટાઈ મળ્યા જેવું લાગવું – તે પણ, બાળકો દ્વારા રેતીમાં બનાવેલ બંગલાની જેમ જ નાના-અમથા ધક્કાથીયે કડડભૂસ થઈ જાય છે. સાચી મોટાઈ તો અનેક બાધાઓ, અડચણો વગેરે પાર કરીને-સાચા સોનાની જેમ તપીને – વધારે સુંદર અને મજબૂત બને છે! આવી મોટાઈ જા મેળવવી હોય તો ક૨વી પડે – સમયની ઉપાસના.
‘સમયની ઉપાસના’ આપણી જડતા તેમજ આળસને જડ-મૂળથી ઉખાડી દે છે, તમોગુણ વધવાની ક્રિયાને અટકાવે છે અને આપણી બુદ્ધિને સતેજ કરે છે. હંમેશાં એવું જોવામાં આવ્યું છે કે સમયસર પૂરું ન થવાથી કામ ટળતું રહે છે અને આપણે કામ ટાળવામાં ‘ટેવાઈ’ જઈએ છીએ. કહેવાય છે કે માત્ર એક મિનિટના વિલંબને લીધે વિશ્વવિજેતા નૅપોલિયન વૉટરલુમાં હારી ગયો હતો!
જે સમયનું મૂલ્ય નથી જાણતો તે ખરા અર્થમાં મેનુષ્ય-જીવનનું મૂલ્યાંકન ક૨વામાં યે અસફળ રહે છે. આવી વ્યક્તિ જીવનનાં લક્ષ્ય અને ઉદ્દેશ્ય વિશે તદ્દન અજાણ્યો જ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે પ્રાણીઓથી કોઈ રીતે ચઢિયાતો નથી. પ્રાણીઓ કાળની ગણના કરવામાં અસમર્થ હોય છે. આથી, તેઓમાં સમયનું ભાન નથી હોતું. જ્યારે મનુષ્ય કાળની ગણના કરી શકે છે અને તેને પકડી પણ શકે છે! સમયને પકડવા માટે સૌથી પહેલાં કરવું પડે – સમયનું પાલન.
ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રમાં પણ સમય-પાલનની અનિવાર્યતા દર્શાવવામાં આવેલી છે. જો હું સાધનાના ક્ષેત્રમાં પદાર્પણ ક૨વાને ઈચ્છુક હોઉં, તો રોજ એક નક્કી કરેલા સમયે સાધના કરવી. આથી આ દૈનિક સાધનાનું ફળ તુરંત મળે છે. ઘણા લોકોને જિજ્ઞાસા થાય કે સમય-પાલન ૫૨ આટલો ભાર શા માટે મૂકવામાં આવ્યો છે. તેનો ઉત્તર છે, કોઈ પણ કામ જો રોજ એક ઠરાવેલ સમયે કરવામાં આવે તો રોજ ઠીક તે જ સમયે આપણું મન તે કામ કરવા માટે આપોઆપ તૈયા૨ થઈ જાય છે. દાખલા તરીકે, ચાની આદત. રોજ બપોરે ચાર વાગ્યે હું જો ચા પીતો હોઉં તો બપોરના ચાર વાગ્યા કે મારા મનમાં ચા પીવાની ઈચ્છા જાગૃત થઈ જાય છે. આ દલીલ, કોઈ એક નક્કી કરેલા સમયે સાધના કરવાની અથવા કોઈ પણ કામ ક૨વાની બાબતમાં પણ એટલી જ લાગુ થાય છે. સમયનું પાલન કરીને કોઈ પણ કામ કરવાની આદત પડે, તો આપણું મન વધારે એકાગ્ર થાય છે, અને તેમાં સંતાયેલી ક્ષમતા પણ, વધારેમાં વધારે પ્રગટ થાય છે.
ખરી રીતે, સમયની ચોકસાઈ – એ આપણા મનના કેન્દ્રીકરણનો અભ્યાસ જ છે. મનમાં રહેલી શક્યતાઓની કોઈ સીમા નથી. આ શક્યતાઓને પ્રગટ કરવાનું સાધન એકમાત્ર મનનું કેન્દ્રીક૨ણ જ છે. સમય-પાલનનો અભ્યાસ શરૂઆતમાં તો મુશ્કેલ લાગે. પણ, ધીરજ ધરીને કરતા રહીશું, તો એમ સમજવું કે વિશ્વે પોતાનો અખૂટ ખજાનો આપણી સમક્ષ ધરી દીધો છે.
ભાષાંતર: સ્વામી સુદીપ્તાનંદ
(‘વિવેક જ્યોતિ’ વર્ષ: ૩૨ અંક: ૩માંથી સાભાર)
Your Content Goes Here




