સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં એમણે ભારતની સંસ્કૃતિ ઉપર યુગાનુકૂલ કાયમી છાપ પાડી. અમેરિકા અને યુરોપ ઉપર પણ એમની છાપ આજે પણ વર્તાય છે. નાનપણમાં બ્રાહ્મસમાજી અસર તળે આવેલા પણ રામકૃષ્ણ પરમહંસની આધ્યાત્મિક અસર તળે આવી સનાતન ભારતીય સંસ્કૃતિનું રહસ્ય અનુભવી શક્યા.
રામકૃષ્ણ પરમહંસના દેહવિલય પછી એમના બધા શિષ્યોને ભેગા કરી એમનું એક સમર્થ ધાર્મિક, આધ્યાત્મિક સંગઠન તેઓ કરી શક્યા એમાં જ એમનું સૌથી મોટું માહાત્મ્ય ગણું છું.
અમેરિકા જતાં પહેલાં આખા ભારતનું ભ્રમણ કરતાં એમને જાતજાતના અનુભવો થયા. સમાજની ઊજળી અને કાળી બંને બાજુ તેઓ જોઈ શક્યા અને એમાંથી સનાતની સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ ઓળખી એનો એમણે ભાષણ દ્વારા, લેખન દ્વારા, પોતાના જીવન દ્વારા અને રામકૃષ્ણ મિશનનાં અસંખ્ય કેન્દ્ર દ્વારા જીવતો પ્રચાર કર્યો.
મિસ માર્ગરેટ નૉબલ (ભગિની નિવેદિતા) જેવી આખા યુરોપમાં મશહૂર વિદુષી ઉપર અધ્યાત્મની અસર પાડી. એને હિંદુ ધર્મની દીક્ષા પોતે આપી શક્યા એ દુનિયાના આધ્યાત્મિક ઇતિહાસમાં નાનીસૂની ઘટના નથી.
હું તો માનું છું કે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતા ત્રણે મળીને એક ધાર્મિક, આધ્યાત્મિક માનવ-સામાજિક વ્યક્તિ થાય છે.
પરમહંસના બધા જ શિષ્યો પ્રભાવશાળી નીવડ્યા. તેઓ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી સરસ રીતે ચલાવી રહ્યા છે એ પણ આપણા દેશને માટે મગરૂર થવા જેવી બીના છે. રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો ભારત બહાર વિદેશોમાં વિવેકપૂર્વક કામ કરી રહ્યાં છે એ જોઈ સંતોષ થાય છે.
સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓએ જોઈ લીધું કે ધર્મપ્રચારનું કામ શિક્ષણસંસ્થાઓ દ્વારા વધારે અસરકારક થાય છે. તેમાંયે યુવકોનાં અને યુવતીઓનાં છાત્રાલયોમાં જો કામ કરીએ તો એ દ્વારા આખા સમાજમાં નવચૈતન્ય ઉત્પન્ન કરી શકાય છે.
આ બધું કામ ધર્મસુધારને નામે ન કરતાં ધર્મજાગૃતિને નામે તેઓ કરી રહ્યા છે. તેથી બધા જ ધર્મો ઉપર એની સારી અસર થાય છે. ધર્મજાગૃતિનું કામ શરૂ થયું એટલે જરૂરી સુધાર એની મેળે પાછળ પાછળ આવી જાય છે. આ રીતે સમાજમાં એકવાર જાગૃતિ આવી એટલે પછી પરંપરાગત રૂઢ ધર્મમાં જે સડો પેઠો હોય તેની સામે સીધી લડત પણ ચલાવી શકાય.
સ્વામી વિવેકાનંદે પોતાના પ્રેરક પત્રોમાં અસ્પૃશ્યતાને નામ આપી સારી ઝાટકણી કાઢી છે. અને ખાનપાનની રૂઢિમાં જ ધર્મ-સર્વસ્વ રહેલું છે એમ માનનારા લોકોની ધર્મભાવનાને Kitchen Religion (ચુલ્લિકા ધર્મ) કહી એની પણ ફજેતી કરેલી છે. વિરાટ ધર્મસમાજમાં નવજીવન કેમ રેડવું, લોકોને ધર્મમાં રહેલો સનાતન પ્રાણ ઓળખતા કેમ કરવા અને સમાજ મારફતે જ સુધારાનું તત્ત્વ (અલગ સંસ્થા કે સમાજ કાઢયા વગર) અમલમાં કેમ મૂકવું એ કળા સ્વામી વિવેકાનંદની જ હતી.
આવા યુગપુરુષ સ્વામી વિવેકાનંદનું નામ ધારણ કરનાર કૉલેજ દ્વારા એ બધી પ્રેરણા સમાજને મળશે એવી આશા રાખું છું.
આજે તો હિંદુ ધર્મમાં સામ્રાજય છે તે અલગ સમાજ બનાવવા જેટલું છૂપું તોછડાપણું. એ કાઢી નાખવાની જરૂર છે. એ કામ આજે, પહેલાં જેટલું અઘરું રહ્યું નથી. એ સુધારો કાળબળે અને પરિસ્થિતિને કારણે થતો જ જાય છે. આજે તો ભિન્ન જાતિઓ વચ્ચે આંતરજાતીય વિવાહો રૂઢ કરવાની ખાસ આવશ્યકતા છે.
અને તેથીયે વિશેષ ‘ધર્મભેદને કારણ સમાજભેદ માનવાની પ્રથા’ હવે તોડ્યે જ છૂટકો. ગાંધીજીએ આ બાબતમાં સરસ પ્રેરણા આપી છે અને આપણો સમાજ એ સૂચન ઝીલતો જાય છે, એ પણ એક શુભ ચિહ્ન છે. સ્વામી વિવેકાનંદનું કાર્ય હજી બે-ત્રણ પેઢીઓ સુધી જોરથી ચલાવવું જોઈએ.
(કાકા કાલેલકર ગ્રંથાવલિ-૮માંથી સાભાર, પૃ. ૫૨૫- ૨૬-૨૭)
Your Content Goes Here




