અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

(રાગ : આસા માંડ – ઝપતાલ)

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે……૧

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે…૨

વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે
કનક કુંડલ વિશે ભેદ નહોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે…..૩

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે………..૪

– નરસિંહ મહેતા

આ ભજનમાં ઉપનિષદની સુવાસ છે. ‘सर्वं खलु इदं ब्रह्म’ એ ઉપનિષદની ભાવના છે. એને જ દુન્યવી વાતાવરણમાં પલાળી આ કાવ્ય બનાવવામાં આવ્યું છે. ईशावास्यं इदम् सर्वम् એ વૈદિક આદર્શ આ ભજનમાં ચરિતાર્થ થયો છે. શૂન્યમાંથી શબ્દ થાય છે એમ ‘પંચીકરણ’ કહે છે. પણ કવિ એમાં સહેજ ઉમેરો કરી કેટલું સરસ કાવ્ય પેદા કરે છે! ‘શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે’.

ઈશ્વરતત્ત્વ એક છે, અને દુનિયામાં તે અનેક રૂપે પ્રગટ થાય છે. પામર લોકો એ અનેકના ભુલાવામાં પડીને એકને ભૂલી જાય છે. અને તેથી જન્મ-મરણના ફેરામાં સપડાય છે. ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ બધા સાધુ, સંતો અને તત્ત્વજ્ઞો આમ જ કહે છે. પણ સવાલ એ ઊઠે છે કે મહત્ત્વ હેમનું વધારે છે કે હેમનાં ઘરેણાંનું? સોનાનો કેવળ કકડો જ હોય તો એનો ઉપયોગ ફક્ત ખરીદવા-વેચવા પૂરતો જ. ઘાટ ઘડ્યા પછી એ જ સોનાની કિંમત બમણી કે ત્રણ ગણી હોઈ શકે છે. જેવો ઘાટ.

જો અનેકમાં કંઈ અર્થ જ ન હોત તો એક બ્રહ્મ હાથે કરીને અનેક શા માટે થાત? કવિ પોતે જ કહે છે ‘વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.’

એટલે કે એકતામાં સંતોષ ન મળે, પરિપૂર્ણની તૃપ્તિમાં રસ ન ઉદ્ભવે એટલા માટે – પૂર્ણતાની આ અપૂર્ણતા મટાડવા માટે એકને અનેક થવાનું મન થયું. અનંત રીતે અનેક થયા છતાં એકતા મટતી નથી એનો પ્રત્યક્ષ અનુભવ કરવામાં જ સર્વોચ્ચ આનંદ રહેલો છે. તેથી એક અને અનેક બન્નેને સરખું જ મહત્ત્વ આપવું જોઈએ. ‘અનેક’ તરફ ધ્યાન સહેજે જાય છે, અને તેથી એકની હસ્તી જ વીસરાઈ જાય છે. એ દોષ ટાળવા માટે એક મનસા બુદ્ધયા આગળ કરીએ એ જરૂરનું છે. પણ અનેકનો ઇનકાર કરવો, તેનો તિરસ્કાર કરવો એ યોગ્ય નથી. એક ભૂલ ટાળવા માટે સામી ભૂલમાં જઈ પડવું એ કંઈ તત્ત્વનિષ્ઠાનો માર્ગ નથી. કુંડલ કનકનું છે એ ભૂલી ન જઈએ પણ કુંડલના આકાર તોડી નાખવાની ભૂલ તો ન જ કરીએ. કુંડલ રૂપે જ કનકનો ઉપયોગ છે.

જેમ કુદરતમાં વૃક્ષમાંથી બીજ અને બીજમાંથી ફરી વૃક્ષ એવી લીલા ચાલે છે, તેવી જ રીતે એકમાંથી અનેક અને અનેકમાંથી ફરી એક એવાં પરિવર્તન અને વિપરિણામ ચાલવાં જ જોઈએ; અને બંને તત્ત્વોને સરખી રીતે ઓળખવાં અને ચાહવાં જોઈએ. બીજમાંથી વૃક્ષ પેદા થાય છે એની પાછળ જે તત્ત્વ રહેલું છે, એ જ તત્ત્વને કારણે એ વૃક્ષ ઉપર અનેક બીજો બેસે છે. આ તત્ત્વને પ્રેમતત્ત્વ કહે છે.

એક અને અનેક વચ્ચેનો જે સનાતન સંબંધ છે તેનું જ નામ પ્રેમ. એ પ્રેમને લીધે જ એકના અનેક થાય છે, અને એ પ્રેમની સાધનાથી જ અનેકમાં પરોવાયેલું એકનું તત્ત્વ પ્રતીત થાય છે. ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.’ પ્રીતની પ્રતીતિ એ જ સાધનાનું સાચું ફળ છે.

Total Views: 456

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.